(સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્‌’ના સંપાદક હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

तस्मात् सर्वात्मना तात निगृहाण मनो धिया।
मय्यावेशितया युक्त एतावान् योगसङ्ग्रह:॥

અર્થાત્‌ મારે વિશે સ્થાપેલી બુદ્ધિથી યુક્ત થઈ તમે સર્વ પ્રકારે મનને વશ કરો, કારણ કે આટલું જ યોગનું સ્વરૂપ છે. (ભાગવત. ૧૧.૨૩.૬૦) ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવને આ ઉપદેશ આપ્યો.

ધ્યાન અર્થાત્‌ Reflection (પ્રતિબિંબ). ‘ચેમ્બર્સ ડિક્સનેરી’ અનુસાર આ શબ્દની વ્યુત્પત્તિ સંભવતઃ લેટિન શબ્દ-રૂપ ‘Mederi’ પરથી અંગ્રેજી શબ્દ ‘Meditation’ થઈ છે. જેનો અર્થ થાય સાજું-નરવું કરવું કે થવું. તેથી ‘Meditation’ એ મૂળભૂત રીતે સારવારનું વિજ્ઞાન છે. મોટાભાગની બીમારીઓ માનસિક અને શારીરિક હોય છે, વળી મૂલતઃ સર્વથા માનસિક હોય છે. પ્રાથમિક રીતે સારવાર માટે જે અંગભૂત બાબતની આવશ્યકતા છે તે છે મન. તેથી ધ્યાન યોગ સાથે એકરૂપ છે, જેની વ્યાખ્યા ‘માનસિક પરિવર્તનો’ના અટકાવ, અવરોધ કે અગમચેતીના સંદર્ભમાં થાય છે. માનસિક પરિવર્તનો કે રૂપાંતરણો સર્વ વ્યાધિઓનું મૂળ કારણ છે અને તેનું નિરાકરણ કે નિર્મૂલન છે યોગવિજ્ઞાન.

આત્મ-જાગ્રતિ એ યોગનું ધ્યેય છે અને તેનું સાધન છે ધ્યાન. ધારણા માટે યોગ-પદ્ધતિમાં વપરાતો શબ્દ છે ધ્યાન. ધ્યાનની તીવ્રતા અને કાર્ય-સાધકતાની વિવિધ કક્ષાઓ અને સોપાનો છે, જે ધ્યાન, ધારણા અને સમાધિ એવાં નામે ઓળખાય છે. વિપરીત વિચારોનો બાધ કરીને ધ્યેય-વસ્તુ પર મનને સ્થિર કરવું એ પદ્ધતિનું નામ છે ધારણા. જ્યારે વિચાર-પ્રવાહ સ્થિર અને ગહન બને છે, તેને ધ્યાન કહેવાય છે. જ્યારે માત્ર ધ્યાનની વિષય-વસ્તુ જ ટકી રહે છે અને બાકીનાનો સર્વાંશે બાધ થાય છે તે સમાધિ કહેવાય છે. સમાધિ સાધ્ય છે, જ્યારે બાકીની બે પદ્ધતિઓ છે.

ધ્યાનમાં ત્રણ બાબતો છેઃ ધ્યાન કરનાર (ધ્યાતા), ધ્યાનની પદ્ધતિ અને ધ્યેય-વસ્તુ. અલબત્ત, કોઈપણ પ્રકારના ધ્યાનમાં પ્રથમ બે બાબતો નિશ્ચિત છે. ભેદની શક્યતા છે માત્ર ધ્યેય-વસ્તુ કે ધ્યેય-પદાર્થમાં. અહીંયાં, ધ્યેય-પદાર્થમાં વાસ્તવિક ભેદ હોઈ શકે નહીં, પરંતુ તેની અવધારણા કે માન્યતા અંગેનો ભેદ હોઈ શકે.

