……કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુમ્‌

ગીતા વિશે કંઈ પણ કહેવું એ એક રીતે બાળ-ચેષ્ટા જેવું છે. બાળકો ઘણાં કાર્યો વિશ્વાસ તથા દૃઢ-માન્યતાથી કરતાં હોય છે, પણ તેમાં ક્યાંક અધૂરાશ તો ક્યાંક ગેરમાન્યતાઓ હોય છે. ગીતા વિશે વાત કરવાનો આ પ્રયત્ન પણ તે પ્રકારનો જ હશે. પણ શિવમહિમ્ન:સ્તોત્રમ્‌માં જેમ પુષ્પદંત વાણી તથા બુદ્ધિની મર્યાદા સ્વીકાર્યા પછી શિવ-સ્તુતિના પોતાના પ્રયત્નો ક્ષમ્ય ગણી, પ્રભુ પાસે તે સ્તુતિ માટે અનુમતિ માગે છે, તેમ ગીતાને સમજવાના આ પ્રયત્નો માટે હું ગુરુ, પ્રભુ, જ્ઞાની તથા સ્વયં ગીતાની માફી તથા અનુમતિ માગું છું. 

આમ તો ગીતા વિશે ઘણા ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ રજૂ થયા જ છે. કેટલાકના મતે તે ભક્તિયોગની દલીલ કરતું કાવ્ય છે, તો કેટલાકને તેમાં કર્મયોગનું જ પ્રાધાન્ય દેખાય છે. કોઈક તેને આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની દલીલ તરીકે જુએ છે, તો કોઈક વ્યવહારુ જીવનનું ધારાધોરણ સ્થાપિત કરતી દલીલ તરીકે. ગીતા સંન્યાસની પણ વાત કહે છે અને કર્મની પણ! તે સંલગ્ન થવા પણ કહે છે અને અલિપ્ત થવાની વાત પણ તેમાંથી જ મળી રહે છે. ગીતામાં ક્યાંક વર્ણન છે, તો ક્યાંક વ્યાખ્યા માત્ર! અહીં જરૂરી બધી જ સમજનું સંકલન છે અને સાથે સાથે વિશિષ્ટ સમજની તરફદારી પણ નથી. ગીતા ક્યાંક સમર્પણની વાત કરશે તો ક્યાંક વ્યક્તિ-વિશેષની મનોભૂમિકાને અગત્યની ગણશે. ગીતા એ અધ્યાત્મની વ્યાખ્યા પણ છે અને વિશ્વકોશ પણ. ક્યાંક અહીં શરૂઆત માત્ર છે, તો ક્યાંક અહીં અંતિમ તારણો મળી રહેશે. અહીં જાણે બધું જ કહેવાઈ જાય છે, છતાં પણ દરેક કહેણમાં જાણે ક્યાંક આગળની સમજ માટેના સંકેત છે. તે મહાયુદ્ધ માટેની તૈયારી વચ્ચે ઉદ્‌ભવેલું ચિત્તની પરમ શાંતિનું કાવ્ય છે. સમગ્રતાનો કેવી ભવ્યતાપૂર્વકનો સમાવેશ!

ગીતામાં ક્યાંક વાતો સ્પષ્ટ પણ કહી દેવાઈ છે, તો ક્યાંક ઉપરછલ્લો ઉલ્લેખ કરીને વાત છોડી દેવાઈ છે; ક્યાંક તો આવો ઉલ્લેખ પણ ન હોય અને સમગ્ર વાત આપણા ધ્યાનમાં આવી જાય. ગીતાની એક ખૂબી એ છે કે કેટલીક વાતો કહેવાની માત્ર શરૂઆત કરીને છોડી દેવાની અને કેટલીક વાતો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર કહી દેવાની! ગુરુ-કૃપાથી આવી કેટલીક વાતો મનમાં સતત ઘોળાયા કરે છે. એ વાત તો સિદ્ધ છે કે ગુરુની કૃપા વગર કંઈ પણ આવું કાર્ય સંભવી ન શકે. એમ માની શકાય કે આ વિચારો પણ તેમના છે, પ્રયત્ન પણ તેમનો, રજૂઆત પણ તેમની અને કૃપા પણ તેમની, સંદેશ પણ તેમનો અને આદેશ પણ તે જ ગુરુનો!

કોઈ તારણ નથી, કોઈ વિધાન નથી; માત્ર પ્રક્રિયા છે. કોઈ હેતુ નથી, કોઈ લક્ષ્ય નથી; માત્ર મુસાફરી છે. કોઈ વ્યૂહ નથી, કોઈ સંશોધન નથી; માત્ર પ્રયત્ન છે. આ સમગ્રતાના કાવ્ય વિશે જે કંઈ કહેવાઈ ગયું છે, તેમાં થોડું વધુ, નમ્ર પ્રયત્ન સ્વરૂપે.

ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે । ૩.૨૮

… (એક) ગુણ (અન્ય) ગુણમાં પ્રવૃત્ત થાય છે, એમ માની (તેમાં) આસક્ત થતો નથી.

ત્રીજા અધ્યાયના અઠ્ઠાવીશમા શ્લોકમાં પ્રયોજાયેલ ‘મત્વા’ શબ્દ ઘણું કહી જાય છે. અહીં પ્રભુ આપણને જ્ઞાન અને માન્યતા, આ બે વચ્ચેનો ભેદ બહુ સરળતાથી દર્શાવી જાય છે. અહીં ગીતાના કથન પ્રમાણે એક ગુણનો અન્ય ગુણ સાથેનો જે ચોક્કસ વ્યવહાર છે, તેની જાણકારીને જ્ઞાન નહિ પણ માન્યતા ગણાય. 

પાણીમાં મીઠું નાંખીએ તો મીઠું ઓગળી જાય અને પાણી ખારું થાય. આ ક્રિયામાં મીઠાના ગુણો પાણીના કેટલાક ગુણો સાથે ચોક્કસ પ્રકારનો વ્યવહાર કરે છે. આ જાણકારીને માન્યતા કહેવાય કે હકીકત! ચોક્કસ જવાબ એવો જ આવે કે આ તો સત્ય છે—હકીકત છે. મીઠાનું ઓગળવું અને પાણીનું ખારું થવું તે માન્યતા તો નથી જ! તો પણ શ્રીકૃષ્ણે આવી બાબત માટે ‘મત્વા’ શબ્દ કેમ પ્રયોજ્યો!વાત ગંભીરતાથી વિચારવા જેવી છે. 

ભારતીય તત્ત્વદર્શનમાં એક બાબત બહુ સ્પષ્ટપણે જણાવાઈ છે. જો આપણો સંકલ્પ એમ કહે કે જગત હકીકત છે તો જગત હકીકત બની આપણી સમક્ષ રહે અને જો આપણો સંકલ્પ જગતને મિથ્યા સ્થાપિત કરે, તો જગત મિથ્યા બની રહે. નિર્વિકલ્પ સંકલ્પમાં આપણે સામેની ભીંતને ભ્રમ ગણીએ તો આપણે તેમાંથી પસાર થઈ શકીએ અને જો તેને ઘન-અસ્તિત્વ ગણીએ તો તે ભીંત સાથે અથડાઈ જઈએ. જગત આપણા સંકલ્પ અનુસારનું છે. તેથી જ શ્રીકૃષ્ણ અહીં ‘મત્વા’ શબ્દ વાપરીને, એમ જણાવવા માગે છે કે ગુણ અને કર્મની સમજમાં આવો સંકલ્પ અગત્યનો ગણાય! શું આપણા સંસ્કારો જ આપણા સંકલ્પ બની રહે છે! અને શું સંકલ્પ બદલાતાં ગુણ-કર્મનાં સમીકરણો નહિં બદલાય? આપણા નિર્વિકલ્પ સંકલ્પ જો એવો હોય કે ‘મીઠું નહિં ઓગળે’ તો શું મીઠું ઓગળે? સંકલ્પ પ્રમાણેની દુનિયાની ‘ત્રિપુરા રહસ્ય’ની આ જ વાત શ્રીકૃષ્ણે કરી છેને! અંતે તો ગુણ-કર્મના વ્યવહારની વાત સંકલ્પ આધારિત હોવાથી સાંદર્ભિક છે, તેથી તેને ‘મત્વા’ કહેવાય, જ્યારે જ્ઞાન તો પૂર્ણતાની ભાષા છે—સનાતન તથા સંપૂર્ણ. 

શું જ્ઞાન અને શું માન્યતા એ વાત કેટલી સહજતાથી કહેવાય ગઈ! પદાર્થ, તેના ગુણ તથા તેની અસર એ પ્રકૃતિનાં અંગ હોવાથી તેના વિશે સનાતન ભાવ ન જ રાખી શકાય! પ્રકૃતિ અને તેના વિષયો પરિવર્તનશીલ હોય છે તેનું તેટલું જ સાતત્ય હોય છે. તેની અન્ય બાબતો માટે ચોક્કસ અભિપ્રાય બાંધવો યથાર્થ ન જ ગણાય. શું તેથી જ શ્રીકૃષ્ણે અહીં ‘મત્વા’ શબ્દને પ્રયોજ્યો હશે!

કાલોડસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો….. ૧૧.૩૨

‘લોકોનો સંહાર કરવા પ્રવૃત્ત થયેલ હું અતિ વૃદ્ધિ પામેલ કાળ છું.’ 

