મિ. એલન થોમસનાં સંસ્મરણો

ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો ઉપદેશ આપ્યો હતો. 22 ફેબ્રુઆરીથી 30 મે દરમિયાન સ્વામીજી કેલિફોર્નિયાના સાન ફ્રાંસિસ્કો શહેરમાં રહ્યા હતા. આ સમય દરમિયાન સ્વામીજી પાસેના જ આલામેડા, ઓકલેન્ડ, વગેરે શહેરમાં પણ પ્રવચન આપવા જતા હતા. મિ. થોમસ એલન સાન ફ્રાંસિસ્કોમાં રહેતા હતા અને તેઓ સ્વામીજીનું પ્રવચન સાંભળી, એમના પાક્કા અનુયાયી બની ગયા હતા. તેઓએ સાંભળેલ પ્રથમ પ્રવચનનો અનુભવ તેઓ અહીં વર્ણવે છે:

“મેં સાંભળ્યું હતું કે સ્વામી વિવેકાનંદ અદ્‌ભુત વ્યક્તિત્વ-સંપન્ન છે અને તેમણે 1893ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં શ્રોતાઓનાં મન ઉપર ઊંડી છાપ છોડી હતી. સાથે જ મેં એમનું ‘રાજયોગ’ પુસ્તક પણ વાંચ્યું હતું. તેથી જ્યારે મેં સાંભળ્યું કે તેઓ સાન ફ્રાંસિસ્કો આવી રહ્યા છે ત્યારે હું ખૂબ આનંદિત થઈ ઊઠ્યો હતો. તેઓએ ઓકલેન્ડમાં 28 ફેબ્રુઆરીના રોજ જે પ્રવચન આપ્યું હતું, તેમાં હું ઉપસ્થિત હતો. એમને સાંભળીને મારા મનમાં થયું કે આ એ વ્યક્તિ છે કે જેને ખબર છે કે તેઓ શું કહી રહ્યા છે. કોઈની વાતો સાંભળીને તેઓ અહીં પુનરાવર્તન નથી કરી રહ્યા. તેઓ શું ‘વિચારે’ છે એ નહીં, પરંતુ તેઓ શું ‘જાણે’ છે એ તેઓ કહી રહ્યા છે.”

અર્થાત્‌, સ્વામીજી પોતાની અનુભૂતિ વર્ણવે છે, નહીં કે માત્ર પોતાના મંતવ્યો રજૂ કરે છે, કે બીજાની પાસે સાંભળેલાં મંતવ્યો રટે છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ સ્વામીજીએ ‘વેદાંત અને ખ્રિસ્તી ધર્મ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેના કેટલાક અંશો લેખમાં આગળ વર્ણવીશું.

મિ. એલન વધુમાં કહે છે: “પ્રવચન સાંભળીને હું જ્યારે ઘરે પાછો જઈ રહ્યો હતો ત્યારે મને લાગતું હતું કે જાણે હું હવામાં ચાલી રહ્યો છું! ઘરે પહોંચ્યા પછી પણ હું ઉન્મત્તની જેમ વર્તી રહ્યો હતો. કોઈએ મને પૂછ્યું, ‘સ્વામીજી કેવા પ્રકારના મનુષ્ય છે?’ મેં જવાબ આપ્યો, ‘તેઓ મનુષ્ય નથી, તેઓ ઈશ્વર છે.’ સ્વામીજીએ મારા મન ઉપર જે અમીટ છબી આંકી હતી એ હું ક્યારેય ભૂલીશ નહીં. મારા માટે તેઓ અદ્‌ભુત વ્યક્તિ હતા. સાન ફ્રાંસિસ્કો કે આજુબાજુનાં જેટલાં શહેરોમાં તેઓ પ્રવચન આપવા જતા, ત્યાં બધે હું તેમને સાંભળવા જતો.”

‘શુભ અને અશુભ’ એક જ સિક્કાની બે બાજુઓ છે

થોમસ એલનનાં પત્નીએ તેમને પૂછ્યું હતું કે સ્વામીજીના કયા વિચારે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. તેના ઉત્તરમાં તેઓએ બે વિચારો વિશે કહ્યું હતું.

