(૨૦૨૨ના મધ્‍યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે આપ્યું હતું. હું પોતે થોડું ઘણું ભાષાંતર કરતો રહું છું, માટે મને એક અંદાજ છે કે કેટલા સમયમાં કેટલું ભાષાંતર થઈ શકે એમ છે. એમાં પણ હિંદીમાંથી હોય તો થોડું ઝડપી થાય અને અંગ્રેજીમાંથી હોય તો થોડું ધીમે થાય. આ એક તો અંગ્રેજી પુસ્તક અને એમાંય તેનાં ૮૨૩ પૃષ્ઠ. એટલે એક-બે મહિના પહેલાં મેં એમને પૂછ્યું હતું કે, “હર્ષદભાઈ ભાષાંતર કેટલે સુધી આવ્યું?” ત્યારે મેં અપેક્ષા રાખી હતી કે ૨૦૦-૩૦૦ પૃષ્ઠ થયાં હશે. જ્યારે હર્ષદભાઈએ ઉત્તર આપ્યો કે, “ભાષાંતર પૂરું થઈ ગયું છે અને હવે ટાઈપિંગ અને પ્રૂફ રીડિંગ ચાલે છે,” ત્યારે હું આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો. માત્ર એક વર્ષના ગાળામાં આટલા મોટા અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર કરવું એ સહજ વાત નથી. હર્ષદભાઈએ કેટલા મનોયોગપૂર્વક આ શુભકાર્ય કર્યું હશે એ આપણે હવે સમજી શકીએ છીએ.

આ ભગીરથ કાર્ય કરીને હર્ષદભાઈએ શ્રીમા શારદાદેવીના ખોબે ખોબા ભરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હું આશા રાખું છું કે ગુજરાતી વાચકો પણ આ પુસ્તકનો પાઠ કરીને શ્રીમાનાં જીવન અને ઉપદેશરૂપી આશીર્વાદમાં સહભાગી બનશે.

૩ જાન્યુઆરી, ૨૦૨૪ શ્રીમા શારદાદેવીની જન્મજયંતી ઉપલક્ષે આપણે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ “શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા” eBookના સ્વરૂપમાં પ્રકાશિત કરીએ છીએ. જો માની ઇચ્છા હશે તો આ પુસ્તકને છાપીને વાચકોના હાથમાં પણ આપીશું. – સં.)

રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં ‘They Lived with God’, ‘God Lived with Them’, ‘How to Live with God’, ‘Sri Ramakrishna – A Divine Life in Pictures’ જેવાં અનેક અંગ્રેજી તેમજ અન્ય બંગાળી પુસ્તકોનું અમૂલ્ય પ્રદાન કરનાર સ્વામી ચેતનાનંદ ‘વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈસ, અમેરિકા’ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે.

તેઓએ ઉપલબ્ધ ૨૨ જેટલા માતૃ-સાહિત્યના વિભિન્ન સ્રોતરૂપી મહોદધિનું મંથન કરીને ‘Sri Sarada Devi and Her Divine Play’ નામના ગ્રંથનાં ૮૨૩ પૃષ્ઠોમાં મધુર માતૃરસનો સંચય કરી દીધો છે. પ્રસ્તુત પુસ્તકમાં શ્રીમા શારદાદેવીના દિવ્ય જીવન વિષયક ઉપલબ્ધ આધારભૂત વિપુલ સામગ્રીનું સુસંકલન જોવા મળે છે. તે અંગ્રેજી પુસ્તકનું ‘શ્રીમા શારદાદેવી અને તેમની દિવ્યલીલા’ એ નામે ગુજરાતી ભાષાંતર eBook સ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. અહીં એ પુસ્તકની પ્રકરણ-વાર સમીક્ષા કરવામાં આવી છે. આ સમીક્ષાનું આચમન કરીને, પ્રેરિત થયેલ વાચક સમગ્ર ગ્રંથમાં અવગાહન કરવા ઉન્મુખ થશે એવી આશા રાખીએ છીએ.

પ્રથમ પ્રકરણમાં परमा प्रकृतिના આવિર્ભાવ અને મહાતીર્થધામ સમા જયરામવાટીના પ્રાકૃતિક પરિવેશનું વર્ણન છે.

