મહાત્મા ગાંધીજીનું ઘર

અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન અંકિત કરવામાં આવ્યું છે. તેમનાં માતા-પિતાની છબી દીવાલ પર જોઈ શકાય છે. ઘરની લગોલગ જ, રાષ્ટ્રપિતાનું સુંદર સ્મારક ‘કીર્તિમંદિર’ છે. ત્યાં તેમના જીવનના વિવિધ મહત્ત્વના પ્રસંગો દર્શાવતા કેટલાક ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સ્થળ મુલાકાતીને રોમાંચિત કરી દે છે, જ્યારે તે યાદ કરે છે કે, આ દૂબળા પાતળા માનવીએ ભારતીયોને આત્મસન્માન આપ્યું અને તે તેમની મુક્તિનો ઘડવૈયો હતો.

ત્રણ વાર ધન્ય થયેલું પોરબંદર

અક્ષરશ: ત્રણ વાર પોરબંદર ધન્ય બન્યું. પહેલું-પહેલું તો એ સુદામાનું જન્મસ્થળ છે. બીજું, સ્વામી વિવેકાનંદ ઘણો સમય અહીં રહ્યા. ત્રીજું, આ એ જ સ્થળ છે, કે જેણે ભારતને અને જગતને ગાંધીજી આપ્યા. ખરેખર તો, આ ત્રણ ધુળિયા ધુરંધરો માટે પોરબંદર ગર્વ લઈ શકે છે : (૧) ગરીબીમાં જન્મેલા ચીંથરેહાલ સુદામા માટે (૨) આધ્યાત્મિક આદર્શો માટે ભગવો ઝભ્ભો ધારણ કરનાર વિવેકાનંદ માટે અને, (૩) ઉચ્ચ વર્ગમાં જન્મ્યા હોવા છતાં જનસામાન્ય સાથે ઓતપ્રોત થવા માટે ખરબચડાં કપડાં પહેરી લેનાર ગાંધીજી માટે. આ ત્રણેય ચીંથરેહાલ વિભૂતિઓને વંદન હજો!

મુક્તિપુરી દ્વારિકા

બીજે દિવસે નવ વાગ્યે પોરબંદરથી બસમાં ઊપડીને બપોરે દ્વારિકા પહોંચ્યો. દ્વારકા! હકીકતે, તે દ્વાર-સ્વર્ગ પ્રવેશ માટેનું નાનકડું ખુલ્લું દ્વાર છે. નાનકડું એટલા માટે છે કે, તેમાં પ્રવેશ માત્ર એક જ હરોળમાં થઈ શકે છે, નહિ કે તે સાંકડું છે માટે. અનેકને બોલાવવામાં આવે છે, થોડાંને પસંદ કરવામાં આવે છે. સર્વશક્તિમાન ભગવાનનું રાજવી નિવાસસ્થાન દ્વારકા પશ્ચિમના દરિયાકાંઠે આવેલું છે. તેની સન્મુખ અસીમ મહાસાગર છે, તો પાછળ સીમિત પૃથ્વી અને આ બંને વચ્ચે આ દેવમાનવ ઊભો છે. સીમિત માનવીઓ આ અસીમની ઝાંખી, માત્ર તે દેવમાનવના ન સમજી શકાય તેવા વ્યક્તિત્વમાં અને તેની શાશ્વત વાણી ગીતા દ્વારા કરી શકે. એ ભગવાન મોઢા પર અકળ હાસ્ય સાથે, રાજવી આભા અને શાનથી ઊભા છે. દેવાલયના ગર્ભગૃહ પરનો મિનારો સાત સ્તરવાળો અને ૧૪૦ ફૂટ ઊંચો, પાંચ સ્તરવાળો અને ૬૦ સ્તંભો પર આધારિત ગુંબજવાળો એક વિશાળ મંડપ છે. ત્રણ ફૂટ ઊંચી ચતુર્ભુજ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે. એ મૂર્તિ ચાંદીથી મઢેલ આરસની બેઠક પર ઊભી છે.

