શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે.

સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આદિ બ્રાહ્મસમાજના પ્રતિષ્ઠાતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, નવવિધાન બ્રાહ્મસમાજના પ્રણેતા બ્રાહ્મનેતા કેશવચંદ્ર સેન, ‘વંદે માતરમ્‌’ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, પાંચ બંગ કાવ્યગ્રંથોના પ્રણેતા અધરલાલ સેન, વિખ્યાત બંગ-દેશનેતા અશ્વિનીકુમાર દત્ત, ‘તત્ત્વસાર’, ‘તત્ત્વપ્રકાશિકા’, ‘શ્રીરામકૃષ્ણના ઉપદેશ’ વગેરે ઠાકુરના ઉપદેશ અને જીવન આધારિત પુસ્તકોના પ્રકાશક શ્રી રામચંદ્ર દત્ત, તબીબી ક્ષેત્રે એલ. એમ. એસ. અને એમ.ડી.ની પદવી ધરાવનાર તેમજ ભારતીય વિજ્ઞાન સભાના સ્થાપક ડૉક્ટર મોહનલાલ સરકાર વગેરેની વિભિન્ન સમયે શ્રીરામકૃષ્ણદેવ સાથે મુલાકાતો થઈ હતી. પંડિતવર્ગની વાત કરીએ તો વીરાચારી તાંત્રિક સાધક ગૌરી પંડિત, ન્યાયશાસ્ત્રના અધ્યાપક તર્કાલંકાર જયનારાયણ પંડિત, દાર્શનિક પંડિત નારાયણ શાસ્ત્રી, વેદાંતી અને ન્યાયશાસ્ત્ર વિશેષજ્ઞ પદ્મલોચન તર્કાલંકાર અને કર્તાભજા સંપ્રદાયના વૈષ્ણવચરણ પંડિતનું પણ શ્રીરામકૃષ્ણદેવ સાથે અલગ અલગ કાળે મિલન થયું હતું.

અહીં આપણે વૈષ્ણવચરણ પંડિત વિશે સ્વલ્પ વિવેચન કરીએ-

વૈષ્ણવચરણ ઉત્સવાનંદ વિદ્યાવાગીશના પુત્ર હતા. કર્તાભજા સંપ્રદાયના સાધક વૈષ્ણવચરણ પંડિતની પંડિતવર્ગમાં વિશેષ ખ્યાતિ હતી. ભક્તિશાસ્ત્રના શિરોમણિરૂપ શ્રીમદ્‌ ભાગવત ગ્રંથમાં તેમની સૂક્ષ્મ દૃષ્ટિ હતી. તેમની મધુર શૈલી અને સુકંઠને કારણે જ્યારે તેઓ ઉપરોક્ત ગ્રંથનું પારાયણ કરતા ત્યારે શ્રોતાવર્ગ મુગ્ધ થઈ જતો.

તેઓ કેવળ પંડિત ન હતા પરંતુ ઉચ્ચ કક્ષાના ભક્ત-સાધક પણ હતા. તેમનામાં ઈશ્વરભક્તિ અને ભક્તિશાસ્ત્રના પ્રાવીણ્યનો અનોખો સુમેળ થયેલો હતો. આ સદ્‌ગુણને લઈને વૈષ્ણવસમાજમાં તેઓ સવિશેષ આદરપાત્ર હતા અને તેને કારણે સમાજના વિદાય, સત્કાર, કે નિમંત્રણ સમારંભોમાં તેમની ઉપસ્થિતિ અનિવાર્ય ગણાતી. જેમ અન્યત્ર બને છે તેમ કર્તાભજા સંપ્રદાયમાં પણ ઘણી વાર ધાર્મિક મુદ્દા અંગે સમસ્યા ઊભી થતી હતી. આવા વિકટકાળે વિવાદાસ્પદ મુદ્દાની ધાર્મિક મીમાંસાના નિર્ણયનો પ્રસંગ ઊભો થતાં વૈષ્ણવચરણના અભિપ્રાયને સર્વમાન્ય ગણવામાં આવતો. શાસ્ત્રીય વિવેચના બાબતે જ નહીં, પણ સાધનાપથમાં યથાર્થ માર્ગદર્શન મેળવવા માટે અનેક ભક્તસાધકો એમનો આશ્રય લેતા અને સમુચિત સલાહ લઈને સાધનાપથે અગ્રસર થતા. આવું હતું વૈષ્ણવચરણ પંડિતનું વિશિષ્ટ વ્યક્તિત્વ!

