શ્રીશ્રીમાને મેં પહેલી વાર કાશીના સેવાશ્રમમાં જોયાં. મને યાદ છે તે પ્રમાણે એ ૧૯૧૨ના નવેમ્બરની ઘટના છે. તે દિવસ હતો ૮ નવેમ્બર, ૧૯૧૨નો. કાલીપૂજાના પછીના દિવસે શ્રીશ્રીમા સેવાશ્રમમાં આવ્યાં હતાં. હું થોડા દિવસ પહેલાં સંઘમાં જોડાવા સેવાશ્રમમાં આવ્યો હતો. અહીં આવતાં પહેલાં ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ અને અન્ય સૂત્રો દ્વારા શ્રીશ્રીમા વિશે જાણી લીધું હતું. મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) એ વખતે સેવાશ્રમમાં જ રહેતા હતા. શ્રીશ્રીમા આશ્રમની નજીક આવેલ બાગબજાર નિવાસી કિરન દત્તના ‘લક્ષ્મી નિવાસ’ નામના ભવનમાં રહેતાં હતાં.

શ્રીશ્રીમાએ તે દિવસે સેવાશ્રમમાં ફરીફરીને બધું જોઈ લીધું. સેવાશ્રમના સાધુઓને નારાયણભાવે રોગીઓની સેવા કરતા જોઈને તેઓ અત્યંત પ્રસન્ન થયાં. એમણે કહ્યું હતું, ‘હું જોઉં છું કે શ્રી ઠાકુર અહીં સ્વયં વિરાજી રહ્યા છે અને મારા છોકરાઓ મનપ્રાણથી રોગીઓની સેવા કરીને એમની જ પૂજા કરે છે.’ ઠીક ઠીક સમય સેવાશ્રમમાં વિતાવ્યા પછી શ્રીશ્રીમા ‘લક્ષ્મી નિવાસ’ પાછાં ફર્યાં. થોડી વાર પછી શ્રીશ્રીમાએ ચારુ મહારાજ (સ્વામી શુભાનંદ)ને દશ રૂપિયાની એક નોટ મોકલાવી. ચારુ મહારાજ કાશી સેવાશ્રમના સંસ્થાપકોમાંના એક હતા. ત્યાં સુધી તેઓ સંન્યાસી બન્યા ન હતા. એમનું નામ હતંુ ચારુચંદ્ર દાસ અને એ સમયે એમને સૌ ચારુ બાબુ કહેતા. રૂપિયા લાવનાર વ્યક્તિએ કહ્યું, ‘શ્રીશ્રીમા સેવાશ્રમનું કામ જોઈને ખૂબ સંતુષ્ટ થયાં છે, એટલે આ રૂપિયા મોકલ્યા છે. સાથે ને સાથે માએ આવું કહેણ પણ મોકલ્યું છે, ‘સેવાશ્રમનું કાર્ય મને એટલું બધું સારું લાગ્યું છે કે અહીં જ સ્થાયીરૂપે રહેવાનું મન થઈ જાય છે.’ આ વાત સાંભળીને મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી), હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ), કેદાર બાબા (સ્વામી અચલાનંદ), ચારુ મહારાજ વગેરેના આનંદનો પાર ન રહ્યો.

માસ્ટર મહાશય (શ્રી મ.) પણ એ દિવસોમાં કાશીમાં જ હતા. એમને સેવાશ્રમનું આ કાર્ય ગમતું ન હતું. એમનું માનવું હતું કે રોગીઓની સેવા કરવી, હોસ્પિટલ ચલાવવી વગેરે સાધુઓને માટે યોગ્ય કાર્ય નથી. આ બધું શ્રીઠાકુરનાં કાર્યોમાં બાધારૂપ નીવડે છે. સાધુઓએ કેવળ સાધનભજનમાં જ રત રહેવું જોઈએ. સેવાશ્રમ જોયા પછી શ્રીશ્રીમાનો અભિપ્રાય અને દશ રૂપિયા મોકલવાની વાતનો ઉલ્લેખ કરતાં મહારાજે (સ્વામી બ્રહ્માનંદ) માસ્ટર મહાશયને કહ્યું, ‘આપે આ બધું સાંભળ્યું ને !’

માસ્ટર મહાશયે કહ્યું,‘ જો શ્રીશ્રીમાએ જ કહ્યું છે તો પછી એમાં શું કહેવાનું ! હવે તો માનવું જ પડશે કે આ બધું નિશ્ચિતરૂપે શ્રીઠાકુરનું જ કાર્ય છે.’