જ્યારે કોઈ ‘ભાગવત અનુસાર ધ્યાન’ એમ કહે છે ત્યારે તેનું તાત્પર્ય માત્ર ધ્યેય-વસ્તુ અંગેનું હોય છે. કારણ કે ધ્યાનમાં, તે ભાગવત અનુસાર હોય કે પતંજલિનાં યોગસૂત્રો મુજબ હોય, ધ્યાન કરનાર અને ધ્યેયની પદ્ધતિ તો એક સમાન જ રહે છે. ધ્યેય-વસ્તુમાં ભેદ હોઈ શકે. યોગસૂત્રો આ માટે પરમાત્મા, દીપશિખા, સંતપુરુષ અને એવી ધ્યેય-વસ્તુઓ સૂચવે છે. ભાગવત તેને અનંત પર્યંત વિસ્તરિત કહે છે અને સાથે સાથે પરમ, સર્વોચ્ચ વિભૂતિને ધ્યેય-વસ્તુઓ રૂપે સ્વીકારવાનો નિર્દેશ કરે છે.

ધ્યાન આધ્યાત્મિક જીવનનો પ્રાણ છે. ધ્યાન વિનાનું જીવન લગામ વિનાના ઘોડા કે સઢ વિનાની નૌકા જેવું છે. યોગવિજ્ઞાનને પતંજલિએ પૂર્ણતા બક્ષી છે. દરેક પ્રકારના સાધકોએ પોતાની ધ્યેય-સિદ્ધિ અર્થે યથોચિત પરિવર્તનો સાથે પદ્ધતિઓનો સ્વીકાર કર્યો છે. સર્વ બાબતોના આક્રમણનો વિષય છે મન. તે સૂક્ષ્મતર જડદ્રવ્યમાંથી આત્મા દ્વારા ઉત્ક્રાંત થયેલ આંતરિક ઉપાદાન છે. સૂક્ષ્મતર દ્રવ્ય સ્વયં-પ્રકાશિત આત્મા સાથે સંયોજિત થતાં જીવંત બને છે અને પોતાના પિતા એવા આત્મા અને માતા એવી પ્રકૃતિ અર્થાત્‌ દેહ સાથે લીલા કરે છે.

જો કે આ મન આત્માના સંનિષ્ઠ સેવક બનવા નિર્માણ પામ્યું હતું પરંતુ તે નિર્લજ્જપણે વર્ત્યું અને તેનાં ભૌતિક જનની-જનકની માગણીઓ સંતોષવાનું શરૂ કર્યું અને પરિણામ સ્વરૂપે આત્મા અનંત દુઃખ અને વ્યાધિઓથી ઘેરાઈ ગયો. આ વિદ્યુત ગોળામાંના વિદ્યુત-તાર જેવું છે, જે સ્વયંને પ્રકાશિત હોવાનું માને છે. યથાર્થપણે જ મનને મદ્યપાન કરેલ ઉન્મત્ત વાનર સાથે સરખાવાયું છે. આવા વાનરની સાથે કામ પાર પાડવાનું છે. વિચિત્ર બાબત તો એ છે કે મન વીરનાયક અને ખલનાયક, એમ બંને એકી સાથે છે. મનને એણે પોતે જ, પોતાને નાથવા માટે કેળવવાનું છે. આ લગભગ અશક્ય અને ઘણું કરીને અત્યંત સંતાપજનક કાર્ય છે. ‘મનને સંયમિત કરવું એ વાયુને નાથવા સમાન દુષ્કર કાર્ય છે’ —એવી અર્જુનની તુલના એકદમ સાચી છે. આ કાર્યમાં સમાહિત જોખમને શ્રીકૃષ્ણે સ્વીકૃતિ આપી છે, સાથે ને સાથે, હકારાત્મક અને આશાવાદી ઉપાય પણ સૂચવ્યો છે. મનને સંયમિત કરવાની પ્રક્રિયા ધીમી, સ્થિર અને દીર્ઘકાલીન છે. ‘થોભો અને રાહ જુઓ’ એ તેનો મૂળમંત્ર છે. સફળતાનું રહસ્ય ધૈર્ય અને સ્થૈર્યમાં સમાયેલું છે. આધ્યાત્મિક જીવનમાં સાધ્ય કરતાં તેને સાધિત કરવાની પદ્ધતિ વધુ મહત્ત્વપૂર્ણ ગણાય છે. એક વાર ધ્યેય નિશ્ચિત થયું, પછી તેને વ્યક્તિ ભૂલી શકે, એટલે પછી સમગ્ર ધ્યાન ‘સાધન’ પ્રતિ પરિલક્ષિત કરવું જોઈએ. સાધકને લાગેવળગે છે ત્યાં સુધી, દીર્ઘકાલીન સંઘર્ષ જ સાધ્ય બની જાય છે.

