12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે

[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા તે પહેલા તેઓ કાર્યપાલક ઈજનેર હતા. બેલુડ મઠના ભવ્ય મંદિરનું બાંધકામ સ્વામી વિવેકાનંદજીના વિચારો પ્રમાણે નકશો બનાવીને તેમણે પોતાની દેખરેખ હેઠળ કર્યું હતું.

શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાયક સચિવ છે. તેઓ જ્યારે રામકૃષ્ણ મિશનના કલકત્તા “સ્ટુડેન્ટ્સ હોમ”માં વિદ્યાર્થી તરીકે રહેતા ત્યારે જ તેમને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસે મંત્રદીક્ષા લેવાનું અને તેમના સંપર્કમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમનાં આ સંસ્મરણો બંગાળી ગ્રંથ ‘પ્રત્યક્ષદર્શીર સ્મૃતિપટે સ્વામી વિજ્ઞાનાનંદ’માંથી લેવામાં આવેલ છે.]

પૂજ્ય અનાદિ મહારાજ (સ્વામી નિર્વેદાનંદજી – કલકત્તા ‘સ્ટુડેન્ટ્સ હોમ’ કેન્દ્રના વડા)ની પ્રેરણાથી 1937ના શિયાળામાં જાન્યુઆરી માસમાં મારી ઇચ્છા ન હતી છતાં બેલુડમઠમાં તેમનાં દર્શન કરવા ગયો. લગભગ પાંચ વાગ્યાનો સમય હતો. સ્વામી વિવેકાનંદ રહેતા હતા તેની બાજુના ઓરડામાં તેઓ આરામ ખુરશીમાં બેઠેલા હતા, લાંબો ડગલો પહેર્યો હતો. માથાપર ટોપી, પગમાં જાણે ઘણાં મોજાં પહેર્યાં હોય એમ લાગ્યું. મને યાદ છે કે પગ સોજી ગયેલા. આરામ ખુરશીના બંને હાથા પર ટેકવેલા બે હાથ જોડેલા હતા. નજર તો નીચે મંડાયેલી હતી અને મન જાણે ક્યાંય રાજતું હતું! મારા જેવા કેટલાયે ઓરડામાં આવે છે, પ્રણામ કરે છે, પોતપોતાના મનોભાવે આવે છે અને જાય છે. નહીં આવકાર, નહીં જાકારો. સ્વીકાર-અસ્વીકારથી પર “स्वे महिम्ने प्रतिष्ठितः” (આત્મ-મહિમામાં પ્રતિષ્ઠિત) પ્રણામ કરીને તેમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરી જોયો પણ વ્યર્થ! આખા ઓરડામાં જાણે ગંભીરતા જ છવાયેલી હતી પરંતુ ઝાઝો સમય ત્યાં રોકાવા માટે કોઈ કારણ તો હતું નહીં, ચાલ્યો આવ્યો disappoint અને Frustrate થઈને. વિચાર આવ્યો, શું આ જ શ્રીઠાકુરના સાક્ષાત્ શિષ્ય! સ્વામી વિવેકાનંદ તો યુવાનોને કેટલા આવકારતા, આકર્ષતા, પોતાના કરી દેતા અને આનંદઘેલા બનાવી દેતા અને આ તો ઊલટું મારી સામે જોતા નથી અને ભૂતની જેમ બેઠા છે!

Student Homeમાં પાછો આવીને પૂજનીય અનાદિ મહારાજના પૂછવાથી મારા મનની પ્રતિક્રિયા જણાવી: “મહાપુરુષ મહારાજ હતા ત્યારે કેટલો આનંદ હતો તેઓ બધાંને કેવાં આનંદમગ્ન કરી દેતા! આમાં તો ક્યાંય ભલીવાર નથી. આ વળી કેવા મહાપુરુષ!” પૂજ્ય અનાદિ મહારાજે બધું સાંભળી લીધું. પોતાનું મંતવ્ય ન કહ્યું. ખાલી થોડું હસ્યા; હવે મને સમજાય છે કે તેઓ મારી પ્રગલ્ભતા પર હસ્યા હશે. ત્યાર પછી તે રાત્રે વાસ્તવિકતા જેવું એક સ્વપ્ન અવિરત ચાલતું રહ્યું. સ્વપ્ન તો સ્વપ્ન જ છે, છતાં ક્યારેક ક્યારેક માણસનાં મનને સ્વપ્ન પણ જાગૃત અવસ્થાના જ્ઞાનની જેમ જગાડી દે છે, સ્વપ્નનો વાઘ તો મિથ્યા છે. પરંતુ વાઘની બીકથી જાગી જાઈએ તે સત્ય છે. મારું પણ એવું જ થયું. સ્વપ્નમાં જોયું: પૂજ્ય મહાપુરુષ મહારાજના બેલુડ મઠના પોતાના ઓરડામાં હું તેમની ચરણ સેવા કરું છું. વચ્ચે વચ્ચે એ વળી વિજ્ઞાનાનંદ સ્વામી બની જાય છે! આ પળે જોઉં છું કે જેમની ચરણસેવા કરી રહ્યો છું તે મહાપુરુષ મહારાજ! અને બીજીપળે જોઉં તો વળી વિજ્ઞાનાનંદજી! આવું તો ચાલ્યાં જ કર્યું. લાંબા સમય સુધી સ્વપ્નમાં આ રીતે સેવા કરી અને ઉપર્યુક્ત દૃશ્ય જોયું. સવારે જ્યારે ઊંઘ ઉડી તો જોઉં છું કે મન આનંદથી ભરપૂર છે અને મારી બધી દ્વિધાઓ દૂર થઈ ગઈ છે. મહાપુરુષ મહારાજ તે જ વિજ્ઞાનાનંદ મહારાજ એવી પ્રતીતિ આ સ્વપ્ન દ્વારા થઈ અને હું ઉદ્ધિગ્ન બની ગયો. કાલે તો મેં એમના પ્રત્યે જરાય શ્રદ્ધા દાખવી ન હતી! હવે કરવું શું?

