(20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. – સં.)

“હરખ અને શોકની જેને આવે નહિ હેડકી,
 ને આઠે પહોર રહે આનંદજી..”

ગંગાસતીએ જ્યારે એમ લખ્યું ત્યારે જ એમ સ્થાપિત થઈ ચૂક્યું હતું કે ખુશી (હરખ) અને આનંદ એ ભિન્ન ઘટનાઓ છે. ખુશી એ મનની સ્થિતિ છે, ઇન્દ્રિયોના તેના વિષય-વસ્તુ સાથે થતા સંધાનથી ઉદ્‌ભવતો ભાવ છે. આધુનિક જીવનશૈલીમાં તેને અગત્યનું ઘટક ગણવામાં આવે છે. કદાચ આ જીવનશૈલીના નિર્ધારણમાં તે અગત્યનું પરિબળ છે. વ્યક્તિ કદાચ ખુશી માટે જ જીવનપર્યંત કાર્યરત રહે છે. ખુશી ક્યાંક તેનું ધ્યેય છે તો ક્યાંક તે બંધન સમાન પણ બની રહે. ખુશી ક્યારેક પ્રેરક-ચાલક બળ બની રહે તો ક્યારેક ચોક્કસ પ્રકારના માર્ગ માટે અવરોધક પણ. કદાચ ખુશીએ આનંદનો તમસયુક્ત નિમ્નતર ભાવ છે.

આપણે સત્‌-ચિત્‌-આનંદ સ્વરૂપ છીએ; સત્‌-ચિત્‌-ખુશી સ્વરૂપ નહિ. ભેદ તો છે જ. આ ભેદ કઠ ઉપનિષદમાં સચોટ રીતે વર્ણવવામાં આવ્યો છે. યમરાજ તથા નચિકેતાના આ સંવાદમાં યમરાજાનાં લાખ પ્રલોભનો છતાં બાળ નચિકેતા પ્રેયની સામે શ્રેયની પસંદગી કરે છે—જે પ્રિય લાગે તે પ્રેય અને જે શિવમય-કલ્યાણકારી હોય તે શ્રેય. ઇન્દ્રિયોના તેના ઇચ્છનીય વિષયો સાથેના સંયોગથી થતી લાગણીને ખુશી કહેવાય, જ્યારે પૂર્ણતામાં કલ્યાણ પામવાની ઉદ્‌ભવતી સ્થિતિને આનંદ કહેવાય. નચિકેતા જેવો બાળક પણ આ વાત સમજી ચૂક્યો હતો.

ખુશી તથા આનંદની વચમાં ક્યાંક પ્રસન્નતાનો ભાવ પણ સમજવો પડે. પ્રસન્નતા એ સદ્‌ભાવથી-સત્‌કાર્યથી ઉદ્‌ભવતી અનુભૂતિ છે. ખુશી એ સ્થૂળ બાબતો પર આધારિત હોય છે, જ્યારે પ્રસન્નતા માટે સૂક્ષ્મ બાબતો અને આનંદ માટે કારણ-સ્વરૂપ આત્મસ્થ બાબતો. ખુશીના કેન્દ્રમાં ઇન્દ્રિયોને ગણી શકાય, જ્યારે પ્રસન્નતા માટે અંત:કરણની સ્થિતિ અને આનંદ માટે આત્માની નિર્વિકલ્પતા. ખુશી ઇન્દ્રિય પ્રેરક છે, જ્યારે પ્રસન્નતામાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારને પ્રેરક ગણી શકાય. આનંદ માટે આપણી સચ્ચિદાનંદ સ્થિતિ મૂળમાં હોય છે. ખુશીના ભાવની અવધિ ઘણી ઓછી રહેતી હોય છે. તેની સરખામણીમાં પ્રસન્નતાના ભાવની અવધિ વધુ રહે છે. આ બંનેના આનંદની અવધિની સરખામણી આનંદની અવધિ સાથે ન થઈ શકે, કારણ કે આનંદની સ્થિતિમાં એક વાર પ્રવેશ્યા પછી તે સ્થિતિ શાશ્વત-કાયમી બની રહે છે. આ અવધિ ઉપરાંત ખુશી-પ્રસન્નતા-આનંદને સમજવા અન્ય એક પરિમાણને સમજવું જરૂરી છે. ખુશીની સાથે ક્યાંક- જે તે માત્રામાં- તકલીફો જોડાયેલી રહેશે. આ તકલીફો કદાચ ખુશીની અનુભૂતિ વખતે નજરે ન પણ ચઢે; પણ સમય વીતતાં તેની પ્રતીતિ થતી જાય. આમ પણ પ્રત્યેક ખુશીનો અંત હોય છે જ; જે અંતે દુ:ખની સ્થિતિમાં મૂકી દે. ખુશીની નકારાત્મક આડ-અસરો પણ છેે. તેની સામે પ્રસન્નતાની સ્થિતિમાં આવી સંભવિત આડ-અસરો ઓછી, ઓછી તીવ્ર તથા નિયંત્રિત કરી શકાય તેવી હોય છે. આનંદની સ્થિતિમાં કોઈ નકારાત્મક આડ-અસર પાછળથી નથી ઉદ્‌ભવતી.

