(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન)

શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની જેમ પોતાનું જીવન જીવ્યાં. પરંતુ તેમના જીવનમાં એક પ્રકારનું માધુર્ય હતું. શરૂઆતમાં આપણને કદાચ તેનો અનુભવ ન થાય. જ્યારે “શ્રીશ્રીમાયેર કથા” [શ્રી શ્રીમાતૃ ચરણે]ના પ્રથમ અને દ્વિતીય ભાગો બહાર પડ્યા ત્યારે અમે આતુરતાપૂર્વક બંને ભાગો વાંચી ગયા. શ્રીશ્રીમા પાસે અવારનવાર આવતી એક સ્ત્રી ભક્તે પ્રસ્તુત દિવસના બધા જ બનાવોની નોંધ રાખી હતી. પ્રથમ ભાગમાં શ્રીશ્રીમાના દૈનિક જીવનના બનાવોનો સવિશેષ સંચય થયો છે. દ્વિતીય ભાગમાં શ્રીશ્રીમાના ઉપદેશોનો વિશેષ સંચય છે. બંને ભાગો વાંચ્યા બાદ મને પ્રથમ કરતાં દ્વિતીય ભાગ વધુ પસંદ પડ્યો હતો. બેશક પ્રથમ ભાગમાં બધું સારું હતું. પરંતુ એમાં કઈ વિશિષ્ટતા છે તેવું હું ત્યારે સમજી શક્યો નહીં. પરંતુ જયારે આ પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર થયું અને તે અમેરિકા મોકલવામાં આવ્યા ત્યારે અમે જાણ્યું કે, જે અમેરિકન સ્ત્રીઓએ આ પુસ્તકો વાંચ્યા તેમને દ્વિતીય ભાગ કરતાં પ્રથમ ભાગ વધારે પસંદ પડ્યો. આ સ્ત્રીઓ પોતાના આદર્શોનું પાલન કરીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરી શકતી ન હતી; અને તેઓ જાણવા માગતી હતી કે, ભારતમાં મહિલાઓ પરંપરાગત રીતે પોતાનું જીવન કેવી રીતે જીવે છે. તેઓને જે જોઈતું હતું તે – શાંતિ મેળવવાનો માર્ગ – તેમને શ્રીશ્રીમાના જીવનમાંથી તે મળી આવ્યો. આથી જ તેમને પ્રથમ ભાગ આટલો બધો પસંદ પડી ગયો.

આપણા દેશની મહિલાઓ પણ પ્રાચીન ભારતીય આદર્શોને ભૂલતી જાય છે. આધુનિક યુગમાં, આપણા દેશમાં આ જ આદર્શોને તેઓ ભૂલી રહી છે અને પશ્ચિમના આદર્શોને અપનાવી રહી છે. આ બાબત સ્ત્રીઓની પરિષદોના ઠરાવોના અભ્યાસ ઉપરથી આપણે તારવી શકીએ છીએ, આ ઉપરથી આપણે તેઓના વિચારોના વલણનો ખ્યાલ મેળવી શકીએ છીએ. જે પાશ્ચાત્ય આદર્શોને કારણે ખુદ પશ્ચિમની સ્ત્રીઓ વિભ્રાન્ત થઈ રહી છે એ જ આદર્શોનું અનુકરણ કરવા માટે આપણી ભારતીય સ્ત્રીઓએ દોટ દીધી છે. શ્રીશ્રીમાએ આદર્શ જીવનનું પ્રત્યક્ષ ઉદાહરણ આપ્યું છે. એવું જીવન જીવીને શાંતીની પ્રાપ્તિ કરી શકાય. ભારતની સ્ત્રીઓએ આ જ આદર્શને અપનાવવો પડશે.

