(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)

શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર

જેમ દર્પણમાં મનુષ્યનું મુખ પ્રતિબિંબિત થાય છે, તેમ માનવ-મન પત્રો દ્વારા પ્રગટિત થાય છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિનો પત્ર વાંચીએ છીએ ત્યારે આપણને તે વ્યક્તિના મનની અંશતઃ ઝાંખી પ્રાપ્ત થાય છે. ગોથે કહ્યું છે, “વ્યક્તિ પોતા પાછળ જે સ્મૃતિઅંશો મૂકતી જાય છે, તેમાં પત્રો મહત્ત્વપૂર્ણ છે.” પુરાતનકાળમાં જ્યારે ટેલિફોન કે ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે દૂરના અંતરે રહેતી વ્યક્તિ પત્રવ્યવહાર દ્વારા સંકલિત રહેતી. સેન્ટ પોલે આધ્યાત્મિક માર્ગદર્શન પત્રવ્યવહાર મારફત કર્યું હતું. તેઓએ પત્ર દ્વારા અનેકાનેક વ્યક્તિઓને ઈશુનો સંદેશ પહોંચાડ્યો હતો અને હજુય લાખો ખ્રિસ્તીઓ તે લેખિત સંદેશથી લાભાન્વિત થઈ રહ્યા છે. સ્વામી વિવેકાનંદે પણ પોતાના (768) અમરપત્રો દ્વારા અગણિત લોકોને પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા છે અને હજુય તે કાર્ય કરી રહ્યા છે.

જો કે શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીએ વિશેષ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું, છતાંય તેઓ પત્રાચારના કૌશલયુક્ત હતાં, જે આધ્યાત્મિક  આદર્શોના પ્રચાર-પ્રસાર માટે અનિવાર્ય છે. શ્રીરામકૃષ્ણ અલ્પકાળ માટે લાહાબાબુની પાઠશાળામાં ગયા હતા અને વાંચવા-લખવાનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ હસ્તાક્ષર કરી શકતા હતા અને તેમણે કેટલાંક આખ્યાનોની લેખિત નકલ કરી હતી, જે બેલુર મઠના સંગ્રહાલયમાં સુરક્ષિત છે.

૯મી માર્ચ, ૧૮૮૩ના રોજ શ્રીરામકૃષ્ણે શ્રી‘મ’ને કહ્યું હતું, “હું નાનપણમાં ચિત્ર દોરવાનું સરસ જાણતો, પરંતુ આંકના પાડામાં ગૂંચવાતો. ગણતરીનાં પલાખાં, હિસાબ વગેરે મને આવડ્યાં નહીં.” ઠાકુરે અર્થોપાર્જન કરાવનાર શિક્ષણની દરકાર કરી નહીં, તેઓનું શિક્ષણ શૂન્ય સમાન હતું.

શ્રીરામકૃષ્ણદેવે કોઈને પત્રો લખ્યા હોય કે લખાવ્યા હોય તેવો કોઈ પુરાવો નથી. પરંતુ ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૫ના રોજ તેમને પૂર્ણચંદ્ર ઘોષનો પત્ર મળ્‍યો હતો, જેમાં પૂર્ણે લખ્યું હતું, “મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. વચ્ચે વચ્ચે રાત્રે આનંદને લીધે ઊંઘ આવતી નથી.” ઠાકુર પત્રનું વાંચન સાંભળીને બોલ્યા હતા કે, “મને શરીરે રોમાંચ થાય છે! તેની આ આનંદની અવસ્થા પાછળથી કાયમની થઈ જશે. જોઉં પત્ર!” પત્ર હાથમાં લઈ વાળીને દાબીને બોલે છે કે “બીજાનો કાગળ અડી શકું નહીં, આનો બહુ મજાનો પત્ર!” શું ભક્તનું એ સદ્‌ભાગ્ય નથી કે એક અવતાર તેની કલ્યાણ-કામના કરે છેે!

શ્રીમા લખવા-વાંચવાનું શીખ્યાં હતાં પરંતુ યોગિનમાના જણાવ્યા મુજબ શ્રીમાને પૈસા ગણતાં આવડતું ન હતું. શ્રીમાને ભક્તો દ્વારા અવાર-નવાર મનીઓર્ડર મારફત મોકલાવેલ પૈસા મળતા કે ક્યારેક ભેટ રૂપે પૈસા મળતા. તેઓ પ્રાપ્ત થયેલા પૈસાને પોતાના કપાળે સ્પર્શ કરાવતાં (કેમ કે પૈસા લક્ષ્મીદેવીનું સ્વરૂપ છે) અને પછી પેટીમાં મૂકતાં. ત્યાર બાદ કરિયાણું ખરીદવા માટે ભક્ત-શિષ્યને આપતાં.

