સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સહાય કરે છે.” (ગ્રંથમાળા, 3.263)

રામકૃષ્ણ સંઘના કોઈ પણ કેન્દ્રમાં જ્યારે પણ અમે ભોજનપ્રસાદ લઈએ છીએ તો સર્વપ્રથમ ગીતાના પ્રખ્યાત ‘બ્રહ્માર્પણં બ્રહ્મ હવિ….’ શ્લોકનું ઉચ્ચારણ કરીને ઈશ્વરને અર્પણ કરીએ છીએ. આ શ્લોકનો અર્થ છે કે જે કંઈ પણ અન્ન હું ખાઉં છું, એ હું બ્રહ્મને અર્પણ કરું છું. આ ખોરાક દ્વારા હું જે કંઈ પણ પોષણ મેળવીશ, તેને પણ હું બ્રહ્મને અર્પણ કરું છું. તો આ અન્ન-બ્રહ્મ આપણા હિંદુ તત્ત્વજ્ઞાનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ (essential part) છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે કળિયુગમાં અન્નગત પ્રાણ છે—અર્થાત્‌ અન્ન પર આપણા શરીરનો આધાર છે. જ્યારે આપણે ભગવાન બુદ્ધ તથા અન્ય અવતારોની કઠોર તપસ્યા (austerity) વિશે વાંચીએ છીએ ત્યારે આપણને જ્ઞાત થાય છે કે કેવું ઉગ્ર તપ કરવા માટે તેઓ સક્ષમ હતા! બુદ્ધ ખૂબ જ ઓછી માત્રામાં અન્ન ગ્રહણ કરતા. તેમની બે હથેળીઓમાં સમાઈ જાય ફક્ત એટલું જ ભોજન તેઓ લેતા. આપણા ઋષિઓ વિશે ઠાકુર કહેતા કે તેઓ જંગલમાં રહીને તપસ્યા કરતા. જપ-ધ્યાન, સ્મરણ-મનન-નિદિધ્યાસન કર્યા બાદ તેઓ ખૂબ જ વહેલી સવારે આશ્રમ છોડી દેતા અને રાત્રે ખૂબ જ મોડા આશ્રમમાં પરત ફરતા અને થોડું ભોજન ગ્રહણ કરતા. કેવા પ્રકારનું ભોજન? રાંધેલું અન્ન નહીં, પરંતુ કંદમૂળ અને ફળ ખાતા. કંદમૂળ એટલે બટાટા, ગાજર વગેરે તથા ફળ અર્થાત્‌ સફરજન, કેળાં વગેરે તેઓ ગ્રહણ કરતા. તો આ પ્રકારનું તપ કરવા તેઓ સમર્થ હતા. ઉપરાંત, આજે પણ કેટલાક જૈન મુનિઓ પર્યુષણ ઉપવાસ કરે છે. આ ઉપવાસ દસ-પંદર દિવસ કે તેનાથી પણ વધુ દિવસ માટે કરે છે. પરંતુ આજના યુગમાં આ ઉપવાસ કરવાની ક્ષમતા ક્રમશઃ ઘટતી જાય છે. આવું શા માટે બને છે? કારણ કે, આપણું શરીર અન્નમય કોષનું બનેલું છે. પરંતુ જો આપણું મન વધુમાં વધુ ઉચ્ચતમ વિચારો પર કેન્દ્રિત થાય તો ઉપવાસ શક્ય બને.

આપણી ચેતનાના અલગ અલગ સ્તર હોય છે—અવચેતન (sub-consciousness), સામાન્ય ચેતના (normal consciousness) અતિ ચેતન (super consciousness). તો ચેતનાનો એક સંપૂર્ણ વર્ણપટ (spectrum) છે. આ વર્ણપટ પર આપણે ક્યાં ઊભા છીએ, તેના પર બધો આધાર છે. જેમ જેમ આપણે ચેતનાના આ એક પછી એક સ્તર પાર કરતા જઈશું, તેમ તેમ આપણે વેદાંતની એ વાત સાથે સહમત થઈશું કે આપણું આ શરીર પાંચ કોષોનું બનેલું છે—અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય અને આનંદમય કોષ.

આ કોષો દ્વારા આપણું શરીર નિર્મિત થયેલું છે. તેમાં સૌથી લઘુતમ કોષ અન્નમય કોષ છે. આપણું આ ભૌતિક શરીર અન્નમય કોષનું બનેલું છે. તો જ્યારે આપણી ચેતનાનું કેન્દ્ર આ નિમ્ન સ્તર પર હોય છે ત્યારે આપણે આ ભૌતિક શરીર અને તેની ઇચ્છાઓ, જરૂરિયાતો પ્રત્યે વધુ પ્રમાણમાં સભાન હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણી ચેતનાનું વલણ આનંદમય કે વિજ્ઞાનમય કોષ તરફ હશે, ત્યારે આપણી ચેતના ઉચ્ચતર વસ્તુઓમાંથી આનંદ પ્રાપ્ત કરશે.