શ્રીશ્રીમાના જીવનનું ખાસ લક્ષણ એમનું વિશ્વસ્પર્શી માતૃત્વ હતું. એમની પાસે જે કોઈ જતું તે તેમના પ્રેમથી મુગ્ધ થઈ જતું. જેઓ એમની પાસે આધ્યાત્મિક માર્ગદર્શન માટે જતા તેઓ જ નહીં, પરંતુ જેઓ એમના વતનમાં ઘરકામ કે ખેતીકામ જેવું રોજનું કામ કરતાં તે સૌ પણ તેમના પ્રેમથી વશીભૂત થઈ જતા. શ્રીશ્રીમાના દેહવિલય બાદ ઘણા વર્ષો પછી પણ તેઓ તેમના ઘરની મુલાકાતે જતા. જો કોઈ તેમને પૂછે, “જ્યારે શ્રીશ્રીમા વિદ્યમાન હતા ત્યારે તમે આવતા હતા તે જ રીતે વારંવાર અત્યારે પણ શા માટે આવો છો ?” તો તેઓ પ્રત્યુત્તર આપતા, “અમે શ્રીશ્રીમાનો પ્રેમ ભૂલી શકતા નથી.” અત્યારે પણ શ્રીશ્રીમા વિશેનો કોઈ પણ ઉલ્લેખ સાંભળીને તેમની આંખોમાં અશ્રુ ભરાઈ આવે છે. શ્રીશ્રીમા પ્રત્યે તેઓ કેવું આકર્ષણ ધરાવતાં તેનો ખ્યાલ આપણને આ ઉપરથી આવી શકે છે. શ્રીશ્રીમાનો પ્રેમ અને તેમનું માતૃત્વ તેઓ ભૂલી શકતા નથી. જાણ્યે-અજાણ્યે પણ જો કોઈ મનુષ્ય ઈશ્વર પ્રત્યે આવું આકર્ષણ અનુભવે તો તે મોક્ષ પ્રાપ્ત કરે. શ્રીશ્રીમા પ્રત્યેના તેમના પ્રેમને કારણે પશ્ચિમની ભક્ત સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત કરશે તેમાં શંકાને સ્થાન નથી.

આપણા શ્રીરામકૃષ્ણ સંઘને શ્રીશ્રીમાનું પ્રદાન અમાપ છે. શ્રીશ્રીમા ન હોત તો શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો એક સંસ્થામાં નિષ્ઠા રાખી સમૂહમાં રહી શક્યા હોત કે નહીં તે શંકાસ્પદ છે. તેઓ જુદીજુદી જગ્યાએ જઈને વસ્યા હોત અને આખું જીવન તપશ્ચર્યામાં પસાર કર્યું હોત તેનો પૂરેપૂરો સંભવ છે. શ્રીશ્રીમાના પ્રેમે જ તેમને એક ધર્મ સંઘમાં એકત્રિત રાખ્યા. વળી, જ્યારે તેઓ ગયાજી ગયાં અને બુદ્ધગયામાં મઠ જોયો ત્યારે તેમણે શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરી કે “મારાં બાળકો માટે પણ આવા જ મઠનો પ્રબંધ થાય કે, જ્યાં તેઓ બધા એકી સાથે રહી શકે.” આજે તમે જે જુઓ છો ! આ મઠ અને મિશન – એ શ્રીશ્રીમાની પેલી પ્રાર્થનાનું ફળ છે. વળી શ્રીશ્રીમા જે રીતે શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીને સમજતા હતા તે રીતે એમને સમજવાનું ખરેખર અન્ય કોઈને માટે શક્ય ન હતું. એક ગામડાની સ્ત્રી જેવાં લાગવા છતાં પણ એમનામાં બધું જ સમજવાની અનુપમ શક્તિ હતી. પશ્ચિમમાંથી પાછા ફર્યા બાદ જ્યારે સ્વામીજીએ સાધુઓ દ્વારા સેવા કાર્યો કરાવવાનું શરૂ કર્યું, ત્યારે ય એમના ખુદ ગુરુભાઈઓ સહિત અનેકને લાગ્યું કે, આ બધા પશ્ચિમના વિચારો છે. અને તે શ્રીરામકૃષ્ણના વિચારો સાથે સુસંગત નથી. અલબત્ત આ પછી તુરત જ, સ્વામીજીનો આ વિચાર એમના સંન્યાસી ગુરુભાઈઓએ સ્વીકાર્યો. પરંતુ બીજા કેટલાકના મનમાં આ વિચાર અંગે શંકા ટકી રહી. મહેન્દ્રનાથ ગુપ્ત [શ્રી ‘મ’ – શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક] પણ આ રીતે વિચારતા હતા. શ્રી “મ”ના શબ્દો સાંભળીને અન્ય કેટલાક સાધુઓના મનમાં પણ આ જ શંકા પ્રવેશી. પછી તેમણે આ વિષે શ્રીશ્રીમાને પૂછ્યું. એમણે કહ્યું : “શ્રી‘મ’ને યોગ્ય લાગે તેમ તે ભલે કહે, પરંતુ નરેન જે કાંઈ કરે છે, તે સંપૂર્ણ રીતે શ્રીરામકૃષ્ણના વિચારોને અનુરૂપ છે.” પછી તેઓએ પૂછ્યું : “આ ‘ઉદ્‌બોધન’ પત્રનું તથા અન્ય ગ્રંથોનું પ્રકાશન પણ શ્રીરામકૃષ્ણના આદર્શોને અનુરૂપ છે ?” શ્રીશ્રીમાએ ઉત્તર આપ્યો – “હા, એમ જ છે.” – અને આ રીતે માત્ર એક જ વાક્યમાં એમણે સ્વામીજીના મૂળ મંત્ર – ‘आत्मनोःमोक्षार्धम् जगत् हिताच च’નું સમર્થન કર્યું.