પ્રથમ, ‘ઇષ્ટ અને અનિષ્ટ’ અથવા ‘શુભ અને અશુભ’ એક જ સિક્કાની બે બાજુઓ છે. અનિષ્ટ વગર ઇષ્ટ સંભવી જ ન શકે અને ઇષ્ટ વગર અનિષ્ટ ન સંભવી શકે. ખ્રિસ્તી ધર્મમાં કહેવામાં આવે છે કે અનિષ્ટ અથવા સેતાન ઇષ્ટ કે ઈશ્વરની સામે હારી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. બધું સારું જ છે અને ખરાબ કંઈ નથી. પરંતુ આપણને હિંદુઓને ખબર છે કે આપણો અંતર્નિહિત આત્મા અથવા સર્વોચ્ચ ઈશ્વરીય તત્ત્વ—સત્ત્વ, રજસ, અને તમસ—ત્રણેય ગુણોની પારે છે. શ્રીરામકૃષ્ણદેવની એક સરસ દૃષ્ટાંત કથા છે. તેઓ કહે છે:

“દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, ત્યાં ગુણો જઈ શકે નહિ; જેમ ચોર જાહેર જગ્યાએ જઈ શકે નહિ તેમ. તેને બીક લાગે કે કદાચ પકડાઈ જઈશ. સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણેય ગુણો ચોર. એક વાર્તા સાંભળો: એક માણસ જંગલને રસ્તે થઈને જઈ રહ્યો હતો, એટલામાં તેને ત્રણ ચોર મળ્યા. તેમણે તેને પકડીને તેનું જે કાંઈ હતું તે લૂંટી લીધું. પછી એક ચોર બોલ્યો, ‘હવે આને જીવતો રાખવો શા માટે?’ એમ કહીને તલવાર લઈને તેને મારી નાખવા આવ્યો. એટલે બીજો ચોર બોલ્યો, ‘ના રે ના, એને મારી નાખવો શું કરવા? એના હાથપગ બાંધીને મૂકી દો.’ એથી તેના હાથ-પગ બાંધીને તેને ત્યાં જ મૂકીને ચોરો ચાલતા થયા. થોડીવાર પછી પેલા ત્રણ ચોરમાંથી એક જણ પાછો આવીને પેલા માણસને કહે છેઃ ‘આહ! તમને કેટલું બધું લાગ્યું છે! ચાલો, હું તમારું બંધન ખોલી દઉં!’ એમ કહીને તેનું બંધન છોડીને બોલ્યો, ‘મારી સાથે સાથે આવો. હું તમને ધોરી રસ્તા પર ચડાવી દઉં.’ એ પછી કેટલાય વખત સુધી ચાલ્યા પછી ધોરી રસ્તા પર આવીને ચોરે કહ્યું, ‘આ રસ્તે ચાલ્યા જાઓ. પેલું તમારું મકાન દેખાય છે.’ એટલે પેલો મુસાફર ચોરને કહે, ‘ભાઈસાહેબ, તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો, તો તમે પણ જરા સાથે મારા ઘર સુધી આવો ને.’ ચોરે કહ્યું, ‘ના મારાથી ત્યાં ન અવાય. પોલીસને ખબર પડી જાય.’

મિ. એલનને સ્વામીજીનો જે બીજો વિચાર ગમ્યો હતો તે એ છે કે એક જાનવર ખોટું બોલી શકતું નથી જ્યારે મનુષ્ય ખોટું બોલી શકે છે. પરંતુ જાનવર જાનવર જ રહેશે, પણ મનુષ્ય સાધના કરીને ઈશ્વર બની શકે છે.

૮૯ વર્ષની ઉંમરે ૧૯૫૩માં થોમસ એલનનું દેહાવસાન થયું હતું. સ્વામીજીને મળ્યા ત્યારથી પોતાના દેહાંત સુધી તેઓ એકનિષ્ઠ વેદાંતી બનીને રહ્યા હતા. સાન ફ્રાંસિસ્કોની વેદાંત સોસાયટીના તેઓ પ્રેસિડેન્ટ પણ રહ્યા હતા.

મિ. એપલગાર્થનાં સંસ્મરણો

સ્વામીજીના અન્ય એક અનુયાયી મિ. એપલગાર્થ પોતાનો અનુભવ વર્ણવે છે: “સ્વામી વિવેકાનંદ ધર્મને એવી અદ્‌ભુત રીતે સમજાવી શકતા કે અન્ય કોઈ વક્તાની એમની સાથે સરખામણી થઈ શકે નહીં. સ્વામીજી પછી જે વક્તા બોલવા ઊભા થતા એમનું પ્રવચન ખૂબ મોળું લાગતું. અન્ય વક્તાઓની સમજણ ગૂંચવણભરી હતી. જ્યારે સ્વામીજી એટલી સહજ અને સરળ રીતે દાર્શનિક મુદ્દાઓ રજૂ કરી શકતા કે લોકો એમને વધુને વધુ સાંભળવા આતુર થઈ જતા. સ્વામીજીનું અંગ્રેજી ભાષા પર અદ્‌ભુત પ્રભુત્વ હતું અને તેમનાં પ્રવચનો પ્રાણવંત દૃષ્ટાંતોથી ભરેલાં રહેતાં.

