રાજા મહારાજ ઉપર મારી ભક્તિ

કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા ઉપર રહેતા નિરાશ્રિત, અસહાય, પીડિત રોગીઓને અહીં લાવીને આવશ્યક ચિકિત્સાની સેવા કરવામાં આવતી. આશ્રમના સાધુ-બ્રહ્મચારીઓ નારાયણ-જ્ઞાને આ બધા રોગીઓની સેવા-શુશ્રૂષા કરતા. રામકૃષ્ણ સંઘના સેવાના આ આદર્શથી અનુપ્રાણિત થઈને જ મેં સાધુ થવા માટે કાશી-સેવાશ્રમમાં યોગદાન કર્યું હતું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અન્ય બે શિષ્યો સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદનાં પણ અહીં જ પ્રથમ દર્શન થયાં હતાં. શ્રીરામકૃષ્ણદેવના આ ત્રણ શિષ્યોને જાેઈને જ મને થયું હતું કે તેઓમાં એક ઘનીભૂત આધ્યાત્મિકતા સર્વકાળ વિરાજમાન છે.

શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર શ્રીમહારાજનાં દર્શન કરતાં પહેલાં એમની સાથે મારો પત્ર-વ્યવહાર થયો હતો. તેથી જ પ્રથમ સાક્ષાત્કાર સમયે તેઓ મારા માટે સાવ અપરિચિત ન હતા. એ સિવાય ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ તથા વિભિન્ન સૂત્રોથી તેમના સંબંધે મારા મનમાં એક સ્પષ્ટ ધારણા બેઠી હતી. તેઓની સકરુણ, અલૌકિક—જેને ઠાકુર કહેતા સચકોર દૃષ્ટિ—પક્ષી ઈંડા પર બેસવાને સમયે એની ઉપર જ મન કેન્દ્રિત હોય એવી દૃષ્ટિ, તેજોદ્દીપ્ત સહાસ્ય વદન, તથા સહજ-સરળ બાળક ભાવના કોમળ માધુર્યથી હું વિશેષરૂપે આકૃષ્ટ થયો હતો.

સેવાશ્રમનાં અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં સર્વ સમય હું વિચારતો કે ક્યારે મહારાજ સાથે સત્સંગ કરું. કર્તવ્ય-કર્મ સમાપ્ત કરી, સુયોગ-સુવિધા મળતાં જ મહારાજની સમીપે ઉપસ્થિત થઈ સાક્ષાત્‌-ભાવે થોડી સેવા કરવા માટે હું એમના આદેશની પ્રતીક્ષામાં રહેતો. તેઓ કૃપા કરીને ક્યારેક ભોજન લઈ આવવાનું કહેતા, ક્યારેક ચરણસેવા કરવાનું કહેતા. થોડા સમય પૂરતું હોવા છતાં પણ આ સેવાનો અધિકાર મેળવી હું પોતાને ધન્ય માનતો, તથા વિપુલ આનંદથી ભરપૂર થઈ જતો. આમ, કેટલાક દિવસ સેવા કર્યા બાદ મારા મનમાં દૃઢ ધારણા બેસી ગઈ કે આ આનંદમય મહાપુરુષનો સંગ પ્રાપ્ત કરવો અત્યંત આવશ્યક છે, નહીં તો બ્રહ્મ, આત્મા, ઈશ્વર વગેરે અતીન્દ્રિય વસ્તુઓ સમજવાની કે ધારણા કરવાની કોઈ જ સંભાવના નથી.

થોડા દિવસ કાશીમાં નિવાસ કર્યા બાદ રાજા મહારાજ અન્યત્ર ચાલ્યા જવાથી તેઓનો સત્સંગ-લાભ કરવા માટે હું મન-પ્રાણથી પ્રબળ આકાંક્ષા અનુભવ કરવા લાગ્યો. અંતરની પ્રાર્થનાનો ભગવાન હરહંમેશાં ઉત્તર આપે. તેઓએ મારી આ ઇચ્છા પૂર્ણ કરી.

હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ) કહેતા, “મહારાજ જ્યાં રહે ત્યાં તેઓ ચારેબાજુ એવો એક આધ્યાત્મિક પરિવેશ સર્જે છે કે એમાં જે કોઈ પ્રવેશે તે એ ભાવથી તરબોળ થઈ જાય.”