શ્રીશ્રીમા જ્યારે વારાણસી ગયા ત્યારે તેઓ સેવાશ્રમની બાજુના મકાનમાં રહ્યાં હતાં. એક દિવસ તેઓ સેવાશ્રમની મુલાકાતે ગયાં. ઘેર પાછા ફરતાં તેમણે કહ્યું : “મેં ત્યાં જઈને દવાખાનું જોયું. મેં શ્રીરામકૃષ્ણને એ સ્થળના અધિષ્ઠાતા તરીકે જોયા. તેઓ ત્યાં બધી જગ્યાએ હતા.” પછી તેમણે દસ રૂપિયાની નોટ સેવાશ્રમમાં ફાળા તરીકે મોકલી. આજ પર્યંત તે નોટ ત્યાં સાચવવામાં આવી છે. આ રીતે શ્રીશ્રીમાએ સંઘના ઘણા પ્રશ્નો ઉકેલ્યા. શ્રીશ્રીમાએ વિશ્વને શું આપ્યું ? તેમણે માતૃત્વનો આદર્શ આપ્યો. એમણે પોતાના જીવનમાં પ્રાચીન ભારતીય આદર્શોને મૂર્તિમંત કર્યા. એમણે પોતાનું જીવન એ રીતે દૃષ્ટાંતરૂપે જીવી બતાવ્યું કે જેથી એમનું જીવન જોઈને સ્ત્રીઓ આદર્શ જીવન જીવવાનું શીખી શકે. આજકાલ ભારતીય સ્ત્રીઓ, અસલના જમાનાની જેમ રસોડામાં પુરાઈ રહેવાને બદલે બહાર આવતી જાય છે. અને જુદીજુદી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી છે. કોઈ રાજકીય ક્ષેત્રમાં, તો કોઈ તબીબી વ્યવસાયમાં કે નર્સિંગ વગેરેમાં કામ કરી રહી છે. આ પ્રમાણે તેમનું કાર્યક્ષેત્ર સર્વત્ર ફેલાઈ ચૂક્યું છે. એ ખરું છે કે આની જરૂર છે, પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવાથી મૂળ આદર્શને ખોઈ બેસવાનો ભય પણ ઊભો થયો છે.