હવે વૈષ્ણવચરણની શ્રીરામકૃષ્ણદેવ સાથેની મુલાકાતની વાત કરીએ તો તેમણે ઈ.સ. ૧૮૫૯ ના પાણિહાટિના ચિડા-પૌંવા મહોત્સવમાં ઠાકુરનાં સૌ પ્રથમ વાર દર્શન કર્યાં હતાં. તે દિવસે પાણિહાટિ જઈને ઠાકુર શ્રી મણિમોહન સેનની ઠાકુરજીની હવેલીએ બેઠા હતા, તે સમયે વૈષ્ણવચરણ ત્યાં આવ્યા હતા. ઠાકુરનાં દર્શન થતાંવેંત પંડિતને ધારણા બંધાઈ ગઈ કે ઠાકુર ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા ધરાવનાર અદ્વિતીય મહાપુરુષ છે. તે દિવસે વૈષ્ણવચરણે મોટાભાગનો સમય ઠાકુર સંગે વિતાવ્યો હતો. તદ્‌ઉપરાંત સ્વખર્ચે પૌંવા, ગોળ પાયેલી ડાંગરની ધાણી, પાકી કેરી વગેરે સામગ્રી વેચાતી લઈને ‘માલસા ભોગ’નો બંદોબસ્ત કરી ઠાકુર સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ ઘટનાને ત્રણ-ચાર વર્ષ વીત્યા પછી પંડિતે પુનઃ ઠાકુરનો સંગ-લાભ કર્યો હતો.

ઠાકુર સાથેની વૈષ્ણવચરણની આ ઐતિહાસિક મુલાકાત કઈ વિલક્ષણ સ્થિતિમાં થઈ હતી તેની સમીક્ષા કરીએ.

શ્રીરામકૃષ્ણના અદૃષ્ટપૂર્વ અનુરાગ અને વ્યાકુળતાને લોકો સહિત મથુરબાબુ ઉન્મત્તતા અને શારીરિક વ્યાધિ જેવાં સમજતા હતા અને મથુરબાબુ દ્વારા તેના ઉપશમ માટે વિવિધ પ્રકારની ચિકિત્સાનો આશ્રય લેવાઈ રહ્યો હતો. એવામાં દૈવવશાત્‌ પરમ વિદુષી અને ઉચ્ચ વૈષ્ણવ સાધિકા ભૈરવી બ્રાહ્મણીનું દક્ષિણેશ્વરમાં આગમન થયું. શ્રીરામકૃષ્ણને જોતાંવેંત ભૈરવી બ્રાહ્મણી સમજી ગયાં કે ઠાકુરની આ મનોદશા સાધનાની ફલશ્રુતિની પરાકાષ્ઠા હતી. ભૈરવીના મતે ઠાકુરની ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાઓ વેદવેદાંત વગેરે સઘળાં શાસ્ત્રોને અતિક્રમીને તેથીય અનંત ઘણે દૂર પહોંચી ગઈ હતી.