હું સીધો જ મંદિરમાં ગયો. મેં પ્રાર્થના કરી. અમૂલ્ય અલંકારોથી ભગવાન શણગારાયેલા છે. મંદિર વિશાળ છે અને પ્રકાશથી દેદીપ્યમાન છે. ઈષ્ટ દેવનાં દર્શનાર્થે ટોળેટોળાં આગળના ભાગમાં ધસારો કરે છે. ભક્તો દર્શન કરી દિવ્ય ભાવનો આસ્વાદ માણે છે. મૂર્તિ સામે એકીટશે જુએ છે, જાણે તેઓ ત્યાંથી દૃષ્ટિ પાછી ખેસવવા જ માગતા નથી. પરંતુ લોકોનાં ટોળાં ભગવાન સન્મુખ તમને લાંબો સમય ઊભવા ન દે. પોતાના હૃદયમાં જ ભગવાનને રાખીને, નારાજ થઈને કોઈ પણ વ્યક્તિને ત્યાંથી ખસી જવું પડે છે. પ્રાર્થના બાદ હું વ્યવસ્થાપક શ્રી શંકરભાઈ બેટાઈને મળ્યો. તેમના ઘરે જઈ મેં સ્નાન કર્યું. ભોજન લીધું અને થોડી વાર આરામ કર્યો.

દ્વારકા બે છે; એક તળભૂમિ પર, ગોમતી નદીના મુખ બાજુ અને બીજું, મૂળ દ્વારકાથી ત્રીસ માઈલ દૂર આવેલા ઓખા બંદર પાસે દરિયામાં ચાર માઈલ આવેલા બેટ પર છે. ભાગવતના મતાનુસાર (૧૧, ૩૧, ૨૩) સમુદ્ર ભગવાનના નિવાસસ્થાન સિવાયની દ્વારકાને ગળી ગયો હતો. અર્જુન આવીને યાદવકુળની સ્ત્રીઓને અને શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજને ઈંદ્રપ્રસ્થ દોરી લઈ ગયા. મથુરાના રાજા તરીકે વજનો અભિષેક કરવામાં આવ્યો. (ભાગવત ૧, ૧૫, ૩૯) તેથી બેટ દ્વારકા કે ટાપુ પરનું દ્વારકા, જે જેનું આજે અસ્તિત્વ છે, તે સમુદ્રથી રક્ષાયેલું, શ્રીકૃષ્ણનું મૂળ નિવાસસ્થાન ગણાય છે અને મૂળ તળભૂમિ પરનું દ્વારકાનું મંદિર શ્રીકૃષ્ણની રાજ્ય વ્યવસ્થાતંત્રનું પાટનગર હોવાનું ગણવામાં આવે છે. ભાગવતના મતાનુસાર સાગરે આ સ્થળને નિમજ્જિત કરી દીધું. કાં તો, સાગર પાછો હટી જતાં, એ જ જગાએ અથવા તો મૂળ જગાથી નજીકમાં નજીક, ગોમતી પર આજનું મંદિર પાછળથી બાંધવામાં આવ્યું હતું. દંતકથા એવી છે કે, આજનું દ્વારકાધીશનું મંદિરે વજે બંધાવ્યું હતું, તે ઘણી પ્રાચીન ઈમારત દેખાય છે.

