મને લાગે છે કે હવે હું તમને રોકી રહ્યો છું, પણ એક વાત વધારે કહી લઉં. દેશબાંધવો! મારા મિત્રો! મારાં બાળકો! આ આપણું રાષ્ટ્રીય જહાજ જીવનના અફાટ સમુદ્રજળમાંથી અસંખ્ય આત્માઓને પાર ઉતારી રહ્યું છે. પ્રકાશમય અનેક સૈકાઓથી આ સંસારસાગરનાં જળમાં તર્યા કરીને તેણે લાખો ને કરોડો જીવોને પેલે પાર ઊતારી ધન્યતાએ પહોંચાડ્યા છે. પણ આજે, કદાચ તમારા પોતાના જ દોષથી, આ નાવને જરાતરા નુકસાન પહોંચ્યું છે, એક નાનુશું કાણું તેમાં પડ્યું છે, એથી શું કાંઈ એ નાવને દોષ દેવાશે? જે નૌકાએ જગતમાં બીજી કોઈ નાવ કરતાં વધુ સેવા બજાવી છે એવી આ રાષ્ટ્રીય નાવને તમે ઊઠીને ભાંડવા માંડો એ તમને છાજે ખરું? આપણી રાષ્ટ્રીય નાવમાં, આપણા સમાજમાં, જો કાણાં પડ્યાં હોય તોય આપણે તો એમાં જ બેઠા છીએ; આપણે ઊભા થઈને એ કાણાં પૂરી દઈએ. આપણે સ્વેચ્છાપૂર્વક આપણા હૃદયનાં રક્ત રેડીને એ કામ કરીએ, અને છતાં એ પાર ન પડે તો મરી ખૂટીએ. આપણે આપણાં માથાં ફોડીને, તેમાંથી મગજ કાઢીને તેનો દાટો એ રાષ્ટ્રીય વહાણના કાણાંમાં ઠોકીએ. પણ એને ધુત્કારીએ તો નહીં જ; એ કદી ન બને. એક શબ્દ પણ આ સમાજની વિરુદ્ધ બોલશો નહીં. એના ભવ્ય ભૂતકાળની મહત્તા માટે મને એના પર પ્રેમ છે. હું તમને બધાંને ચાહું છું એનું કારણ કે તમે બધાં દેવતાઓનાં સંતાન છો, અને મહિમામંડિત પિતૃઓના વંશજો છો. મારાથી તમને શાપ કે ગાળ કેમ દઈ શકાય? એ કદી પણ બને નહીં. તમારા પર ઈશ્વરના આશીર્વાદ ઊતરો મારાં બાળકો! હું અહીં મારી બધી યોજનાઓ તમને કહેવા માટે આવ્યો છું. જો તમે તેના પર ધ્યાન દેશો તો હું તમારી સાથે હાથ મિલાવીને, ખભેખભા મિલાવીને કાર્ય કરવા તૈયાર છું. પણ કદાચ તમે એ ધ્યાન નહીં આપો, અને કદાચ મને લાત મારીને ભારતની બહાર કાઢી મૂકશો, તો પણ યાદ રાખજો કે હું પાછો આવીશ અને તમને ચેતાવીશ કે ભાઈઓ! આપણું નાવ ડૂબે છે, આપણે બધા ડૂબીએ છીએ! હું તો તમારી વચ્ચે બેસવા આવ્યો છું. જો આપણે ડૂબવું જ પડે, તો બધાં એક સાથે ભલે ડૂબીએ, પણ શ્રાપ કે ગાળો તો આપણા મોઢેથી ન જ નીકળે!

– સ્વામી વિવેકાનંદ

(મારી સમર યોજના: ભારતમાં આપેલાં ભાષણો, પૃ. સં. 106-107)

Total Views: 490

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.