સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ ધીરે ધીરે વિકાસ પામે છે, અને સ્થૂળથી સ્થૂળતર સ્વરૂપમાં પરિવર્તન પામે છે. કાર્ય અને કારણ એકબીજાના સમાંતરે જ છે, ફક્ત સ્વરૂપ અલગ અલગ છે. આમ, વૃક્ષ એ બીજનું જ એક જુદું સ્વરૂપ છે. તો આ તર્કના આધારે આપણે કહી શકીએ કે અસત્‌માંથી સત્‌ની સૃષ્ટિ સંભવ નથી. અર્થાત્‌ કશું ન હતું (શૂન્ય) તેમાંથી વિશ્વ-બ્રહ્માંડનો જન્મ થયો એ શક્ય જ નથી. સૂક્ષ્મ સ્વરૂપના અસ્તિત્વ વિના સ્થૂળ સ્વરૂપ પ્રગટ જ થઈ શકે નહીં.

સ્વામીજીઃ તો પછી આ વિશ્વ શેમાંથી ઉત્પન્ન થયું છે? અગાઉના સૂક્ષ્મ વિશ્વમાંથી. માણસ શેમાંથી ઉત્પન્ન થયો છે? અગાઉના સૂક્ષ્મ રૂપમાંથી. વૃક્ષ શેમાંથી ઉત્પન્ન થયું છે? બીજમાંથી. આખું વૃક્ષ બીજમાં સમાયેલું હતું; તે બહાર આવે છે, પ્રગટ થાય છે. તેથી આ આખું વિશ્વ, સૂક્ષ્મ સ્વરૂપે રહેલા ખુદ આ વિશ્વમાંથી જ ઉત્પન્ન થયું છે.

સ્થૂળ સ્વરૂપ એ સૂક્ષ્મ સ્વરૂપનું એક રૂપાંતરણ માત્ર છે. એનો અર્થ છે કે શૂન્યમાંથી સૃષ્ટિની રચના થવી અસંભવ છે. બીજ વિના વટવૃક્ષનું અસ્તિત્વ શક્ય જ નથી. સ્થૂળ સ્વરૂપ (cause) સૂક્ષ્મ સ્વરૂપનો (effect) જ એક ભાગ છે. આથી સ્વામીજી પ્રશ્ન કરે છે કે તો આ વિશ્વ-બ્રહ્માંડની ઉત્પત્તિ શેમાંથી થઈ? એક સૂક્ષ્મ વિશ્વ-બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડની સૃષ્ટિ થઈ છે. મનુષ્યનો જન્મ શેમાંથી થયો છે? મનુષ્યનો જન્મ બીજ (સૂક્ષ્મ)માંથી થયો છે. સંપૂર્ણ વટવૃક્ષ એક નાના બીજમાં સમાહિત હતું. એ બીજમાંથી આ વૃક્ષનું પ્રગટીકરણ થયું છે. આથી આ સ્થૂળ બ્રહ્માંડ, સ્થૂળ સૃષ્ટિની રચના તેમાં જ ઉપસ્થિત સૂક્ષ્મ વિશ્વ-બ્રહ્માંડમાંથી થઈ છે.

આજના આધુનિક યુગમાં ભૌતિકશાસ્ત્રની ભાષામાં તેને આપણે DNA તરીકે ઓળખીએ છીએ. માતા-પિતાના DNAનો અડધો અડધો હિસ્સો એકત્ર થઈને બાળકમાં પરિણત થાય છે. ભૌતિકશાસ્ત્રની ભાષામાં તેને (ક્રોમોઝોમ) રંગસૂત્રોની જોડી કહે છે. આ રંગસૂત્રોની જોડીમાંથી જે DNA બને છે, તેમાંથી બાળકનો જન્મ થાય છે. આથી કહી શકાય કે બાળક સૂક્ષ્મ રૂપે આ DNAમાં ઉપસ્થિત હતું જ. બાળકની આંખોનો, વાળનો રંગ, તેની બૌદ્ધિક ક્ષમતા તથા વારસાગત બીમારી વગેરે DNA દ્વારા નક્કી થાય છે.

વર્તમાનમાં ક્રિસ્પર (CRISPR) નામની એક ટેક્નોલોજીનો આવિષ્કાર થયો છે, જેના દ્વારા માતા-પિતા બાળકના DNAમાં મનગમતું પરિવર્તન કરી શકશે. એટલે કે હવે માતા-પિતા પોતાના બાળકની ચામડીનો રંગ, વાળનો રંગ, તેની બૌદ્ધિક ક્ષમતા, તેની જાતિ અર્થાત્‌ પુત્ર જોઈએ કે પુત્રી વગેરે આ ક્રિસ્પર ટેક્નોલોજી દ્વારા પસંદ કરી શકશે. ટેક્નોલોજીએ આટલી હરણફાળ પ્રગતિ સાધી છે.