આ કારણે જ શ્રીશ્રીમાએ આદર્શ જીવનનું પ્રત્યક્ષ ઉદાહરણ આપ્યું. એમણે જાણે કે પ્રસ્તુત આદર્શનું બીબું ઘડ્યું. અને ભાવિ પેઢી માટે તેઓ એમને પાછળ મૂકતાં ગયાં. આપણા દેશની આદર્શ નારી એટલે માતૃત્વ અને શીલ શ્રીશ્રીમાના જીવનની જેમ જ આપણી પુત્રીઓએ પોતાનાં જીવનને ઘડવું પડશે; તેઓએ ભારતના સ્વકીય આદર્શોને દૃઢતાથી પકડી રાખવા પડશે અને સાથોસાથ નવી પરિસ્થિતિને અનુકૂળ પણ બનવું પડશે. શ્રીશ્રીમાએ જે આદર્શ દર્શાવ્યો તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ જરૂરી છે. તેથી શ્રીશ્રીમાને પગલે ચાલીને અને એ પ્રમાણે જીવનનું ઘડતર કરીને કોઈ પણ વ્યક્તિ પોતાનું કલ્યાણ કરશે અને જગતનું પણ.

આમ શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા અને સ્વામીજી આ ત્રણ આવ્યા, આદર્શ જીવન જીવ્યા અને આધુનિક પરિસ્થિતિને અનુરૂપ એવા આદર્શોનું પોતાના જીવનમાં પ્રત્યક્ષ ઉદાહરણ આપીને આજના જગતને જે કાંઈ જોઈતું હતું તેનું પ્રદાન કર્યું. આ બધું આપણી નજર આગળ સુસ્પષ્ટ છે. એમના વિચારો અને આદર્શોને અપનાવીને એક નવો યુગ શરૂ થશે, એક નવી સંસ્કૃતિનું ઘડતર થશે. કાર્ય શરૂ થઈ ગયું છે; ધીમેધીમે બધું સિદ્ધ થશે. સ્વામીજીએ કહ્યું છે : “શ્રીરામકૃષ્ણના આ આદર્શને સમગ્ર વિશ્વે સ્વીકારવો પડશે.”

હવે આ ચર્ચાને સમાપ્ત કરતાં પહેલાં આપણી માતાઓને એક પ્રાર્થના કરવા માગું છું. અગાઉ જ્યારે કોઈ યુવાન સંન્યસ્ત વ્રત ધારણ કરતો, ત્યારે તે અત્યંત પ્રસન્ન થતી. અમારા કાર્યમાં અનેક ક્ષતિઓ હોવા છતાં, તમે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓની પ્રશંસા કરો છો. પરંતુ આ કાર્યો કોણ કરી રહ્યું છે ? સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સિવાય આ પ્રવૃત્તિઓ આગળ વધી શકે નહીં. “અહીં એક મઠ બાંધો, ત્યાં એક શાળા શરૂ કરો,” તેવી તમે અમને વિનંતી કરો છો. પરંતુ બધાં કાર્યો કરવા માટે એટલા બધા કાર્યકરો-સાધુઓ, બ્રહ્મચારીઓ ક્યાં છે ? તેથી જ હું તમને પ્રાર્થના કરું છું, તમારા પુત્રો અને પુત્રીઓ જો સંસાર ત્યાગ કરવા ઇચ્છતા હોય તો તેમને સાધુ અને સાધ્વી બનતાં અટકાવો નહીં. એથી ઊલટું જો તમને તેમનામાં આનું વલણ દેખાય તો કૃપા કરીને તેમને પ્રોત્સાહિત કરો : શ્રીશ્રીમાએ જે રીતે કર્યું હતું, તે રીતે જ છોકરાઓને સંસાર ત્યાગવા માટે પ્રેરણા આપો. જો તેમના બાળપણમાં જ તમે તેમને આ આદર્શની સમજ આપશો તો તે તેમની સાથે જ રહેશે. પ્રાચીન યુગમાં આપણે મદાલસા વિશે વાંચીએ છીએ કે તે બ્રહ્મવિદ્યાનો તત્ત્વ બોધ પોતાના બાળકોને ગાઈ સંભળાવતી અને તેમને પોઢાડતી વખતે, ‘તું શુદ્ધ છો; નિરંજન છો,’ એવાં-એવાં હાલરડાં ગાતી. આવી રીતે સંસ્કાર પામીને આ બાળકો કંઈક મોટાં થતાં કે તરત જ સંન્યસ્ત વ્રત ધારણ કરીને સંસાર ત્યાગ કરતા. આ રીતે એના પાંચ છ બાળકો સંન્યાસી બની ગયા. બાળપણમાં તમારાં બાળકોને જે રીતે સંસ્કાર આપશો તે રીતે તેમનું ભવિષ્ય આકાર પામશે. જો રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ તમને પ્રિય હોય, તમે એવું માનતા હો કે, આ પ્રવૃત્તિઓ ભારતનું અને વિશ્વનું કલ્યાણ થશે, તો સંઘની આવી પ્રવૃત્તિઓમાં ઉપયોગી થાય એ રીતે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવા જોઈએ અને જે સાધુ-સાધ્વીઓ થવા ઇચ્છતા હોય તેવા સંતાનોને તમારે પ્રોત્સાહન આપવું જોઈએ.