ગીતાનું વિશ્વરૂપદર્શન કેવું હશે, તેની કલ્પના કરવા લગભગ બધાએ પ્રયત્ન કર્યા હશે. સ્વયં ગીતામાં તો તેનું વર્ણન છે જ, પણ છતાં તેની પરિકલ્પના અઘરી તો છે જ. આ વિશ્વરૂપ કેવું હશે? ગીતામાં જ જવાબ છે. પાર્થના પૂછવા પર તે ‘દર્શન’ સ્વયં જણાવે છે કે—‘હું અતિ વૃદ્ધ કાળ છું.’ કાળ એટલે ભૂત-વર્તમાન-ભવિષ્યનો સરવાળો. કાળ અત્યારનો હોય, વર્તમાન ન હોય તો તે વીતી ગયેલ ભૂતકાળ અથવા આવનારો ભવિષ્યકાળ હોય. આ ત્રણેય શક્યતાઓનો સરવાળો અને વિશ્વરૂપદર્શનનો સંઘટિત કાળ. કાળ એક રીતે જોતાં ભૂત-વર્તમાન-ભવિષ્યમાં વિભાજિત નથી, સ્વયં એક અઘટિત-સંપૂર્ણ છે,  પણ આપણા સ્થાન અને સ્થિતિને કારણે તે આપણને વિભાજિત હોય તેવી પ્રતીતિ થાય છે.

શું આપણે આપણું એવું સ્વરૂપ કલ્પી શકીએ કે જેમાં ગઈકાલની બાલ્યાવસ્થા પણ દેખાતી હોય, સાથે સાથે આજની યુવાવસ્થા તથા આવતીકાલની વૃદ્ધાવસ્થા પણ દૃષ્ટિમાન થતી હોય! ‘વિશ્વરૂપ’ એટલે આવું જ કંઈક ભગવાન શ્રીકૃષ્ણની બાબતમાં, કાળની બાબતમાં એક સાથે, એક સ્થળે ભૂત-વર્તમાન-ભવિષ્ય દેખાય અને તે પણ સમગ્ર સ્થાને સંભવિત થયેલ, તે આ દર્શન. શ્રીકૃષ્ણે સ્વયં આપેલ જવાબ મુજબ પ્રત્યેક સમયે રહેલ પ્રત્યેક કાળનો પ્રત્યેક ખંડ જાણે ત્યાં જ હાજર હોય, તેમ દેખાય તે વિશ્વરૂપદર્શન હોય, તેમ નથી લાગતું? 

હવે વિચારી જોઈએ કે અર્જુને શું જોયું હશે!અને ગીતાના વર્ણન સાથે આ કલ્પનાને સરખાવી જુઓ! અહીં સૃષ્ટિનાં સર્જન-સ્થિતિ-વિનાશ એક સાથે દેખાશે. અહીં દેવતાઓની અને સમગ્ર ચૌદ ભુવનની ઉત્પત્તિ અને કાર્ય પણ દેખાશે! અહીં બ્રહ્માંડનો સમગ્ર કાળ જાણે એકત્રિત થયેલો જણાશે. શરૂ થવાની અણી પર આવેલું યુદ્ધ અને તેનો અંજામ પણ દેખાશે. અહીં કૃષ્ણ, કૃષ્ણ તરીકે નહિં, પણ વિકરાળ સંકલિતકાળ અને તે પણ સ્થાનની મર્યાદાથી પર જણાશે. જે દેખાશે તે તો દેખાશે જ, પણ જે નહિ દેખાય, નહિં સમજાય તે તમને વિહ્‌વળ બનાવશે. તમે બાળક છો, યુવાન છો કે વૃદ્ધ તે પણ નહિં નક્કી કરી શકો! તમને જન્મ પણ દેખાશે અને મૃત્યુ પણ. તે દર્શન સિવાયનાં સમગ્ર અસ્તિત્વો માટે તમને પ્રશ્નો થશે. તમને તમારી હયાતી પર પણ પ્રશ્ન થશે!

કેવી વિશાળતા, કેવી ભવ્યતા તથા કેવી વિકરાળતા! કેટલું સામર્થ્ય! કેવાં આશ્ચર્ય તથા ઐશ્વર્ય તેમાં સંઘટિત! તેટલી જ ભયંકરતા! કેટલો આનંદ, કેટલો ભય! કેટલી સુસંગત વિવિધતા તેમજ કેટલું વિસ્તૃત વૈવિધ્ય!

ગીતા જેમ સમગ્રતાની વાત છે, તેમ વિશ્વરૂપ સમગ્રતાનું દર્શન હોય, તેમ નથી લાગતું! 

(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. )

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.