અડધી રાતનો સમય! ચારે બાજુ નીરવતા છવાયેલી હતી, બેલુર મઠમાં જૂના મકાનના બીજા માળના નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનન્દજી સૂતા હતા. એકાએક તેમની ઊંઘ ઊડી ગઈ. નીરવતાને ચીરતો રડવાનો કોઈક અવાજ ક્યાંથી આવી રહ્યો છે, એ જોવા માટે ચોંકીને તેઓ ઊઠ્યા. ધીરે ધીરે અવાજની દિશા તરફ જવા લાગ્યા. બાજુમાં જ સ્વામી વિવેકાનંદજીનો ઓરડો હતો. લાગ્યું કે અવાજ ત્યાંથી જ આવી રહ્યો છે. ધક્કો મારવાથી દરવાજો ખૂલી ગયો. ઓરડામાંનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. જોયું તો સ્વામીજી પોતાની પથારી પર નથી, ધરતી પર આળોટી રહ્યા છે, તથા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે! ધરતી તથા કપડાં બધાં આંસુથી ભીંજાયેલાં છે. તેમનો પ્રવેશ થતાં જ સ્વામીજીએ ચોંકી જઈને પૂછ્યું:“કોણ?” સ્વામી વિજ્ઞાનાનન્દજીએ જવાબ આપ્યો, “હું પેસન”* સ્વામીજીએ પૂછ્યું:“આટલી રાતે અહીં શા માટે આવ્યો છે?” સ્વામી વિજ્ઞાનાનંદજીએ ઉત્તર આપ્યો, “સ્વામીજી, હું તો સૂતો હતો પણ અચાનક રડવાનો અવાજ સાંભળીને આવ્યો. સ્વામીજી, આપ રડો છો શા માટે?”સ્વામીજીએ કહ્યું, “પેસન, દેશની આ હાલત, ગરીબી તથા પીડાની વાતો વિચારતાં હું સૂઈ શકતો નથી, વેદનાથી મન વ્યાકુળ થઈ જાય છે. એટલા માટે ઠાકુર (શ્રીરામકૃષ્ણ દેવ) પાસે રડી રડીને પ્રાર્થના કરી રહ્યો છું: લોકોનાં દુઃખ દૂર કરવા માટે, દેશની અવસ્થા સુધારવા માટે. પરંતુ શું કરું? તેઓ મારી પ્રાર્થના સાંભળતા નથી.” સ્વામી વિજ્ઞાનાનંદજીએ દિલાસો દેતાં કહ્યું:“તેઓ આપની પ્રાર્થના જરૂર સાંભળશે. તેઓ આપને કેટલો પ્રેમ કરતા હતા? શું ક્યારેય તેઓએ આપની પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો છે? ચાલો, સ્વામીજી, હવે સૂઈ જાઓ. મોડી રાત થઈ ગઈ છે.”“ના, પેસન, ના. તને ખબર નથી. કેટલાય દિવસોથી હું તેમને પ્રાર્થના કરું છું, કેટલીય રાતો રડી-રડીને વિતાવી છે, છતાં તેઓ સાંભળતા નથી. દેશની દશા કેટલી બગડતી જાય છે! આહ, ઠાકુરનું હૃદય પથ્થરનું થઈ ગયું છે.” આટલું કહેતાં સ્વામીજી ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

હકીકતમાં કેટલી રાતો સ્વામીજીએ આવી રીતે માતૃભૂમિ માટે રડીરડીને વિતાવી હતી! કેટકેટલાં આંસુ દેશવાસીઓ માટે વહાવ્યાં હતાં? કોણ જાણે! આપણે તો તે જ એક રાતની વાત જાણીએ છીએ કે, જે રાતે સ્વામીજી અમેરિકાની ધર્મમહાસભામાં ભાષણ આપીને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાતિ મેળવ્યા પછી એક ધનવાન કુટુંબના મકાનમાં મુલાયમ ગાદલાવાળા પલંગ પર સૂવાને બદલે જમીન પર આળોટીને રડી રડીને પ્રાર્થના કરતા હતા- “મા, લોકો આટલા વૈભવમાં જીવે છે અને દેશવાસીઓને બે વખત ખાવાનું પણ મળતું નથી. મારા દેશવાસીઓની પરિસ્થિતિ ક્યારે સુધરશે, મા?”