આ વખતે શ્રીશ્રીમા ઘણા દિવસો સુધી વારાણસીમાં રહ્યાં. એ દરમિયાન વચ્ચે વચ્ચે અદ્વૈત આશ્રમ અને સેવાશ્રમમાં એમનું પદાર્પણ થતું રહેતું. મહારાજ દરરોજ શ્રીશ્રીમાને પ્રણામ કરવા ‘લક્ષ્મી નિવાસ’ જતા. એમની સાથે ક્યારેક અમે લોકો પણ રહેતા. એ દિવસોમાં શ્રીશ્રીમા સાથે મારે વધારે વાતચીત ન થઈ, છતાં ક્યારેક ક્યારેક એમના વિશેષ સ્નેહનો આભાસ મળી જતો.

ઈ.સ. ૧૯૧૪ના ડિસેમ્બરના અંતે મહારાજના નિર્દેશથી હું સેવાશ્રમથી બેલુર મઠ આવ્યો. શ્રીશ્રીમા એ દિવસોમાં ઉદ્‌બોધનમાં રહેતાં હતાં. મઠમાં આવ્યા પછી હું શ્રીશ્રીમાનાં દર્શન કરવા ઉદ્‌બોધન જતો હતો. બેલુર જતાં પહેલાં પૂરરાહતનું કાર્ય કરવા હું કાશીથી પશ્ચિમ બંગાળ ગયો. ત્યાં પરિશ્રમ અને અનિયમિત જીવન વિતાવવાને લીધે મારું સ્વાસ્થ્ય એ વખતે બગડ્યંુ અને આ વાત શ્રીશ્રીમાની નજરે છૂપી ન રહી શકી. મને જોઈને શ્રીશ્રીમાએ ચિંતાભર્યા સ્વરે કહ્યું, ‘આ કેવી હાલત કરી નાખી છે, તેં ?’ મેં કહ્યંુ, ‘થોડા દિવસ પૂરરાહત કાર્યમાં રોકાઈ રહેવું પડ્યું હતંુ. ત્યાં ખાવાપીવાનું કંઈ ઠેકાણું ન હતું. એટલે કદાચ તબિયત થોડી બગડી ગઈ છે.’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘ થોડી જ નહીં, તબિયત તો ઘણી જ બગડી ગઈ છે. થોડા દિવસ સારી રીતે ખાઈપીને શરીરને સ્વસ્થ કરી લે. તારે શ્રીઠાકુરનાં ઘણાં કાર્યો કરવાનાં રહેશે. જો સ્વાસ્થ્ય સારંુ ન હોય તો એ કામ કેવી રીતે થશે ?’ મઠ પાછા ફરતી વખતે શ્રીશ્રીમાએ એ વાતની ફરીથી યાદ અપાવી.

આ વખતે હું મઠમાં કેટલાક માસ મહારાજની સેવામાં રહ્યો. એ વખતે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ કે હું ઉત્તરાખંડ જઈને થોડો સમય તપસ્યા કરું. શ્રીશ્રીમા ઉદ્‌બોધન ભવનમાં રહેતાં હતાં. ત્યાં જઈને મેં તપસ્યા માટે જવા શ્રીશ્રીમા પાસે પ્રાર્થનાપૂર્વક અનુમતિ માગી. શરૂઆતમાં તો તેઓ રાજી ન થયાં અને આકુળતાપૂર્વક કહેવા લાગ્યાં, ‘ના, બેટા ! તું હજી નાનો છો. તારે અત્યારે તપસ્યા માટે જવાની જરૂર નથી. ત્યાં ક્યાં રહીશ ? ખાવાનું કેવી રીતે મળશે ?’