પરંતુ સ્વામીજીના સમયમાં આ વિચાર આટલો સ્પષ્ટ ન હતો. પરંતુ જોન મેન્ડેલે નામના જર્મન વૈજ્ઞાનિકે પ્રયોગો કરીને એ સાબિત કર્યું કે કઈ રીતે માતા-પિતાનાં જીન્સ (રંગસૂત્રો) બાળકને વારસામાં મળે છે. સ્વામીજીના સમયમાં ઉત્ક્રાંતિવાદ કે આનુવંશિક સ્થાનાંતરણની (genetic transmigration)સંકલ્પનાઓ આટલી સુસ્પષ્ટ ન હતી. પરંતુ સ્વામીજીની સંકલ્પના વેદાંતના વિચારો અને હિન્દુ શાસ્ત્રો પર આધારિત હતી.

આજના આધુનિક વૈજ્ઞાનિકો વચ્ચે ઘણા મતમતાંતરો પ્રવર્તે છે. જેમ કે, કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આ બ્રહ્માંડની ચારથી પાંચ ટકા એનર્જીને જ આપણે જોઈ શકીએ છીએ. બાકીનું નેવું કે પંચાણું ટકા બ્રહ્માંડ ડાર્ક મેટર કે ડાર્ક એનર્જીનું બનેલું છે. આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંના વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે સાપેક્ષતા અને ગુરુત્વાકર્ષણ (relativity and gravity) આ બે સિદ્ધાંતોના માધ્યમથી તેમણે સંપૂર્ણ બ્રહ્માંડને સમજી લીધું છે. પરંતુ તેનાં અમુક વર્ષો પછી જ એવી શોધ થાય છે કે દૃશ્યમાન પદાર્થ અને દૃશ્યમાન ઊર્જા (visible matter and visible energy) તો સંપૂર્ણ બ્રહ્માંડનો ફક્ત ચારથી પાંચ ટકા હિસ્સો જ છે. બાકીની નેવું-પંચાણું ટકા જે દૃશ્યમાન નથી, એ ઊર્જા કે પદાર્થ વિશે કોઈ કશું જ્ઞાન ધરાવતું નથી. પરંતુ હા, તેના વિશે બધાના અલગ અલગ સિદ્ધાંતો છે. તો આજના આધુનિક વૈજ્ઞાનિકોએ સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે વેદાંતના શરણે જવું જ પડશે.

સ્વામીજી જે પ્રકારે તે સમયની જુદી જુદી વર્તમાન થિયરીઓમાંથી અસલી-સાચા વિજ્ઞાનને પકડી પાડતા હતા એ પરથી આપણને ખ્યાલ આવે છે કે સ્વામીજીનો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ તથા અનુભૂતિ બંને કેટલાં સબળ હતાં! હા, આવી બાબતોમાં ફક્ત અભ્યાસ જ પર્યાપ્ત નથી. પરંતુ અનુભૂતિ પણ એટલી જ મહત્ત્વની છે. આમ, વૃક્ષ, બાળક કે પક્ષી આ બધાંનું જે સ્વરૂપ છે, તે તેના DNAમાં વિદ્યમાન હોય છે. જે DNAમાં હશે તે જ બાળકમાં આવશે.

આને સંબધિત એક ઘટના પણ છે. એક બાળકને કોઈ જ્યોતિષીએ તેની હસ્તરેખા જોઈને કહેલું કે તેના ભાગ્યમાં કોઈ મહાન કાર્ય કરવાનું લખાયેલું જ નથી. તેના હાથમાં તેની રેખા જ નથી. તો આ બાળકે જ્યોતિષીને પૂછ્યું કે હાથમાં કયા સ્થાને એ રેખા હોય છે. પછી આ બાળકે જ્યોતિષીએ દર્શાવેલ જગ્યા પર ચાકુ લઈને પોતાના હાથે જ એ રેખા અંકિત કરી દીધી.

તો આપણી બુદ્ધિ, સુંદરતા, સામર્થ્ય બધું આપણા DNAમાંથી જ નિર્મિત થાય છે, પરંતુ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યનિર્માતા છે. નહીંતર તો ગરીબ પિતાનું સંતાન ગરીબ જ રહે. પિતાજીનું DNA ગરીબ છે તો બાળકનું DNA પણ ગરીબ જ રહે એ જરૂરી નથી. આપણે સામાજિક જીવનમાં જોઈએ છીએ કે રિક્ષાચાલકનો પુત્ર કઠોર પરિશ્રમ કરીને બોર્ડની પરીક્ષામાં અવ્વલ નંબરે સફળ થાય છે.

આમ, આપણે યાદ રાખવું જોઈએ કે આપણું શારીરિક સ્વરૂપ આાપણું DNA નિશ્ચિત કરે છે પરંતુ આપણા મનની શક્તિઓ આપણે વિકસિત કરી શકીએ છીએ.

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.