(30 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. કુમાર, અખંડ આનંદ, જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. – સં.)

શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં એક ખાસ મહત્ત્વનો દિવસ છે. ‘રક્ષાબંધન’ કે ‘બળેવ’ના નામે પ્રચલિત આ દિવસે વિશ્વની સૌથી પવિત્ર, સૌથી નિર્મળ લાગણીઓ વ્યક્ત થાય છે: ભાઈ-બહેનના પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે આમ તો બન્ને વચ્ચેના લાગણીસભર સંબંધો કાયમના છે પણ આ દિવસે ચોક્કસ પ્રક્રિયાના સ્વરૂપે વ્યક્ત કરાય છે.

બહેન ભાઈને કંકુ-અક્ષતનું તિલક કરે, તેની સમક્ષ દીવડો પ્રગટાવે-દીપ પ્રાગટ્‌ય કરે, ભાઈના જમણા હાથે અપાર ભાવનાથી રક્ષા બાંધે અને આરતી ઉતારે. પછી ભાઈનું શુકનનું મોં મીઠું કરાવી તેના ઓવરણાં લે. જો ભાઈ ઉંમરમાં મોટા હોય તો ચરણવંદના કરે અને સામે ભાઈ અખૂટ આશીર્વાદના પ્રતીક સમાન બહેનને ખુશી-ભેટ આપે. આ બધું જ બાળકો-વડીલોની હાજરીમાં, ઉત્સવ જેવા માહોલમાં, સ્વચ્છ-સુધડ વાતાવરણમાં થાય. આખો માહોલ જ પવિત્ર-ભાવનાના પ્રગટીકરણ સમાન હોય, આવા માહોલની કલ્પના આવતાં જ વિશ્વનાં ભાઈ-બહેનના પવિત્રતમ સંબંધથી આંખો અને હૃદય ભરાઈ જાય, ધન્ય છે ભારતની આ સનાતની પરંપરાને.

બહેન આમ તો જન્મથી સહોદરા છે પણ તેને પારકી થાપણ ગણવામાં આવે છે. આ “પારકી થાપણ” જ તે દિવસે જાણે સૌથી નજીકની આપ્તજન બની જાય છે! બહેન સાથેના સંબંધમાં જે નિષ્પાપતા અને નિષ્કલંકતા છે તે આ દિવસે જાણે માનવજાતને પવિત્રતાના મહત્ત્વનો બોધ આપે છે. ભાઈ-બહેનના સંબંધમાં નિસ્વાર્થતાની જાણે પરાકાષ્ઠા દેખાય અને આ પરાકાષ્ઠાની મજબૂતાઈ એક સૂતરના તાંતણામાં જાણે વણાઈ જાય છે. ભાઈ-બહેનનો સંબંધ અપેક્ષાઓ રહિતનો હોવા છતાં પરસ્પર અપેક્ષાઓ પૂર્ણ કરવાની પુનરુક્તિ આ દિવસે થતી હોય તેમ જણાય છે. આ સંબંધ અપેક્ષા વગર લુંટાઈ જવાનો છે—માગ્યા વગર લાગણીઓથી છલકાઈ જવાનો છે. અભિવ્યક્ત ન થઈ શકે તેવી ભાવનાને રક્ષા-બંધનની નાની પ્રક્રિયાથી સહજમાં વ્યક્ત કરી દેવાય છે.

અહીં રક્ષાનું ભાઈ દ્વારા અપાતું વચન ભૌતિક બાબતોને લગતું છે, જ્યારે સામે બહેન પણ ભાઈની સૂક્ષ્મ ભાવનાઓને રક્ષવાની જાણે ખાતરી આપે છે! પરસ્પરની શુભકામનાઓનો આ ઉત્સવ વિશ્વના દરેક માનવીને જાણે પોતાનામાં સમાવી લે છે અને શુભકર્મનો ભાવાત્મક માહોલ સર્જાય છે. એક તરફ બહેન એ પવિત્ર લાગણીઓનો સંકલિત સમુહ હોય તેમ જણાય છે, તો ભાઈ એ કર્તવ્યપરાપણતાનું પ્રતીક જણાય છે. અહીં પરસ્પર આશીર્વાદના હકદાર અને દાતા—એમ બેઉ હોય તેમ સ્થાપિત થાય છે.

બહેન તો બહેન છે જ પણ આવા લાગણીસભર વાતાવરણમાં બહેનની આંખમાંથી ભાવાત્મક અશ્રુ નીકળતાં ભાઈ પણ ભાવુક બની જાય છે. જ્યારે ભાઈને ભાવનામાં નરમ થતો જોતાં બહેન સખતાઈમાં આવી ભાઈને સાચવી લે છે. આમ પણ પ્રત્યેક ભાઈમાં કંઈક અંશે બહેન સમાયેલી-છુપાયેલી-સંગ્રહાયેલી હોય છે તો હરેક બહેનમાં પણ ભાઈ કંઈક માત્રામાં સંકલિત-સમાવિષ્ટ હોય છે, બેઉ એકબીજાની રક્ષા કરે છે અને પરસ્પરની અપાર લાગણીઓ વહાવે છે.

