(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા, તાઁર પત્ર ઓ રચનાસંગ્રહ’માંથી સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

સ્વામી રામકૃષ્ણાનંદજી સાથે વિતાવેલ મારા દિવસો હું ક્યારેય ભૂલીશ નહીં. આટલા દિવસો પછી પણ એ મારા સ્મૃતિપટે પ્રકાશી રહેલ છે. મારા સંન્યાસ્ત-જીવનની શરૂઆતમાં જ આવા એક મહાપુરુષનો સંગ મેળવી હું ધન્ય બન્યો છું.

જ્યારે હું ખૂબ જ યુવાન હતો ત્યારે મને બેલુર મઠથી મદ્રાસ મઠમાં રામકૃષ્ણાનંદજીની નિશ્રામાં સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો. તેમનો પૂજા કરવાનો વિધિ જોઈને હું મુગ્ધ બની ગયો હતો. શ્રીભગવાનનાં પાદપદ્મે એકાંત આત્મનિવેદન અને સંપૂર્ણ શરણાગતિ એમના જીવનના મૂળમંત્ર હતા. શ્રીરામકૃષ્ણ હતા તેમના જીવન-સર્વસ્વ. આવા પ્રણમ્ય વ્યક્તિનું માર્ગદર્શન મેળવવું ઉચ્ચતમ આધ્યાત્મિક સાધના છે. એમની સાથે રહેવું અને એમના વિશુદ્ધ ઉદાહરણ અનુસાર જીવન-ગઠન અને ઉન્નયન કરવું કોઈપણ વ્યક્તિ માટે દુર્લભ અવસર છે.

તેઓ મદ્રાસ શહેરમાં વિભિન્ન સ્થાને ગીતા, ઉપનિષદ, વગેરેના વર્ગ લેવા જતા. એક વાર તેઓ વક્તૃતા આપીને મઠમાં પાછા ફર્યા અને સ્વામી વિવેકાનંદના ચિત્રની સામે હાથ જોડી ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યા, “હે પ્રાણપ્રિય ભ્રાતા, શ્રીરામકૃષ્ણના યોગ્યતમ પ્રતિનિધિ તમે જ છો, અને તમે જ મને અહીં એમની વાણીના પ્રચાર માટે મોકલ્યો છે. હું માત્ર તમારા આદેશનું પાલન કરું છું. ભાઈ, તમને નિવેદન છે, ગર્વ કે અભિમાન મારા અંતરમાં પ્રવેશ ન કરે, નામ-યશની બિંદુમાત્ર આકાંક્ષા પણ મારા મનમાં ન ઊઠે. જે મહત્‌ જવાબદારી તમે મારા ઉપર ઢોળી છે, એ તમારી જ છે. આશીર્વાદ આપો, જેથી હું ઠાકુરના હાથનું યંત્ર બની એમનું કામ કરતો રહું અને મારા કર્મનું ફળ એમને સમર્પિત કરવા માટે સક્ષમ બનું. મને સર્વક્ષણ સત્‌-પથે દોરતા રહો.”

શ્રીરામકૃષ્ણ પ્રતિ રામકૃષ્ણાનંદજીના ભક્તિ-વિશ્વાસ એટલા પ્રગાઢ હતા કે પૂજા કરવાના સમયે બીજા કશાની થોડી પણ હોંશ રહેતી નહીં. જે છબીની તેઓ પૂજા કરતા એમાં ઠાકુરની જીવંત ઉપસ્થિતિનો કેવા ગભીરરૂપે તેઓ અનુભવ કરતા!

જૂન મહિનાની એક બપોરનો સમય હતો. ભોજન બાદ વિશ્રામ કરવાના સમયે રામકૃષ્ણાનંદજી ગરમીના તાપથી આકુળવ્યાકુળ બની છટપટવા લાગ્યા. એ સમયે એકાએક એમને વિચાર આવ્યો કે આ અસહ્ય ગરમીથી ઠાકુર નિશ્ચય ખૂબ જ કષ્ટ પામી રહ્યા છે. તેઓ તરત જ પોતાનું કષ્ટ ભૂલીને ઠાકુરઘરમાં જઈ હાથ-પંખાથી ઠાકુરને વ્યજન કરવા લાગ્યા. સાથે જ સુમિષ્ટ સ્વરે આવૃત્તિ કરવા લાગ્યા, “હે પ્રાણવલ્લભ પ્રભુ મારા, હે પ્રાણવલ્લભ પ્રભુ મારા.”

