[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી હતી જે રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરની હિન્દી ત્રૈમાસિક પત્રિકા “વિવેક-જ્યોતિ”માં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ હતી. તેમાની થોડી કથાઓ આ પત્રિકામાં ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ પહેલા લેખના ભાષાંતર માટે અમે શ્રી દીપક મહેતાના આભારી છીએ. – સં.]

કોઈ એક તપોવનમાં ગૌતમ નામે એક તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તેને એક બુદ્ધિમાન અને બળવાન પુત્ર હતો. પરંતુ તે સ્વભાવે ખૂબજ દીર્ઘસૂત્રી હતો. જ્યારે પણ તેને કોઈ કામ કરવાનું કહેવામાં આવતું અથવા એ પોતે જ્યારે કોઈ કામ કરતો ત્યારે ખૂબ લાંબા સમય પછી અને ધીરેધીરે કામ કરતો. તેના આ સ્વભાવને કારણે તેનાં બીજાં ભાઈ-બહેનો તેનાથી હંમેશાં નારાજ રહેતાં અને તેના સહાધ્યાયીઓ તેને ચીડવતા હતા અને તેને ચિરકારી કહીને તેની મશ્કરી કરતા હતા. પરંતુ આ બધી બાબતોની કોઈ અસર તેના પર થતી નહિ અને તે તો પોતાની ધૂનમાં મસ્ત રહી સર્વ કાર્ય કરતો હતો.

આશ્રમવાસી, સહાધ્યાયી, ભાઈ-બહેન બધાં જ તેનાથી અસંતુષ્ટ હતાં. પરંતુ તેના પિતા ક્યારેય તેનાથી અસંતુષ્ટ ન હતા. પિતાનો તેના પ્રત્યેનો આવો વ્યવહાર જોઈને બધાને આશ્ચર્ય થતું અને લોકો એમ માનતા કે પિતાના કારણે જ આ છોકરો બગડી ગયેલ છે. કોઈ એમ કહેતું કે દીકરા તરફના મોહને કારણે ગૌતમ તેને કંઈ કહેતા નથી, તો કોઈ વળી એમ કહેતું કે આ ચિરકારી મૂર્ખ છે માટે ગૌતમ તેને કાંઈ કહેતા નથી. બધાએ પોતપોતાની બુદ્ધિ અનુસાર ધારણાઓ બાંધી લીધી હતી. પરંતુ તપસ્વી ગૌતમના મનની વાત કોઈ જાણતા ન હતા.

એક વાર ચિરકારીની માતાથી કોઈ ગુનો થઈ ગયો. તેનાથી તેના પિતા એટલા ગુસ્સે થયા કે તેણે ચિરકારીને બોલાવીને આજ્ઞા દીધી – “જા અને તારી માતાનું માથું વાઢી નાખ.”

આવી આજ્ઞા આપીને ગૌતમ તો વનમાં ચાલ્યા ગયા. આ બાજુ ચિરકારી પોતાના સ્વભાવ પ્રમાણે ધીરેધીરે વિચાર કરવા લાગ્યો કે, ક્યાં હથિયારથી માનો વધ કરવો? એ હથિયાર ક્યાંથી લાવું? શા માટે લાવું? આમ એ તો વિચારે ચઢી ગયો. ઘણો બધો વખત વીતી ગયો પછી તે ઊભો થયો અને એક તલવાર લઈ આવ્યો. હવે વળી પાછો વિચારવા લાગ્યો કે, “હું મારી માનો વધ કરું કે ન કરું? જો હું મારી માતાનો વધ નહિ કરું તો પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થશે, કે જે કોઈ પણ પુત્ર માટે યોગ્ય ન કહેવાય. જો માની હત્યા કરું તો પુત્રને માટે તેનાથી મોટું બીજું કોઈ પાપ નથી.” આમ વિચાર કરતાં-કરતાં તે એવા વિચારે ચઢી ગયો કે માતા અને પિતામાં શ્રેષ્ઠ કોણ? આવા ધર્મસંકટને વખતે કોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ? કોને શ્રેષ્ઠ ગણવાં?

પિતાની બાબતમાં તે મનમાં વિચાર કરવા લાગ્યો : “પિતા જ ભરણપોષણ તથા શિક્ષણની વ્યવસ્થા કરે છે, તેથી તે જ મુખ્ય ગુરુ અને પાલક છે. આથી પિતાએ જે આજ્ઞા આપી છે તેને ધર્મ માનીને તેનું પાલન કરવું જોઈએ. પિતા જ પુત્રને સર્વ વસ્તુઓ આપે છે આથી તેની આજ્ઞાનું પાલન પણ વગર વિચાર્યે જ કરવું જોઈએ. પિતાની આજ્ઞાનું પાલન કરનારના બધાં પાપ નાશ પામે છે. તો પછી તેની આજ્ઞાનું પાલન કરવામાં ભલા પાપ કેવી રીતે લાગે? આમ પિતા જ શ્રેષ્ઠ છે. શાસ્ત્રોએ પણ પિતાને જ ધર્મ અને સ્વર્ગ કહેલ છે.”