સ્વામી વિવેકાનંદ કહે છે, “દેવતાઓ (ઈશ્વર) ધ્યાન દ્વારા આનંદ મેળવે છે, જ્યારે પશુઓ તેના ખોરાકમાંથી આનંદની પ્રાપ્તિ કરે છે.” તો આપણે કઈ વસ્તુઓમાંથી આનંદ-ખુશી મેળવીએ છીએ? તેના પરથી આપણે ચેતનાના કયા સ્તર પર જીવીએ છીએ એ નિશ્ચિત થાય છે. રજાના દિવસોમાં મિત્રો સાથે ગપ્પાં મારવાં કે અહીંતહીં રખડવું તેના કરતાં જો આપણું અધ્યાત્મ તરફી વલણ હશે, તો આપણને આશ્રમ આવવું કે કોઈ સાધુ સાથે થોડો સત્સંગ કરવો, મા-ઠાકુર-સ્વામીજી વિષયક પુસ્તકો તેમજ રામાયણ-ભાગવત વગેરેનું વાંચન કરવું, તે અદ્‌ભુત આનંદ આપશે. તો આપણું આ વલણ દર્શાવે છે કે આપણે ધીરે ધીરે આધ્યાત્મિક જીવન તરફ આગળ વધી રહ્યા છીએ.

થોડા સમય પહેલાં અમારી ચર્ચા થતી હતી કે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિનો માપદંડ શું? અધ્યાત્મ-ક્ષેત્રમાં આપણે કેટલી ઉન્નતિ કરી છે, તેનો ક્યાસ કઈ રીતે કાઢવો? જેવી રીતે આપણે શારીરિક પરીક્ષણ કરાવીએ છીએ કે શરીરમાં આટલું શુગરનું, આટલું બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે, તેવી જ રીતે શું આધ્યાત્મિક પરીક્ષણ શક્ય છે કે આપણામાં આટલું સત્ત્વ, આટલું રજસ કે તમસ તત્ત્વનું સ્તર છે? હા, એ સંપૂર્ણ રીતે શક્ય છે, જો આપણે જાણતા હોઈએ કે ક્યાં જોવું અને કઈ રીતે જોવું. ક્યાં જોવું? તો આપણા મનની ભીતરમાં દૃષ્ટિ કરવી કે આપણા મનને કઈ વસ્તુઓમાંથી સૌથી વધુ આનંદ મળે છે? આ જ આપણી આધ્યાત્મિક પ્રગતિની ચકાસણી છે.

હરિદ્વાર, કનખલમાં સાધના-સદન નામક એક આશ્રમ છે. અમે ત્રણ-ચાર સંન્યાસી એક વાર ત્યાં જ્ઞાનસત્રમાં ભાગ લેવા ગયા હતા. આ આશ્રમમાં વર્ષમાં એક વાર ચાલીસ દિવસના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવે છે. આ જ્ઞાનસત્રના વર્ગો હરિદ્વાર, વારાણસીના સર્વશ્રેષ્ઠ વિદ્વાન સંન્યાસીઓ દ્વારા લેવામાં આવે છે, જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન સંસ્કૃત અને શાસ્ત્રોના અધ્યયનમાં વિતાવી દીધું છે. આ જ્ઞાનસત્રમાં દિવસમાં પાંચ વર્ગો હોય છે. એક કલાકનો એક વર્ગ હોય છે. ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદના સંપૂર્ણ રૂપે પ્રત્યેક શ્લોક સમજાવે છે. આ જ્ઞાનસત્રમાં અમે દસ-પંદર જ સાધુ-સંન્યાસીઓ હતા, બાકીના બધા ગૃહસ્થ સાધકો હતા. તો આ ઉંમરલાયક બધા ગૃહસ્થ ભક્તો એક પણ વર્ગમાં ગેરહાજર રહેતા ન હતા. તો દિવસના સાત-આઠ કલાક ચાલીસ દિવસ સુધી સતત આ ગૃહસ્થ સાધકો હાજરી આપતા હતા. પ્રસ્થાનત્રય સમજવામાં ખૂબ જ કઠિન ગ્રંથ છે. તો આ છે આધ્યાત્મિક જીવનનો માપદંડ. આ ધનિક, સુસંસ્કૃત લોકો જેમની પાસે ભોગવિલાસનું જીવન જીવવાની બધી અનુકૂળતાઓ છે, છતાંય તેમનો આનંદ આધ્યાત્મિક જીવનમાંથી આવે છે.

તો આધ્યાત્મિક જીવનની યાત્રામાં આપણે કેટલી પ્રગતિ કે વિકાસ કર્યો છે, તેની કસોટી કરવી હોય તો આપણને કઈ પ્રવૃત્તિ કે કાર્યમાં સૌથી વધુ આનંદ આવે છે, તેની ચકાસણી કરી લેવી જોઈએ. એકાંતમાં બેસવું, જપ-ધ્યાન કરવું, ચિંતન-મનન કરવું, શાસ્ત્ર-ગ્રંથોનો અભ્યાસ કરવો, મંદિરે કે યાત્રાએ જવું વગેરે કાર્યોમાં જો આપણને આનંદ આવે છે, તો સમજવું કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી છે.

તો સ્વામીજી કહે છે કે આપણે અન્નનો આનંદ નથી લેવાનો, પરંતુ અન્નને બ્રહ્મ સમજીને ગ્રહણ કરવાનું છે, જેથી કરીને આપણને અન્નમાંથી ફક્ત પ્રોટીન, વિટામિન વગેરે પોષકતત્ત્વો જ નહિ, પરંતુ શુભ-સાત્ત્વિક વિચારો પણ પ્રાપ્ત થશે. જો આપણે તામસિક આહાર ગ્રહણ કરીશું, તો તે આપણા શરીરને શક્તિશાળી, સબળ બનાવશે, પરંતુ આવો આહાર આપણા મનને પ્રદૂષિત કરશે. જ્યારે સાત્ત્વિક અન્ન આપણા વિચારોની પણ શુદ્ધિ કરશે.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.