મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.” હાથીદાંત પોતે તો કીમતી હોય જ, પણ એની સાથે જો સોનું મળે તો એનું મૂલ્ય અને ગરિમા કેટલાં વધી જાય! સ્વામી વિવેકાનંદ હતા આવા સોનાથી મઢેલા હાથીના દાંત. 39 વર્ષના ટૂંક જીવનગાળામાં સ્વામી વિવેકાનંદે મનુષ્યજન્મના શિરમોર ધ્યેય સમી નિર્વિકલ્પ સમાધિ તો પ્રાપ્ત કરી જ હતી પણ સાથે જ એમણે પૂરા વિશ્વમાં ભ્રમણ કરીને હજારો ભાષણો, લેખો, કવિતાઓ, અને પત્રો દ્વારા આપણાં શાસ્ત્રોનો મર્મ સુસ્પષ્ટ અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરીને આધુનિક હિન્દુ ધર્મની પ્રતિષ્ઠા કરી હતી. એમનો આ બૌદ્ધિક વારસો શ્રીરામકૃષ્ણ સંઘ દ્વારા નવ ભાગોમાં સંપૂર્ણ The Complete Works of Swami Vivekananda માં સંગ્રહિત કરવામાં આવ્યો છે અને જેનું ગુજરાતી ભાષાંતર ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રકાશિત કર્યું છે.

ગ્રંથમાળાનો પરિચય મેળવતા પહેલાં આવો, આપણે સ્વામીજીની સાધના અને ચિંતનની પશ્ચાદ્‌-ભૂમિકા સમજીએ. સ્વામીજીના જન્મગ્રહણ પહેલાના ત્રણસો-ચારસો વર્ષ દરમિયાન ભારત અને યૂરોપની બે મહત્ત્વની ચળવળોએ માનવ-સભ્યતાને એક નવી જ દિશામાં દોરી હતી.

ભારતમાં આધ્યાત્મિક નવ-જાગરણ

હાડ-માંસના આ શરીરની પારે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારની પણ ઉપર અવસ્થિત છે આપણી દિવ્ય સત્તા. હજારો વર્ષ પૂર્વ હિમાલયની ગિરિ-શૃંખલાઓ ઉપર ઋષિ-મુનિઓએ નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી અને ઉપલબ્ધિ કરી હતી કે શરીરની રક્ષા અને મનની લોલુપતા-નિવારણ જીવનનો એકમાત્ર ઉદ્દેશ ન હોઈ શકે. આપણે તો છીએ દિવ્ય-આનંદનાં સંતાન અને આપણા હૃદયમાં પ્રસ્ફુટિત સહસ્રદલ પદ્મની જેમ અવસ્થિત છે ઈશ્વર સ્વયં. આ અનુભૂતિની ભીત્તિ ઉપર જ ભારતમાં સત્યયુગની સભ્યતાનો પાયો નખાયો.

પરંતુ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયરૂપી કાળચક્રમાં જો સમગ્ર બ્રહ્માંડ પિસાઈ જતું હોય તો માનવ-સભ્યતા તો ક્યાંથી ઊગરી શકે? સત્યયુગમાંથી કાળક્રમે આપણે કળીયુગમાં પતિત થયા. બૌદ્ધ ધર્મે સુધારનો એક પ્રયાસ તો કર્યો પણ બૌદ્ધ સંઘની અવનતિના પરિણામે ધર્મમાં અનેક પ્રકારની વિકૃતિઓ પ્રવેશી ગઈ. આત્મજ્ઞાનની ગરિમા પ્રસ્થાપિત કરતાં ઉપનિષદો ભુલાઈ ગયાં અને અંધશ્રદ્ધા અને કુરિવાજોએ આપણને ગ્રસી લીધા.

પરંતુ જેમ સૃષ્ટિ પછી પ્રલય આવે છે એમ પ્રલય પછી ફરી સૃષ્ટિની રચના થાય છે. શંકરાચાર્યથી શરૂ કરી ગૌરાંગ મહાપ્રભુ, નરસિંહ મહેતા, મીરાંબાઈ જેવા અનેક સંત, આચાર્ય, અને કવિઓએ આત્મ-કવનની રાગ-રાગિણીઓનો પુનઃ આલાપ આરંભ્યો કે જે સંપૂર્ણ દિવ્ય સંગીતમાં રૂપાંતરિત થયો શ્રીરામકૃષ્ણદેવના જીવન અને ઉપદેશમાં.