અવ્યક્ત પરાશક્તિ કેવી રીતે नररूपधरा બન્યાં તેનું વિવેચન પ્રકરણ-૨માં છે. પછીના પ્રકરણ-૩માં આવે છે ‘ગદાધર’ અને ‘શારદા’ના પાણિગ્રહણ અને દિવ્યદંપતીના યુગલ જીવનના પ્રારંભિક દિવસોની ગાથા. લગ્નના થોડા દિવસ બાદ ગદાધર—શ્રીરામકૃષ્ણ પોતાના અવતારકાર્યની લીલાભૂમિ દક્ષિણેશ્વર ચાલ્યા ગયા. ઈશ્વર-આરાધનામાં મત્ત અને મગ્ન બનેલા પોતાના પતિદેવને લોકો ‘પાગલ પૂજારી’ કહે છે. એ સાંભળીને શ્રીમા શારદા ઈ.સ. ૧૮૮૨ના માર્ચ માસના મધ્‍યભાગે દક્ષિણેશ્વર ગમન કરે છે તેની કથા પ્રકરણ-૪માં વાંચવા મળે છે.

દક્ષિણેશ્વર નિવાસકાળ દરમિયાન શ્રીમાની ૧૮ વર્ષની વયે શ્રીરામકૃષ્ણદેવે ષોડશીપૂજા કરી હતી તેનું વિશદ વર્ણન પ્રકરણ-૫માં જોવા મળે છે. પ્રકરણ-૬ અત્યંત રોચક છે. તેમાં વિવેચન છે—૫૦ ચોરસ ફૂટના ૮’ x ૬’નું ક્ષેત્રફળ ધરાવતા નોબતખાનામાં શ્રીમાનો નિવાસ, શ્રીમાનો રોજિંદો નિત્યક્રમ, પોતાના સ્વામીની પરિચર્યા, સ્વામી દ્વારા તેમનું સાંસારિક અને આધ્‍યાત્મિક પ્રશિક્ષણ. શ્રીમાનો દૈનિક નિત્યક્રમ વાચકને પોતાના જીવનઘડતરમાં અતિ ઉપયોગી નીવડે તેમ છે. આ સમયગાળામાં શ્રીમાએ જે આધ્‍યાત્મિક સાધના કરી હતી અને પોતાનાં સંગિનીઓ—ગોલાપમા, યોગિનમા, ગોપાલમા, ગૌરીમા—સાથે વાસ કર્યો હતો તેનું વિવેચન છે.

શ્રીરામકૃષ્ણ સાથેના સહજીવનકાળનાં શ્રીમાએ અનેક સંસ્મરણો વિભિન્ન સમયે કહી સંભળાવ્યાં હતાં. તેનું સુસંકલન પ્રકરણ-૭માં પ્રાપ્ત થાય છે. દક્ષિણેશ્વરની દિવ્ય જીવનલીલાનાં ૩૦ વર્ષ પૂર્ણ થતાં શ્રીરામકૃષ્ણ ગળાના કેન્સરની સારવાર નિમિતે શ્યામપુકુર પ્રયાણ કરે છે. શ્રીમા પણ તેમના સંગે દક્ષિણેશ્વરથી વિદાય લે છે, તેને સંકલિત પ્રસંગો પ્રકરણ-૮માં આલેખિત કરાયા છે.

હવે આવે છે, શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલાનો દિવ્ય અભિનય. તેઓ શ્યામપુકુરથી ૧૧ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ કાશીપુર જાય છે. આ સમયગાળામાં શ્રીમા પતિની સેવા-શુશ્રૂષા અર્થે તેમની સાથે કષ્ટપૂર્ણ જીવન વિતાવે છે તેનું વર્ણન પ્રકરણ-૯માં છે. ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવ મહાસમાધિ પામ્યા. વિરહાકુલ શ્રીમાએ કાશીપુર ઉદ્યાનમાંથી ભક્તપ્રવર બલરામ બસુના નિવાસસ્થાને પ્રસ્થાન કર્યું. વિયોગથી દગ્ધ અને તપ્ત શ્રીમા ઓગસ્ટ, ૧૮૮૬થી ઓગસ્ટ, ૧૮૮૭ દરમિયાન ઉત્તર ભારતનાં પાવન તીર્થોનાં દર્શનાર્થે જાય છે તેની ચર્ચા પ્રકરણ-૧૦માં છે.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ એક વર્ષ જેટલા સુદીર્ઘકાળની તીર્થયાત્રાથી પરત આવ્યા બાદ શ્રીમાએ સ્વામીનો આદેશ ‘તમે કામારપુકુરમાં રહેજો. શાકભાજી ઉગાડજો, શાક ને ભાત ખાજો અને હરિનામ લેજો’ પાળવા કામારપુકુરમાં અવસ્થાન કર્યું હતું. અસહ્ય કષ્ટ વેઠીનેય શ્રીમા ત્યાં રહ્યાં. ‘લક્ષ્મીજલા’ નામની પૈતૃક જમીનમાં પાકતી ડાંગરના ચોખા નિર્વાહ માટે અપૂરતા હતા, ઠાકુરની મહાસમાધિ બાદ મળતું રૂ.૭નું નિવૃત્તિવેતન મથુરબાબુના પુત્ર ત્રૈલૌક્ય વિશ્વાસે બંધ કરી દીધું હતું, દેહ પર વૈધવ્યનાં ચિહ્ન ન જોઈને સંકુચિત માનસવાળા ગામલોકો શ્રીમાની ટીકા કરતા, સંગમાં કોઈ હતું નહીં—આ બધુ અકથનીય કષ્ટકારક હતું. આ બધાનું હૃદયદ્રાવક વર્ણન પ્રકરણ-૧૧માં છે.