એક વાર “ઉદ્‌બોધન”માં સ્વામી અરૂપાનંદે શ્રીમાને કહ્યું, “મા! હું તમને ક્યારેક રામાયણ વાંચતાં જોઉં છું. તમે ક્યારે વાંચવાનું શીખ્યાં હતાં?” શ્રીમાએ જવાબમાં કહ્યું હતું કે તેઓ જ્યારે નાની બાલિકા હતાં ત્યારે તેમના ભાઈ પ્રસન્ન અને ભત્રીજા રામનાથ પાસેથી બારાક્ષરી ભણ્યાં હતાં. ત્યાર બાદ કામારપુકુરમાં શ્રીમા અને ભત્રીજી લક્ષ્મી વર્ણ પરિચય-૧ (બંગાળી પ્રાથમિક જ્ઞાન) ભણ્યાં હતાં. પરંતુ હૃદયે શ્રીમા પાસેથી પુસ્તિકા ઝૂંટવી લીધી હતી. કારણ કે તેનું માનવું હતું કે છોકરીઓએ ભણવું જોઈએ નહીં. પછીથી ઠાકુરે દક્ષિણેશ્વરમાં શરદ સામંત નામના છોકરાને વર્ણ પરિચય-૨ શીખવવા નિયુક્ત કર્યો હતો. ૧૮૮૫માં જ્યારે ઠાકુર કેન્સરના રોગની સારવાર માટે શ્યામપુકુર ગયા ત્યારે ભવ મુખર્જી પરિવારની કન્યાએ શ્રીમાને રામાયણ તેમજ અન્ય શાસ્ત્ર-ગ્રંથો વાંચવાનું શીખવ્યું હતું.

શ્રીરામકૃષ્ણે એક વાર શ્રીમા વિશે કહ્યું હતું, “તે સારદા છે—સરસ્વતી. તે જ્ઞાન પ્રદાન કરવા આવ્યાં છે.” સરસ્વતી જ્ઞાનદાયિની દેવી છે. સરસ્વતી દેવીની કૃપાથી પ્રશિક્ષણ આપવા માટે આવશ્યક જ્ઞાન શ્રીમાને પ્રાપ્ત થયું હતું. ભારત અને વિદેશમાં શ્રીમાના અગણિત શિષ્યો અને ભક્તો હતા. તેઓની સમસ્યાઓના ઉકેલ માટે કે આધ્યાત્મિક માર્ગદર્શન માટે તેઓના પત્રો શ્રીમાને મળતા. આ બધા પત્રોનો શ્રીમા પ્રત્યુત્તર આપતાં.

શ્રીમા સમક્ષ પત્રો વંચાતા ત્યારે તેના જવાબો શ્રીમા કોઈ એક શિષ્ય પાસે લખાવતાં, જેમાંનાં હતાં—સ્વામી અરૂપાનંદ, સ્વામી પરમેશ્વરાનંદ, બ્રહ્મચારી ગોપેશ, બ્રહ્મચારી વરદા, બ્રહ્મચારી જ્ઞાનાનંદ, બ્રહ્મચારી હેમેન્દ્ર અને સરયૂબાલા સેન. શિવરામ (શ્રીરામકૃષ્ણનો ભત્રીજો), શ્રીમાની ભત્રીજીઓ—રાધુ, માકુ અને નલિની—ક્યારેક પત્રો લખતાં. ક્યારેક ટપાલી યોગેન્દ્ર પાસે શ્રીમા પત્રનો જવાબ લખાવતાં.

પ્રારંભિક દિવસોમાં જયરામવાટીમાં વિશેષ લોકો શિક્ષિત ન હતા. જ્યારે ટપાલી યોગેન્દ્ર પત્ર લઈને આવતો ત્યારે શ્રીમા તેમને પત્ર વાંચવાનું કહેતાં. પછી શ્રીમા તેની પાસે જવાબ લખાવતાં અને પત્ર રવાના કરવાનું જણાવતાં. અલબત્ત, શ્રીમા કદરરૂપે તેને ઉપાહાર કરાવતાં.

મે, ૨૦૦૬માં રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા “માયેર ચિઠી” નામનું બંગાળી પુસ્તક પ્રકાશિત થયું છે, જેમાં શ્રીમાએ લખાવેલ ૩૬૧ પત્રો છે.