મેળાપ પછી વિરહનો તાપ કે વિરહની સંભાવનાના વિચારો વધુ કનડે. ક્ષુધા તૃપ્ત કર્યા પછી પણ તે પાછળથી વળીને કષ્ટ આપે જ. સંપત્તિ મળવાની સાથે જ કેટલીક ચિંતાઓ પણ જીવનમાં પ્રવેશે જ. ખુશી ક્યારેય એકલી ન આવે, તેનો વિરોધી તેની સાથે જ જીવનમાં પ્રવેશે. હા, તેની અસર અમુક સમય પછી વર્તાય એમ હોઈ શકે.

ખુશી ઇચ્છિત પર આધાર રાખે છે. ઇચ્છિત સ્વાસ્થ્ય, સ્થાન અથવા પદ, સન્માન, સંપન્નતા, ક્ષમતા કે પહોંચ, ઇચ્છિત સંબંધો કે સંપર્ક, સ્વતંત્રતા, ઇચ્છિત પરિણામ જેવી બાબતો પર ખુશી આધારિત રહે છે. બીજાને મદદરૂપ થવું, જીવનમાં કરુણા-દયા દાખવવી, દાન આપવું, સારાં કાર્યો કરવાં, કોઈકને અભય-વચન આપવું, તટસ્થતા જાળવવી સૌમ્ય ભાવ રાખવો, નીડર-નિષ્પક્ષ બનવું—આ અને આવા કેટલાય ગુણોથી પ્રસન્નતાનો ભાવ ઉદ્‌ભવે. આનંદની અનુભૂતિ માટે નિર્વિકલ્પતા, સમાધિસ્થતા, બ્રહ્મભાવ, નિર્દ્વંદ્વતા, આધ્યાત્મિક સમૃદ્ધિ, નિર્બંધતા તથા આત્માનુભૂતિ કેન્દ્ર સ્થાને રહેલાં જણાય છે.

ખુશી માટે ક્યાં, ક્યારે, કઈ સ્થિતિ તથા કઈ પ્રકારની ઇચ્છા કેન્દ્રમાં છે, તે જાણવું જરૂરી બને. વ્યક્તિ સારી અને ઇચ્છિત બાબતોના સંપર્કમાં આવે ત્યારે ખુશી અનુભવે. હવે હકીકત એ છે કે “સારી” ની વ્યાખ્યા સમય પ્રમાણે બદલાતી રહે છે. નથી ખુશી કાયમી કે નથી તેની માટે કારણો કાયમી. જે બાબત મર્યાદિત સમયગાળા માટે હોય તો તેની પાછળ ગાંડપણ સંલગ્ન ન રહેવું જોઈએ. જે બાબત લાંબા ગાળાની હોય તેની માટેનો આપણો લગાવ વધુ રહે તે ઇચ્છનીય છે. આથી જ ખુશી કરતાં પ્રસન્નતા જીવનમાં વધારે ઇચ્છનીય ગણાવવી જોઈએ. પણ આ બંને કરતાં પણ પૂર્ણાનંદ માટેનો પુરુષાર્થ સૌથી યોગ્ય ગણાય.

જે તે ક્ષણમાં જીવો, જે મળે તેનાથી સંતોષ માનો, આભારી બનો, હકારાત્મક ભાવ જાળવો, ધર્મમાં આસ્થા રાખો, પોતાની જાતનું અયોગ્ય ઉપરાણું ના લો, સમભાવ જાળવો—આ અને આવી અસંખ્ય બાબતો ‘ખુશી થવાની ચાવી’ ના શીર્ષક હેઠળ સોશિયલ મીડિયામાં ફરતી જ રહે છે.

અગત્યનું એ છે કે આપણી ગતિ ખુશીથી આનંદ તરફની, વાયા પ્રસન્નતા હોવી જોઈએ. વળી જીવનનો ધ્યેય ‘ખુશ થવાનો નહિ, પણ ખુશ કરવાનો’ હોવો જોઈએ. એક રીતે જોવા જઈએ તો આપણું અસ્તિત્વ અને તેની ભવ્યતા તથા તેના વિગતીકરણ પર નજર દોડાવવાથી જ ખુશીનો ભાવ જાગ્રત થાય તે જરૂરી છે. બ્રહ્માંડનાં સમીકરણો આપણને રોમાંચિત કરી શકે. કીડીમાં પણ રહેલી જીવનશક્તિ તથા જીવનસંરચના એક ભવ્ય ઘટના છે અને તેટલી જ ભવ્ય ઘટના આકાશી પીંડોની પોતાની સ્થિતિની યથાર્થતા છે. પરમનું વિશાળપણું અને સાથે તેની સૂક્ષ્મતા, પરમનું સામિપ્ય તથા તેનાથી રહેલો અલગાવ, તે જ પરમનું બાળકપણું અને વૃદ્ધતા, તેમાં જ સચવાયેલ સત્ય અને અસત્ય, મૃત્યુ તથા અમૃત, જ્ઞાન તથા યોગ વગેરે જો ખુશીનો અહેસાસ કરાવી જાય તો તે અહેસાસ આનંદમાં પરિણમવવાની પૂરેપૂરી સંભાવના છે.

Total Views: 635

2 Comments

  1. Ravi Patel March 18, 2023 at 4:16 am - Reply

    Excellent

  2. Malini March 5, 2023 at 6:47 am - Reply

    Worth to read 👍🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.