પછીના પ્રકરણ-૧૨માં વર્ણન છે શ્રીમાના કોલકાતામાંના પ્રત્યાગમનનું. આ પ્રકરણમાં છે શ્રીમાની જગન્નાથ પુરી, આંટપુર, ઘુસુડિ વગેરે સ્થળોની યાત્રા-મુલાકાતોનું મનોહર વર્ણન. વળી નાગ મહાશયની મુલાકાતનો પ્રસંગ અત્રે વિશિષ્ટરૂપે વણી લેવાયો છે. ‘શ્રીમા અને વિવેકાનંદ’ એ નામના પ્રકરણ-૧૩માં સ્વામી વિવેકાનંદ સાથેના શ્રીમાના વાર્તાલાપ અને મિલન-પ્રસંગોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે.

અન્યત્ર એક જ સ્થળે જોવા ન મળે તેવું સુસંકલન પ્રકરણ-૧૪માં છે. આ પ્રકરણમાં સમાયેલાં જોસેફાઇન મેક્લાઉડ, સારા બુલ, સિસ્ટર નિવેદિતા, સિસ્ટર દેવમાતા, બેટ્ટી લેગેટ વગેરે પાશ્ચાત્ય નારીઓ સાથેનું શ્રીમાનું સંમિલન, સંભાષણ અને પત્રાચાર વાચકને અભિભૂત કરી દે છે. પછીના પ્રકરણ-૧૫માં વિશ્વાસ-આકાર ભૈરવ-ભક્ત ગિરીશચંદ્ર ઘોષના શ્રીમા સાથેના જીવનપ્રસંગોનું વિવરણ છે. આ પ્રકરણમાં વાચકને નવાં નવાં તથ્યો જાણવાનો અવસર મળશે. પ્રકરણ-૧૬માં કથામૃત-વર્ષણ કરનાર મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રીમ.) અને તેમનાં પત્ની નિકુંજદેવીની કથા આવે છે. શ્રીમ. અને તેમનાં પત્નીની મંત્રદીક્ષા, શ્રીમાનું શ્રીમ. દ્વારા યોગક્ષેમ-વહનની વિગતો વગેરે આ પ્રકરણની વિશિષ્ટતાઓ છે. હવે આવે છે પ્રકરણ-૧૭. શ્રીરામકૃષ્ણદેવે મહાસમાધિ પૂર્વે કાશીપુરમાં શ્રીમાને અભયવાણી આપતાં કહ્યું હતું, ‘તમે શા માટે ચિંતા કરો છો? તમને એવા રત્ન જેવા દીકરા આપીશ કે માથું ઉતારીને તપશ્ચર્યા કર્યે પણ માણસને ન મળે… ચિંતા શા માટે કરો છો? તમને એવા રત્ન જેવા દીકરા આપીશ.’ શ્રીરામકૃષ્ણદેવનું અભયદાન તેમની મહાસમાધિ બાદ સિદ્ધ થયું. સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી સારદાનંદ—આ સહુએ તન-મન-ધનથી શ્રીમાની જગદંબારૂપે સેવા-શુશ્રૂષા કરી હતી તેની ચર્ચા આ પ્રકરણમાં છે.

