(ગતાંકથી આગળ)

ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું

સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ છે. સામાન્ય લોકોની દૃષ્ટિ માટે તેઓ અદૃશ્ય રહે છે. કોઈ સદ્‌ભાગી માનવીને જ તેમાંના કોઈ જોવા મળે. ‘ત્રણ શતકો’ (નીતિ, શૃંગાર અને વૈરાગ્ય પરના)ના ખ્યાતનામ કર્તા અને જૂનાગઢના રાજા ભર્તુહરિ અને બાજુના જ રાજ્યના રાજકુમાર ગોપીચંદ- બંને ગુરુ ગોરખનાથના સહપાઠી શિષ્યો હતા. એક વાર સોળ વર્ષની વયે ગોપીચંદ શાહી હોજમાં સ્નાન કરીને શરીર લૂછી રહ્યા હતા, તે સમયે તેમના વાંસા પર ગરમ પાણીનાં બે ટીપાં પડ્યાં હોય તેવું લાગ્યું. તેઓ એકદમ પાછું ફરીને ઉપર જુએ છે તો, ઉપરના ઝરૂખામાંથી તેના પર દૃષ્ટિ કરી રહેલી માતાનો તેમણે ઉદાસ ચહેરો જોયો. દીકરો એકદમ માતા પાસે દોડીને ગયો અને માતાની આંખોમાં આંસુ આવવાનું કારણ પૂછ્યું. ઘણી પૃચ્છાને અંતે, તેમની માતાએ પોતાનું મન મોકળું કરી કહ્યું, ‘હે વહાલા પુત્ર! મને એવા વિચારથી ગ્લાનિ થઈ કે, તારું આ સોના સરખું શરીર દુન્યવી સુખોપભોગોથી નકામું વેડફાઈ જશે.’ પુત્ર માતાના પગમાં પડ્યો અને ત્યાં ને ત્યાં, તે જ સમયે તેણે પ્રતિજ્ઞા કરી કે, તે દુન્યવી સુખોના મૃગજળ પાછળ કદી પણ નહીં દોડે અને તે ત્યાગી જીવનનો સ્વીકાર કરશે. તેથી મા, પુત્રને ગુરુ ગોરખનાથ પાસે લઈ ગઈ. જેમણે તેનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો, પણ એક વર્ષ માટે માની છત્રછાયા નીચે રાખવા એને પાછો સોંપ્યો. માએ સમય થતાં તેને પાછો ગુરુને સોંપ્યો. ગોપીચંદ ગોરખનાથના શિષ્ય બન્યા. અને પછી તેમને સહપાઠીરૂપે ભર્તુહરિ મળ્યા. ગોપીચંદ એક મહાન સંન્યાસી બન્યા અને ભર્તુહરિ ઘરે પાછા ફર્યા. થોડાં વર્ષો તેમણે રાજ્ય કર્યું અને ત્યાર બાદ તેઓ પણ ત્યાગી બની સંન્યાસી બન્યા. ગુરુએ બંનેને ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું. બંને સંન્યાસીઓએ એકસાથે લાંબો સમય તીર્થયાત્રાઓ કરી. આ બંને અને ગિરનારના અન્ય જ સિદ્ધો-તમામ ચિરંજીવી-શિવરાત્રિએ તળેટીમાં આવેલા ભવનાથના શિવમંદિરે એકત્રિત થાય છે, એવું માનવામાં આવે છે. હજારો યાત્રાળુઓ અને સાધુ સંતો પર્વતના આ મહાદેવનાં પૂજન-અર્ચન અર્થે એ દિવસે ત્યાં ભેગા થાય છે. આ બંને સંન્યાસીબંધુઓ, ગમે તે રૂપ ધારણ કરી ત્યાં ફરતા હોય છે અને તેથી જ બધા સાધુ સંતો પ્રતિ ખૂબ આદર અને પૂજ્યભાવથી જોવામાં આવે છે.

