ભગવદ્‌ ગીતાના છઠ્ઠા અધ્યાયના નવમાં શ્લોકમાં એક વિશેષ ઘટના બની ગઈ છે. અહીં ક્યાંક મિત્ર અને મિત્રતાના વ્યાપને પણ પરોક્ષ રીતે સહજમાં વર્ણાવી દેવાયો છે. આમ તો ગીતાને વાંચતા વાંચતા રોજ નવાં નવાં અર્થઘટન ઊભરાતાં હોય છે, જે અધ્યાત્મ તરફની આપણી સફરને વધુને વધુ ખીલવે છે પણ આજે અહીં એ અધ્યાત્મની સાથે કે તેના સ્થાને દુનિયાદારીના પાઠની વાત કરવાની ઇચ્છા થઈ છે.

ગીતાના આ શ્લોકમાં શ્રેષ્ઠ માનવીની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણએ શ્રેષ્ઠ વ્યક્તિ કેવો હોય—તેની વિશેષતાઓ કેવી હોય તેની વાત કરી છે. આવી વ્યક્તિના ગુણો દર્શાવતાં પ્રથમ ગુણ સહૃદયી દર્શાવ્યો છે અને બીજો ગુણ ‘મિત્ર’ બતાવ્યો છે. ગીતામાં કોઈ પણ બાબત કે તેનો ક્રમ ‘આકસ્મિક’ નથી. માનવી માટે સહૃદયતા સૌથી અગત્યનો ગુણ કહી શકાય અને પછી મિત્રતા આવે.

જે માનવી બધાંનો મિત્ર હોઈ, કોઈના માટે પણ શત્રુતા કે દ્વેષભાવ ન હોય, તે પ્રભુને  પણ પ્રિય છે. આમ પણ પ્રભુ પણ સૌના મિત્ર જ છે, અને પરિણામે આપણે પણ તેવા જ છીએ કે તેવા જ થવાનું છે. આ શ્લોકમાં ગણાવવામાં આવેલા અન્ય ગુણોને મિત્રતાની ભૂમિકામાં વિચારવાનો એક ફલદાયી પ્રયત્ન થઈ શકે.

મિત્ર સહૃદયી હોવો જોઈએ કે સહૃદયી જ મિત્ર બની શકે—આ બંન્ને બાબતો યથાસ્થાન-યથાયોગ્ય છે. સહૃદયી એટલે માત્ર લાગણીથી ભરપૂર એમ નહિ, પણ જેના હૃદયમાં સાત્ત્વિકતા છે, જેનું હૃદય નિષ્પાપ તથા અદૂષિત છે, જે રાગદ્વેષ જેવા પ્રત્યેક દ્વંદ્વથી મુક્ત છે, આવા હૃદયને તથા તેનાથી ઉદ્‌ભવતા ભાવને ધારણ કરનાર વ્યક્તિ સદાય મિત્રતાના ભાવમાં જ રહે. તેવી વ્યક્તિના મનમાં અન્ય કોઈ પણ બાબત કે વ્યક્તિ માટે નકારાત્મક ભાવ આવે જ નહિં. આપણી મર્યાદિત સમજ પ્રમાણે, આપણો મિત્ર આપણા પ્રત્યે ક્યારેય નકારાત્મક ભાવ ન રાખે.

ગીતાના આ શ્લોકની વિચારધારા આગળ લઈ જતાં મિત્રની અન્ય જરૂરી ખાસિયતો અપરોક્ષ રીતે છતી થાય છે. મિત્ર શત્રુતાના ભાવથી મુક્ત સમબુદ્ધિવાળો હોવો જોઈએ. તે ક્યારેક આપણી વિપરીત જઈ, શત્રુતા ઊભી કરે તેવી સંભાવનાથી મુક્ત હોવો જોઈએ. વળી તે દયાળુ-કરુણાસભર હોવો જોઈએ. કરુણાસભર વ્યક્તિ જ અન્યની સહાયે આવે, અન્યને મદદ કરવા તત્પર રહે તથા અન્યને તેની જ વિચારધારા પ્રમાણે સલાહ આપી શકે. કરુણાસભર-દયાળુ વ્યક્તિ જ કટોકટી કે દુ:ખના સમયે સાથે રહીને સથવારો આપી શકે.

મિત્ર આપણી પ્રગતિ જોઈને ઈર્ષાનો ભાવ ન રાખે—એ કોઈ પણ સ્થિતિમાં દ્વેષરહિત હોય તે ઇચ્છનીય છે. જો મિત્ર દ્વેષયુક્ત બની જાય તો ક્યાંક આપણા માટે જ  અડચણરૂપ બની, મિત્રમાંથી અ-મિત્ર બની રહે છે. વળી મિત્ર તટસ્થ પણ હોવો જોઈએ. તટસ્થ મિત્ર જ નિષ્પક્ષપણે સલાહ આપી શકે, આ પ્રકારની પક્ષપાત વિનાની સ્થિતિ-સ્થિરતા અન્ય માટે પણ ઉદાહરણરૂપ બની શકે. અહીં તટસ્થાને થોડી વધુ સમજવાની જરૂર છે. તટસ્થતાનો અર્થ એવો નથી કે અલિપ્ત રહીને મદદ પણ ન કરવી. તટસ્થતા એટલે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને, માત્ર સાક્ષીભાવ જાળવીને મિત્રને મદદ કરવી. મિત્ર તરીકે તેનો પક્ષ તો લેવો  જ જોઈએ, પણ સાથે વ્યક્તિને યથાર્થની સમજ પણ આપવી.

