[ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્‌ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી ગુજરાતી ભાષામાં અપ્રકાશિત હતા. તેમને મેરી લુઈ બર્ક (ગાર્ગી) દ્વારા લખાયેલ ગ્રંથ “Vivekananda in the West – New Discoveries’ (Vol. 3p. 536-538)માંથી લેવામાં આવેલ છે.]

ઓ વર્તમાન યુગનાં નરનરીઓ! જો તમારી વચ્ચે કોઈ વિશુદ્ધતાનું પુષ્પ ખીલ્યું હોય, તો એને ઈશ્વરની વેદી પર પધરાવી દો. તમારામાં જો કોઈ યુવાન વયના હોય, તો એમને આ સંસારમાં પાછા ધકેલવાની કામના કરશો મા. એમને ત્યાગ કરવા દો! ભલે એ બધું જ છોડી દે! આ ત્યાગ જ આધ્યાત્મિકતાનું એક રહસ્ય છે. હરેક નારીને માતૃસ્વરૂપે નિહાળો. ધનદોલતને લાત મારી દો. એની તે વળી શી વિસાત છે?

તમે ગમે ત્યાં હશો તોય ઈશ્વર તમારું રક્ષણ કરશે. ઈશ્વર પોતાનાં બાળકોની સારસંભાળ અવશ્ય લે છે. કાર્ય કરવાની હિંમત કેળવો, પૂરાં શૂરવીર બની રહો. આવાં મહાન બલિદાનોની જરૂર છે. શું તમે પશ્ચિમની આ ભૂમિ ઉપર ભૌતિકતા અને મોતની મહેફિલને આળોટતી જોઈ શકતા નથી? તમે ક્યાં સુધી તમારી આંખે પાટા બાંધી રાખશો? સમાજના પ્રાણતત્ત્વને ખોતરી ખોતરીને ખાઈ જતી આ લાલસા અને ભ્રષ્ટતાની તાકાતને શું તમે પિછાણી શકતા નથી?

મારી વાત માનો. આ બાબતોને તમે કંઈ ખાલી વાતોથી અથવા સુધારા માટેના સંક્ષોભજનિત આંદોલનથી અટકાવી શકવાના નથી. એ તો અટકશે આ મૃત્યુ અને જીર્ણશીર્ણતાની વચ્ચેથી ન્યાયધર્મના અડીખમ પહાડોની પેઠે ખડા થઈ જવાથી અને ત્યાગથી જ. ખાલી વાતો ન કરો. પણ તમારા દેહના દરેકે દરેક રોમકૂપમાંથી આ ત્યાગશક્તિને જગાડીને વહેવડાવો. સોનારૂપા માટે રાતદિવસ સંઘર્ષ કરી રહેલા લોકોને ભલે ભયસભર આશ્ચર્યના આઘાતો લાગી જાય કે આવી પરિસ્થિતિમાંય એકાદ એવી વિરલ વ્યક્તિ હોઈ શકે ખરી કે જેને માટે ધનદોલત એક તણખલાની તોલે હોય, જેને કોઈ કામના-લાલસા ન હોય! ઠોકરે મારો એ દોલતને અને લાલસાઓને! અને આપી રહો આત્મબલિદાન!

પણ એવો છે કોણ કે જે આ કરી શકે? થાક્યામાંદા-જીર્ણશીર્ણનું આ કામ નથી, ડોસાડગરાંનુંય આ કામ નથી. સમાજના દબાયેલા-પિસાયેલા હડધૂત થયેલા લોકોનું પણ આ કામ નથી. આ કામ તો છે આ ધરતીનાં ઉત્તમ તાજગીભર્યાં શ્રેષ્ઠશક્તિસંપન્ન સુંદર યુવક-યુવતીઓનું જ. તેઓ જ એકમાત્ર એવાં છે કે જેમણે બલિવેદી પર ચડવાનું છે, એમણે જ આત્મબલિદાન આપીને આ વિશ્વને ઉગારવાનું છે. તો તમારાં જીવનની બાજી લગાવી દો, તમે સૌ પોતાને માનવજાતના સેવક બનાવી દો, તમે ખુદ જીવતો-જાગતો એક પયગામ બની જાઓ. બસ, આનું નામ જ છે ‘ત્યાગ’. ખાલી વાતો નહિ, ઊભા થઈ જાઓ, અને માંડો સપાટા લગાવવા! તમારો દેખાવ જ દુનિયાદારીમાં ડૂબેલાં ધનલાલસુ મનોમાં ભય વિહવળતા ભરી દેશે. ખાલી શબ્દો કશું જ કરી શકતા નથી. કેવળ ઉપદેશો તો બધા નકામા જ નીવડ્યા છે. ધનપ્રાપ્તિની ઇચ્છાથી પ્રેરાઈને હરક્ષણે કેટકેટલાં પુસ્તકો બહાર પડે છે? પણ એ કશો જ ભલીવાર કરતાં નથી. કારણ કે એના શબ્દોમાં શક્તિની શૂન્યતા હોય છે.