ચિરકારીના મનમાં બીજો વિચાર આવ્યો : “મેં પિતાની બાબતમાં તો વિચાર કરી લીધો, તેની શ્રેષ્ઠતા જાણી લીધી. હવે માતાની બાબતમાં પણ થોડો વિચાર કરી લઉં. પિતાએ મને માને મારી નાખવાની આજ્ઞા દીધી છે. એક તો એ સ્ત્રી છે. વળી મને ગર્ભમાં ધારણ કરનારી મા પણ છે, જો હું પિતાની આજ્ઞાનું પાલન કરીશ, તો મને બેવડી હત્યાનું પાપ લાગશે. એક સ્ત્રી હત્યાનું અને બીજું માતૃ હત્યાનું. મનુષ્યના જન્મમાં માતાનો ફાળો વિશેષ છે, કારણ કે તે નવ મહિના સુધી પોતાના પેટમાં સંતાનને ધારણ કરે છે. અને તેની પુષ્ટિ માટે અનેક કષ્ટ સહન કરે છે. જન્મ વખતે શિશુ તો સાવ અસહાય હોય છે. માતા જ તેને આશ્રય દઈને પોતાનું દૂધ પાઈને તેનું લાલનપાલન કરીને તેને મોટું કરે છે. આથી મનુષ્યના જન્મ તથા તેની ઉન્નતિમાં એની માતાનું વિશેષ યોગદાન રહે છે. આથી તો માતા જ શ્રેષ્ઠ છે. છોરુ કછોરુ થાય પરંતુ માતા કુમાતા ક્યારેય ન થાય. વળી, માતા હંમેશાં દીકરાનું ભલું ઇચ્છતી હોય છે, તેને હંમેશાં આશીર્વાદ દેતી રહેતી હોય છે. આથી તે પૂજનીય છે. માટે તે અવધ્ય છે. તેનો વધ કરવો તે સર્વથા ધર્મ વિરુદ્ધ છે.”

બીજી પળેજ ચિરકારીના મનમાં પાછો વિચાર આવ્યો – “જમદગ્નિપુત્ર પરશુરામે તો પિતાની આજ્ઞા પ્રમાણે પોતાની માતાનો વધ કર્યો હતો. તો પછી મારેય શું પિતાની આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ?” તેણે ફરીથી વિચાર કર્યો – “મેં પણ શ્રેષ્ઠ ગુરુ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, ધર્મશાસ્ત્રો, સ્મૃતિ, શ્રુતિ વગેરેનું અધ્યયન કર્યું છે; તો પછી મારે પોતાની રીતે વિવેકપૂર્વક જાતેજ નિર્ણય શા માટે ન લેવો જોઈએ?”

ચિરકારી આ પ્રમાણે વિચારોના વમળમાં ગોથાં ખાવા લાગ્યો અને સમય વીતતો ગયો. આ બાજુ વનમાં તપસ્વી ગૌતમનો ક્રોધ જ્યારે શાંત થયો ત્યારે તેમને એકાએક યાદ આવ્યું કે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં તો ચિરકારીને તેની માતાનો વધ કરવાની આજ્ઞા દઈ દીધી હતી. એ તો ખૂબ જ આજ્ઞાંકિત પુત્ર છે. અરે ! ક્યાંક તેણે મારી આ અનર્થકારી આજ્ઞાનું પાલન તો નહિ કરી નાખ્યું હોય ને? આ વિચારથી ગૌતમ અત્યંત આકુળવ્યાકુળ બની ગયા અને ઝડપથી આશ્રમ પ્રતિ પાછા ફર્યા. ચાલતાં-ચાલતાં તેઓ મનમાં પસ્તાવો કરી રહ્યા હતા કે ક્રોધના આવેશમાં મારી બુદ્ધિ કેવી બગડી ગઈ કે મેં ચિરકારીને આવી પાપી આજ્ઞા આપી દીધી ! હાય ! હાય ! ક્રોધના આવેગમાં મેં પોતે મારા જ પુત્રને મારી જ પત્નીની હત્યા કરવાનું કહી દીધું !

ગૌતમના વ્યથિત મનમાં આશાનું એક કિરણ પ્રગટ્યું. મારો દીકરો તો ચિરકારી છે. એ કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ વખત લગાડે છે. શક્ય છે કે માતૃહત્યા જેવું મહાપાપ કરવામાં તે વિલંબ કરી રહ્યો હોય. આવો વિચાર આવતાં જ જેટલી થઈ શકે તેટલી ઝડપથી ગૌતમ આશ્રમ તરફ આગળ વધતા ગયા તથા દૂરથીજ ચિરકારીને બૂમ પાડીને કહેવા લાગ્યા, “દીકરા ચિરકારી ! જો તેં આજે મારી આજ્ઞાનું પાલન કરવામાં વિલંબ કર્યો હશે તો તું સાચો ચિરકારી સિદ્ધ થઈશ. તારું નામ સાર્થક થશે.”