વાનરને પોતાના સ્વામીના આદેશનું પાલન કરવાનું શીખવવામાં આવે છે. મનને એ બાબતે સજાગ કરવાનું છે કે તે માત્ર સેવક છે અને સ્વામી તેનો ઉપરી છે. જ્ઞાનમાર્ગમાં મનને પરમસત્તા અર્થાત્‌ અગમ્ય સત્તા પર અવસ્થિત કરવાનું હોય છે. વ્યાખ્યા અનુસાર પરમસત્તા મનથી પર છે. મનને આવા ‘અનંત’ને ગૃહીત કરવાનું કહેવું એ અશક્ય બાબત છે. ભાગવત ઉપદેશે છે કે જ્ઞાનીજન પણ પથચ્યુત થઈ જાય છે, પતંજલિ ઉપદિષ્ટ માર્ગ પદ્ધતિસરનો હોવા છતાં તેમાં સિદ્ધ થવું અશક્ય છે, કારણ કે બધી જ પૂર્વશરતોની પૂર્તિ કરવી એ લગભગ અસંભવ છે. મન સાથેનો સંઘર્ષ એ સીમા પરના મોરચા-યુદ્ધ જેવું છે. ભાગવતમાં આ માટેનો સરળ અને અસરકારક માર્ગ છે.

ધ્યાનનું સારભૂત-તત્ત્વ છે એકાગ્રતા. એ સર્વવિદિત છે કે મન પોતાના પ્રિય, પસંદગીયુક્ત પદાર્થોમાં શીઘ્રતાપૂર્વક એકાગ્ર બને છે. ઇન્દ્રિયવિષયો પ્રલોભક છે અને મન સ્વાભાવિકપણે તેના તરફ આકર્ષિત થાય છે. મનને તેનાથી વિશેષ પ્રલોભન આપો અને તે સ્વયંભૂપણે તે દિશામાં ખેંચાઈ આવશે. પ્રબળ જળપ્રવાહને એકદમ અવરોધવાનો પ્રયત્ન કરવાને બદલે તેના ઉપરના ભાગે પ્રવાહ વાળી દઈને જળનિયંત્રણ દ્વારા યંત્રની મદદથી વિદ્યુત અને ઊર્જા બંને ઉત્પન્ન કરો. આ પદ્ધતિનું ભાગવત સૂચન કરે છે અને તેથી તે લોકપ્રિય અરજ છે. ભાગવત મનની આવશ્યકતાઓ અને મર્યાદાઓને લક્ષમાં લે છે તેથી ખરું જોતાં તે મનોવૈજ્ઞાનિક અભિગમ છે.

अस्ति भाति प्रियं रूपं नाम चैतन्यंश पंचकम्।
आद्यत्रयं ब्रह्म रूपं जगद् रूपं ततो द्वयम्॥

અસ્તિત્વ, જ્ઞાન, પરમાનંદ, રૂપ અને નામ— ‘પૂર્ણત્વ’ના આ પાંચ અંગભૂત ઘટકો છે. પ્રથમ ત્રણ બ્રહ્મ છે, અને છેલ્લા બે છે પરિવર્તનશીલ જગત. તત્ત્વચિંતનની દૃષ્ટિએ જગત માયા કહેવાય છે. મન વ્યષ્ટિ માયા છે. તે માયાના રાજ્યમાં ક્રીડા કરે છે. તેનું ક્ષેત્ર છે ઇન્દ્રિયગોચર જગત. માયિક આવરણથી બ્રહ્મને સજ્જિત કરવાથી તે મનને ગોચર બને છે. સચ્ચિદાનંદને નામ-રૂપ પ્રદાન કરો, મન તેનું આસ્વાદન કરી શકશે. તેથી જ નારદે બ્રહ્મસૂત્રોના રચયિતા વ્યાસને ઈશ્વરના અવતારોનાં લીલા-ગાન કરવાનું કહ્યું હતું. ભાગવત ધ્યાન કરવા માટે ઈશ્વરનાં અનેકાનેક રૂપો પ્રસ્તુત કરે છે—બધાં જ સર્વોત્કૃષ્ટ, અને પરમ આકર્ષક. એટલું જ નહીં, ભાગવત માનવીય ભાવાવેશોને મુક્તપણે વિલાસ કરવાની છૂટ આપે છે.