ખૂબ ખૂબ થાકેલા અમે યજમાનને ઘરે પાછા ફર્યા. યજમાનના પુત્ર ઉદયને, આજ્ઞાકારી શિષ્યની માફક ગરમ પાણીથી પગ ઝારી આપ્યા અને પગને રાહત આપી. થોડા કલાકો તો પૂરેપૂરા પથારીમાં જ આરામ કરવો જરૂરી હતો. જૂનાગઢમાં પ્રાણીઓનું એક નાનું સંગ્રહસ્થાન છે. ત્યાં ઘણા સિંહ, વાઘ અને જંગલી પશુઓ છે. સ્વચ્છ પરિસરમાં તેમને રાખવામાં આવે છે અને તેમને સારી રીતે ખાવાનું આપવામાં આવે છે.

જય સોમનાથ

નવેમ્બરની ૧૭મીએ વહેલી સવારે, અમારા ભલા યજમાનની વિદાય લઈ, હું બસ દ્વારા સોમનાથ જવા ઊપડ્યો અને બપોરે એ પવિત્ર ધામે પહોંચ્યો. સર્વશક્તિમાન ભગવાનના નિવાસ સ્થાનની ભૂમિને અરબી સમુદ્રનાં મોજાં જોરથી પખાળી રહ્યાં હતાં અને ઠંડા વાયરા બપોરની સખ્ત ગરમીથી રાહત પહોંચાડતા હતા. સોમનાથનું મંદિર તેની લાંબી દુ:ખદ કથાની યાદ આપે છે.

બહુ પ્રાચીન સમયથી જ સોમનાથ એક પવિત્ર ધામ ગણવામાં આવતું. ઋગ્વેદમાં એક સ્તુતિ છે. (૯.૧૩.૫) તેમાં ભગવાન સોમેશ્વરનો, પૂર્વની ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં ઉપાસક ચંદ્ર, પોતાને અમરત્વ પ્રદાન કરવા માટે પ્રાર્થે છે. ચંદ્ર વડે એની પ્રતિષ્ઠા થઈ છે, તેથી એ સ્થળ ‘સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું. એ સ્થળ જ્યાં આવેલું છે તેને પ્રભાસ પાટણ કહેવામાં આવે છે. ચંદ્રદેવે (સોમે) પ્રજાપતિ દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે વિવાહ કર્યા હતા. એ સર્વે અતિ સુંદર હોવા છતાં, સોમને રોહિણીમાં વિશેષ આસક્તિ હતી. જેથી સ્વાભાવિક રીતે જ, તેનાથી બીજી પત્નીઓના મનમાં ઈર્ષ્યાવૃત્તિ પેદા થઈ. તેઓએ પિતા દક્ષ પાસે ફરિયાદ કરી. દક્ષે સોમને, દરેકને એકસરખો પ્રેમ આપવા સલાહ આપી. તે સંમત તો થયો. પરંતુ એ પ્રમાણે લાંબો સમય ચાલ્યું નહિ. એ વચનપાલનમાં નિષ્ફળ ગયો. દક્ષે શાપ આપ્યો. તેથી તેની કળા ઓછી થવા લાગી. સોમના આ રોગને રોકે તેવો કોઈ ઉપાય નહતો. દેવો ચોંકી ઊઠ્યા. તેઓએ દક્ષને શાપ પાછો ખેંચી લેવા વિનંતી કરી. સોમ પોતાની બધી પત્નીઓ પર સરખો પ્રેમ રાખે, તે સંગમ સ્થાને સ્નાન કરી, સરસ્વતી જ્યાં સાગરને મળે છે ત્યાં મહાદેવની પૂજા કરે, તો તે શરતે, આ શાપ પાછો ખેંચી લેવા તેઓ સંમત થયા. જો એ શરતોનું પાલન થશે તો, સોમની કળા એક પખવાડિયું વધશે ને બીજા પખવાડિયામાં તેની કળા ઘટશે. પછી રોહિણી સાથે સોમે એ પવિત્ર સ્થળે આવીને, ૪૦૦૦ વર્ષ સુધી મહાદેવની આરાધના કરી. સોમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેને દર્શન આપ્યાં અને વરદાન આપ્યું કે, એની કળા દર મહિને એક પખવાડિયું વધતી રહેશે. સોમે પોતાનો પ્રકાશ આ સ્થળે, પુનઃ પ્રાપ્ત કર્યો, તેથી આ સ્થળ પ્રભાસ (પ્રકાશની ભૂમિ) તરીકે ઓળખાવા લાગ્યું. મહાદેવની પૂજા માટે એ સ્થળે એક મંદિરની સ્થાપના કરવા બ્રહ્માએ, સોમને પ્રેરિત કર્યો, સોમના ભગવાન, સોમ વડે પ્રતિષ્ઠા પામેલા ભગવાન શિવ, ‘સોમનાથ’ તરીકે ઓળખાવા લાગ્યા. આમ, ઘણા પ્રાચીન સમયથી સોમનાથ ભગવાન શિવની આરાધનાનું કેન્દ્ર બનેલું છે.