પણ પ્રચલિત પરંપરા પ્રમાણે આ તહેવાર ભાઈ પોતાની બહેનને આપતું અભય રક્ષા-વચન ફરીથી પુન:કથિત કરે છે. બહેનની દરેક પ્રકારની રક્ષા કરવાની—આધિદૈવિક, આધિભાૈતિક, આધ્યાત્મિક—ફરજ ભાઈની છે. આધુનિક સમયમાં આ રક્ષાના ક્ષેત્રનો વ્યાપ વધતો જ જાય છે. બહેન આમ પણ લાગણીશીલ હોવાથી તેનાથી અનિચ્છનીય લાગણીઓ ક્યાંક વ્યક્ત થઈ પણ જાય તેવા સમયે ભાઈએ સમતા રાખીને રક્ષાની જવાબદારીની ભાવથી નિભાવવી પડે, એક રીતે જોતાં બહેનને એ રીતે તૈયાર કરવી જોઈએ કે તેને અન્ય પ્રકારની રક્ષાની પાછળથી જરૂર જ ન પડે. રક્ષા લેવાની પરિસ્થતિ ઊભી જ ન થાય તે જ સાચી અને પૂર્ણ રક્ષા છે.

દૂર હોવા છતાં પણ જેની ઓથ, જેની લાગણીઓ સતત વર્તાયા કરે તે બહેનની રક્ષા બાંધવાની પ્રક્રિયામાં હવે તો ઓન-લાઇન સવલતો પણ મળી રહે છે. હવે દૂર રહેવા છતાં તમારી બહેન કે ભાઈને સરળતાથી અને પરંપરાગત ભાવથી રક્ષા-બંધન ઊજવી શકે તે માટે તૈયાર સુશોભિત પાર્સલમાં કંકુ-ચોખા-દીવડો-રક્ષા-મીઠાઈ બધું જ પહોંચાડી શકાય છે. સનાતની પરંપરાની આ તાકાત છે કે તેની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે બહુરાષ્ટ્રિય કંપનીઓ આવી સગવડતા કરી આપે છે.

યમ અને યમી—આ ભાઈ-બહેનની કથા પ્રત્યેક સનાતની અને અન્ય સમુદાયના લોકો પણ જાણે છે. તે સિવાય કૃષ્ણ-દ્રૌપદીની વાત પણ પ્રચલિત છે. વળી ઇતિહાસમાં-મહાભારતમાં જણાવ્યા પ્રમાણે કુંતા માતાએ અભિમન્યુના હાથમાં રક્ષા બાંધી હતી. સિકંદરનાં પત્ની રોક્ષોના અને રાજા પૌરવ વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધના પ્રતીતિ સમાન રક્ષા-વ્યવહાર થયો હતો. આમ, રક્ષા-બંધન એ ભાઈ-બહેનના સંબંધ ઉપરાંતની પણ રમ્ય ઘટના છે. માત્ર સંબંધોની લાગણીમાં લુંટાઈ જઈને સામેની વ્યક્તિ માટે સારામાં સારી ભાવના રાખી પ્રતિપક્ષે પણ એવો જ ભાવ રાખવાની આ પરંપરા છે.

સુતરાઉ કે રેશમી તાંતણે બાંધવાનો આ રિવાજ આમ તો બંધનનો છે એમ માનવામાં આવે છે; પણ એક રીતે જોતા તે બંધન-મુક્તિનો ઉત્સવ છે. આ ઉત્સવમાં વ્યક્ત થતી પરસ્પરની ભાવના પ્રમાણે કર્મ કરતાં કરતાં બેઉ ક્રમશ: બંધનમુક્ત થતાં જાય છે, નિયત થયેલ કોઈ કર્મ નિષ્કામભાવે કેવી રીતે કરી શકાય, તેની સમજ આ દિવસે વધુ સ્પષ્ટ થાય છે.

ભાઈ-બહેનની રક્ષા-બંધનના ધર્મ સાથે ઋષિ તર્પણી કે રાખી પૂર્ણિમા તરીકે ઓળખાતા આ દિવસે દ્વિજ જનોઈ બદલે છે, આ દિવસે બલરાજ જ્યંતી આવતી હોય છે. તેથી બલરામજીની પૂજા પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનો એ શિવ-આરાધના માટેનો શ્રેષ્ઠ કાલખંડ ગણાય. આ માસમાં જ કૃષ્ણ જન્માષ્ટમી આવે. અને આ જ મહિનામાં આ પવિત્ર સંબંધની ઉજવણી આવે. એમ જણાય છે કે શૈવ-વૈષ્ણવ-શાક્ત, આ ત્રણેય સંપ્રદાયની ભાવનાત્મક આધ્યાત્મિક બાબતો આ મહિનામાં સમાવિષ્ટ થઈ જાય છે.

Total Views: 566

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.