પ્રવચનના અંતે શ્રોતાઓ એમની સાથે વાર્તાલાપ કરતા. હું પણ ઘણી વાર ઉપસ્થિત રહેતો. તેઓ ઘણા મિલનસાર હતા. એમની સાથે વાત કરવા ઇચ્છતા ઘણા શ્રોતાઓથી તેઓ એવા ઘેરાયેલા રહેતા કે અમારા જેવા યુવાનો સહજતાથી એમની નજીક ન જઈ શકતા. … એક દિવસ તેઓએ યુવાનો માટે ખાસ પ્રવચન આપ્યું હતું. પ્રવચનને અંતે મેં ઉપસ્થિત ઘણા યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ બધા સ્વામીજી જે સરળતાથી વેદાંત સમજાવતા અને જે સુંદર અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા એનાથી મુગ્ધ બની ગયા હતા. એક દિવસે તેઓએ ‘એકાગ્રતા’ પર પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે સમજાવ્યું હતું કે એકાગ્રતામાં સિદ્ધિ મેળવવા માટે હિંદુઓ કેવી રીતે પોતાના મનને કેળવે છે.”

‘વેદાંત અને ખ્રિસ્તી ધર્મ’

હવે જોઈએ ઉપરોક્ત ‘વેદાંત અને ખ્રિસ્તી ધર્મ’ પ્રવચનના કેટલાક અંશો. સંપૂર્ણ પ્રવચન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના ભાગ 5ના પૃ. 340 પર છપાયેલ છે. અવતરણ ચિહ્નમાં રહેલ વાક્યો સ્વામીજીના છે, જેની અમે નીચે ટૂંકી સમજ આપી છે.

“જગતના બધા મુખ્ય ધર્મો વચ્ચે સમાનતાના ઘણા મુદ્દાઓ છે; અને આવી સમાનતા કેટલીક વાર તો એટલી બધી ચમકાવે એવી હોય છે કે જાણે એમ જ લાગી જાય કે ઘણીયે વિગતોમાં જુદા જુદા ધર્મોએ એકબીજાની નકલ કરી છે. જુદા જુદા ધર્મો પર આવું અનુકરણ કરવાનો આક્ષેપ કરાય છે, પણ એ આક્ષેપ ઉપરછલ્લો છે એની સ્પષ્ટતા નીચેની હકીકતો પરથી થશે. ધર્મ માનવજાતના આત્મામાં જ મૂળભૂત રીતે રહેલો છે; અને સમગ્ર જીવન જે અંતર્નિહિત [આત્મા] છે તેની જ બહિર્પ્રકાશના રૂપમાં ઉત્ક્રાંતિ હોવાથી ધર્મ વિવિધ લોકો અને પ્રજાઓ દ્વારા પોતાને વ્યક્ત કરે છે.”

અહીં સ્વામીજી સમજાવે છે કે બધા ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોમાં સમાનતા કેમ જોવા મળે છે. પૂર્ણત્વ અને દૈવત્વ મનુષ્યમાં અંતર્નિહિત છે. ઉત્ક્રાંતિ એટલે આ અંતર્નિહિત દિવ્યતાનો બહિર્પ્રકાશ. જેમ કે એકકોશી જીવાણુમાં જે દૈવત્વ હતું એ જ આજે મનુષ્યના રૂપમાં ઉત્ક્રાંતિ પામ્યું છે. સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પણ આ એક જ દિવ્યત્વના રૂપાંતરણ છે.

“આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે તથા તેમના રિવાજો અને જીવન જીવવાની રીતો પણ અનેક અને ભિન્ન છે. ધર્મ એ આત્માની બાબત છે અને તે જુદી જુદી પ્રજાઓ, ભાષાઓ અને રીતરિવાજો દ્વારા વ્યક્ત થાય છે. તેથી ફલિત થાય છે કે જગતના ધર્મો વચ્ચેનો તફાવત તેમની વ્યક્ત થવાની રીતમાં છે, તેમના મૂળભૂત આદર્શોમાં નથી. વળી તેમના સમાનતાના અને એકતાના મુદ્દાઓ આત્માને લગતા હોઈ, અંતર્નિહિત છે; અને આત્માની ભાષા એક છે, પછી તે પોતાને ભલે ગમે તે પ્રજામાં કે ગમે તેવા સંયોગોમાં વ્યક્ત કરે.”

આકાશમાં એક સૂર્ય છે, અને પૃથ્વી પર પાણીથી ભરેલા અનેક ઘડા રાખેલા છે. પ્રત્યેક ઘડાની અંદરમાં એક જ સૂર્ય પ્રકાશિત થાય છે. આવી જ રીતે એક જ અંતર્નિહિત આત્માનો પ્રકાશ તથા તેની દિવ્યતાની આભા બધા મનુષ્યોમાં પ્રકટિત થાય છે. હવે ધર્મો તો સમાજ, સંસ્કૃતિ, ભાષા, ખાન-પાન, રીતિરિવાજ, રહેણી-કરણી, વગેરે દ્વારા વ્યક્ત થતા હોવાથી ઉપલક દૃષ્ટિએ ભલે વિભિન્ન દેખાય પરંતુ તેઓ એક જ અંતર્નિહિત આત્માની ઉપર આધારિત હોવાથી તેમના મૂળભૂત સિદ્ધાંતો તો સમાન જ રહેવાના.