આમ તેઓએ લગભગ બે કલાક સુધી ઠાકુરને વ્યજન કર્યું હતું. ભક્તિપૂર્ણ હૃદયે આવૃત્તિ કરતાં કરતાં તેઓ જ્યારે વ્યજન કરી રહ્યા હતા ત્યારે પારિપાર્શ્વિક કશાની ઉપર એમની દૃષ્ટિ હતી નહીં. ગરમીની તીવ્રતા પણ તેઓ ભૂલી ગયા હતા. એક માત્ર ઠાકુરનો જીવંત પ્રકાશ જ એમના માટે સત્ય અને અનુભવ-યોગ્ય હતો.

મદ્રાસ મઠમાં રોજ અંતત: એકવાર તો શશી મહારાજનો ઠપકો સાંભળવો જ પડતો. એમની સાથે રહેવું હોય તો કામકાજ સંપૂર્ણરૂપે ભૂલરહિત હોવું જોઈએ. ખૂબ સાવધાનીથી બધું કરવું પડતું. તેઓ ઠાકુરસેવામાં બિંદુમાત્ર પણ અનિયમિતતા કે ત્રુટિ સહન કરી શકતા નહીં. પરંતુ હું ગમે તેટલો સાવધાન હોઉં કોઈને કોઈ ત્રુટિ તો થઈ જ જતી. માટે જ ઠપકો ખાવામાંથી કોઈ છુટકારો હતો નહીં.

રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) એ સમયે મદ્રાસની મુલાકાતે આવ્યા હતા. એક દિવસ એમને તેલ માલિશ કરવાના સમયે મેં કહ્યું: “શશી મહારાજની સાથે હવે મારાથી નહીં રહેવાય. તેઓ મને એટલી ગાળો આપે છે કે એ મારા માટે અસહ્ય થઈ જાય છે. હું તમારી સાથે ચાલ્યો આવીશ, અને હવેથી તમારી સાથે જ રહીશ.”

રાજા મહારાજ આ વાત સાંભળી ખૂબ દુ:ખિત થઈ બોલ્યા: “જો, ઠાકુરની ઉપર સ્નેહ નથી, માટે જ આ પ્રકારની વાત તારા મોંમાંથી નીકળે છે. આવા મહાપુરુષનો સાથ છોડીને ચાલ્યા જવાની ઇચ્છા તને કેવી રીતે થઈ? તું માત્ર શશી મહારાજની ગાળાગાળી જ યાદ રાખે છે? એમનું મહત્‌ જીવન કે આંતરિક સ્નેહ-પ્રીતિ યાદ ન રહ્યાં?”

શશી મહારાજ મને ગાળો આપતા ખરા, પરંતુ પાછા સ્નેહ પણ એટલો જ કરતા. એના અનેક ઉદાહરણો છે. અમારું સાધુ-જીવન વિશુદ્ધરૂપે ઘડાઈ ઊઠે, એ જ તેઓ ઇચ્છતા, અને એટલે જ તેઓ (નાની-મોટી ત્રુટિઓ જોઈને) ગાળો આપતા.

પણ જ્યારે જમવા બેઠા હોઈએ ત્યારે તેઓ કોઈ સારી વસ્તુ ચાખતા કે તરત જ એ અમારા પાતળમાં રાખી દેતા અને કહેતા: “ખાઈને જો, કેટલી સ્વાદિષ્ટ છે!” સારું ખાવાનું મળતાં જ તેઓ અમને ન ખવડાવે ત્યાં સુધી તૃપ્તિ અનુભવતા નહીં.

મદ્રાસ મઠમાં રાજા મહારાજ અમારી સાથે એક દિવસ પત્તાં રમવા બેઠા. એક બાજુએ તેઓ અને નિરદ મહારાજ અને સામી બાજુએ હું અને શશી મહારાજ. હું પહેલેથી જ ખૂબ સીરિયસ હતો—રાજા મહારાજને તો હરાવવા જ છે. રમત ચાલવા લાગી. પરંતુ, જોઉં છું તો શશી મહારાજની ભૂલને કારણે રાજા મહારાજ વારંવાર જીતી જાય છે. મને ઉદાસ જોઈને તેઓ ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. આ જોઈને એમને હરાવવાની મારી જીદ વધુ પાકી થઈ ગઈ. મેં શશી મહારાજને કેટલીયવાર કહ્યું: “મહારાજ, તમે થોડું સાવધાનીથી રમો ને, જેથી અંતત: એક વાર તો આપણે જીતી શકીએ.” પરંતુ વિનંતીનું કોઈ ફળ નહીં. બધાં સારાં સારાં પત્તાં શશી મહારાજને કારણે નકામા ગયાં અને અમારી ભયાનક હાર થઈ ગઈ. રાજા મહારાજ ખૂબ આનંદમાં આવી ગયા—ખાસ કરીને મારા વ્યર્થ પ્રયાસો જોઈને. મેં પણ ખૂબ નારાજ થઈને કહ્યું: “મારા એકલાથી શું થવાનું હતું? શશી મહારાજની કશી મદદ મળી નહીં.”