હું પણ કંઈ વાતને એમ છોડી દઉં તેમ ન હતો. હું એમની અનુમતિ માટે અનુરોધ કરતો રહ્યો. શ્રીશ્રીમાએ ફરીથી કહ્યું, ‘ના, બેટા! એથી તને કષ્ટ પડશે. તારે તપસ્યા માટે જવાની જરૂર નથી.’ શ્રીશ્રીમાના કંઠમાંથી જાણે કે વ્યાકુળતા અને ઉત્કંઠા નીતરતી હતી. પરંતુ હું એમને છોડવાનો ન હતો. વારંવાર અનુમતિ માટે અનુનય-વિનય કરવા લાગ્યો. આખરે તેમણે કહ્યું, ‘ઠીક છે બેટા, તું તપસ્યા માટે આટલો વ્યાકુળ છો, તો કાશી ચાલ્યો જા. ત્યાં સેવાશ્રમમાં રહેજે અને બહારથી ભિક્ષા માગીને ખાજે. બીજે ક્યાંય ન જતો.’ આ સાંભળી મેં કહ્યું, ‘પરંતુ મા, હું પગે ચાલીને જ કાશી જઈશ.’ પહેલાં તો શ્રીશ્રીમા રાજી ન થયાં, પરંતુ વારંવારની વિનંતી કરવાથી સહમત થયાં. વિદાય લેતા પહેલાં શ્રીશ્રીમાએ માથા પર હાથ મૂકીને કહ્યું, ‘ખૂબ આશીર્વાદ આપું છું, બેટા ! તને સિદ્ધિ મળો.’

શ્રીશ્રીમાના આશીર્વાદ શિરોધાર્ય કરીને મેં પગપાળા કાશી તરફ પ્રયાણ કર્યું. એ વખતે હું કાશી સેવાશ્રમમાં સાતઆઠ મહિના રહ્યો. ત્યાર પછી ત્યાંથી મઠમાં પાછો ફર્યો અને વળી પાછો મહારાજની સેવામાં નિયુક્ત થયો.(સ્વામી નિવાર્ણાનંદ તપસ્યા માટે ૧૯૧૫ના ઓગસ્ટ માસમાં કાશી ગયા હતા અને સંભવત : ૧૯૧૬ના ફેબ્રુઆરીમાં શ્રીઠાકુર તિથિપૂજા પહેલાં મઠ પાછા ફર્યા હતા.)

મહારાજને બલરામ મંદિરમાં રહેવાનું ખૂબ ગમતું. તેઓ પ્રાય : બેલુર મઠથી બલરામ મંદિર ચાલ્યા જતા. મહારાજ સાથે ત્યાંના નિવાસ દરમિયાન સુયોગ સાંપડે ત્યારે હું ત્યાંથી ઉદ્‌બોધન જતો રહેતો. એટલે એ દિવસોમાં લગભગ પ્રતિદિન શ્રીશ્રીમાનાં દર્શન કરવાનું અને એમને પ્રણામ કરવાનું સૌભાગ્ય મને મળી જતું. તેમની સાથે વાતચીત પણ થતી. શ્રીશ્રીમાના ગળાનો સ્વર ઘણો મધુર હતો. બીજાની સામે એમનું મુખ લાંબા ઘૂંઘટથી ઢંકાયેલ રહેતું. પરંતુ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં શ્રીશ્રીમાને એવી રીતે ક્યારેય નથી જોયાં. મેં જ્યારે શ્રીશ્રીમાનાં દર્શન કર્યાં ત્યારે મને શ્રીશ્રીમાનું મુખ જોવા મળ્યું હતું.