અતિ અગત્યનાં બે પ્રકરણ-૧૮ અને ૧૯—મહામાયા શ્રીમા અને મહામાયાનું અવલંબન એવી રાધુની અગમ્ય લીલાનું આખ્યાન કરે છે. ઠાકુરના તિરોધાન પછી સંસારથી વિરક્ત બની શ્રીમા વિચારતાં હતાં, ‘હવે આ સંસારમાં રહેવાની શી જરૂર?’ એવામાં ઠાકુરે ૧૦-૧૨ વર્ષની કન્યા બતાવીને કહ્યું, ‘આને આધારે રહેજો.’ અને આ જ હતું શ્રીમાના ભાઈ અભયચરણનાં પત્ની સુરબાલાનું સંતાન ‘રાધુ’. શ્રીમાએ ૨૦ વર્ષ જેટલો સુદીર્ઘકાળ રાધુને લઈને આ મર્ત્યધામ પર વ્યતીત કર્યો અને અધ્‍યાત્મ-જ્ઞાન-પ્રદાન અને ઈશ્વરના માતૃત્વ-સ્થાપનનું અવતારકાર્ય સંપન્ન કર્યું.

શ્રીમાનો પરિવાર હતો—પિતૃપક્ષ અને શ્વસુરપક્ષ. શ્રીમાનાં ભાઈ-ભાભીઓ, ભત્રીજા-ભત્રીજીઓ વગેરેએ શ્રીમાને પોતાનું અવતારકાર્ય સિદ્ધ કરવા પ્રત્યક્ષ અને પરોક્ષ ફાળો આપ્યો હતો તેના સંકેતો પ્રકરણ-૨૦માં જોવા મળે છે. ઓગસ્ટ ૧૮૮૬-૧૮૮૭ દરમિયાન શ્રીમાએ કરેલ ઉત્તરભારનાં તીર્થોની યાત્રાનું વર્ણન અગાઉના પ્રકરણ-૧૦માં છે. પ્રકરણ-૨૧માં શ્રીમાની દક્ષિણ ભારતનાં તીર્થોની યાત્રાનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે, જેવાં કે ઓરિસ્સાનું કોઠાર, મદ્રાસનાં પાર્થસારથિ અને કપાલિશ્વર શિવમંદિર, મદુરાઈ, રામેશ્વર, બેંગ્લોર, જગન્નાથ પુરી. ‘વારાણસીની અંતિમ મુલાકાત’ નામના પ્રકરણ-૨૨માં શ્રીમાની વારાણસીનાં વિભિન્ન મંદિર-સ્થાનોની મુલાકાતનું ધ્‍યાનાકર્ષણ વર્ણન વાંચવા મળે છે. શ્રીમા બેલુર મઠના પાવન સ્થળે પદાર્પણ કરે છે તે વખતનું તેમનું સ્વાગત, બેલુર મઠમાં તેમની ઉપસ્થિતિમાં આયોજિત ઉત્સવો, તેમજ ઠાકુરના સંન્યાસી-શિષ્યો સાથેનો શ્રીમાનો સંબંધ—વગેરે બાબતો પ્રકરણ-૨૩ વર્ણવાઈ છે.

આંતર્રાષ્ટ્રિય સ્વરૂપના વર્તમાન રામકૃષ્ણ સંઘનું બીજારોપણ કેવી રીતે, કોના દ્વારા થયું હતું, તેની વિકાસગાથાની પશ્ચાત્‌ ભૂમિકામાં કોનો વરદ હસ્ત રહ્યો છે—એનું આલેખન પ્રકરણ-૨૪માં જોવા મળે છે. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રકરણ-૨૫નું નામ છે, ‘સૌનાં શ્રીમા’. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી એ સૌનાં મા; પશુ, પંખીનાં મા; સજ્જન-દુર્જનનાં મા, પતિતો અને બહિષ્કૃતોનાં મા, ધૂની અને તરંગીઓનાં મા—સાચું કહીએ તો સચરાચરનાં મા. આ બધુ વાચકના મનમાં શ્રીમાના અખિલ માતૃત્વની છાપ અંકિત કરે છે.