રમત પૂરી થયા પછી શશી મહારાજે એકાંતમાં બોલાવીને મારી ઉપર ખૂબ તિરસ્કાર કર્યો અને કહ્યું: “મહામૂર્ખ, તું તો વિધિવત્‌ જુગારી થઈ ગયો છે! એકવાર પણ જોયું નહીં કે આપણને હરાવીને તેઓ કેટલા આનંદિત થઈ જતા હતા! દેવશિશુ જેવું એ સુંદર અને પવિત્ર હાસ્ય વારંવાર જોઈને પણ મને તૃપ્તિ મળતી ન હતી.

“મહામૂર્ખ, સારાં સારાં પત્તા તો મેં જાણી જોઈને જ છોડી દીધા હતા. એમને આનંદમાં રાખવા, એ જ મારું એક માત્ર લક્ષ્ય છે. તેઓ શું સાધારણ છે! આપણા કલ્યાણ માટે જ એમનું શરીર-ધારણ છે. એમની અઢળક કૃપા તું કેવી રીતે સમજી શકીશ!”

હું તો વિમૂઢ બની ગયો. મહાપુરુષોનો પત્તા રમવામાં પણ આટલો ગભીર અર્થ હોઈ શકે એની તો મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. શશી મહારાજની રાજા મહારાજ ઉપર કેટલી ગભીર પ્રેમ-ભક્તિ હતી!

(શશી મહારાજે ઘણી મહેનત કરીને રાજા મહારાજ તથા શ્રીમા શારદાદેવીને મદ્રાસ મઠમાં આમંત્ર્યાં હતાં અને દક્ષિણ ભારતનાં તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી. એ સમયે જ એમને ક્ષય રોગ થયો હતો. ડૉક્ટરોએ એમને વિશ્રામ લેવાનું કહ્યું હતું.)

મદ્રાસથી હું બેંગલોર આવ્યો હતો. શશી મહારાજના અંતિમ દિવસો હતા. સ્વાસ્થ્ય સુધારણા માટે કોલકાતા જવાના બે મહિના પહેલાં તેઓ હવાફેર માટે બેંગલોર આવ્યા હતા. ક્ષય રોગના કારણે એમનું શરીર પૂરેપૂરું ક્ષીણ થઈ ગયું હતું. ઘણા દિવસથી સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. શ્રીશ્રીમાના મદ્રાસ આવતાં પહેલાં જ એમને ક્ષય રોગ લાગી ગયો હતો પરંતુ તેઓ સારવાર લેવા માટે રાજી થયા નહીં.

એક દિવસ એમણે કહ્યું: “મનમાં બે ઇચ્છાઓ હતી, એક વાર શ્રીમાને આમંત્રણ આપીને આ દેશના ભક્તોને એમનાં શ્રીચરણોમાં સોંપી દેવા, તથા રાજા મહારાજને એક વાર અહીંના ભક્તોના કલ્યાણ માટે લઈ આવવા. એમણે કૃપા કરીને મારી બંને ઇચ્છાઓ પૂર્ણ કરી છે. હવે આ શરીર રહ્યું કે ગયું!” (કોલકાતા જવાના થોડા સમય બાદ જ એમણે મહાસમાધિ પ્રાપ્ત કરી હતી.)

Total Views: 455

2 Comments

  1. Rajesh Makwana June 5, 2023 at 4:35 pm - Reply

    Shri Maa, Jai Shri Ramkrishna, Jai Swamiji.

  2. Jigar Joshi June 5, 2023 at 10:10 am - Reply

    Jai Maa! Jai Sri Ramakrishna! Jai Swamiji! 🙏🏻🕉🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.