ભૈરવી બ્રાહ્મણીના આ નિષ્કર્ષને ચકાસવા માટે મથુરબાબુએ દક્ષિણેશ્વરની કાલીવાડીમાં નાનકડી પંડિતસભાનું આયોજન કર્યું. ભૈરવી બ્રાહ્મણીના મુખેથી મથુરબાબુએ આ પહેલાં વૈષ્ણવચરણની વિદ્વત્તા અને મહત્તા વિશે સાંભળ્યું હતું. તેથી અન્ય પંડિતોની સાથે વૈષ્ણવચરણ તે સભામાં ઉપસ્થિત થયા હતા. ભૈરવી બ્રાહ્મણીએ સભામાં શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક અનુભૂતિઓ જેવી કે અશ્રુ, કંપન, પુલક, પ્રસ્વેદ, રુધિર પ્રસ્ફુટન, વિપરીત ક્ષુધા, ગાત્રદાહ વગેરેનું વર્ણન કર્યું. મથુરબાબુ વગેરેને વિશ્વાસ થઈ ગયો હતો કે ઈશ્વરાનુરાગ સાથે વાયુરોગ ભળી જવાથી ઠાકુરની આવી સ્થિતિ થઈ છે. ભક્તિશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદુષી બ્રાહ્મણીએ આ વિકારોને અલૌકિક ઈશ્વરભક્તિજનિત દેવવાંછિત માનસિક પરિવર્તનને અનુરૂપ શારીરિક પરિવર્તન કહીને બધાનું આમૂલ વિવેચન કર્યું. માત્ર આટલું કહીને જ ભૈરવી અટક્યાં નહીં, પરંતુ સાક્ષાત્‌ પ્રેમ-ભક્તિ-સ્વરૂપિણી વ્રજેશ્વરી શ્રીરાધારાણીથી લઈને શ્રીચૈતન્ય મહાપ્રભુ પર્યંત પૂર્વકાલીન સમસ્ત યોગી આચાર્યોના જીવનમાં અપૂર્વ માનસિક અનુભવો સાથે આ પ્રકારની શારીરિક અનુભૂતિઓ સમયાંતરે થઈ હતી, તેનો પણ શાસ્ત્રસંમત ઉલ્લેખ કર્યો.

પંડિતસભામાં ભૈરવી બ્રાહ્મણીએ ઉપર્યુક્ત વિવેચન કર્યા પછી આના સંદર્ભમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં વૈષ્ણવચરણે કહ્યું, “ભક્તિશાસ્ત્રમાં જે મુખ્ય ઓગણીસ જાતના ભાવો કે અવસ્થાઓના સંમિલનનો ‘મહાભાવ’ તરીકે નિર્દેશ કરવામાં આવેલો છે અને જે મહાભાવ કેવળ એક ભાવમયી રાધિકા અને ચૈતન્યદેવના જીવનમાં જ અદ્યપર્યંત જોવા મળ્યો છે, તે કેવું આશ્ચર્ય કે એ સર્વ લક્ષણો (શ્રીરામકૃષ્ણને બતાવીને) આમનામાં પ્રગટ થયેલાં જણાય છે! જીવના સૌભાગ્યવશે જો કદીક તેના જીવનમાં મહાભાવનો આભાસ ઉપસ્થિત થાય તો ત્યારે આ ઓગણીસ પ્રકારની અવસ્થાઓમાંથી બહુ બહુ તો બે-પાંચ અવસ્થાઓ પ્રગટ થાય. જીવનું શરીર એ ઓગણીસે ઓગણીસ ભાવોનો ઉદ્દામ વેગ ધારણ કરવા કદાપિ સમર્થ થાય નહીં.”

શ્રીરામકૃષ્ણની અવસ્થા અંગેનો વૈષ્ણવચરણનો આવો સ્પષ્ટ અને ઉચ્ચ અભિપ્રાય સાંભળીને સ્વયં ભૈરવી બ્રાહ્મણી અને મથુરબાબુ સહિત સૌ ઉપસ્થિત જન સ્તબ્ધ થઈ ગયાં!