તટસ્થતાની સાથે ક્યાંક ‘મધ્યસ્થતા’ શબ્દ પણ આ શ્લોક થકી જોડાય છે. કદાચ તટસ્થ રહીને, મધ્યસ્થી કરવાની આ વાત છે. મિત્ર છે માટે તેનો જ પક્ષ લેવો જરૂરી છે—આજની આવી તરફેણ આવતીકાલ માટે ગેરલાભદાયક બની શકે. મિત્રને મદદ પણ કરવી અને તટસ્થ રહી મધ્યસ્થતા કરી, સત્યનો પક્ષ લઈને મિત્ર પર આવનારી પરિસ્થિતિમાં તેને ટેકો પણ આપવો.

મિત્ર બંધુ સમાન છે. કુટુંબનો ભાઈ જેમ વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, તેમ મિત્ર પણ તેવો જ ભાગ ભજવે. ક્યારેક કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મિત્ર ‘ભાઈ’ બનીને ઊભો રહેે છે. જીવનમાં મોટો ભાઈ હંમેશાં ટેકો આપે, જ્યારે નાનો ભાઈ શ્રમ કે સમય દાન કરે છે પણ મિત્ર તો ‘સમાન’ હોવાથી આ બન્ને તેની જવાબદારી બને એમ કહી શકાય. મિત્ર અગ્રજ સહોદરની જેમ ટેકો પણ આપે અને અનુજની જેમ હાથ-બટાઈ પણ કરે.

મિત્ર સજ્જન હોવો જોઈએ. દુર્જન વ્યક્તિ આપણને ખરાબ સંગતમાં લઈ જઈ શકે. દુ્ર્જન વ્યક્તિ વ્યસની પણ હોઈ શકે, તેને બીજાને રંજાડવામાં મજા પણ આવતી હોય, વિના કારણે તે જુઠ્ઠું બોલતો હોય એમ પણ બને, તે અનૈતિક કાર્યોમાં પણ સંડોવાયેલો હોઈ શકે વગેરે. આવી પરિસ્થિતિમાં ‘સંગ તેવો રંગ’ના ન્યાયે તેની દુર્જનતાની અસર આપણા પર થયા વિના ન રહી શકે. તેને મિત્ર બનાવવાની વાત તો દૂર રહી, આવા દુર્જન વ્યક્તિની નજીકમાં પણ ન સરકાઈ, નહિતર ક્યાંક આપણે ફાંસલા-જાળમાં ફસાઈ જઈએ. સજ્જન વ્યક્તિ પર જ વિશ્વાસ મૂકી શકાય. સજ્જન તમને ક્યારેય તકલીફમાં ન મૂકે અને તમને ન્યાય કરે. અજાણતા પણ થયેલ ભૂલને સજ્જન સરભર કરી દે, તેની ટેવો અને દૈનિક જીવન પણ સ્વીકૃત હોય, તે નૈતિકતાને ઘણું પ્રાધાન્ય આપતો હોય—મિત્ર એવો જ હોવો જોઈએ.

ગીતાના આ શ્લોકમાં શ્રેષ્ઠ-વિશેષ મનુષ્યની વાત કરી છે પણ તેમાં વપરાયેલાં શબ્દો, તેમાં વર્ણવાયેલ બાબતો, તેમાં પ્રસ્તુત થયેલ જે તે વ્યક્તિની ખાસિયતોના પરિપ્રેક્ષ્યમાં અહીં ‘મિત્ર’ની વાત કરેલ છે. આ પરિપ્રેક્ષ્યમાં મિત્ર અને મિત્રતાની સમજમાં વ્યાપ્તતા ઊભરી શકે તેમ છે. મિત્ર સહૃદયી, તટસ્થ મધ્યસ્થ, રાગદ્વેષ જેવાં દ્વંદ્વથી મુક્ત બંધુ સમાન, સજ્જન, નિષ્પાપ તથા સમબુદ્ધિવાળો હોય તો તેની સાથેનો સંપર્ક નૈતિક દુનિયાદારી સાથે સાથે જીવનમાં શુદ્ધતા અને સ્થિરતા પણ આપી શકે.

 આ ઉપરાંત, મિત્ર કેવો હોવો જોઈએ તેની આપણને તો ખબર જ છે. આ વિષયમાં ઘણી કહેવતો પણ પ્રચલિત છે—જેમ કે મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ—દુઃખમાં આગળ અને સુખમાં પાછળ. પણ અહીં ગીતાના એક શ્લોકનો આધાર રાખીને તેમાં વપરાયેલ શબ્દોની આસપાસ આ લેખ ઘડાયો છે.

પુત્ર એટલે પુ-નામના નરકમાંથી તારનાર. તો શું મિત્ર એટલે મિ-નામના નરકમાંથી તારનાર એમ કહી શકાય! અને આ ‘મિ’ એટલે શું મિથ્યા હોઈ શકે? જેને આદિ શંકરાચાર્યે ‘પ્રપંચ’ કહ્યું છે!

(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે.)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.