એક લીલા

એક વાર ભગવાન શ્રીકૃષ્ણ એક ભક્તને ખાતર પોતાની જાતે જ છૂપી રીતે પલાયન થઈ ગયા, ચોરાઈ ગયા. એ ભક્ત બોડાણો, એક ગરીબ માણસ હતો. તે ક્ષત્રિય જાતિનો હતો અને ગુજરાતના ખેડા જિલ્લાના આણંદ પાસે આવેલા ડાકોરનો વતની હતો. જૂનાગઢના નરસિંહ મહેતા પછીની એક સદી બાદ એ થઈ ગયો. બોડાણો દ્વારકાધીશનો મહાન ભક્ત હતો. તેના ઘરથી દ્વારકા લગભગ પાંચસો માઈલ દૂર હતું. તે પોતાની જમણી હથેળીમાં તુલસીનું બીજ વાળીને, પગે ચાલી દ્વારકા જવા નીકળતો અને એકાદશીને દિવસે દ્વારકા પહોંચી, પોતાની હથેળીમાંનાં તુલસી-પત્રોથી શ્રીકૃષ્ણની પૂજા કરતો. આવી યાત્રા વર્ષો સુધી ચાલી. તે વૃદ્ધ થતાં આટલા દૂરને અંતરે યાત્રા કરી શકે તેમ નહોતો. તેણે ભગવાનને કોઈ એવી વ્યવસ્થા કરવા પ્રાર્થના કરી છે, જેથી તે ઘર આગળ જ ભગવાનની પૂજા કરી શકે. ભગવાને તેને પોતાની સાથે ગાડું લઈને, ફરી આવવા કહ્યું : તેણે પોતાના પાડોશીઓ પાસે ગાડું માંગ્યું. પણ આ દીનને-દીવાનાને કોણ ગાડું આપે? કોઈકે તેની મજાક કરવા તૂટેલું ગાડું આપ્યું. વળી બીજાએ, એવા જ હેતુથી, ખખડી ગયેલા બળદોની જોડી આપી. બોડાણો આ ઊછીનું ગાડું લઈ દ્વારકા જવા ઊપડ્યો. તેણે ગાડું હંકારવું શરૂ કર્યું પરંતુ ચાલ્યું નહિ. કારણ કે તેનાં પૈડાં ચૂં ચૂં અવાજ કરતાં હતાં. જ્યારે તેણે ગમે તેમ રોડવવા પ્રયાસ કર્યો ત્યારે જમણી બાજુનો બળદ ફસડાઈ પડ્યો. જ્યારે એ બેઠો થયો, તો બીજી બાજુનો ફસડાઈ પડવાનો વારો હતો. જેવું બંને બળદોએ ગાડું ખેંચ્યું તો ધરી તૂટી. તેને સરખી કરીને તેણે આગળ ચલાવ્યું. ખેંચતાં કે ધક્કો મારતાં, દિવસ પૂરો થયો ત્યારે તે માંડમાંડ હજુ તો ગામની ભાગોળે જ પહોંચ્યો હતો.

થાકેલા ને ત્રસ્ત થયેલા, તેણે ફરિયાદ કરી, ‘હે ભગવાન! આ રીતે તો હું તમારા સુધી કેમ કરી પહોંચીશ?’ બધી ચિંતા ભગવાનને સોંપી, તેણે ઝાડ નીચે લંબાવ્યું અને તે ઊંઘી ગયો. બીજે દિવસે સવારે જેવી તેણે આંખો ખોલી, તો જોયું કે પોતે અને તેનું ગાડું દ્વારકામાં હતાં. તેને મધરાતે મંદિરમાં જવાનો નિર્દેશ થયો. તે ગયો. બારણાં આપોઆપ ઊઘડી ગયાં. ચોકિયાતો નિદ્રાધીન હતા. પોતાના હાથમાં ભગવાનને ઉપાડી લેવાની તેને આજ્ઞા થઈ. તેણે તે મુજબ કર્યું. ભગવાનને ગાડામાં મૂક્યા અને પલક વારમાં તો તે દ્વારકાધીશ સાથે ગોમતી કુંડ નજીકના પોતાના ગામ ડાકોરમાં પાછો આવી ગયો હતો.

વહેલી સવારે, દ્વારકામાં પૂજારીએ જેવું મંદિર ઉઘાડ્યું, તો જોયું કે, મૂર્તિ ગાયબ! ગાંડી શોધખોળ થઈ. ટ્રસ્ટીઓએ પગેરું દબાવ્યું અને ડાકોરમાંથી ચોર ખોળી કાઢ્યો. તેઓએ બોડાણાની ઊલટ તપાસ કરી. તેણે એટલું જ કહ્યું, ‘માત્ર ભગવાન જ જાણે છે કે, તેઓ પોતે ક્યાં છે!’ શોધખોળ કરનારાઓએ આખરે ભગવાનને એક ખાબોચિયામાંથી શોધી કાઢયા. શોધખોળ માટે ખોદકામ કરતાં ભાલો ભગવાનના ખભામાં ખૂંચી ગયો અને લોહી વહેવા લાગ્યું. તેઓએ મૂર્તિ ઊચકવા પ્રયત્ન કર્યો પરંતુ ઊચકી શક્યા નહિ. તેઓએ કેટલીય કોશિશ કરવા છતાં મૂર્તિ હલી નહીં. આ આખાય બનાવ પાછળ કોઈ દૈવી રહસ્ય હોવાની તેઓને શંકા થઈ. તેમની અક્કલ કામ કરતી નહોતી. તેઓએ મૂર્તિના વજન બરોબર સોનું માંગ્યું. મૂર્તિના બદલામાં સોનું તો ગરીબ બોડાણા કઈ રીતે આપી શકે? તેની ધાર્મિક વૃત્તિ ધરાવતી પત્નીએ પોતાની નાકની ‘વાળી’ (નથ)ને મૂર્તિ સામે તોલવા સૂચન કર્યું. બોડાણાએ મૂર્તિ એક પલડામાં મૂકી અને બીજા છાબડામાં તુલસી-પત્ર પર નથડી મૂકી અને આશ્ચર્ય! નથડી મૂલું છાબડું નમતું થયું. પંચે નથડી લઈને ચાલતા થવા હુકમ કર્યો. તેઓ ચાલ્યા ગયા. ભગવાન બોડાણાના ઘરમાં જ રહ્યા. સમય જતાં ડાકોરમાં તેના ઘર ફરતું, દ્વારકાના મંદિર જેવડું મોટું એક સુંદર મંદિર શ્રીવલ્લભાચાર્યના અનુયાયીઓએ બંધાવ્યું.