પંડિતસભામાં વાદવિવાદ ચાલતો હતો ત્યારે શ્રીરામકૃષ્ણદેવ નિજાનંદમાં મસ્ત, ઢંગધડા વિનાના બેઠા હતા અને તેમના મુખ પર સ્મિત રેલાઈ રહ્યું હતું. તેઓ બટવામાંથી ક્યારેક બે-ચાર દાણા વરિયાળી કે કબાબચીની મુખમાં નાખતાં નાખતાં પંડિતોના વિવાદનું એકચિત્તે શ્રવણ કરી રહ્યા હતા, જાણે કે કોઈ પારકા વિશે વાર્તાલાપ થઈ રહ્યો હોય! તો વળી ક્યારેક તેઓ વૈષ્ણવચરણનું ધ્યાન આકર્ષિત કરવા તેમના દેહનો સ્પર્શ કરીને, “અરે, આમ આમ થાય છે” એમ બોલીને પોતાની અવસ્થાની એકાદ વાત તેમને કહેતા હતા.

આમ, પંડિતસભામાં સૌએ શ્રીરામકૃષ્ણદેવની અવસ્થાને ‘મહાભાવ’ તરીકે એકમતે સ્વીકારી. પંડિતસભામાં સર્વાનુમતે આવેલ અભિપ્રાય સાંભળીને શ્રીરામકૃષ્ણે પણ બાલકવત્‌ વિસ્મય અને આનંદ સાથે મથુરબાબુને કહ્યું, “અરે! સાંભળો તો, શું કહે છે એ? જે હોય તે ખરું, ભાઈ! પણ રોગ તો નથી એ સાંભળીને મનમાં આનંદ થાય છે.”

શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક અવસ્થાઓ અંગેનો વૈષ્ણવચરણનો ઉપરોક્ત અભિમત માત્ર કહેવા પૂરતો જ ન હતો, પરંતુ તે દિવસથી તેમની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધા તથા પ્રેમ અધિકાધિક વૃદ્ધિ પામ્યાં હતાં, તે સ્પષ્ટપણે જોવા મળતું. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય સંગલાભ અર્થે તેઓ અવારનવાર દક્ષિણેશ્વર કાલીવાડી આવતા તથા પોતાની ગુપ્ત રહસ્યપૂર્ણ સાધનાઓની વાત શ્રીરામકૃષ્ણદેવને કહીને તેમનો અભિપ્રાય મેળવી લેતા હતા. ક્યારેક ક્યારેક તેઓ પોતાના સાધનામાર્ગના સહચર ભક્તવૃંદને પણ શ્રીરામકૃષ્ણદેવ સમીપ લાવતા, જેથી કરીને તેઓ પણ શ્રીરામકૃષ્ણદેવનો પુણ્ય પરિચય પ્રાપ્ત કરીને પોતાની જેમ કૃતકૃત્ય બને!

આ ઉપરાંત, એક વખત વૈષ્ણવચરણ પંડિત દક્ષિણેશ્વર આવ્યા હતા ત્યારે ઠાકુર ભાવસમાધિની અવસ્થામાં વૈષ્ણવચરણના ખભા પર ચડી ગયા હતા. વૈષ્ણવચરણ શ્રીરામકૃષ્ણદેવના આ અલૌકિક કૃત્યથી આનંદિત થઈ ગયા અને તેમને વારંવાર વંદન કરવા લાગ્યા હતા. એક વખત વૈષ્ણવચરણ પંડિત શ્રીરામકૃષ્ણદેવને કોલુટોલાની હરિસભામાં લઈ ગયા હતા અને ત્યાં શ્રીરામકૃષ્ણદેવે કીર્તનમાં ભાગ લીધો હતો. ભાવોન્મત્ત અવસ્થામાં નૃત્ય કરતાં કરતાં શ્રીગૌરાંગના આસન પર આરૂઢ થઈ ગયા હતા. વળી એક વખત વૈષ્ણવચરણ શ્રીરામકૃષ્ણદેવને કાછિબાગાનના તેમના કર્તાભજા સમાજમાં પણ લઈ ગયા હતા.

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.