મારા Friend, Philosopher and guide, અનાદિ મહારાજને મેં બધી વાત કરી. તેમણે શાંતિથી બધી વાત સાંભળી – ગમે તેમ પણ એમણે મારા સ્વપ્નની વાત ઉડાવી ન દીધી અને કહ્યું, “આજ ફરી વાર મઠે જા અને એમને જ આ બધી વાત કર.” કૉલેજથી છૂટીને પાછો મઠે ગયો. તેમના ઓરડામાં જતાં જ જોયું તો જુદું જ સ્વરૂપ! ‘स्मेराननं सुप्रसन्रम्’ (હસતું મુખ, પ્રસન્ન ચહેરો). “અરે ભાઈ, આવો આવો.” ધન્ય થઈ ગયો. આ જ એ વ્યક્તિ કે જે ગઈ કાલે મૌન થઈ બેઠા હતા? તે શું આ જ પ્રેમીજન કે જે ગઈ કાલે શુષ્ક મૂર્તિ બનીને બેઠા હતા? પ્રણામ કરીને કંઈક વાત કરવાની અનુમતિ માગી, ખુશ થઈને બોલ્યા, “બોલો ભાઈ, અત્યારે જ કહો.” એ વખતે ઓરડામાં કોઈ હતું નહીં. બધી જ વાત કરી – મારાં અભિમાન, દુઃખ, નિરાશા અને અશ્રદ્ધાની વાત માંડીને તેમજ મારા સ્વપ્નની વાત પણ કહી સંભળાવી, તેમણે બધું સાંભળ્યું, પણ કોઈ બીજા મનોરાજ્યમાં વિચરણ કરતાં-કરતાં. ત્યાર પછી મન ભરીને આશીર્વાદ આપ્યા અને હસતાં-હસતાં બોલ્યા, “તો ભાઈ તમે ઠાકુરનું નામ લેશો તેમાં શું? સારું સારું, તેમનાં શ્રીચરણકમલમાં પહોંચાડી દઈશ, બસ! તેઓ જ જોઈ લેશે. આજ સ્વાસ્થ્ય એટલું સારું નથી. કાલે વહેલી સવારે આવો, કાલે થશે.” મન-પ્રાણ આજ આનંદ વિભોર થઈ ઊઠ્યાં. મને જે કાંઈ નહોતું મળ્યું તે આ જ મળી ગયું.

ત્યારપછી જેટલીવાર તેમનાં દર્શન કરવા ગયો ત્યારે જોઈને તરત જ બોલતા: “બાપુ, બાપુ. વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ જ બધું છે.” પ્રશ્નો પૂછ્યા અને તેમના અનુસંધાને થોડા ઉપદેશો પણ આપ્યા: “હંમેશાં સત્ય બોલવું, કોઈના મનને દુભવવું નહીં.”

‘ભૂતકાળની ભૂલનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય?’ તેમ પૂછતાં હાથ હલાવીને બહુ સુંદર જવાબ દીધો: “ફરી ન થવા દેવું. બસ ફરી ભૂલ ન થાય એટલે પત્યું.”

And we felt that he quashed our past misdeeds and sing (અને અમને એવું લાગ્યું કે તેમણે ભૂતકાળનાં અમારાં બધાં પાપો અને કુકર્મો માફ કરી દીધાં છે.)

બીજું એક દૃશ્ય: સ્વામી હિરણ્મયાનંદજી ત્યારે મઠમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા. તેમણે પૈસા ગણી થેલીઓ ભરીને પૂજ્ય વિજ્ઞાનાનંદજી મહારાજને આપ્યા. તેઓ આ બધી થેલીઓ તેમના મોટા-મોટા ખીસ્સામાં રાખતાં-રાખતાં બોલ્યા, “ભાઈ ઠાકુર કાંચનનો સ્પર્શ પણ કરી શકતા નહોતા અને જુઓ તો કેવો એમનો ચેલો છે. બધું ખીસ્સામાં જાય છે.” આમ બોલતા ગયા અને હસતા ગયા, બીજી જ ઘડીએ he was completely transported to a different Plane, we could say and started praying with folded hands તેઓ જાણે મનના જુદા જ સ્તર પર પહોંચી ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા: “જય ઠાકુર, જય ઠાકુર, જય ઠાકુર, રક્ષા કરો! રક્ષા કરો, રક્ષા કરો. જય ઠાકુર, જય ઠાકુર, જય ઠાકુર, જય ઠાકુર!” ઓરડાનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. આંખો બંધ હતી, જાણે ઊર્ધ્વમાં દૃષ્ટિ. હાથ જોડીને કરુણ પ્રાર્થના કરવા લાગ્યા: “ઠાકુર, ઠાકુર, ઠાકુર!”

કેટલી મધુર હતી તે પ્રાર્થના! કેટલી અદ્‌ભુત અંતરની ભક્તિ-નિષ્ઠા અને વ્યાકુળતાથી સભર હતું દેવશિશુંનું આ ભગવત્-સ્મરણ! નીરવ ઓરડામાં અમે થોડા સમય માટે આ આધ્યાત્મિક ગંગામાં સ્નાન કરીને ધન્ય થઈ ગયા અને કૃતાર્થ થયા.

Total Views: 732

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.