(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.)

શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની યાત્રા એટલે ચારધામ યાત્રા- (1) બેલુર મઠ (2) દક્ષિણેશ્ર્વર (3) કામારપુકુર (4) જયરામવાટી. એક અધ્યાત્મ ભાવ સાથે જવાથી અને સતત આધ્યાત્મિક માર્ગદર્શન સાથે જવાથી આપણી દૃષ્ટિ અને એ સ્થળનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં જેમ સોમનાથનું સ્થાન પ્રથમ અને મોખરે છે. તેવી જ રીતે બેલુર મઠ મુખ્ય ધામ છે. સુંદર, પવિત્ર ગંગાકિનારે સ્થિત બેલુર શાંત સરોવરમાં ખિલેલા એક સુંદર પંકજ સમાન છે. જેની શાંતિ, પવિત્રતા, સ્વચ્છતા અને આધ્યાત્મિકતાનું વર્ણન શબ્દો દ્વારા કરવું અશક્ય છે, એની તો અનુભૂતિ જ થાય. ખરેખર બેલુરની મંગળા આરતી કર્યા પછી બધા ભક્તોને એક અગમ્ય અનુભૂતિ થઈ અને ધન્યતાની લાગણી થઈ કે શ્રીરામકૃષ્ણદેવ આપણા ગુરુ છે અને ગુરુનું આ સ્મારક ગુરુથી સવાયા એવા સ્વામી વિવેકાનંદે કરીને ગુરુસ્થાનનો અનેરો મહિમા સ્થાપિત કર્યો છે. જેનો જોટો આ જગતમાં જડવો મુશ્કેલ છે.

બેલુર સ્થિત પ્રદર્શન નિહાળવું એ પણ એક અનેરો લ્હાવો છે. શ્રીઠાકુર, શ્રીમા તથા સ્વામીજીની વસ્તુઓ નિહાળીને અત્યંત ભાવુક થઈ જવાય, આપણે નશીબદાર છીએ કે આપણે એ વસ્તુઓ નિહાળી શક્યા.

એવો જ અગમ્ય ભાવ શ્રીઠાકુરનાં બધાં લીલા સ્થાનોની મુલાકાતે જતાં પણ અનુભવ્યું. સ્વામીજીનું જન્મ સ્થળ જોઈને પણ એક અનેરો ભાવ અનુભવ્યો.

દક્ષિણેશ્ર્વરમાં શ્રીકાલીમાતાનાં દર્શન કરતાં યાદ આવ્યું કે આ એ જ કાલીમાતા છે જેની શ્રીઠાકુર પૂજા કરતા અને તેની સાથે સંવાદ રચતા. એ કેવી અદ્‌ભુત ક્ષણો હશે, એ વિચારે મન પુલકિત થઈ જતું. શ્રીઠાકુરના ઓરડામાં બેસીને અનેરી શાંતિનો અનુભવ કર્યો.

શ્રી શ્રીમાનું નિવાસસ્થાન ‘ઉદ્‌બોધન’માં તો ખરેખર મા માટે જે ગાવાયું છે કે ‘તુમ્હી અન્નપૂર્ણા મા’ એનો સાક્ષાત્ અનુભવ કર્યો. ઉપરાંત અન્ય સ્થળો કાશીપુર ઉદ્યાન, બલરામ મંદિર, કલ્પતરુ, દરેક સ્થળો સાથે એક તાદાત્મ્યભાવ અનુભવાતો હતો અને જીવનની એ ક્ષણો ધન્ય બનતી જતી હતી.