સોમનાથની લૂંટફાટ અને પુનરુત્થાન

આ સ્થળનો પૌરાણિક સંબંધ તો ભવ્ય અને ગૌરવશાળી છે, પરંતુ તેનો ઐતિહાસિક અંતર્ભાગ ગ્લાનિયુક્ત અને તાણ કરે તેવો છે. આ ભૂમિનો ઇતિહાસ, ધર્મ પ્રત્યે વેરવૃત્તિ રાખતી, ધર્માંધ લાલચુ લૂંટારુ ટોળીઓના હાથે અવારનવાર લૂંટાયેલ અને ભ્રષ્ટ થયેલી ભૂમિની કથા છે. એમ માનવામાં આવે છે કે, આશરે બે હજાર વર્ષ પૂર્વે અસલ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું. સાતમી સદીના મધ્ય ભાગમાં બીજું મંદિર બાંધવામાં આવ્યું હોવાનું મનાય છે. મૂળ મંદિર જીર્ણ-શીર્ણ થઈ ગયું હશે, જેથી પુન: બાંધકામ કરવાની જરૂરત ઊભી થઈ હશે. આઠમી સદીની શરૂઆતનાં વર્ષોમાં પ્રથમ પચ્ચીસીમાં આરબ લોકોએ સૌરાષ્ટ્ર પર આક્રમણ કર્યું અને કદાચ તેમણે સોમનાથના મંદિરને જમીનદોસ્ત કર્યું.

નાશ પામેલા મંદિરના સ્થાને રાતા પથ્થરની ઈમારત ઊભી થઈ. ૧૦૨૬ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે મહમદ ગઝનીએ સોમનાથ પર હુમલો કર્યો. કિલ્લો રા માંડલિકની હકૂમત નીચે હતો. સંરક્ષકો બહાદુરીપૂર્વક લડ્યા. તુર્ક લોકો સામે લડતા-લડતાં ૫૦ હજાર યોદ્ધાઓ મરાયા. મહમદની જીત થઈ. તેણે મંદિરમાં પ્રવેશ કર્યો. શિવલિંગના ટુકડે ટુકડા કર્યા અને લૂંટ ચલાવ્યા બાદ, મંદિરને બાળ્યું.

થોડા સમય બાદ, કદાચ અણહિલવાડ પાટણના ચાલુક્ય રાજાઓએ, મંદિર ફરી બંધાવ્યું. કુમારપાળના શાસન દરમ્યાન, એક શ્રદ્ધેય ભાવ બૃહસ્પતિએ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, એની ઇમારતમાં ઉમેરો કર્યો અને ફરતી ગઢની દીવાલો બંધાવી. સોમનાથની આ પાંચમી આવૃત્તિ ગણાય છે. તેરમી સદીના અંત:ભાગમાં અલ્લાઉદ્દીન ખીલજી સૌરાષ્ટ્ર તરફ વળ્યો, અને પ્રભાસ આવ્યો. રાજપૂતોએ મંદિરના રક્ષણ માટે સખ્ત મુકાબલો કર્યો. પરંતુ તેમનો પરાજ્ય થયો. લડતાં લડતાં, તેઓ મરાયા. આક્રમણકારોએ મંદિર ભાંગ્યું અને મંદિરની મૂર્તિના ટુકડે ટુકડે કર્યા.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી સી. એ. દવે

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.