કૃપા કરીને એક વધુ બાબત વિશે વિચાર કરો. અમારા સંઘના કાર્યની વાત બાજુએ મૂકીએ તો પણ, ભારતમાં બીજા ક્ષેત્રે કામ કરવા માટે પણ ત્યાગની જરૂર તો છે જ. આજકાલ આપણા દેશમાં ઘણા યુવાનો લશ્કરમાં જોડાય છે. તેમની માતાઓમાંથી અનેકને આ ગમતું નથી. મને લાગે છે કે, આવી વૃત્તિ સ્વાર્થમાંથી ઉદ્ભવે છે. માતાઓ માને છે કે, અમારા પુત્ર-પુત્રીઓ શિક્ષણના કે તબીબી વ્યવસાયમાં કામ મેળવીને અમારી નજીક જ રહે – અને લડાઈના મેદાનમાં જવાની અને ગોળીઓ ઝીલવાની તેમને જરૂર નથી. જો આવું જ વલણ હોય તો ભારતની સ્વતંત્રતાની શી રીતે જાળવણી થઈ શકશે ? ભારતની સ્વતંત્રતાની જાળવણી કરવી જ પડશે અને એ કાર્ય ભારતનાં પુત્ર-પુત્રીઓએ બજાવવું પડશે એમાં શંકા નથી. જો દેશ માટે આત્મસમર્પણની ભાવના, ક્ષાત્રવૃત્તિ અને અખંડ રાષ્ટ્રનિષ્ઠા આપણામાં ન હોય તો કાર્ય શી રીતે આગળ ધપી શકે ?

છેલ્લા વિશ્વયુદ્ધ દરમ્યાન પશ્ચિમની એક વીર માતાએ શું કર્યુ તે સાંભળો. તેને એક જ પુત્ર હતો, અને તેને લડાઈમાં જવાનું થયું. ખૂબ આનંદપૂર્વક માતાએ કહ્યું, “જા, દેશ માટે યુદ્ધ કર.” પુત્રે કહ્યું, “હા, હું જઈશ, પણ તારે મને દર એક અઠવાડિયે પત્ર લખવો.” માએ હા પાડી. પુત્ર લડાઈ કરવા ગયો અને માતાએ લાંબા સમય સુધી નિયમિત રીતે પત્રો લખવાનું ચાલુ રાખ્યું. પછી તે માંદી પડી અને તેને લાગ્યું કે, મારી માંદગી અસાધ્ય છે અને હું હવે વધુ જીવવાની નથી. તેને થયું કે, જો મારા પુત્રને પત્ર મળશે નહીં તો, કદાચ લડાઈનું મેદાન છોડીને પાછો ફરે. આમ બને એવું તે બિલકુલ ઇચ્છતી ન હતી. તેથી મરતાં પહેલાં તેણે એક-એક અઠવાડિયાનો ગાળો રહે એ રીતે તારીખો લખીને ઘણા પત્રો લખી રાખ્યા. અને પાડોશી બહેનને કહ્યું, “જુઓ, આ પત્રો હું તમને આપું છું. મારા મૃત્યુ બાદ તમે દર અઠવાડિયે તારીખ પ્રમાણે એક-એક પત્ર ટપાલમાં રવાના કરજો.” પત્રોમાંની વિગત આ પ્રમાણે હતી, “મારી તબિયત સારી છે. મારા માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહીં. તું દેશ માટે લડી રહ્યો છે. વગર ચિંતાએ લડવાનું ચાલુ રાખ.” આવું બધું લખ્યું હતું. આ રીતે પત્રો રવાના કરવાની ગોઠવણ કરીને માતા મૃત્યુ પામી. પુત્રને નિયમિત રીતે પત્રો મળતા રહ્યા. અને તેણે માન્યું કે, મારી માતાની તબિયત સારી છે. એ જ્યારે ઘેર પાછો ફર્યો ત્યારે તેણે બધું સાંભળ્યું. માતા આવી ન હોય તો પુત્રો અને પુત્રીઓ આવું શૌર્યપૂર્ણ ચારિત્ર્ય શી રીતે ધરાવી શકે ?