કામારપુકુર, શ્રીઠાકુરના જન્મસ્થાને જતાં એક આનંદની લાગણી અનુભવાતી હતી. ત્યાં એકાદશી હોવાથી સવારે મંગળા પછી ગીતાપાઠ, નારાયણકવચ પાઠનો લાભ મળ્યો. ઠાકુરનાં શયનદર્શન નિહાળવા મળ્યા અને થોડો જપ-ધ્યાનનો સમય મળ્યો, ઠાકુરના સાંનિધ્યનો લાભ મળ્યો. આવાં પાવનસ્થળે કરતાં જપધ્યાનના મહત્ત્વ વિશે સંગાથી-સંન્યાસીઓનું માર્ગદર્શન બહુ જ અગત્યનું બની રહ્યું.

જયરામવાટી જવું એટલે મા પાસે જવું. બાળક જેમ મા પાસે દોડી જાય, માતા પાસે તો બાળક બનીને જ જવાય ને! સ્વયં શ્રીઠાકુરે જેમની જગદમ્બા સ્વરૂપે પૂજા કરી એમના જન્મસ્થળે ગયા, તે અદ્‌ભુત-રમ્ય સ્થળ છે. ત્યાં આરતીનો લાભ લીધો, છપ્પનભોગ ધરાવ્યા. જ્યાં મા સ્નાન માટે જતાં તે આમોદર નદી વગેરે જોઈને આંખોમાં હર્ષાશ્રુ આવી ગયાં. જયરામવાટીથી કોઈને પાછા આવવું ગમતું ન હતું. જેમ બાળકને માતાથી વિખુટા પડવું ન ગમે તેમ.

આ રીતે ચારધામની યાત્રા પરિપૂર્ણ થઈ ગણાય અને જેમ દૂધ લીધા પછી ઉમેરણ મળે તેમ ગંગાસાગરનો લાભ મળ્યો. કહેવાયું છે કે ‘સારે તીરથ બારબાર, ગંંગાસાગર એક બાર’. અદ્‌ભુત દૃશ્ય, ગંગાનો જ્યાં સાગર સાથે સંગમ થાય છે ત્યાં સ્નાન કરીને પવિત્ર બન્યા. સ્થૂળ દેહે થતી યાત્રામાં જ્યારે અંતરનો ભાવ ભળે ત્યારે તે અંર્તયાત્રા બને.

આ યાત્રા શરૂ બેલુરથી થઈ હતી. સમાપન પણ બેલુરથી થયું. છેલ્લે બેલુરમાં એકાદશી સત્સંગનો લાભ લઈ, આરતી કરી, ગંગાજલ લઈ, શ્રીઠાકુરની આજ્ઞા લઈ વિદાય લીધી.

આમ, આ માત્ર સ્થૂળ યાત્રા નહીં પણ અંતર્યાત્રા બની રહી. શ્રીઠાકુર, શ્રી શ્રીમા તથા સ્વામીજીની અસીમ કૃપાથી એ પરિપૂર્ણ થઈ. તેના માટે રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સર્વસ્થાનંદજી મહારાજ, તમામ વ્યવસ્થા કરી આપનાર મેનેજર સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજનો આભાર માનીએ એટલો ઓછો છે અને યાત્રામાં સતત માર્ગદર્શન પૂરું પાડનાર સ્વામી પ્રભુસેવાનંદજી મહારાજ તથા સ્વામી રઘુવીરાનંદજી મહારાજનો પણ એટલો જ આભાર માનીએ. વડોદરા આશ્રમ દ્વારા રસ્તામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવા માટે શ્રીનિખિલેશ્વરાનંદજી મહારાજનો પણ આભાર. વળતા રસ્તામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરનારા ભક્ત બહેનોનો આભાર. અહીં બેઠા બેઠા સતત મદદ કરનારા સ્વયં સેવક ભાઈઓનો અને યાત્રામાં સતત સેવા આપનાર તમામ સ્વયંસેવક ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, સર્વ ભક્તોનો આભાર.

આ યાત્રાને સફળ બનાવવામાં સહભાગી બનનાર તમામનો ઋણ સ્વીકાર. દરવર્ષે આવી યાત્રા યોજાય અને સૌ ભક્તોની અંતર્યાત્રા બની રહો તેવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ.

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.