માતૃભૂમિ પ્રત્યેના પ્રેમના આ જ આવેગમાં તેમણે કહ્યું હતું:“જ્યાં સુધી મારા દેશમાં એક કૂતરો પણ ભૂખ્યો છે, ત્યાં સુધી મારો ધર્મ તેનું પેટ ભરવાનો છે.” આવેગમાં અશ્રુપૂર્ણ નેત્રોથી તેમણે પોતાના ગુરુભાઈઓને કહ્યું હતું:“મારા દેશવાસી ભાઈઓને, કે જેઓ હજુ તમોગુણમાં ડૂબેલા છે, તેમને આત્મનિર્ભર બનાવવા તથા તેઓને કર્મયોગના આદર્શ પર ચલાવીને આગળ લાવવા માટે હું હજારો નરકમાં જવા માટે પણ તૈયાર છું.” આબુરોડ સ્ટેશને પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી સાથે થયેલ મેળાપ વખતે તેમણે કહ્યું હતું;“હરિભાઈ, હું આ તમારો ધર્મ વગેરે થોડું પણ સમજી શક્યો નહિ. પરંતુ મારું હૃદય વિશાળ થઈ ગયું છે. હું હવે લોકોનાં દુઃખ દર્દનો હૃદયથી અનુભવ કરવા લાગ્યો છું. વિશ્વાસ કરો, હું ખરેખર કષ્ટ-દુઃખનો અનુભવ કરી રહ્યો છું.” આ પછીના શબ્દો તેમના રૂંધાયેલા ગળામાંથી નીકળી ન શક્યા. તેમનાં નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગી.

પરિવ્રાજક અવસ્થામાં ફરતી વખતે સ્વામીજીએ દેશવાસીઓની ગરીબીને પોતાની સગી આંખે જોઈ હતી, હૃદયથી એનો અનુભવ કર્યો હતો અને આ વેદનાના આવેગમાં તેમણે અમેરિકાથી પત્રમાં લખ્યું હતું, “હું દાર્શનિક નથી, હું તત્ત્વજ્ઞાનીય નથી, હું સંત નથી, હું ગરીબ છું. ગરીબોને પ્રેમ કરું છું.”

સ્વામીજીએ ભારતીય નારીની દુર્દશા તથા સામાજિક સમસ્યાને વિચારતાં વિચારતાં આંસુઓ વહાવ્યાં હતાં. ઘોષણા કરી હતી, “જ્યાં સુધી સ્ત્રીઓની દશા સુધારેલી નહિ હોય ત્યાં સુધી દેશની ઉન્નતિ અસંભવ છે.” હજારો વિધવાઓની અસહાય અવસ્થાનો વિચાર કરતાં તેઓએ ભાવાવેશમાં કહ્યું હતું:“એ ધર્મમાં હું વિશ્વાસ નથી કરતો કે જે ભૂખ્યાંને મૂઠી અનાજ ન આપી શકે અથવા વિધવાનાં આંસુ ન લૂછી શકે.”

એક દિવસ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્ત ગિરીશચન્દ્ર ઘોષ વાતવાતમાં દેશની દુર્દશા, ભૂખમરો, સમાજની દીનહીન અવસ્થા વગેરેનું જીવંત આલેખન કરી રહ્યા હતા ત્યારે સ્વામીજી દુઃખથી એટલા વ્યાકુળ થઈ ગયા કે પોતાનાં આંસુને છુપાવવા માટે ત્યાંથી ઊઠીને ચાલ્યા ગયા. થોડી વાર પછી પાછા આવીને તેમણે સ્વામી સદાનંદજીને રાહતકાર્ય શરૂ કરવાનો આદેશ આપ્યો અને ગિરીશચન્દ્ર ઘોષને કહ્યું, “જુઓ જી.સી., મને લાગે છે કે લોકોનાં દુઃખ દૂર કરવા માટે મારે હજારો જન્મ લેવા પડે તો પણ હું તે માટે તૈયાર છું. જો તેનાથી એક વ્યક્તિનું થોડુંક પણ દુઃખ દૂર થઈ શકે તો પણ હું આ કરવા માટે તૈયાર છું.”