ભૂતકાળમાં આપણા દેશમાં આવી વીરાંગનાઓ હતી. તમે આપણા પુરાણોમાં તેમનાં વિશે વાંચ્યું  છે. એક વખત એક રાજાને શ્રીકૃષ્ણ સાથે વેર બંધાયું અને યુદ્ધ શરૂ થયું. તે રાજા, શ્રીકૃષ્ણ સામે લડવા માટે બીજા રાજાઓ પાસે મદદ માગવા ગયો. પરંતુ તેઓ કોઈ તૈયાર થયા નહીં. તેઓએ કહ્યું – “શું પાગલ થયો છે ? શ્રીકૃષ્ણ સાથે લડીને તું શું અમારો પણ નાશ નોતરવા ઇચ્છે છે ?” પછી તેણે દેવોની મદદ માગી અને કેટલાક દેવો પાસે તે ગયો. પરંતુ દેવોએ પણ એ રીતે જ ના પાડી. બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર વગેરેએ પણ કહ્યું, “અરે, તું જેની સામે લડવા માગે છે તેની સામે અમે લડી શકીએઅ નહીં.” આ પ્રમાણે સ્વર્ગમાં અને પૃથ્વી પર ફરી વળ્યો પરંતુ ક્યાંયે સારો ઉત્તર મળ્યો નહીં. એક દિવસ એ રાજા નદીમાં સ્નાન કરીને પાછી ફરતી સુભદ્રાને મળ્યો. બધું જ સમજાવીને તે તેના શરણે ગયો. તેણે આશ્રય માગ્યો. વીર ક્ષત્રિયાણી સુભદ્રાએ તરત જ તેને અભયદાન આપ્યું.

ઘેર પાછા ફરીને તેણે પાંડવોને કહ્યું, “એણે મારું શરણું લીધું, અને મેં તેને રક્ષણ આપ્યું.” પાંડવોએ પૂછ્યું, “તેણે કોની સાથે વેર બાંધ્યું છે ?” “શ્રીકૃષ્ણ સાથે,” સુભદ્રાએ જવાબ આપ્યો, “શું કહો છો ?” પાંડવોએ પૂછ્યું, “શ્રીકૃષ્ણ તો આપણા મિત્ર છે. ને તેમની સાથે લડવાનું ? અને લડીએઅ તો ક્યારેય વિજયી બનીશું ? વળી એ બધું આ માણસને માટે શા સારુ વહોરી લેવું ?”

આ શબ્દો સાંભળીને સુભદ્રાએ કહ્યું, “તમારા ક્ષત્રિયપણાને ધિક્કાર છે ! તમે જે રણશૂરી જાતિમાં જન્મ્યા છો તેનું શૌર્ય શું તમે આ રીતે દાખવો છો ? ક્ષત્રિયકુળમાં જન્મેલાનું કર્તવ્ય એ છે કે, શરણાગતનું રક્ષણ કરવું. ખરેખરી જરૂર પડે તો શરણાગતના રક્ષણ માટે શ્રીકૃષ્ણ સાથે પણ તમારે શા માટે લડવું ન જોઈએ ? એ તમારા મિત્ર હોય તો પણ શું થયું ? અથવા તો શું હારવાની બીકથી તમે નથી લડતા ? શું ડરી જઈને તમે તેને રક્ષણ આપવા નથી માગતા ? તો પછી તમે કેવી જાતના ક્ષત્રિય છો ? ધિક્કાર છે તમને !” સુભદ્રાના આવા જલદ શબ્દો સાંભળીને પાંડવોએ તે રાજાને રક્ષણ આપ્યું.