કેટલાય લોકો જીવનની કેટલીય સમસ્યાઓ લઈને મહારાજની પાસે આવતા. પરંતુ તેઓનાં દર્શન માત્રથી જ તેઓને કોઈ પણ પ્રશ્ન કરવાની આવશ્યકતા રહેતી જ નહીં. તેઓના સાંનિધ્યમાં આપોઆપ જ બધી સમસ્યાઓનું સમાધાન થઈ જતું, તથા દર્શનાર્થીઓ પોતપોતાની અહંકાર-જડિત સ્વાધીન સત્તા તથા જાગતિક સુખ-દુ:ખની સ્મૃતિ ક્ષણભર ભૂલી જઈ અપાર્થિવ સઘન આનંદનો અનુભવ કરતા.

શ્રીરામકૃષ્ણ રાખાલને (સ્વામી બ્રહ્માનંદનું બાળપણનું નામ) લક્ષ્ય કરીને ભક્તોને કહેતા, “આ બધા છોકરાઓ નિત્યસિદ્ધની કક્ષાના છે. ઈશ્વરનું જ્ઞાન લઈને જ જન્મ્યા છે.”

મહારાજ જાગતિક ઘટનાવલીથી વધુ ઊર્ધ્વ સ્તરે અતીન્દ્રિય ભાવરાજ્યમાં નિરંતર વિચરણ કરતા. ઠાકુરના નિર્દેશ અનુસાર સ્વામી વિવેકાનંદે આ સંઘનો ભાર તેઓની ઉપર મૂક્યો હતો. સ્વામીજીની મહાસમાધિ બાદ સંઘને સુપરિચાલિત કરવા માટે તેઓએ દૃઢતાપૂર્વક મનોનિવેશ કર્યો હતો. તેઓના અસાધારણ વ્યક્તિત્વ તથા આધ્યાત્મિક શક્તિના પ્રભાવથી સંઘ દિવસે દિવસે પરિપુષ્ટ તથા સુવર્ધિત થવા લાગ્યો. …

એક દુખિયારી વિધવાની વાર્તા

બલરામ મંદિરમાં એક દિવસ બપોરે ભોજન બાદ મહારાજ વિશ્રામ કરવા માટે જઈ રહ્યા હતા. એ સમયે એક વિધવા મહિલા પોતાના ભાઈની સાથે મહારાજનાં દર્શન કરવા માટે આવી. હું મહારાજના ઓરડાના દરવાજા પાસે એક બાંકડા ઉપર બેઠો હતો. એ મહિલાએ આવીને મને ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રશ્ન કર્યો, “રાખાલ મહારાજ ક્યાં છે? હું એક વાર તેઓનાં દર્શન કરવા માગું છું. શરત્‌ મહારાજે (સ્વામી શારદાનંદે) મને અહીં મોકલી છે.”

મેં ઉત્તર આપ્યો, “અત્યારે એમનાં દર્શન કરવાં મુશ્કેલ છે. તેઓ અત્યારે વિશ્રામ કરવા જવાના છે.”

મારી વાત સાંભળીને મહિલા ખૂબ જ ખિન્ન થઈ ગઈ. મેં તેની એ અવસ્થા જાેઈને મહારાજની પાસે જઈ એના વિશે જણાવ્યું. મહારાજે ખૂબ સ્નેહપૂર્વક મને કહ્યું, “જાે, જમ્યા-પરવાર્યા પછી આ વૃદ્ધવયે હું વધારે વાર્તાલાપ કરી શકતો નથી. એક-બે કલાક પછી એમને આવવાનું કહે.”

આ વાત સાંભળીને મહિલા નિરવે અવિરલધારે અશ્રુ વિસર્જન કરવા લાગી. પછી કાતર-સ્વરે મને કહ્યું, “જુઓને, હું માત્ર પ્રણામ કરીને જ ચાલી જઈશ, આ પ્રકારની કોઈ વ્યવસ્થા મારા માટે કરી દો ને.”

તેની આ વ્યાકુળતા નિહાળી મેં ફરી વાર મહારાજને જઈને જણાવ્યું, “શરત્‌ મહારાજે એ મહિલાને મોકલી છે, માત્ર એક વાર પ્રણામ કરીને જતી રહેશે.”

શરત્‌ મહારાજનું નામ સાંભળીને મહારાજે કોઈ પણ પ્રકારની આપત્તિ ઉઠાવ્યા વિના કહ્યું, “ભલે, જો માત્ર પ્રણામ કરીને જ જતી રહેવાની હોય તો આવવાનું કહે.”