“જેમ ઘણાં અને વિવિધ વાદ્યોમાંથી નીકળતો મીઠો સ્વર-સુમેળ એક જ હોય છે, તેમ લોકો અને સંયોગો વગેરે વિવિધ હોવા છતાં આત્માના સંગીતનો સ્વર-સુમેળ એક જ હોય છે.”

આ વાત સ્વામીજી એક સુંદર ઉદાહરણ આપીને સમજાવે છે. શરણાઈ, પખવાજ, તબલાં, હારમોનિયમ, વગેરે વાદ્યો ભલે અલગ હોય પરંતુ તેમાંથી પ્રસરતી સૂર-લહેરીઓ એક સમાન જ સુમધુર હોય છે. આમ, વિભિન્ન સંસ્કૃતિઓ દ્વારા વ્યક્ત થતા વિભિન્ન ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો એક સમાન જ શુદ્ધ, પવિત્ર, અને આશીર્વાદમય હોય છે.

“હકીકતમાં વેદો દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન ધર્મગ્રંથો છે. તે કયા સમયે લખાયા અગર કોણે લખ્યા તે વિશે કોઈ કશું જાણતું નથી. વેદોના ઘણા ગ્રંથો છે. કોઈ એક વ્યક્તિએ તે બધા જ વાંચ્યા હશે કે કેમ તે વિશે મને શંકા છે. વેદોનો ધર્મ એ હિંદુઓનો ધર્મ છે અને પૂર્વના બધા ધર્મોનો એ પાયો છે; એટલે કે પૂર્વના દેશોના બીજા બધા ધર્મો વેદોમાંથી નીકળેલા ફાંટાઓ છે, પૂર્વની તમામ ધર્મપદ્ધતિઓ વેદોને પ્રમાણ તરીકે સ્વીકારે છે.

“મેં કોઈ એવો માણસ કદી જોયો નથી કે જે કાંઈ નહિ તો મારો સમકક્ષ ન હોય. હું આખી દુનિયામાં ફર્યો છું; હું ખરાબમાં ખરાબ પ્રકારના લોકોમાં, નરભક્ષકોની વચ્ચે પણ ગયો છું, છતાં મારા સમાન ન હોય તેવો માણસ મેં કદી પણ જોયો નથી.”

અર્થાત્‌, આપણે એવો અહંકાર ક્યારેય ન કરવો કે હું બીજાઓ કરતાં શ્રેષ્ઠ છું. સ્વામીજી કહે છે કે તેઓએ આખી દુનિયામાં ભ્રમણ કર્યું હોવા છતાં પોતાના કરતાં હીન વ્યક્તિને ક્યારેય મળ્યા નથી. જેમને મળ્યા હતા તેઓ કાં તો એમના કરતાં શ્રેષ્ઠ હતા અથવા એમના સમકક્ષ હતા. નરભક્ષકો પણ એમના કરતાં હીન ન હતા.

“જ્યારે હું મૂર્ખ હતો, ત્યારે હું પણ તેઓ કરે છે તેમ કરતો. ત્યારે મારામાં વધારે સમજણ ન હતી; હવે છે. અત્યારે તેમનામાં વધારે સમજણ નથી; થોડા સમય પછી તેઓ પણ વધારે સમજદાર થશે. સૌ કોઈ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. આપણે સહુ વિકાસને માર્ગે છીએ. આ દૃષ્ટિએ કોઈ એક માણસ બીજા કરતાં વધારે સારો નથી.”

અર્થાત્‌, જ્યારે સ્વામીજીમાં સમજ ઓછી હતી ત્યારે તેઓનું વર્તન એ પ્રકારનું હતું. પણ જ્યારે સ્વામીજીની સમજ વિસ્તરિત થઈ ત્યારે તેઓએ પોતાનું વર્તન પણ ઘણું ઉચ્ચસ્તરીય બનાવી દીધું. આવી જ રીતે મૂરખ માણસો આજે ભલે બેજવાબદારીપૂર્વક વર્તે, જ્યારે તેઓ સમજદાર થઈ જશે ત્યારે તેઓ પણ પોતાનું વર્તન સુધારી લેશે.

(સંદર્ભગ્રંથ: ‘Swami Vivekananda in the West, New Discoveries,’ Vol. 5. પ્રકાશક: અદ્વૈત આશ્રમ, કોલકાતા)

Total Views: 609

One Comment

  1. તુષાર વ્યાસ March 15, 2023 at 12:44 am - Reply

    ખુબ સરસ સમજ આપી

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.