ઠાકુરે મહાસમાધિ પૂર્વે શ્રીમાને કહ્યું હતું, ‘ના, તમે રહો, હજી ઘણું કામ બાકી છે… તમે શું કશું જ નથી કરવાનાં? આને જ (પોતાના દેહ તરફ આંગળી ચીંધીને) શું બધું એકલે હાથે કરવાનું?… ના, ના, તમારે ઘણું બધું કરવું પડશે.’ આ શબ્દો ચરિતાર્થ કરવા શ્રીમા ઠાકુરની મહાસમાધિ બાદ આ ધરાધામ પર ત્રણ દાયકાથી વધુ સમય માનવદેહે રહ્યાં અને ગુરુરૂપે અવતારકાર્ય પૂરું કર્યું. શ્રીમાનાં માતા-ગુરુ-દેવી એમ ત્રિગુણાત્મક સ્વરૂપનું વર્ણન પ્રકરણ-૨૬માં જોવા મળે છે. શ્રીમા પાપવિદારક અને અશુભ કર્મવિદારક છે. શ્રીમાની અભયવાણીના પ્રચુર પ્રસંગો આ પ્રકરણમાં નિબદ્ધ કરાયા છે.

અન્ય કોઈ પૂર્વાવતારોના જીવનમાં પત્રવ્યવહાર જોવા મળતો નથી. શ્રીમાને ભક્તો તેમજ શિષ્યો તરફથી અનેક પત્રો મળતા. શ્રીમાના સેવક-શિષ્યો કે તેમની ભત્રીજીઓ પત્ર વાંચી સંભળાવતી. કોઈક વાર પત્ર લઈને આવનાર ટપાલી પણ પત્ર વાંચી સંભળાવતો. શ્રીમા આશીર્વાદ સહ આ પત્રોના જવાબ સેવક-શિષ્ય દ્વારા લખાવતાં. શ્રીમાએ લખાવેલ ૩૬૧ પત્રો હાલ ઉપલબ્ધ છે. પ્રકરણ-૨૭માં શ્રીમાએ આશીર્વાદ અને આધ્યાત્મિક સલાહ-સૂચન નિમિત્તે દેશ-વિદેશના ભક્તો-શિષ્યોને લખાવેલા પત્રો આપવામાં આવ્યા છે. ધન્ય છે આવા પત્ર-પ્રાપ્તકર્તાઓ! કૃતાર્થ છે આવા પત્ર-વાચકો! કૃતકૃત્ય છે આવા પત્રના શ્રુતલેખકો!

શ્રીમાના જીવનનાં કેટલાંક અજાણ્યાં પરંતુ વિશિષ્ટ પાસાંનું વિવેચન પ્રકરણ-૨૮માં કરાયું છે. પરતંત્રતાકાળનું પોલીસદમન, શ્રીમાનો ગામજનો પ્રત્યેનો પ્રેમ, શ્રીમાનો ક્રોધ, તેમની દરિદ્રો પ્રત્યેની અગાધ કરુણા, બાઉલો પ્રત્યેનું શ્રીમાનું વાત્સલ્ય, શ્રીમાની દૂરંદેશિતા વગેરે વિવિધ પ્રસંગોનું તાદૃશ આલેખન આ પ્રકરણમાં જોવા મળે છે.

‘માયેર વાડી’ અર્થાત્‌ ઉદ્‌બોધન ભવનનો આમૂલ ઇતિહાસ પ્રકરણ-૨૯માં જોવા મળે છે. આ પ્રકરણમાં આલેખિત શ્રીમાની મંદિર-પૂજા ખરેખર આત્મસાત્‌ કરવા યોગ્ય છે. આ પ્રકરણમાં આવતા ઝૂંપડાવાસીઓ અંગેના પ્રસંગો ખરેખર માણવા યોગ્ય છે. પછી આવે છે તારાસુંદરી અને ટિંકરી નામની અભિનેત્રીઓના પ્રસંગો. આ પ્રસંગોમાં આપણને શ્રીમાના યથાર્થ માતૃત્વનાં દર્શન થાય છે. પ્રકરણ-૩૦ની વાચનસામગ્રી વાચકે આત્મસાત્‌ કરવા જેવી છે. આમાં આવતું શ્રીમાનું સર્વદેવી સ્વરૂપ અતુલનીય છે. શ્રીમાએ ક્યારેક જ પોતાનું દેવીસ્વરૂપ પ્રગટ કર્યું હતું. તદ્‌ વિષયક અનેક પ્રસંગો આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે. શ્રીમાએ વિભિન્ન ભક્તોને વિભિન્ન સમયે કાલી, જગદ્ધાત્રી, સીતા, બગલા, રાધા, સતી ઇત્યાદિ પોતાનાં દિવ્યસ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં તે બધા પ્રસંગોનું સુસંકલન આ પ્રકરણમાં જોવા મળે છે. શ્રીમાના મુક્તિદાયિની સ્વરૂપનું પણ સુલેખન કરાયું છે.