મહિલાએ ખૂબ આનંદથી આકુળ-વ્યાકુળ ભાવે મહારાજને પ્રણામ કર્યા. પ્રણામ કરતાં કરતાં જ એ ભાવના આવેગથી રોવા લાગી. મહારાજ પણ એકાએક નિર્વાક-નિસ્પંદ બની ગયા. એ સમયે મહારાજને જોઈને મને થયું, તેઓ કોઈ એક ઉચ્ચ ભાવરાજ્યમાં ચાલ્યા ગયા છે. થોડીક ક્ષણો બાદ ભાવ થોડો પ્રશમિત થતાં મહારાજે એ મહિલાની સામે જાેઈને કહ્યું, “ઊઠો, મા, ઊઠો, શું થયું છે કહો.” મહિલા એ સમયે પણ રોઈ રહી હતી. મહારાજના સ્નેહપૂર્ણ સંબોધનથી તે ઊઠીને બેઠી થઈ. પરંતુ ભાવાવેગના કારણે થોડી વાર સુધી વાત કરી શકી નહીં. પછી મહારાજના ઓરડામાં શ્રીશ્રીઠાકુરની છબી તરફ ઇશારો કરીને કહ્યું, “એમણે જ મને તમારી પાસે આવવાનો આદેશ કર્યો છે.” તેની આ વાત સાંભળી મહારાજ ચમકી ઊઠ્યા તથા પૂછ્યું, “શું થયું, કહો તો, મા?”

આ વાત સાંભળી મહિલા નિ:સંકોચે કહેવા લાગી, “મારો ચૌદ વર્ષની ઉંમરે વિવાહ થયો હતો. સાસરું હતું બહરમપુર. વિવાહના થોડા દિવસો પછી જ પતિનું મૃત્યુ થયું, ત્યારે ભગવાનની પાસે રોતાં રોતાં પ્રાર્થના કરતી, ‘પ્રભુ, આખું જીવન કેવી રીતે વિતાવીશ? તમે મને રસ્તો ચીંધી દો!’ લગભગ એક વર્ષ પછી રાત્રે સ્વપ્નમાં ઠાકુરે આવીને કહ્યું, ‘દુ:ખ કરીશ નહીં, બાગબજારમાં મારો દીકરો રાખાલ છે, તેની પાસે જા, એ તારી બધી વ્યવસ્થા કરી દેશે!’ કોણ શ્રીરામકૃષ્ણ, કોણ રાખાલ! ત્યારે તો કશું જ ખબર ન હતી. હું વળી કેવી રીતે એકલી બાગબજાર આવું?

“મેં સાસરામાં આ વિષયે કોઈને કશું જણાવ્યું નહીં. મારી મા કોલકાતામાં ટેલીગંજમાં રહે છે. સાસરેથી અનુમતિ લઈ મેં મારી માની પાસે આવીને બધું જણાવ્યું. તેઓ શ્રીરામકૃષ્ણદેવ સંબંધે જાણતાં હતાં. તેમની પાસેથી ખબર મેળવીને હું મારા ભાઈને સાથે લઈ બાગબજાર ગઈ. ત્યાંથી ખબર મેળવીને ઉદ્‌બોધન કાર્યાલયમાં શરત્‌ મહારાજની મુલાકાત કરીને આખી વાત જણાવી. તેઓએ જ મને તમારી પાસે મોકલી છે.”

લગભગ બે કલાક પછી મહારાજે મને બોલાવીને કહ્યું, “જો, આ દીકરીએ હજુ પણ ખાધું નથી. એના માટે ભોજનની વ્યવસ્થા કરી દે.” આટલી વારમાં તો એની દીક્ષા પણ થઈ ગઈ હતી. મહારાજનો આદેશ મેળવીને એને બલરામબાબુના અંદર-મહલમાં (એ સમયે પરદાપ્રથાના પ્રભાવને કારણે ઘરના અંદરના ભાગમાં માત્ર મહિલાઓ જ પ્રવેશ કરી શકતી, જે ભાગ અંદર-મહલ કહેવાતો) લઈ જઈ મહિલાઓની સાથે એનો પરિચય કરાવી દીધો અને એના માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કહ્યું. એ મહિલા જ્યારે મહારાજના કક્ષમાંથી બહાર આવી ત્યારે એને જોઈને લાગ્યું કે હવે એ શોક-દુ:ખની જ્વાલા-યંત્રણા લેશમાત્ર પણ એનામાં રહી નથી. શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર રાખાલરાજના કૃપાકટાક્ષે એવું તો એક પરિવર્તન આણ્યું હતું કે જેના પરિણામે અત્યારે એ આનંદથી ભરપૂર થઈ ગઈ છે.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.