ઈ. સ. 1898માં જ્યારે કલકત્તામાં પ્લેગે ભયંકર રૂપ ધારણ કરી લીધું ત્યારે સ્વામીજી દેશવાસીઓનાં દુઃખથી એટલા વ્યાકુળ થઈ ગયા કે રાહતકાર્ય માટે જરૂર પૂરતા પૈસા પ્રાપ્ત ન થતાં તેઓ બેલુર મઠની એ જમીનને પણ વેચવા માટે તૈયાર થઈ ગયા, કે જેને મેળવવા માટે તેઓએ જીવનભર જહેમત ઉઠાવી હતી. જો કે પાછળથી શ્રીમા શારદાદેવીનો આદેશ મળતાં તેમણે આ વિચાર માંડી વાળ્યો હતો, અને થોડા પૈસા પણ રાહતકાર્ય માટે મળી ગયા હતા.

અમેરિકાથી પાછા ફર્યા પછી સ્વામીજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી તુરીયાનંદજીએ કહ્યું હતું:“સ્વામીજીની સાથે મુલાકાત કરવા માટે હું તે દિવસે ‘બલરામ ભવન’માં ગયો હતો. જઈને જોયું તો, સ્વામીજી એટલી ગંભીર ચિન્તામાં મગ્ન થઈને બેસી રહ્યા હતા કે, મારા આવવાની વાત પણ તેઓ જાણી શક્યા નહિ. થોડી વાર પછી તેઓ મીરાંબાઈનું એક પ્રસિદ્ધ ભજન ગણગણવા લાગ્યા. અને તેમનાં નેત્રોમાંથી આંસુની ધાર વહેવા લાગી. બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકીને રેલીંગ પર ટેકવીને વેદનાથી ભરપૂર સ્વરમાં ગાવા લાગ્યા:‘મેરા દરદ ન જાને કોય.’ તેઓના દર્દભર્યા સૂર અને નિરાશાના ભાવ જાણે ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા. અને વાતાવરણ જાણે વિષાદથી ઘેરું બની ગયું હતું. “ઘાયલ કી ગતિ ઘાયલ જાને ઔર ન જાને કોય”– આ દર્દભરેલા ગીતથી જાણે ભૂમંડલ સ્પંદિત થઈ રહ્યું હતું. તેમનો અવાજ જાણે મારાં હૃદયમાં તીરની જેમ ખૂંચી રહ્યો હતો. અને મારાં નેત્રો પણ આંસુથી છલકાઈ ઊઠ્યાં હતાં. સ્વામીજીનાં દુઃખનું કારણ ન જાણવાથી હું બેચેની અનુભવી રહ્યો હતો. થોડી વાર પછી મારી સમજમાં આવ્યું: લોકો પ્રત્યેની સહાનુભૂતિ જ તેમની આ પીડાનું કારણ હતી.” આ ઘટના સંભળાવીને સ્વામી તુરીયાનંદજીએ કહ્યું હતું:“શું તમને એમ લાગે છે કે, સ્વામીજીનાં આંસુ વ્યર્થ જશે? તેમનાં બધાં જ આંસુ લોહીનાં ટીપાં બનશે, જેમાંથી એવી હજારો વ્યક્તિ જન્મ લેશે કે જેઓ દેશ માટે બલિદાન આપી દેશે.” અને ખરેખર જ કેટલાંય યુવક-યુવતીઓએ દેશની સ્વતંત્રતા માટે સ્વામીજી પાસેથી પ્રેરણા મેળવીને પોતાનાં જીવન હોડમાં મૂકી દીધાં હતાં. રાજકીય સ્વતંત્રતા મળ્યાનાં એકતાળીસ વર્ષો પછી પણ આજે આપણો દેશ આર્થિક તથા સામાજિક ક્ષેત્રમાં પાછળ છે, એકતાના અભાવમાં દેશના ટુકડે-ટુકડા થતા જાય છે. સંકટનાં ઘનઘોર વાદળો પણ દેશના વાતાવરણમાં ઝળુંબી રહ્યાં છે. માતૃભૂમિની આ દયનીય દશા જોઈને આજ પણ સ્વામીજીનો આત્મા આંસુ વહેવડાવી રહ્યો છે.

આજ પણ સ્વામીજીનાં આ આંસુ યુવક-યુવતીઓને માતૃભૂમિને માટે બલિદાન દેવા માટે આહ્‌વાન કરી રહ્યાં છે. શું તેઓ આ આહ્‌વાન સાંભળશે?

*પેસન-સ્વામી વિજ્ઞાનાનંદજીના પૂર્વાંશ્રમના હરિપ્રસન્ન નામનું સંક્ષિપ્ત રૂપ.*

Total Views: 451

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.