ॐ ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्॥१॥
जगत्याम्, આ જગતમાં; यत् किम् च, જે કંઈ પણ; जगत्, પરિવર્તન પામે તેવું, નાશવંત; इदम् सर्वम्, આ બધું; ईशावास्यम्, ઈશ્વર વડે આચ્છાદિત થયેલું; तेन, તેથી; त्यक्तेन, ત્યાગપૂર્વક; भुञ्जीथाः, પુષ્ટ થા (એટલે કે ઈશ્વર બધે ઠેકાણે અને બધામાં છે એવી રીતે તારી ચેતનાને સબળ બનાવ); कस्यस्विद् धनम्, કોઈનું ધન, સંપત્તિ સમૃદ્ધિ તરફ; मा गृधः, લોભાઈશ નહિ.
આ પરિવર્તનશીલ જગતમાં બધું જ બદલાયા કરે છે. છતાં બધું જ ઈશ્વરથી આચ્છાદિત થયેલું છે. ત્યાગનું પરિશીલન કરો અને આત્મચૈતન્યમાં શક્તિવાળા બનો. અન્યની સમૃદ્ધિ તરફ દોડો નહિ. (૧)
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे॥२॥
कर्माणि कुर्वन एव, (મનુષ્યે) શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેનાં કર્મો કરતાં કરતાં જ; इह, અહીં, આ પૃથ્વી ઉપર; शतम् समाः, સો વરસ; जिजीविषेत्, જીવવાની ઇચ્છા રાખવી જોઈએ; एवम्, આ પ્રકારે; त्वयि नरे, તારામાં હે મનુષ્ય; कर्म न लिप्यते, તારાં કર્મોનાં ફળોનું વળગણ તને રહેશે નહિ; अन्यथा न अस्ति બીજો કોઈ રસ્તો નથી.
માણસે શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણેની પોતાની ફરજો બજાવતાં જ રહીને સો વરસ સુધી જીવવાની ઇચ્છા કરવી જોઈએ. હે મનુષ્ય! જો તું આ રીતે તારી ફરજો બજાવતો રહીશ, તો તું જે કંઈ કર્મો કરે છે, તેનાં ફળો તને વળગશે નહિ. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. (૨)
(ઈશ ઉપનિષદ)
Your Content Goes Here