ઊઠો, ઊભા થાઓ અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરો. જો તમે સર્વસંપત્તિનો ત્યાગ કરી શકશો અને કામુકતાને જાકારો આપી શકશો તો તમારે કશું જ કરવાની જરૂર નહિ પડે. તમારું કમળ ખીલી ઊઠશે અને તમારી ચેતના વ્યાપક બની જશે. પછી તમારી પાસે જે કોઈ આવશે, એને તમારી આધ્યાત્મિકતાની આગથી જાણે કે ઉષ્મા મળતી રહેશે.

આધુનિક જગતને શ્રીરામકૃષ્ણનો આ જ સંદેશ છે. મતો, સંપ્રદાયો, દેવળો કે પંથોની પરવા ન કરો. સર્વસ્થિત, અસ્તિત્વના સારસ્વરૂપ એવા આધ્યાત્મિકતાના તત્ત્વની સરખામણીમાં એ બધાંનું મૂલ્ય તો નગણ્ય જ છે. જેની પાસે એ તત્ત્વ જેટલા પ્રમાણમાં વધારે વિકસિત હોય છે, તેટલો તે લોકકલ્યાણ કરવાની વધારે શક્તિ ધરાવે છે. કોઈમાં જો એનો સર્વોત્તમ વિકાસ થયો હોય, તો એ સ્વબાંધવો સર્વોત્તમ કલ્યાણ સાધી શકે છે. તો પછી પહેલાં તો એને જ હાંસલ કરો… જેમણે આ જોયું જાણ્યું હોય, તેઓ જ એ સમજી શકશે. આ સાચી આધ્યાત્મિકતા બીજાને આપી પણ શકાય છે. પછી ભલેને એ લેનાર, પોતાને મળી રહેલા એ ઉપહારના વિષયમાં અભાન હોય! પણ જેમણે આવી શક્તિ સંપાદન કરી હોય તેવા લોકો જ માનવજાતના ઉપદેશકોની હરોળમાં આવે છે, તેઓ જ પ્રકાશની શક્તિ છે.

તો તમે એવા થાઓ! જે દેશ જેટલા વધુ આવા માનવોને જન્મ આપે છે, તેટલો જ તે દેશ ઊંચે ઊઠે છે. અને જે દેશમાં આવા માનવોની હસ્તી હોતી નથી, તે દેશ ખાડે જાય છે. એને કોઈ બચાવી શકશે નહિ. એટલા માટે મારા ગુરુદેવનો વિશ્વને એ સંદેશ છે કે, “અરે, તમે બધાં જ આધ્યાત્મિક બની જાઓ. પહેલાં તમે સૌ સાક્ષાત્કાર કરો.” અને દરેક દેશનાં શક્તિશાળી યુવક-યુવતીઓને પોકારી પોકારીને તેઓ કહે છે કે હવે ત્યાગ કરવાનો સમય પાકી ગયો છે. માનવતાને કાજે સર્વસ્વને સ્વાહા કરી દો. તમે માનવપ્રેમની વાતો તો એટલી બધી કરી ચૂક્યા છો કે એ શબ્દોનાં બંધનમાં જ પુરાઈ રહેવાનો ભય ઉત્પન્ન થઈ જાય! પણ હવે તો કામે લાગી જવાનો સમય આવી પુગ્યો છે. અત્યારનું આહ્‌વાન તો છે: કાર્યમાં ઝંપલાવો! વિશ્વને બચાવવા માટે યા હોમ કરીને કૂદી પડો!

Total Views: 513

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.