આ પત્રો આધ્યાત્મિક માર્ગદર્શન, ઐતિહાસિક માહિતી અને રામકૃષ્ણ સંઘને લગતા પ્રસંગોથી ભરપૂર છે. વધુમાં, આ પત્રો શ્રીમાનું જીવનદર્શન પ્રગટ કરે છે. પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ કોલકાતા અને જયરામવાટી વચ્ચે ઘણીય વાર મુસાફરી કરી હતી, ભારતના વિભિન્ન ભાગોમાં યાત્રા અર્થે ગયાં હતાં, વધુમાં તેઓ જયરામવાટી અને કોલકાતામાં ભક્તોની સેવા કરવામાં તેમજ દીક્ષા પ્રદાન કરવામાં અત્યંત વ્યસ્ત રહેતાં હતાં. તેઓ ક્યારેક ક્યારેક મલેરિયા અને સંધિવાથી પીડાતાં હતાં. એ પરમ આશ્ચર્યની બાબત છે કે કેવી રીતે તેઓ આટલી વ્યસ્તતા મધ્યે ઠાકુરના અને પોતાના શિષ્યો સાથે સંપર્ક સાધતાં હતાં! અર્વાચીન કેળવણીનો અભાવ અને ગ્રામ્ય ઉછેર થયેલ હોવા છતાં શ્રીમા પોતાનાં વર્તન-વ્યવહાર બાબતે સર્વદા ગરિમામય હતાં. જ્યારે શ્રીમાને કોઈ વ્યક્તિ પૈસા કે ભેટ મોકલતી ત્યારે શ્રીમા અવશ્ય તેને આશીર્વાદ સહિત સ્વીકૃતિ-પત્ર પાઠવતાં.

શ્રીરામકૃષ્ણદેવનો અધ્યાત્મ-માર્ગદર્શનનો ગાળો ૬-૭ વર્ષનો હતો અને તેમના શિષ્યો, ભક્તો તેમજ પ્રશંસકોની સંખ્યા લગભગ એકસો જેટલી હશે. બીજી બાજુ, શ્રીમાનો અધ્યાત્મ-પ્રશિક્ષણનો સમયગાળો ૩૪ વર્ષથી વધુ દીર્ઘકાળનો હતો અને તેમના શિષ્યો-ભક્તોની સંખ્યા હજારોની હતી. બ્રહ્મચારી અક્ષય ચૈતન્યે “શ્રીશ્રી માયેર પદપ્રાંતે” ભાગ-૨માં શ્રીમા દ્વારા મંત્રદીક્ષિત શિષ્યોની સંખ્યા ૧૧૭૬ ગણાવી છે.  પરંતુ આ સંપૂર્ણ યાદી નથી. એ આશ્ચર્યની વાત છે કે ઔપચારિક શિક્ષણ મેળવેલ ન હોવા છતાં શ્રીમા આ ભક્તો અને શિષ્યો સાથે પત્રવ્યવહાર દ્વારા કેવી રીતે સંપર્ક જાળવી શક્યાં હતાં! શ્રીમા જેમ બોલતાં જાય તેમ પત્રના જવાબનું શ્રુતલેખન કરનાર વ્યક્તિની ભાષા પ્રાંજલ ન હોય, જોડણી યથાર્થ ન હોય કે વાક્યરચના સુયોગ્ય ન હોય છતાંય પત્ર-પ્રાપ્તકર્તાને એ શબ્દો દ્વારા શ્રીમાનાં હાર્દિક વાત્સલ્ય, શુભાશિષ અને દિવ્ય સાંનિધ્યની અનુભૂતિ અવશ્ય થતી હતી. મોટા ભાગના પત્રો સંક્ષિપ્ત અને મુદ્દાસર રહેતા. ઘણાખરા પત્રો પોસ્ટકાર્ડ રૂપે લખાયેલ છે. શ્રીમા ભેટ મળે કે તરત જ ભેટ મોકલનારને સ્વીકૃતિ-પત્ર પાઠવતાં અને તેમની ક્ષેમકુશળતા વિષયક પૂછપરછ કરતાં અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તર આપતાં. તેઓ પત્રો દ્વારા અમોઘ આશીર્વાદ વરસાવતાં. ધન્ય છે એ ભક્તો કે જેમને અવતારનાં અધ્યાત્મ-સંગિની દ્વારા પ્રેષિત પત્રો પ્રાપ્ત થયા છે!

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.