એમણે સત્યયુગની પ્રતિજ્ઞાઓનો પુનઃ ઘોષ કરતાં કહ્યું કે મનુષ્ય-જીવનનો ઉદ્દેશ છે ઈશ્વરપ્રાપ્તિ અથવા આત્મ-દર્શન. ત્યાગ જ છે આધ્યાત્મિક સાધનાનો પાયો. આપણે કોઈ પણ સાધનામાં પારંગત હોઈએ—જ્ઞાન, કર્મ, ભક્તિ, અથવા ધ્યાન—જે કોઈ પણ માર્ગ ઉપર આપણે મુસાફરી કરીએ પણ છેવટે તો આપણે એક જ ઈશ્વરના ચરણ સમીપે ઉપસ્થિત થઈશું.

યૂરોપમાં વિદ્યાનો પુનર્જન્મ

યૂરોપના ગ્રીસ દેશમાં એક સમય હતો જ્યારે દર્શન, વિજ્ઞાન, સાહિત્ય, અને કલાનો ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. પરંતુ ધાર્મિક ઝનૂનના પરિણામે યુરોપ એક લાંબા અંધકાર યુગમાં ગરકાવ થઈ ગયું હતું જેનો અંત છેવટે પંદરમી-સોળમી સદીમાં આવ્યો હતો. પ્રથમ વેનિસ અને ફ્લોરેન્સ જેવાં નગરરાજયોથી શરૂ કરીને વિદ્યાની ચિનગારી ફ્રાંસ, બ્રિટન, જર્મની જેવા દેશોમાં પ્રસરી ગઈ હતી. ન્યુટન અને મેક્સવેલ જેવા વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ બ્રહ્માંડને એક જ નિયમાવલીમાં બાંધીને પ્રકૃતિનાં રહસ્યો ઉદ્‌ઘાટિત કરી મૂક્યાં. રુસો, જોન લોક, અને કાર્લ માર્ક્સ જેવા ચિંતકોએ મનુષ્યના હક અને રાજ્યની જવાબદારીઓ વિષે નવા વિચારો રજૂ કર્યા, તો ખ્રિસ્તી ધર્મમાં અંધવિશ્વાસ મૂકવાને બદલે કાંટ, નીત્ઝે, દેકાર્તે જેવા દાર્શનિકોએ મનોવિજ્ઞાન, ઈશ્વરતત્ત્વ, અને સૃષ્ટિ વિષે મુક્ત મને પ્રશ્નો આરંભ્યા. વિદ્યાની આ ચિનગારીએ ટૂંક સમયમાં વડવાનળનું સ્વરૂપ ધારણ કર્યું અને યુરોપીય દેશોએ પ્રૌદ્યોગિકીકરણના માધ્યમે અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ થઈ પૃથ્વી-વિજયનું અભિયાન માંડ્યું.

કેન્દ્રબિંદુ કોલકાતા

આ અભિયાનનું કેન્દ્રબિંદુ હતું બ્રિટિશ ભારતની રાજધાની કોલકાતા. આ શહેરમાં એક તરફ હતું આધુનિક વિજ્ઞાનના બળથી સજ્જ વિશ્વવ્યાપી બ્રિટિશ સામ્રાજ્ય તો બીજી તરફ હતા શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, અને સમાધાનરૂપી ષટ્‌ સંપત્તિના અધિપતિ શ્રીરામકૃષ્ણદેવ.

નરેન, અર્થાત્‌ યુવા સ્વામીજી હતા આ શહેરની કોલેજના એક વિદ્યાર્થી. તેઓમાં વાંચનની તીવ્ર ભૂખ હતી. અદ્વિતીય મેધાશક્તિના પ્રભાવે તેઓ માનવ-સભ્યતાની જન્મભૂમિ પૃથ્વી કે જીવનને પ્રકાશિત કરતો સૂર્ય પણ અગણિત તારલાઓ મઢિત વિશ્વબ્રહ્માંડમાં એક રજકણ માત્ર છે, એ વૈજ્ઞાનિક ધારણામાં સુદૃઢ બન્યા હતા અને સંશોધનાત્મક ઇતિહાસ અને દર્શનના અભ્યાસના પરિણામે સામાજિક કુરીતિઓ અને વૈચારિક ગુલામીની નિરર્થકતા સમજ્યા હતા. પરંતુ આટલાથી સંતુષ્ટ ન થઈ મનુષ્ય ચેતનાની ઊર્ધ્વ, મૃત્યુની પેલે પાર શેનું અસ્તિત્વ છે, એ શોધવાની એમનામાં તીવ્ર આકાંક્ષા જન્મી હતી.

એમનું મુમુક્ષુત્વ એમને લઈ આવ્યું શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં. 1881 થી 1886ના ટૂંક સમયગાળામાં શ્રીરામકૃષ્ણદેવે નરેનને અધ્યાત્મ વિજ્ઞાનના પ્રત્યેક પાસાની સમજ આપી અને સાધનાનું પ્રત્યેક સોપાન સર કરાવી સર્વોચ્ચ શિખરરૂપી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત કરાવ્યા.

અભિનવ આદર્શ

નરેનને વેદાંતની પારંપરિક શાખાઓમાં સિદ્ધિ અપાવ્યા બાદ શ્રીરામકૃષ્ણે એમને નવા યુગના નૂતન આદર્શ સમો એક નવો મંત્ર આપ્યો: શિવજ્ઞાને જીવસેવા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ બાદ સંન્યાસ ગ્રહણ કરી જ્યારે સ્વામીજીએ ભારત-ભ્રમણ કર્યું હતું ત્યારે આર્થિક, સામાજિક, અને રાજનૈતિક શિથિલીકરણના પરિણામે ભારતીયોની અવદશા નીરખી એમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને મનુષ્યના દૈવત્વનો ઉપદેશ આપતા વનના વેદાંતને જીવન વ્યવહારમાં પ્રત્યક્ષ કરી બતાવવા માટે તેઓ ઉત્સુક થઈ ઊઠ્યા હતા.

વિવેકાનંદ ચિંતનસાગર

આમ, સ્વામીજીના ચિંતનસાગરમાં ચાર ધારાઓ સમાઈ હતી: ભારતીય સભ્યતાના તેજોમય વારસારૂપ પારંપરિક વેદાંત, મુક્ત વિચારસરણીને આવકારતું આધુનિક પશ્ચિમી દર્શન, શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશ, તથા દરિદ્ર પદદલિત મનુષ્યો પ્રત્યે અથાગ કરુણા અને એમની સેવારૂપી સાધનાના અનુષ્ઠાનની તત્પરતા. જો થોડા ઊંડા ઊતરીએ તો સ્વામીજી પોતાના શબ્દો દ્વારા આ ચાર વિષયોનો જ અર્થ વિસ્તાર કરે છે.

હવે આપણે જોઈએ થોડું વર્ગીકરણ. “સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા”માં આવરિત મુખ્ય વિષયો છે:

ભાગ ૧: વિશ્વ ધર્મ પરિષદમાં આપેલ ભાષણો, કર્મયોગ, રાજયોગ
ભાગ ૨: જ્ઞાનયોગ, વેદાંત
ભાગ ૩: ભક્તિયોગ, પરાભક્તિ
ભાગ ૪: ભારતમાં આપેલાં ભાષણો, દર્શન, મનોવિજ્ઞાન, વેદાંત
ભાગ ૫: શ્રીરામકૃષ્ણ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, તુલનાત્મક ધર્મ, ભારત વિષે, પૂર્વ અને પશ્ચિમની તુલના
ભાગ ૬: પત્રો
ભાગ ૭: પત્રો
ભાગ ૮: વર્તમાન ભારત, યુરોપના પ્રવાસનું વર્ણન, છૂટાછવાયા લેખો, નારીઓ વિષે, કાવ્યો
ભાગ ૯: આનુષંગિક વિષયો. સ્વામીજી જીવનના પ્રત્યેક પાસાને ઈશ્વરની સાથે જોડી દેવા માગતા હતા. માટે જ વાર્તાલાપો, મુલાકાતો, વર્ગ વ્યાખ્યાનની નોંધો, પરિભ્રમણની નોંધો, પ્રશ્નોત્તર, સમાચાર પત્રોના અહેવાલો, ઉક્તિઓ અને ઉદ્‌ગારો જેવાં માધ્યમોથી તેઓ અન્ય અનેક વિષયોની ચર્ચા કરે છે. આ આનુષંગિક વિષયો પણ એકથી આઠ ભાગના પરિશિષ્ટમાં અને આખા નવમા ભાગમાં આવરી લેવાયા છે.

આ માધ્યમોની આંકડાકીય માહિતી આ પ્રમાણે છેઃ

ભાષણોઃ 180+
પત્રોઃ 760+
લેખોઃ 60+
કાવ્યોઃ 25+
વર્ગ વ્યાખ્યાનની નોંધોઃ લગભગ 100
મુલાકાતોઃ 10+
પ્રશ્નોત્તરઃ 7
વાર્તાલાપોઃ 80+
ઉક્તિઓ અને ઉદ્‌ગારોઃ 3 પ્રકરણો
સમાચાર પત્રોના અહેવાલોઃ 35+

Total Views: 571

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ November 19, 2022 at 12:21 pm - Reply

    અદ્વીતિય ગુજરાતી ભાષામાં લખાયેલ માહિતીસભર લેખ!

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.