विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥११॥
यः, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને; तत् उभयम् सह, તે બંનેને; वेद, જાણે છે (એટલે કે એ બંનેનું અનુશીલન—આચરણ કરે છે); अविद्यया, ‘અવિદ્યા’ વડે; मृत्युं तीर्त्वा, મૃત્યુને પાર કરીને, ઓળંગીને; विद्यया, વિદ્યા વડે; अमृतम् अश्नुते, અમરત્વની પ્રાપ્તિ કરે છે.
જે મનુષ્ય દેવદેવીઓની ઉપાસના—વિદ્યાની ઉપાસના પણ કરે છે અને યજ્ઞયાગાદિનાં અનુષ્ઠાનો પણ સાથોસાથ કરે છે (અવિદ્યાને ઉપાસે છે), તે યજ્ઞોથી—અવિદ્યાથી—મૃત્યુની પેલી પાર જઈને દેવદેવીઓની ઉપાસના—વિદ્યાથી—અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. (૧૧)
अन्धं तमः प्रविशन्ति येऽसंभूतिमुपासते।
ततो भूय इव ते तमो य उ संभूत्यां रताः॥१२॥
ये असंभूतिम् उपासते, જે લોકો અવ્યક્તની ઉપાસના કરે છે તેઓ; उ अन्धम् तमः प्रविशन्ति, અન્ધકારમય પ્રદેશમાં પ્રવેશે છે કે જ્યાં તેઓ પૂર્ણ રીતે અંધ બની જાય છે; य उ संभूत्याम् रताः, અને જેઓ વ્યક્તની ઉપાસના કરવામાં મશગૂલ છે; ततः भूयः इव ते, તેઓ (તો) એના કરતાં પણ વધારે અંધકારમાં પ્રવેશ કરે છે.
જેઓ અવ્યક્તની (જગતની કારણ અવસ્થાની) ઉપાસના કરે છે, તેઓ અંધકારમય પ્રદેશોમાં પ્રવેશ કરે છે; કે જે અંધાપા જેવી જ સ્થિતિ છે. પરંતુ, જેઓ વ્યક્તની (આપણે આપણી આજુબાજુ જે જગતને જોઈએ છીએ તે જગતની) ઉપાસનામાં તલ્લીન છે, તેઓ તો વળી વધારે અંધકારમાં પ્રવેશે છે. (૧૨)
(ઈશ ઉપનિષદ)
Your Content Goes Here