(29 માર્ચ, 2024)
એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ, ઘર વાળતી એક જુવાન સ્ત્રી બોલી ઊઠીઃ ‘ચાલ્યો જા અહીંથી! તું તો જુવાન છો. મહેનત કરીને પૈસો શા માટે નથી રળતો. દિવસે તું સાધુ બનીને ઘરની તપાસ કરવા આવે છે અને રાતે ચોરી કરવા પાછો આવે છે.’
આમ બોલી એણે પોતાનું ઝાડુ જમીન પર પછાડ્યું. સ્વામી યોગાનંદે પોતાનું હાસ્ય રોકી રાખ્યું પણ મઠે પાછા આવ્યા પછી, પોતાનો અનુભવ નાટકીય હાવભાવ દ્વારા મઠવાસીઓને સંભળાવીને ખુશખુશાલ કરી દીધા હતા! એમણે
કહેલુંઃ ‘તે સ્ત્રી પાસે ભલા છે શું? ઘાસ-ફૂસની એક ઝૂંપડી, બે ફાટેલી-તૂટેલી ગોદડીઓ અને તાંબાનો એક લોટો! હાય રે! કહેતી હતી કે હું તેના ઘરે ચોરી કરવા આવ્યો છું!’ કહેવાની જરૂર નથી કે, સંન્યાસી સ્વામી યોગાનંદ એ દિવસોમાં માન-અપમાનથી પર સહજ-આનંદાવસ્થામાં જ ડૂબેલા રહેતા હતા.
એક રાતે યોગાનંદજી શ્રીરામકૃષ્ણના નામનો જપ કરતા હતા ત્યારે એક દુષ્ટ આત્માએ એમને હેરાન કરવા કોશિશ કરી. ‘જય શ્રીરામકૃષ્ણ’, એ જોરથી પોકારી ઊઠ્યા. ગભરાઈ જઈને એ દુષ્ટ આત્માએ કહ્યુંઃ ‘તમને ખલેલ પાડવા હું કદી નહીં આવું. આજથી આ સ્થાન આપનું.’ કદાચ એ જગ્યાએ ભૂતવાસ હતો પણ, ઠાકુરની કૃપાથી એ બચી ગયા.
એક વાર સારદાનંદજીએ એમને કહ્યુંઃ ‘યોગીન, હું તો નરેનની બધી વાતો સમજી શકતો નથી. તે કેટલીયે જાતજાતની વાતો કરે છે! જ્યારે જે (વિષય)ને પકડે છે, એને એટલો મોટો કરી દે છે કે, એની આગળ બીજું બધું સાવ તુચ્છ બની જાય છે.’
યોગાનંદજીએ કહ્યું, ‘શરત્, તને એક વાત જણાવી દઉં છું. તું શ્રીમાનો શરણાગત થા. તેઓ જે કંઈ કહે, એ જ સાચું માનવું.’ આટલાથી જ સંતોષ ન થતાં, તેઓ તેમને શ્રીમાની પાસે લઈ ગયા. આ રીતે શરત્ મહારાજે ધીમે ધીમે શ્રીમાની સેવાનું સૌભાગ્ય મેળવ્યું અને પછી માતૃસેવાની પરાકાષ્ઠા સર્જીને તેઓ રામકૃષ્ણ સંઘમાં અવિસ્મરણીય બની ગયા.
Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.