આપણી સ્ત્રીઓમાં આવી શૌર્ય ભાવના જાગૃત ન થાય તો ભારત શી રીતે સમૃદ્ધ બની શકે ? તો પછી ભારતનું રક્ષણ પણ શી રીતે થઈ શકે ? સ્વામીજીએ કહ્યું છે કે, ક્ષત્રિયોના જેવી શૌર્ય ભાવના જાગૃત ન થાય તો દેશ સમૃદ્ધ નહીં બની શકે. કોઈ પણ માણસ લશ્કરમાં જોડાય કે પછી સાધુ થાય પરંતુ આ બંને સાહસોની પાછળ ત્યાગની ભાવના જરૂર રહે છે. દેશની સમૃદ્ધિની વાત હોય કે પછી તેના સંરક્ષણની પણ ખરી વસ્તુ કરવાની તો એ છે કે, છોકરાઓ અને છોકરીઓને એવી કેળવણી આપવી જોઈએ કે જેથી તેઓ સ્વાર્થને દૂર રાખતા શીખે અને આ કેળવણી માત્ર માતાઓ જ આપી શકે. તેથી જ હું તમને આટલી ઉત્કટતાથી કહું છું કે, તમારા પુત્ર-પુત્રીઓને ત્યાગના પંથે જતા રોકો નહીં પરંતુ એ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપો.

રોમન કેથોલિક કુટુંબોમાં એક પરંપરા છે કે, કુટુંબમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ – પુત્ર કાં પુત્રી – સાધુ કે સાધ્વી બને. તેઓ ઇચ્છે છે કે, આમ બનવું જ જોઈએ. જો કુટુંબમાંથી કોઈ વ્યક્તિ સાધુ કે સાધ્વી ન બને તો તેઓ બહુ જ ખિન્ન થાય. આપણા કુટુંબમાંથી પોતાના કાર્ય માટે ઈશુએ કોઈપણ વ્યક્તિને પસંદ કરી નહીં. શ્રીરામકૃષ્ણના કાર્ય માટે શું તમે આ દૃષ્ટિએ વિચારો છો ? તેથી હું આશા રાખું છું કે, જો તમારા કોઈ પુત્રો કે પુત્રીઓ શ્રીરામકૃષ્ણના ત્યાગના આદર્શો પ્રમાણે પોતાનું જીવન ઘડતર કરવા માગે તો તમે તેને આ પ્રમાણે કરતા અટકાવશો નહીં; બલ્કે તમારે તેમને બાલ્યાવસ્થાથી જ આ આદર્શને અનુસરવાની અને તદનરૂપ સંસ્કાર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવાના પ્રયત્નો કરવા જોઈએ. તમને આ મારી પ્રાર્થના છે. ત્યાગ કરતાં વધુ મહાન પરમ કલ્યાણનું બીજું ક્યું પ્રભવસ્થાન હોઈ શકે ? દેશના યુવાનોને સંબોધતા સ્વામીજીએ કહ્યું છે, “દેશના કલ્યાણ અર્થે, વિશ્વના કલ્યાણ અર્થે સ્વાર્થનો ત્યાગ એ પરમ ધર્મ છે.”

સમાજ, દેશ કે માનવજાતિના પ્રત્યેક પ્રકારના સેવાકાર્યમાં કેવળ ત્યાગભાવના એ જ મુખ્ય વસ્તુ છે. ત્યાગ એ જ યુગધર્મ છે. આ સત્યનો પ્રત્યક્ષ બોધપાઠ આપવા માટે શ્રીરામકૃષ્ણ શ્રીશ્રીમાને અને સ્વામીજીને સાથે લાવ્યા હતા.

(24 સપ્ટેમ્બર, 1968 : શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમ, પટણામાં આપેલા વ્યાખ્યાનમાંથી સંકલિત)

Total Views: 840

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.