ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં તા. ૨૧મી જુલાઈ, ૧૯૧૧ના રોજ જન્મેલા શ્રી ઉમાશંકર જોશી ગાંધીયુગના એક શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકાર હતા. તારીખ ૧૯મી ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ ૭૭ વર્ષની ઉંમરે ફેફસાંના કેન્સરની જીવલેણ બીમારીને કારણે તેમનું મુંબઈમાં દુઃખદ અવસાન થયું.

આ ૭૭ વર્ષની સફર દરમિયાન તેઓ અમદાવાદમાં અભ્યાસ અર્થે ગુજરાત કૉલેજમાં જોડાયા બાદ તરત જ ૧૯૩૦માં ગાંધીજી પ્રણિત સ્વદેશી આંદોલનમાં જોડાઈ ગયા, જેના કારણે તેમને અનેક વખત જેલમાં જવું પડ્યું અને કારાવાસ ભોગવવો પડ્યો. ગાંધીજીના સ્વતંત્રતા આંદોલનમાં સંપૂર્ણ રીતે સહયોગ કર્યો હોવા છતાં તેઓ ગાંધીજીને વધુ વાર મળી શક્યા ન હતા.

૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં વધુ અભ્યાસ અર્થે દાખલ થયા અને ફરી અભ્યાસ શરૂ કર્યો. તેઓ માત્ર કવિ જ ન હતા, પરંતુ નવલકથાકાર, લઘુકથા લેખક પણ હતા. તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં ૧૯૩૯માં તેમણે પ્રાપ્ત કરેલ ગુજરાતનો સૌથી ગૌરવશાળી પુરસ્કાર ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ પણ સામેલ છે. આ ઉપરાંત ૧૯૪૭માં ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ૧૯૬૮માં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ તેમજ ૧૯૭૩માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મુખ્ય છે. આ સિવાય પણ અનેક પુરસ્કારોને તેમણે શોભાવ્યા છે.

૧૭ વર્ષની ઉંમરે મિત્રો સાથે માઉન્ટ આબુમાં નખી તળાવને કિનારે બેસી પ્રકૃતિ સાથે તન્મય થઈ સહજ અંતઃસ્ફુરણાથી તેમની કલમમાંથી શબ્દો ટપકી પડ્યા “નખી સરોવરે શરદપૂર્ણિમા”. આ તેમનું પ્રથમ કાવ્ય હતું, જે ખૂબ પ્રસિદ્ધ થયું અને તેમની કવિ તરીકેની ખ્યાતિમાં અભિવૃદ્ધિ થઈ.

સાહિત્ય ક્ષેત્રે ૧૯૪૪ થી ૧૯૪૬ દરમિયાન ગુજરાતી સાહિત્યના સૌથી જૂના માસિકપત્ર ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદનકાર્ય કર્યું. ૧૯૪૬માં પોતાની માસિકપત્રિકા ‘સંસ્કૃતિ’ શરૂ કરી અને તેમના દેહાંતના ચાર વર્ષ પહેલાં સુધી, ૧૯૮૪ સુધી તેનું સંપાદનકાર્ય કરતા રહ્યા. તેઓ ‘વાસૂકી’ અને ‘શ્રવણ’ ઉપનામથી પણ લેખનકાર્ય કરતા. ૧૯૫૫માં તેમણે ‘ગંગોત્રી ટ્રસ્ટ’ બનાવ્યું, જેના દ્વારા તેઓ અનેક સેવાકાર્યો પણ કરતા રહ્યા.

૧૯૫૪માં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે નિયુક્ત થયા, અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા ૩૦મી નવેમ્બર, ૧૯૬૬માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા. ૧૯૬૮માં તેઓ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પ્રમુખ બન્યા, તેમજ ૧૯૭૮થી ૧૯૮૨ સુધી તેઓએ સાહિત્ય અકાદમીના પ્રમુખપદને શોભાવ્યું. ૧૯૭૦માં તેમને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આમ તેમનું જીવન અત્યંત કર્મશીલ, વ્યસ્ત અને લોકસેવાને સમર્પિત હોવા છતાં તેમનું ગુજરાતી સાહિત્ય પ્રત્યેનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

શ્રી ઉમાશંકર જોશીએ અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અને તેનું એક પ્રદર્શન જુલાઈ, ૨૦૧૮માં ગુજરાતી સાહિત્ય પરિષદે યોજ્યું હતું. તેમનાં પ્રખ્યાત સર્જનો ‘નિશીથ’, ‘ગંગોત્રી’ તથા ગાંધીજીનાં આંદોલનનો ઉલ્લેખ જેમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે એ ‘વિશ્વશાંતિ’, ‘મહાપ્રસ્થાન’, ‘વિસામો’ વગેરે સામેલ છે.

‘વિશ્વશાંતિ’ કાવ્ય તત્કાલીન ગાંધીયુગીન વાતાવરણ તેમજ માનવસંસ્કૃતિનો વૈશ્વિક સંદર્ભ લઈને રચાયેલું ખંડકાવ્ય છે. ઉમાશંકરે ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાવા માટે 19મા વરસે અભ્યાસ છોડ્યો અને સત્યાગ્રહી તરીકે વીરમગામ છાવણીમાં જઈને રહ્યા. તે પછી સત્યાગ્રહમાંની તેમની સક્રિયતાને કારણે સાબરમતી તથા યરવડાની જેલયાત્રા કરવાની થઈ. જેલવાસે તેમને આધ્યાત્મિક જીવનદીક્ષા આપી.

