૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રૂપે સન્માનિત વિરાણી હાઇસ્કૂલ, રાજકોટના નિવૃત્ત શિક્ષક ૫ન્નાબહેન પંડ્યાએ લખેલ આ સૂત્રો અહીં પ્રસ્તુત છે. – સં.

 

૧) આત્મશ્રદ્ધા, આત્મસન્માન, આત્મગૌરવ તમારી જાતમાં શ્રદ્ધા રાખો. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી, તેને ઈશ્વરમાં પણ શ્રદ્ધા નથી. આત્મશ્રદ્ધા, આત્મબળ કેળવવા માટે નચિકેતા જેવા બનો.

૨) ઊઠો, જાગો, નિર્ભય બનો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. વેદોમાં એક શબ્દ વારંવાર આવે છે, નિર્ભયતા. કોઈપણ જાતનો ડર ન રાખો. ભય એ નિર્બળતાની નિશાની છે. બધી શક્તિ આત્મામાં સ્થિત છે. જયિંિક્ષલવિં શત હશરય, ઠયફસક્ષયતત શત ઉયફવિં. મુશ્કેલીઓ પહાડ જેવી લાગે પણ એ બધી દૂર થઈ જશે એને પગ તળે કચડી નાખો.

૩) સત્યવાદી અને ત્યાગી બનો. વજ્રથી પણ કઠોર, પુષ્પથી પણ કોમળ બનો. પરીક્ષા કર્યા વિના કંઈ માની ન લેશો. જાતે જ સત્યને શોધો અને જીવતા કે મરેલા, એ સત્યને જ વળગી રહો. પરિણામ ગમે તે આવે, સત્યનો સાથ ન છોડૉ.

મહાન કાર્યો તો મહાન બલિદાનથી જ પાર પડે છે. દેશની ભાવિ આશાઓ તમારા (યુવાનો) પર રહેલી છે.

૪) શરીર-મનને મજબૂત બનાવો, પ્રચંડ પુરુષાર્થ કરો. નિરાશાને ખંખેરી નાખો. આ જગત વિપત્તિની શાળા છે. ડગે નહીં એવા મનોબળની પણ શાળા છે. નાસીપાસ ન થાઓ. સફળતાનું ખરું રહસ્ય તીવ્ર ઉત્કંઠા. પુરુષાર્થથી બધું પ્રાપ્ત કરી શકાય. પહાડો પણ અણુ જેવા કરી શકાય. વિપરીત સંજોગોમાં અડગ રહો. કાર્ય સિદ્ધિ માટે મરી પડૉ. ધ્યેય પ્રાપ્ત કરીને જ જંપો.

પ) ચારિત્ર્ય ઘડતર બધા અનિષ્ટોનો રામબાણ ઈલાજ છે. વહેમોથી દૂર રહો. ઉચ્ચ અને ઉમદા ભાવનાઓનો વિચાર કરો. અંધશ્રધ્ધાને તિલાંજલિ આપો. ચમત્કારથી બચો. આધ્યાત્મિક તેજથી તમારું ચારિત્ર્ય-કમળ ખીલવો. ચારિત્ર્યશીલતાથી જ વિજયી બની શકશો.

૬) ‘જનસેવા એ જ પ્રભુ સેવા’. સેવા પરાયણ બનો. દરિદ્રનારાયણની સેવા કરો, એ જ વેદાંતનો સાર છે. સેવા જ સાચો ધર્મ છે. પીડિતોની વહારે આવો. દિવ્યતા એમના દેહમાં વસેલી છે. જુઓ એમની સામે, દેવ માનવ , ઈશ્વરના દૂત, દેવદૂત એમની સેવા જ પ્રભુને પામવાનો સાચો ઉપાય છે.

૭) સ્વદેશ પ્રેમ. ભારત પ્રેમી બનો, ભારતને તમારા હૃદયમાં ધબકતો રાખો. નસનસમાં પ્રતિધ્વનિત કરો. ભારતમાતાને ચાહો. ભારતવાસીને ચાહો. માતૃભૂમિનું ઋણ ચૂકવો. રાષ્ટ્રકલ્યાણ માટે કમર કસો. સાચા દેશ ભક્ત બનો.

જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસિ ।

સપ્તરંગો બનીને જેમ સુંદર મેઘધનુષ્ય બને છે તેમ હે યુવાનો ! તમે તમારા વ્યક્તિત્વમાં આ સપ્ત સોનેરી સૂત્રો (ગુણો) ને અપનાવો અને તમારા વ્યક્તિત્વને સપ્તરંગી બનાવો તો સફળતા તમારા કદમ ચૂમશે.

Total Views: 409

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.