આશ્રમ નજીક આવતાં જ ગૌતમે જોયું કે દીકરો હાથમાં તલવાર લઈને ઊભો છે. બાજુમાં જ થાંભલીનો ટેકો લઈને તેની મા ઊભી છે. પિતાને જોતાંવેંત જ ચિરકારીએ તલવાર ફેંકી દીધી અને તે પિતાના ચરણોમાં પડી ગયો. પિતાએ તેને સ્નેહપૂર્વક ઊઠાડીને છાતીએ લગાડ્યો, ‘બેટા ! તું ધન્ય છે. આજ સુધી લોકો તને દીર્ઘસૂત્રી-આળસુ કહ્યા કરતા હતા. પરંતુ હું જાણતો હતો કે તું દીર્ઘસૂત્રી કે આળસુ નથી. તું તો દરેક કાર્ય પૂરેપૂરો ચારેબાજુનો વિચાર કરીને જ કરવામાં માને છે. તારા આ સ્વભાવને કારણે જ આજે તું માતૃહત્યા તથા સ્ત્રીહત્યાના મહાન પાતકમાંથી બચી ગયો. અને મને પણ તેં પત્નીહત્યાના મહાન પાતકમાંથી બચાવી લીધો ! દીકરા ! તારી બુદ્ધિમત્તા તથા ધૈર્ય પર હું પ્રસન્ન છું. આજે હવે હું તને કાર્યકુશળતાનું એ રહસ્ય બતાવવા માગું છું કે જે મેં અનુભવી વિદ્વાનો પાસેથી સાંભળેલ છે. મેં ખુદ મારા જીવનમાં પણ તેનું પાલન કરેલ છે.”

“દીકરા ! લાંબા વખત સુધી, ખૂબ-ખૂબ વિચાર કર્યા પછી જ કોઈની સાથે મૈત્રી બાંધવી જોઈએ. વળી જેને એક વાર મિત્ર ગણ્યો તેને એકાએક છોડી પણ ન દેવો. કોઈ વાર મિત્રને છોડવાનો વારો આવે તો ત્યારે પણ લાંબા વખત સુધી તે અંગે વિચાર કરવો જોઈએ, કારણકે લાંબો વખત વિચાર કર્યા પછી જેની સાથે મૈત્રી બાંધી હોય તે મૈત્રી પણ લાંબો કાળ ટકે છે.”

“રાગ, દર્પ, અભિમાન, દ્રોહ તથા પાપનું આચરણ કરવામાં જે વિલંબ કરે છે તેનું હંમેશાં કલ્યાણ થાય છે.

જે ભાઈઓ, સેવકો વગેરેના અપરાધ અંગે લાંબો વખત વિચાર કર્યા પછી નિર્ણય લ્યે છે તેની પ્રશંસા હંમેશાં સર્વત્ર થાય છે. જે લાંબા વખત સુધી રોષને દબાવી રાખી શકે છે અને જે રોષપુર્વક કરવાના કાર્યને લાંબા વખત સુધી મુલતવી રાખી શકે છે. તેને ક્યારેય પસ્તાવાનો વારો આવતો નથી. દીર્ઘકાળ પર્યંત વૃદ્ધો, વડીલો વગેરેની સેવા કરનાર દ્વારા સહજ રીતે જ ધર્મની સાધના પણ થઈ જાય છે. લાંબા સમય સુધી વિદ્વાનોનો સત્સંગ કરતા રહીને પોતાના મનને વશમાં રાખનાર મનુષ્ય દીર્ઘકાળ પર્યંત યશ અને સન્માનનો અધિકારી બની રહે છે.”

“જ્યારે પણ કોઈ ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે લાંબા વખત સુધી તેના પર વિચાર કર્યા પછી જ તેનો ઉત્તર આપવો જોઈએ. આ પ્રકારે આચરણ કરનાર મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી. તેમજ તેનું પરમ કલ્યાણ થાય છે.”

દોડાદોડી, શીઘ્રતા તથા ચંચળતાના આ વર્તમાન યુગમાં મહાભારતની આ કથા આપણું ધ્યાન ખેંચે છે અને જાણે કે આપણને કહી રહી છે કે, “હે માનવ ! દોડવા માંડતાં પહેલાં એક ક્ષણ અટકીને વિચારી તો લે કે દોડીને તારે પહોંચવું છે ક્યાં? ત્યાં પહોંચીને મેળવવાનું શું છે? અર્થહીન દોડાદોડી જ શું જીવનનું પ્રયોજન છે?

Total Views: 609

One Comment

  1. Punambhai Patel September 15, 2023 at 4:04 pm - Reply

    પથદર્શક

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.