શ્રીમાએ પોતાની જીવનલીલામાં બંનેય—માનવીય અને દેવી—પાત્રોનો અભિનય કર્યો હતો. પ્રકરણ-૩૧માં આપવામાં આવેલ શ્રીમાના જીવનનો દૈનિક-ક્રમ અનુસરણીય છે. સહજપણે આપણને મનમાં આવે છે કે સર્વદેવીસ્વરૂપિણી માનવદેહધારી શ્રીમા શારદા કેવું ભોજન આરોગતાં હશે! આ પ્રકરણમાં એનું વિગતપૂર્ણ વર્ણન વાંચવા મળે છે. વળી શ્રીમાની વાર્તા કહેવાની પદ્ધતિ, શ્રીમાનાં વિનમ્રતા, પ્રેમ, કરુણા વગેરે વિષયક પ્રસંગો આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે. પ્રકરણ-૩૨માં પુરુષ-પ્રકૃતિના અભિન્નતા સૂચક શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમાના અભિન્ન નિત્યસ્વરૂપ અંગેનું વિવેચન છે.

આપણને સ્વાભાવિકરૂપે શ્રીમાની જીવનઝરમર જાણવાની કામના જાગે. પ્રકરણ-૩૩માં શ્રીમાની બોલચાલની ભાષા, શ્રીમાની લૌકિક બાબતો પરત્વેની અનભિજ્ઞતા, શ્રીમાની અમૃતવાણી, શ્રીમાનો શુભ્ર સંન્યાસિની-વેશ જેવી વિશિષ્ટ બાબતોનું વર્ણન આકર્ષકરૂપે કરાયું છે.

અગાઉનાં ૩૩ પ્રકરણોમાં શ્રીમાના જીવનનાં વિભિન્ન વિશિષ્ટ પાસાંનું વિવેચન જોવા મળે છે. હવે શ્રીમાએ જીવનલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો છે. તેઓ જયરામવાટીથી અંતિમ વિદાય લઈને કોલકાતા પ્રસ્થાન કરે છે, તત્સંબંધિત ઘટનાઓનું વર્ણન પ્રકરણ-૩૪માં જોવા મળે છે.

અંતિમ પ્રકરણ-૩૫ હૃદયવિદારક છે. એ છે ‘શ્રીમાનું સ્વધામગમન’. શ્રીમા જયરામવાટીથી ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૦ના રોજ ઉદ્‌બોધન ભવનમાં આવી પહોંચે છે. આ છે શ્રીમાની જીવનલીલાનું અંતિમ પર્વ. શ્રીમા કાલા-આઝાર નામના પ્રાણઘાતક તાવથી ગ્રસ્ત થયાં હતાં. અત્રે આવીને તેમની સારવાર હાથ ધરાઈ—એલોપેથિક, હોમિયોપેથિક અને આયુર્વેદિક. તદ્‌ ઉપરાંત શાંતિ સ્વસ્ત્યયન ઇત્યાદિ પણ ખરાં. સર્વ ઉપાયો નિષ્ફળ નિવડ્યા. શ્રીમા અવતારકાર્ય પૂર્ણ કર્યા બાદ સ્વધામગમન કરવા કૃતનિશ્ચય હતાં. માયાતિતાને વળી કોણ માયામાં બદ્ધ કરી શકે? અવ્યક્તરૂપિણીને કોણ વ્યક્ત માનવદેહના બંધનમાં પકડી રાખી શકે? ‘તોપણ એક વાત કહું છું. દીકરી, શાંતિ જોઈતી હોય તો કોઈનોય દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો. જગતને પોતાનું કરી લેતાં શીખ; જગતમાં કોઈ પરાયું નથી. દીકરી, જગત તમારું છે,’ એવો અંતિમ ઉપદેશ આપીને શ્રીમા ૨૧ જુલાઈ, ૧૯૨૦ના રોજ રાત્રે દોઢ વાગે શ્રીમા મહાસમાધિમાં લીન થયાં. ત્યાર પછીના વિરહ-તાપના અનેક પ્રસંગોનું પણ વર્ણન આ પ્રકરણમાં જોવા મળે છે.

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.