તેમણે અનેક દેશોની યાત્રા કરી હતી. ૧૯૫૨માં નિમંત્રણને માન આપી એશિયન દેશોના પ્રવાસ દરમિયાન અનેક પ્રવચનો આપ્યાં. ૧૯૫૬માં અમેરિકા અને યુરોપના દેશોમાં ભ્રમણ કર્યું. આ ઉપરાંત, ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ ખેડ્યો. આમ તેઓ માત્ર ગુજરાતના જ ન હતા, પરંતુ સમગ્ર વિશ્વના હતા, વિશ્વપ્રવાસી હતા. તે સમયે વૈશ્વિક ચિંતન, વૈશ્વિક કલ્યાણની ભાવના તેમના ઉદાર મનમાં રમી રહી હતી અને તેથી તેઓ ‘વિશ્વમાનવી’ બની ગયા હતા.

તેઓ શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામી વિવેકાનંદ દ્વારા અનુપ્રાણિત હતા. તેઓ રાજકોટ આશ્રમની વારંવાર મુલાકાત લેતા. ૧૯૬૬થી ૧૯૭૫ દરમિયાન પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટ આશ્રમના અધ્યક્ષ હતા, તે સમયે શ્રી ઉમાશંકરભાઈ તેમને મળ્યા હતા અને આત્મસ્થાનંદજી મહારાજના વ્યક્તિત્વથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ સ્વામી વ્યોમાનંદજી મહારાજ જ્યારે રાજકોટ આશ્રમના અધ્યક્ષ હતા, ત્યારે તેમના આમંત્રણને માન આપીને શ્રી ઉમાશંકર જોશીએ આશ્રમમાં કેટલોક સમય નિવાસ પણ કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક કાર્યક્રમમાં તેમણે આપેલું વક્તવ્ય તેમના જ શબ્દોમાં જોઈએ:

“આ આશ્રમ સાથે હું કેટલાંક વર્ષોથી ગૂઢ રીતે પણ આત્મીયભાવે જોડાયેલો છું. સ્વામી આત્મસ્થાનંદજી અહીં હતા ત્યારે એમને અવારનવાર મળવાનું થતું. એમનાથી હું બહુ જ પ્રભાવિત થયો હતો. એમના વ્યક્તિત્વથી, એમના વ્યક્તિત્વના પોતથી. બહુ મુલાયમ, સંસ્કારી, સ્વસ્થ અને જ્ઞાતા પુરુષનો પરિચય, એમને મળતાંની થોડી ક્ષણોમાં જ થતો. એક વખત આવીને અહીં રહી પણ ગયો હતો. પાંચ-સાત વર્ષ પહેલાં હું કન્યાકુમારી ગયો હતો. ખડક પર ગયો. (ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં આ સ્થાને (શિલા પર) સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી.) ધ્યાનકક્ષમાં બેઠો; એકાગ્રતાની થોડી બક્ષિશ છે; અને ઊભો થયો સ્વામી વિવેકાનંદ પાસેથી કવિતાની એક પંક્તિ લઈને “શુદ્ધ કર, પ્રબુદ્ધ કર, યુદ્ધ અર્થે…” અને ખડકથી પાછો આવ્યો.”

સત્-અસત્, સદ્‌ગુણો-દુર્ગુણો વચ્ચે આપણી અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં જો વિજય પ્રાપ્ત કરવો હોય તો મનને શુદ્ધ કરો, પ્રબુદ્ધ કરો. આમ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને કર્મયોગ, એ ચારેયના સમન્વયની વાત તેમણે પોતાના પ્રવચનના અંતે કહી હતી.

આમ, શ્રી ઉમાશંકર જોશી આધ્યાત્મિક પ્રવણ હતા. એક ઉચ્ચ કોટીના સાધક, ઉચ્ચ કોટીના વિદ્વાન, વિચારક અને ઉચ્ચ વિચારસરણી ધરાવનાર તથા શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદથી અભિભૂત થયેલા ગાંધીયુગના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા.

સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી

કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ. આ બધાનું અધ્યયન કરવું હોત તો શરૂઆત ક્યાંથી કરી શકાય?
સ્વામીજીનાં ચાર પુસ્તકો રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ વાંચી જાઓ. પછી થોડાં ધ્યાન, પ્રાર્થના, અધ્યયન-ચિંતન, સેવા વગેરે જીવનમાં લાવો. આમ ધીરે ધીરે આગળ વધી શકાય.

ફોનનું Addiction-લત હોય તો તે કેવી રીતે દૂર કરવું?
એક સિદ્ધાંત આપું છું, જે સફળ થવાની ફોર્મ્યુલા છે. ‘Start with the Minimum, Practice the Easiest’. જે કંઈ તમે છોડવા માગતા હો, તેમાં ધીરે ધીરે આગળ વધો.

એકલતાને દૂર કરવા શું કરવું જોઈએ?
વિવિધ સેવાકાર્યોમાં પોતાની જાતને જોડવી. સ્વામીજીના ‘શિવજ્ઞાને જીવસેવા’ના સૂત્રને જીવનમાં ઉતારી એકલતા દૂર કરી શકાય.

Total Views: 438

One Comment

  1. નિકુંજ મહેતા July 18, 2023 at 8:45 pm - Reply

    Namaskar,
    Pleased to read an article about Shri Umashankar Joshi.
    A truly dedicated for country and inspiration for all.
    Giving best contribution to Gujarati text ( સાહિત્ય ) ગદ્ય અને પદ્ય.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.