હવે એવી વાત ફેલાઈ કે, ભગવાન દ્વારકામાંથી ભાગી છૂટ્યા છે અને યાત્રાળુઓએ ત્યાં યાત્રાએ જવાનું બંધ કર્યું. વહીવટકર્તાઓ અને પૂજારીઓ ચિંતા કરવા લાગ્યા. તેઓ ભૂખે મરવાની અણી પર હતા. તેઓએ ભગવાનને બધું બરોબર કરવા પ્રાર્થના કરી. તેમને એવું સ્ફૂટ થયું કે નવ માસ બાદ ભગવાન દ્વારકામાં સાવિત્રીકુંડમાં દેખાશે. તેમને અસંદિગ્ધ રીતે કહેવાયું કે, ઉતાવળ કરવી નહિ. તેઓએ તો રાહ જોયા જ કરી. છએક મહિના પસાર થયા અને તેઓ અધીરા બન્યા. તેઓએ તળાવમાં તપાસ કરી. મૂર્તિ તો ત્યાં હતી પરંતુ તેની આંખો નહોતી. તેઓએ બીજી આંખો બેસાડી અને મૂર્તિને તેની અસલ જગાએ પધરાવી. આજની મૂર્તિ આંખો સિવાય બરોબર અસલ મૂર્તિ જેવી જ હતી. બોડાણાના કૃષ્ણના હાથ પર ભાલાની નિશાની હજી પણ છે. બોડાણા હવે સંત અને શ્રદ્ધેય પુરુષ તરીકે સ્વીકૃતિ પામ્યા છે. કંસના કારાગૃહમાં જન્મ ધારણ કરીને, ભગવાને સૌ પ્રથમ કાર્ય પોતાના પિતા વાસુદેવને પોતાને છૂપી રીતે નંદ રાજાના ગોકુળમાં લઈ જવા સલાહ આપવાનું કહ્યું હતું. એટલે એના એ પરાક્રમનું પુનરાવર્તન એક ભક્તને ખાતર કરે તેમાં કોઈ આશ્ચર્ય નથી.

દુર્વાસાની દ્વારકાની રાજયાત્રા

આરામ કરી બપોરે ત્રણ વાગ્યે, યજમાનના પુત્ર નીલેશ્વર સાથે જુદાં જુદાં પવિત્ર સ્થળોની મુલાકાતે જવા ઘોડાગાડીમાં નીકળ્યો. મેં સિદ્ધેશ્વર શિવની પૂજા કરી. સિદ્ધેશ્વર આ સ્થળના પૂર્વકાલીન અધિપતિ હોવાનું જણાય છે. નજીકમાં જ જે કૂવામાંથી હાલની શ્રીકૃષ્ણની મૂર્તિ પ્રાપ્ત થઈ હતી તે સાવિત્રીકુંડ આવેલો છે. એક સુંદર આધુનિક ગીતા-મંદિર પણ છે. જો મંડપમાં ઊભા રહી હાથથી તાળી પાડવામાં આવે તો સતત પ્રતિધ્વનન-નાદ સાંભળી શકાય છે. કદાચ આ શ્રુતિગમ્ય સ્થાપત્ય આજે પણ શ્રીકૃષ્ણના પાંચજન્મ શંખના નાદનો પ્રતિધ્વનિ કરે છે. અમે એકાદ માઈલ દૂર આવેલા રુકમણિના મંદિરે હંકારી ગયા.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી સી. એ. દવે

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.