દિવ્યતા પ્રતિ ભાવોદ્રેકને વાળવો તેનું નામ ભક્તિ. ઈશ્વર સાથેના કોઈપણ પ્રકારના ભાવ-સંબંધને ભાગવત અનુમોદન આપે છે—પિતૃભાવ કે માતૃભાવ, ભ્રાતૃભાવ કે વાત્સલ્યભાવ, મધુરભાવ કે વીરભાવ—દિવ્યસત્તા સાથેના કોઈપણ જાતના ભાવ-સંબંધોનો ભાગવત સ્વીકાર કરે છે. ના, એટલું જ નહીં, ઈશ્વર સાથેના વેરભાવનો પણ સ્વીકાર કરવામાં આવે છે. ભાગવતમાંનાં બધાં અસુર-પાત્રો ઈશ્વર પ્રત્યે ગહન ભક્તિ ધરાવતાં હતાં અને તેમનો દેખીતો વેરભાવ એ ઈશ્વરનાં ચરણોમાં મજ્જિત થઈ જવાની તેમની અધીરાઈની અભિવ્યક્તિ છે. તેમના વેરભાવની તીવ્રતા કદાચ વૃંદાવનની ગોપીઓના મધુરભાવની તીવ્રતાને પણ અતિક્રમી જાય છે.

વ્યક્તિગત ભાવ-સંબંધ બાંધવાનો ફાયદો એ છે કે મન અવરોધ વિના, નિરંતર ઈશ્વર સાથે જોડાયેલું રહે છે. આવું ધ્યાન સ્વયં-સ્ફૂરિત, સહજ-સરળ અને અખંડ બનશે. આવો ભક્ત નિરંતર ઈશ્વરના સાન્નિધ્યમાં રહે છે. આ માર્ગમાં કોઈ ઔપચારિકતા નથી. આ ખુલ્લી આંખે કરાતું ધ્યાન છે. જ્યાં જ્યાં તેની નજર ફરે છે, ત્યાં ત્યાં તે પોતાના પ્રિયતમને ભાળે છે. ગોપીઓ સર્વદા દિવ્ય પ્રેમોન્માદમાં જ મત્ત રહેતી. શુકદેવ નિત્ય પરમશાંતિમાં વિરાજિત રહેતા હતા. નારદ સર્વકાળ દિવ્યપ્રેમના નશામાં ચકચૂર રહેતા હતા. પ્રહ્‌લાદ નિરંતર પરમાનંદમાં મગ્ન રહેતા હતા.

એમ કહેવાય છે કે બાળપણમાં માતાપિતાનું દેહાવસાન થયું હોવાથી મહાન ભક્ત-કવયિત્રી મીરાંનો ઉછેર તેમનાં દાદા-દાદીએ કર્યો હતો. તેમના દાદા પરમ ભક્ત હતા. તેઓ ઈશ્વરનાં નામ-ગાન કરતાં કરતાં નૃત્ય કરતા અને ધ્યાનમગ્ન બની જતા. નાની કન્યા મુગ્ધ થતી અને વિમાસણ અનુભવતી. તેણે પોતાના દાદાને પૂછ્યું કે તેઓ શા માટે ઘણી વાર બૂમો પાડે છે અને કૂદે છે અને બાકીનો સમય અડગ બેસી રહે છે. નાનકડી બાળકીને ભક્તિનું રહસ્ય કેવી રીતે સમજાવવું?

તેમણે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે તેઓ પ્રાર્થના કરે છે અને ધ્યાન ધરે છે. મીરાંએ જાણવા માગ્યું કે પ્રાર્થના કરવી એટલે શું અને ધ્યાન ધરવું એટલે શું? તેના દાદાએ કહ્યું, ‘આપણે જ્યારે ઈશ્વર સાથે વાર્તાલાપ કરીએ છીએ ત્યારે તે પ્રાર્થના છે અને ઈશ્વર જ્યારે આપણી સાથે વાતચીત કરે છે ત્યારે તે ધ્યાન છે.’ મીરાંનું સમગ્ર જીવન પોતાના આત્મા અને પોતાના પ્રિયતમ સાથેના નિરંતર સંવાદરૂપ હતું. મીરાંનો માર્ગ ભાગવત-માર્ગ છે—આત્માનું પરમાત્મા સાથેનું નિરંતર તાદાત્મ્ય.

જ્યારે દુઃખી માણસ પોતાનું બુદ્ધિચાતુર્ય ઈશ્વર પ્રતિ વાળી દે છે અને પોતાની ચિંતા અને વ્યથા ઈશ્વરનાં ચરણે ધરી દે છે, પોતાની ફરિયાદો ઈશ્વરના હાથમાં અર્પી દે છે ત્યારે તેની પ્રાર્થના તેની સહાયે આવે છે. આ છે આત્માના ઈશ્વર સાથેના સંભાષણની સ્થિતિ. જ્યારે માણસ પૂર્ણપણે અસહાયતા અનુભવે છે અને જીવતદાન માટે આક્રંદ કરી ઊઠે છે ત્યારે ઈશ્વર પોતાનું પ્રવેશદ્વાર ખોલી દે છે અને મનુષ્ય અવાચક બની જાય છે. આ છે ધ્યાનની વિભિન્ન સ્થિતિઓ.

ભાગવતના અગિયારમા સ્કંધના ૨૩મા અધ્યાયમાં એક બ્રાહ્મણની કથા આવે છે, તે અત્યંત કંજૂસ હતો અને સર્વેનો તિરસ્કારપાત્ર હતો. દુર્ભાગ્યે તે સાવ નિર્ધન બની ગયો અને લોકોના અત્યાચારનો ભોગ બન્યો. આવા કડવા અનુભવોથી તેને બોધપાઠ મળ્યો અને શાંત તેમજ ધીર-ગંભીર બની ગયો. તેના મનોપરિવર્તનનું અતિ મનોહર અને તાત્ત્વિક શબ્દચિત્ર આલેખાયું છે. ઘણી બધી બાબતો ઉપરાંત તે કહે છે, ‘મારા દુર્ભાગ્ય માટે નથી તો લોકો, નથી તો ઈશ્વર, નથી તો દૂતો, નથી તો ગ્રહ-તારા, નથી તો વિધાતા, નથી તો કાળ—કોઈ દોષિત નથી. મન જ મુખ્ય કારણ છે અને જીવનનું ચક્ર મનના કારણે જ ઘૂમ્યા કરે છે. તે તીવ્ર વાસનાઓને જગાડે છે. જીવ મનને વળગે છે અને સંસારમાં જકડાઈ જાય છે. ઉપવાસ અને જાગરણ, દાન અને પરોપકાર, શુદ્ધિ અને નિર્ધનતા—આ બધાંનો એકમાત્ર ઉદ્દેશ છે મનનો સંયમ, કારણ કે મનનો સંયમ એ સર્વોત્તમ યોગ છે. મનનો સંયમ થાય, પછી શી આવશ્યકતા છે દાન-ધર્મ અને બીજાં સત્કર્મોની? અને જો સંયમમાં ન હોય તો પછી દાન-ધર્મ અને એ બધાંની શી ઉપયોગિતા? બધા દેવો મનના સંયમને આધીન છે, મન કોઈના સંયમ હેઠળ નથી. મન રુદ્રદેવ છે, બળવાનોનુંય બળવાન. મન જેને અધીન છે, તે સાચે જ દેવોનોય દેવ છે. આ ચંચળ શત્રુને નાથ્યા વિના મનુષ્ય અધમ રીતે પરિજનોના સકંજામાં પડે છે. દેહ સાથે તાદાત્મ્ય સાધીને—જે મનનું જ ષડ્‌યંત્ર છે—મનુષ્ય અપાર અંધકારમાં ભટક્યા કરે છે. પ્રાચીન ઋષિઓએ જે માર્ગે પ્રસ્થાન કર્યું છે, તે માર્ગનું હું વરણ કરીશ. હું ઈશ્વરનાં ચરણકમળની આરાધના કરીશ અને અગાધ સંસાર-સાગરને તરી જઈશ.’

મનની સાધારણ ક્રીડાભૂમિ છે ઇન્દ્રિય-જગત. તેને કંઈક વિશેષ શુભ અને મધુરકર આપો, તે ત્યાં આકર્ષિત થશે.

विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषज्जते।
मामनुस्मरतश्चित्तं मय्येव प्रविलीयते॥

અર્થાત્‌ ‘વિષયોનું ધ્યાન કરતા મનુષ્યનું ચિત્ત જેમ વિષયમાં આસક્ત થાય છે, તેમ મારું ચિંતન કરતા મનુષ્યનું ચિત્ત મારામાં જ લીન થાય છે.’ (ભાગવત ૧૧.૧૪.૨૭)

શ્રીકૃષ્ણે ઉદ્ધવને આ ઉપદેશ આપ્યો. ભાગવત પ્રબોધિત ધ્યાનની આ પદ્ધતિ છે. ધ્યાન પ્રત્યે સાધકનું વલણ હતોત્સાહજનક હોય છે, કેમ કે મનને કોઈપણ પ્રકારનો સંયમ કે બંધન પસંદ હોતાં નથી. તો પછી મનોવૃત્તિને ભક્તિથી મધુર કરો એટલે ધ્યાન મધુર અને સ્વાભાવિક બનશે. પ્રહ્‌લાદે પોતાના મિત્રોને કહ્યું હતું, ‘પરમાત્માને રાજી કરવા દુષ્કર નથી કેમ કે તે સર્વાન્તર્યામી છે અને સર્વત્ર દૃશ્યમાન છે.’ તે પ્રેમપૂર્ણ નેત્રોથી સર્વત્ર પરમાત્માને જોતો. પ્રહ્‌લાદને તેના આચાર્યોએ પૂછ્યું કે તેનું મન પરમાત્મા પ્રત્યે કોણે વાળ્યું, ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો, ‘જેમ લોહકણો લોહચુંબક પ્રતિ આકર્ષિત થાય છે, તેમ મારું મન સુદર્શનચક્રધારીનાં ચરણકમળ પ્રતિ આકર્ષિત થાય છે.’ જ્યારે ધ્યાનને પ્રેમનું રસપાન કરાવાય છે ત્યારે તે સહજ, મધુર અને મનોરમ બને છે; ત્યારે તમે વ્રજના અલૌકિક બાળને સર્વત્ર ક્રીડા કરતો જોશો. તમારા મનને વૃંદાવન સાથે જોડો, તમને શ્રીકૃષ્ણનું વેણુ-વાદન સંભળાશે. તમે તેને નિષ્ઠાપૂર્વક પ્રેમ કરો, તમે નિત્ય તેના સંગે વાસ કરશો અને તેના સંગે ક્રીડા કરશો.

कोमलम्‌ कूजयन वेणुम्‌ श्यामलोयम कुमारका।
वेद वेद्यं परम ब्रह्म भासताम् पुरतो मम॥

શ્યામવપુધારી અને સર્વવેદોનો આત્મા, તે ગોપબાળ, મારી સમક્ષ મધુર બંસીવાદન કરતો કરતો નૃત્ય કરેઃ આ છે ભક્તની પ્રાર્થના, આવાં દર્શન માટે તે તલસે છે. આવું છે ભાગવત-પ્રબોધિત-ધ્યાન—મધુરતમ તેમજ નિત્ય લીલાલીન અને નિત્ય પરમાનંદપૂર્ણ પરમાત્માનું અનુધ્યાન.

ગોપીઓની જેમ તમારા કર્ણને વૃંદાવન પ્રતિ માંડો, વેણુ દ્વારા શ્રીકૃષ્ણનું નિમંત્રણ સંભળાશે. નારદની જેમ સર્વવશકારી પ્રેમ સાથે તમારી હૃદય-વીણાનો ઝંકાર કરો, હરિ તમારા હૃદયાસને દોડી આવશે. પ્રહ્‌લાદની માફક તમારો આત્મા પૂર્ણ વિકસિત કરો, તમે પરમાત્માને સર્વત્ર નીરખશો. શ્રીશુકદેવની જેમ પરમાત્માનું ધ્યાન ધરો, તમને હરિનું નિત્ય સાન્નિધ્ય સાંપડશે.

ધ્યાનની પૂર્ણાહુતિ છે આધ્યાત્મિક જાગરણ અને તેની ભાષા છે મૌન. પ્રશાંતિ છે તેનો આત્મલક્ષી સંતોષ અને કોપયુક્ત તેમજ નટખટ સ્મિત છે દૃશ્યમાન સંકેત. ઋષિઓ વદે છે, ‘શાંતિ બ્રહ્મ છે.’

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.