શ્રીશ્રીમાની અંતિમ માંદગી વખતે મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ભુવનેશ્વરમાં હતા. હું પણ ત્યાં એમની સેવામાં હતો. શ્રીશ્રીમાની મહાસમાધિના દિવસે, મંગળવાર, ૨૧ જુલાઈ ૧૯૨૦ની રાતના લગભગ ૧ :૩૦ વાગ્યે જ્યારે મેં મહારાજના ઓરડામાં પ્રવેશ કર્યો અને જોયું તો તેઓ એક ગરમ ચાદરથી પોતાનો દેહ ઢાંકીને આરામખુરશી પર બેઠા હતા. એમની મુખમુદ્રા ઘણી ગંભીર હતી. મને જોઈને મહારાજે કહ્યું, ‘ સુજ્જુ, અત્યારે કેટલી રાત વીતી ગઈ છે? કોણ જાણે કેમ શ્રીશ્રીમા માટે મનમાં કેવું કેવું થઈ રહ્યું છે! કોને ખબર એમને કેમ છે!’ મેં પૂછ્યું, ‘સૂવું નથી?’ મહારાજે કોઈ જવાબ ન આપ્યો. મહારાજના મુખનો એ ગંભીરભાવ જોઈને અને સાથે શ્રીશ્રીમા માટે એમને આટલા ચિંતિત જોઈને મેં એમના મનને થોડું હળવું કરવા કહ્યું, ‘મહારાજ હુક્કો ભરીને લઈ આવું?’ મહારાજ નિરુત્તર રહ્યા અને એમ ને એમ બેઠા રહ્યા. એમનો એ ભાવ જોઈને મને એમને કંઈ વધારે પૂછવાની હિંમત ન થઈ. ધીમે ધીમે હું એમના ઓરડામાંથી બહાર નીકળી ગયો. પછીના દિવસે સવારે તેઓ થોડા અસ્થિર જણાયા. એ સિવાય બાકીના દિવસોમાં તેઓ થોડું ટહેલવા નીકળતા, પરંતુ એ દિવસે ન ગયા. સામેની ઓસરીમાં ફરતા રહ્યા. એ જ દિવસે ટપાલી એક તાર લઈને આવ્યો. શરત્ મહારાજ (સ્વામી સારદાનંદજી) નો તાર હતો, ‘ગઈ રાતે ૧ :૩૦ વાગ્યે શ્રીશ્રીમાએ ઉદ્‌બોધનમાં દેહત્યાગ કર્યો છે.’ મને ગઈ રાતનું એમનું એ કથન યાદ આવ્યું, ‘ શ્રીશ્રીમા માટે મનમાં કેવું કેવું થઈ રહ્યું છે!’

સમાચાર મળતાં જ મહારાજનું મુખમંડળ અજ્ઞાત વેદનાથી ભરાઈ ગયું. તેઓ સૂઈ ગયા. થોડી વાર પછી તેઓ ફરીથી બેઠા થયા. તેમણે કહ્યું, ‘હું હવિષ્યાન્ન કરીશ.’ (માત-પિતાના મૃત્યુ બાદ શોક દર્શાવવાની અવધિમાં ભોજન વગેરેમાં પાળવાની પરંપરા.) ૧૨ દિવસ સુધી એમણે હવિષ્યાન્ન ભોજન કર્યું અને પાદુકાનો ઉપયોગ પણ ન કર્યો. એક દિવસ તેઓ બોલી ઊઠ્યા, ‘આટલા દિવસ સુધી પહાડની છાયા તળે હતો!’ સાંભળ્યંુ છે કે શ્રીશ્રીમાના દેહનો અગ્નિસંસ્કાર થયા પછી મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદે) ત્યાં ઉપસ્થિત સાધુ-ભક્તોને કહ્યું, ‘સતીના દેહના એક એક અંગથી સમગ્ર દેશમાં એકાવન શક્તિપીઠોની સ્થાપના થઈ છે. તે જ સતીનો સમગ્રદેહ આજે બેલુરમઠની માટીમાં મળી ગયો. એનાથી જ સમજી લો કે બેલુર કેટલું મહાન તીર્થ છે!’

બેલુર મઠમાં ગંગાજીના કિનારે સ્વામી બ્રહ્માનંદ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમાનું મંદિર, એમ ત્રણ મંદિર છે. એ ત્રણ મંદિરોમાંથી કેવળ શ્રીશ્રીમાનું મંદિર ગંગાભિમુખ છે.

શ્રીશ્રીમાને ગંગા પ્રત્યે વિશેષ ભાવ હતો. ગંગાસ્નાન, ગંગાદર્શન તથા ગંગાજીના તટે રહેવાનું શ્રીશ્રીમાને બહુ ગમતું. એટલે જ શ્રીશ્રીમાના મંદિરનું મુખ ગંગાભિમુખ રહે એમ રાખ્યું છે, જાણે કે શ્રીશ્રીમા સર્વદા ગંગાદર્શન કરી રહ્યાં ન હોય!

મહારાજ કહેતા, ‘શ્રીશ્રીમાને ઓળખવાં ખૂબ કઠિન છે. સાક્ષાત્ જગદંબારૂપ હોવા છતાં તેઓ લાજ તાણીને સાધારણ નારીની જેમ રહે છે. જો શ્રીઠાકુર પોતે જ એમને ન ઓળખાવત તો શું આપણે એમને ઓળખી શકત ખરા?’

એક ભક્તે મને કહ્યું હતું, ‘‘શ્રીશ્રીમાએ પોતે જ તેમને આમ કહ્યું હતું, ‘હું જ સીતા છું.’’

Total Views: 263
By Published On: December 1, 2017Categories: Nirvanananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram