શ્રીરામાનંદ સંત-આશ્રમ, ગુવાર (ગુજરાત) ના અંતિમ પડાવના એક મહિના દરમિયાન એક બિલાડીના બચ્ચાને તેની મા છોડી ગઈ હતી. સંન્યાસી બિલાડીના બચ્ચાને રોટલી, દૂધ, ખીર, મીઠાઈ વગેરે ખવરાવતાં અને તેનું નામ છોટી આપ્યું હતું. તે એટલી હેવાઈ થઈ ગઈ હતી કે મોટાભાગના સમયે તે કુટિયા પાસેની ઝાડની ડાળીઓ પર કે છાપરા પર બેસી રહેતી. સંન્યાસી ક્યારેક છોટી-છોટી કહી બોલાવતા તો મ્યાઉં-મ્યાઉં કરતી નીચે આવતી! રામાનંદ સંત-આશ્રમમાં દરેક સાધુને આશ્રમની ગૌશાળાની ગાયનું એક ગ્લાસ શુદ્ધ દૂધ રાત્રે મળતું. સંન્યાસીને તેમાંથી એક વાટકો દૂધ છોટી માટે રાખી દેવું પડતું, કારણ કે દરરોજ સવારે બરોબર સાડા પાંચ વાગ્યે છોટી તેના પગથી દરવાજો ખખડાવે અને જ્યાં સુધી દરવાજો ખોલવામાં ન આવે ત્યાં સુધી ખખડાવાનું ચાલુ જ રહે! દરવાજો ખોલતાં જ નિશ્ચિત સ્થાને રાખેલ વાટકાનું દૂધ છોટી પી લે અને પછી સંન્યાસીના ખોળામાં બેસી જાય. સંન્યાસીનો સવારનો આ સમય પૂજા અને મંત્રોચ્ચાર કરવાનો  હોઈ, પૂરેપૂરાં મંત્રોચ્યાર સાંભળ્યા પછી જ છોટી વિદાય લે! 

સંન્યાસીએ પોતાના મુખ્ય આશ્રમના સ્વામીજીને ચાતુર્માસ પછી શીઘ્રાતિશીઘ્ર પરિક્રમા પૂર્ણ કરવાનું લેખિત વચન આપ્યાં, પછી ચાતુર્માસ પૂર્ણ થાય તે પહેલાં જ પરિક્રમા શરૂ કરવાની તેની ઇચ્છા તીવ્રતર બની ગઈ હતી, તેનું મુખ્ય કારણ એ હતું કે ગુજરાતમાં નર્મદા મૈયાના વિભિન્ન તટે કેટલાંય મહત્ત્વનાં તીર્થો આવેલાં છે અને ચાતુર્માસ પછી અતિ ઝડપથી પરિક્રમા પૂર્ણ કરવા જતાં કેટલાંય તીર્થોને બાદ કરવાં પડે. બીજું, કેટલાય સંતો કહેતા હતા કે સંન્યાસી તો બે કે ત્રણ માસ પછી પણ પરિભ્રમણ કરી શકે, તેને ચાતુર્માસ સુધી રાહ જોવાની જરૂર નથી. ત્રીજું કારણ સંન્યાસીને આ તટ પર આવેલ મણિનાગેશ્વર તીર્થમાં ચંડીપાઠ કરવાની ઇચ્છા હતી, પરંતુ મૈયાની ઇચ્છા પ્રમાણે રામાનંદ સંત-આશ્રમમાં વર્ષાૠતુમાં આનંદપૂર્વક નિવાસ થયો. મણિનાગેશ્વરમાં ઓછામાં ઓછું નવરાત્રિમાં રહીને નવ દિવસ ચાતુર્માસ કરવાની ઇચ્છા હતી. વળી, પોતાના પરિચિત અતિ પ્રિય બે સંન્યાસી આ તટ પર આવેલ અસા અને વરાછામાં તપસ્યા કરતા હતા, તેઓ સંન્યાસીને ત્યાં આવવાનું વારંવાર આમંત્રણ આપતા હતા અને કહેતા હતા કે, “અહીં સરસ સ્થાન છે તથા કન્યા-ભોજન પણ કરાવીશું.” પરંતુ મુખ્ય સમસ્યા એ હતી કે રામાનંદ સંત-આશ્રમના મુખ્ય મહારાજને ઇચ્છા જણાવતા, તેઓએ ચાતુર્માસ પૂર્ણ કરી આગળ જવાની આજ્ઞા આપી. પૂ. મહારાજ દરરોજ સાંજે પગપાળા તેમના કાફલા સાથે ફરવા નીકળે, સંન્યાસી થોડા દિવસથી તેમાં પણ જોડાયા અને અનુકૂળ તક મળી ત્યારે બે વાર પૂ. મહારાજને પરિક્રમામાં આગળ વધવાની ઇચ્છા ફરી દર્શાવી. પૂ. મહારાજ પહેલાંની જેમ જ ચાતુર્માસ પૂર્ણ કરીને જવાનું કહેતા. પૂ. મહારાજની અવજ્ઞા કરી પરિક્રમામાં આગળ વધવાનું સંન્યાસીને યોગ્ય લાગતુ ન હતુ. આ બાજુ સંન્યાસીની તાલાવેલી, અધીરતા, ઉદ્વેગ વધતાં જતાં હતાં. એક સવારે સંન્યાસી મા (નર્મદા મૈયા) પાસે ગયા અને કહ્યું, “મા, આજ સાંજ સુધીમાં પાકો નિર્ણય કરાવો, જવાનું થાય કે ન થાય પણ આ ઉદ્વેગતા દૂર કરાવો.” મા કરુણામયી, જાગ્રત દેવી, સંન્યાસીનો બધો જ સંતાપ હરી લીધો. સાંજે પૂ. મહારાજના કાફલા સાથે ફરવા જતાં સાહસ કરીને ફરી પૂછતાં મહારાજે કહ્યું, “મારે પણ નવરાત્રિના સમયે મધ્યપ્રદેશના આશ્રમમાં જવાનું થયુ છે. તો તમારે પણ જવું હોય તો જઈ શકો છો.” પંખીને શું જોઈએ? બે પાંખો! સંન્યાસી ઉત્સાહપૂર્વક પરિક્રમામાં આગળ વધવાની તૈયારી કરવા લાગ્યા. આશ્રમના મોટાભાગના પૂજનીય સંતોને પ્રણામ કરીને વિદાય લીધી અને વામન જયંતી પછીના કોઈ શુભ દિવસે પરિક્રમામાં આગળ વધવાનું નક્કી થયું. સંન્યાસીના અતિ પ્રિય ત્યાગીજી મહારાજ કે જેમની પ્રેરણાને કારણે જ શૂળપાણેશ્વરની ઝાડી તેમની સાથે અંદરના વિકટ માર્ગે પૂરી કરી હતી. તેમની સૂચના અને આગ્રહથી જ ચાતુર્માસ અહીં રામાનંદ સંત-આશ્રમમાં થયો હતો, તે પણ સંન્યાસીની સાથે આગળ પરિક્રમા ધપાવવા તૈયાર થયા.

૨૭/૦૯/૨૦૧૫ ને રવિવારના રોજ સવારે આશ્રમના સાધુ-સંતોના આશીર્વાદ લઈ પ્રેમભરી વિદાય લીધી. છોટી (બિલાડીનું બચ્ચું) કુટિયાનો રંગઢંગ, પેક થયેલો સામાન વગેરે એક નાના ટેબલ પર બેસીને કુતૂહલતાથી જોતી હતી. થોડીવાર પછી આશ્રમનું કૂતરું આવતાં છોટી અદૃશ્ય થઈ ગઈ.

‘નર્મદે હર’ ના નારા સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં નીકળી પડ્યા. આગળ ગારીયાધારવાળા સીતારામ-બાબાના આશ્રમને પાર કરીને ખેતરની પગદંડીએ આગળ વધ્યા. જમણા હાથે પથ્થરોનો વિશાળ પટ્ટ પછી નર્મદા મૈયાના દર્શન થતાં હતાં. પણ આગળ વધતા જણાયું કે આ તો કોઈના ખેતરમાં આવી ગયા હતા! આગળ કંઈક રસ્તો મળી જશે, એ ભાવનાથી આગળ વધ્યા પણ તારની કાંટાળી જાળીથી આગળનો રસ્તો જ બંધ હતો. તેથી જમણા હાથે નર્મદા તટ તરફ કોઈ રીતે ઉતરી જવાય તો આગળ રસ્તો મળી રહેશે એટલે વળી પાછા ખેતરમાં નર્મદા તરફ ચાલવા માંડ્યું, પણ ત્યાં પણ ભારત-પાકિસ્તાન બોર્ડર પર હોય તેવી સખત કાંટાળી તારની જાણે દીવાલ! આ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા! આ તો જાણે પાંજરામાં ફસાયા! આશરે ૫૦૦ મીટર દૂર નર્મદા મૈયા દેખાય છે. લક્ષ્ય સામે જ છે, પણ કેવા અવરોધો! બહાર નીકળવા વ્યાકુળ થવા લાગ્યા. તારની લાઈનમાં આગળ ચાલવા લાગ્યા ત્યાં બીજો અવરોધ…! ખેડૂતે શેરડીના ઉપરના  ભાગના રહેલ સૂકાયેલ ધાસના ઢગલા કરેલા હતા. અમે તો બાવરા થઈને તેની પર ચાલવા લાગ્યા અને જાણે બે-ત્રણ ફૂટ અંદર બહાર કૂદતા ન હોય! જાણે સર્કસની જાળીમાં ચાલતા હોય તેવું લાગ્યું! વળી, મનમાં વિચાર આવ્યો કે આમાં ક્યાંક નીચે સાપદાદા હશે ને આપણો પગ તેના પર પડી જશે તો! જેમ-તેમ કરીને આગળ ચાલતા હતા. ત્યાગીજી વધુ સ્ફૂર્તિવાળા હોવાથી આગળ ચાલતા હતા. ત્યાં તેમણે જોરથી અવાજ કર્યો, “મહારાજ, અહીં આવો.” ત્યાં તારની જાળી થોડી ઢીલી હતી. તેમાંથી નીકળવું અતિ કઠિન અને જોખમી હતું પણ નિરુપાય! પહેલાં દંડ, કમંડળ, કપડાંની ઝોળી, પાછળની બેગ વગેરે જાળીની બહાર ધકેલી દીધું. પછી લગભગ સૂતાં સૂતાં તારની જાળી પાર થઈ. ત્યાગીજીએ પણ તેવી જ રીતે જાળી પાર કરી લીધી. બંને હર્ષિત થઈ ગયા, જાણે મોટો સંગ્રામ જીતી લીધો! થોડે દૂર જઈ નર્મદા મૈયાના નીર પાસે બેસી ગયા. ખળખળ કરતું નિર્મળ જળ વહી રહ્યું હતું. જાણે મા કહી રહ્યાં હતાં, ‘આફતો તો આવે ડરવાનું ન હોય, હું છુંને સાથે!!!’

Total Views: 1,178

2 Comments

  1. પારસ December 13, 2022 at 8:29 pm - Reply

    🙏પ્રેરણા દાયક વધુ જાણવા ઉત્સુક 🙏

  2. ચિરાગ December 13, 2022 at 11:08 am - Reply

    નર્મદે હર! પ્રણામ 🙏🏼

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.