શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ર૬મી જાન્યુઆરીએ જે રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી, તેનો સારાંશ અહીં રજૂ કરીએ છીએ.

પ્રશ્ન: જેમ જેમ આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ છીએ, તેમ જાણે કે વધારે દુ:ખ પડે છે, મુશ્કેલીઓ વધે છે, તેનું શું કારણ?

ઉત્તર: એ માર્ગ સીધો સરળ તો નથી. એટલે એ રસ્તે ચાલવાનું જેમનામાં સાહસ હોય તેઓ જ એ રસ્તે મુશ્કેલી વેઠીને પણ જાય છે. બીજાને માટે આ રસ્તો નથી. બીજા લોકોને માટે તો સંસારનો રસ્તો, આના કરતાં વધારે સરળ છે. ભગવાનના માર્ગમાં તો ઘણું ઘણું સહન કરવાનું હોય છે, આંસુ સારવાં પડે છે. તલસાટ વગર ભગવાન પાસે કોઈ પહોંચી ન શકે. ભક્તોના જીવનમાં શું દેખાય છે? એ બધા રડતા-રડતા જ ભગવાન પાસે ગયા છે! હસતાં-હસતાં કેટલા ગયા છે? ભગવાન પાસે જવાનો રસ્તો ત્યાગ અને બલિદાનનો છે, બીજો કોઈ રસ્તો જ નથી. આ સંસારમાં પણ કોઈ મૂલ્યવાન વસ્તુ, એનું મૂલ્ય ચૂકવ્યા વગર મળે ખરી કે?

આપણે સાંભળીએ છીએ કે, ભગવાન તો દયાળુ છે. એ કૃપા કરીને ભક્તને દર્શન દે છે. પણ એ કૃપા થાય છે ક્યારે? અને એ માટે કેટલો પરસેવો રેડવો પડે છે, એનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ ભક્તજનનું જીવન જોતાં જણાશે કે, આ એક જ રસ્તે એ ચાલ્યા છે. એટલે આ સહનશક્તિ અને સાહસ તો એ માર્ગે જનારે કેળવવાં જ રહ્યાં!

જો એ ન હોય તો એ રસ્તે પગ મુકાશે જ નહિ. ભગવાનને માર્ગે અડચણો અને મુશ્કેલીઓ તો આવવાની જ. એ વગર તો છૂટકો જ નથી. શરૂઆતમાં જ લોકો કહેવા લાગે છે કે, ભગવાનને કહોને, તે બધું જ સરળ કરી દેશે. પણ હકીકતમાં, આ માર્ગે ચાલવાનું કેટલા લોકો માટે સંભવિત છે? દેખીતી રીતે સરળ જણાય, તોય કેટલા લોકો માટે એ સંભવિત છે?

વૃંદાવનમાં ગોપીઓનો દાખલો જુઓ. ગોપીઓને તો આખું જીવન રડતાં રડતાં જ કાઢવું પડે છે. શરૂઆતથી માંડીને છેક ભગવાને વૃંદાવન છોડ્યું ત્યાં સુધીને? વૃંદાવન છોડ્યા પછી ભગવાન પાછા ત્યાં ક્યારેય આવ્યા ખરા! કદીય નહિ! લાગે છે કે, ભગવાન કેટલા નિષ્ઠુર છે! પરંતુ ભગવાને પોતે જ ભાગવતના ગોપીગીતમાં આની સ્પષ્ટતા કરી છે : ગોપીઓ ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ રાખતી હતી, એમાં તો સંદેહ નથી જ. તેમ છતાં ગોપીઓને એક વાતનું બહુ દુ:ખ લાગે છે કે, આટલો બધો પ્રેમ કરવા છતાં ભગવાન કશો બદલો તો વાળતા નથી! એટલે જ્યારે ભગવાન રાસમંચમાંથી અદૃશ્ય થઈ ગયા ત્યારે ગોપીઓએ તેમને ચારેબાજુ ખૂબ ખોળ્યા. જ્યારે થાકી ગઈ ત્યારે હવે બહુ થયું એમ લાગતાં ભગવાને તેમને ફરી દર્શન દીધાં. ત્યારે ગોપીઓએ ભગવાનને એક પ્રશ્ન કર્યો હતો, ‘સાચો પ્રેમી કેવો હોય? એનો વ્યવહાર કેવો હોય? હે કૃષ્ણ! કેટલાક પ્રેમીઓ એવા હોય છે કે, બીજાના કરેલા પ્રેમના બદલામાં પોતાનો પ્રેમ આપે છે. બીજા પ્રકારના કેટલાક પ્રેમીઓ એવા હોય છે કે, તેઓ પોતે પ્રેમ કરે છે પણ એનો બદલો એમને અપેક્ષિત હોતો નથી. ત્રીજા પ્રકારના નિષ્ઠુર પ્રેમીઓ એવા હોય છે કે, પ્રેમ કરનાર ઉપર પણ પ્રેમ કરતા નથી! અને ચોથા પ્રકારના પ્રેમીઓ પ્રેમ ન કરનાર કે કરનાર બંને પર સહજભાવે પ્રેમ રાખે જ છે. આમ, ચાર પ્રેમીઓ હોય છે.’ આટલું કહીને ગોપીઓ તો ચૂપ થઈ ગઈ. ત્યારે ભગવાને એનો જવાબ આપ્યો : “હે ગોપીઓ! તમે જે ચાર પ્રકારના પ્રેમીઓ ગણાવ્યા તે માંહેનો હું એક પણ નથી! પ્રેમને બદલે પ્રેમ આપનાર તો ધંધાદારી થયો. એ કંઈ પ્રેમી ન કહેવાય’ ‘પ્રેમ ન આપનારને પ્રેમ આપનાર તો વત્સલ કહેવાય, પ્રેમી નહિ. સંતાનના પ્રેમની પરવા કર્યા વિના માતા-પિતા સંતાનોને પ્રેમ આપે છે. હું એવો પ્રેમી પણ નથી. ‘પ્રેમ કરનારને પણ ન કરનાર’ એવો નિષ્ઠુર પ્રેમી પણ હું નથી. ‘પ્રેમ કરનાર કે ન કરનાર બંને પર સ્વાભાવિક રીતે પ્રેમ કરનાર પ્રેમી’ પણ હું નથી. કારણ કે એવા તો યોગીઓ હોય છે! હું એ પણ નથી. ગોપીઓએ પૂછ્યું કે, “તો પછી તમે છો શું?” ત્યારે ભગવાને કહ્યું : “જુઓ, હું જે તમને દુ:ખ આપું છું, એનો એક અર્થ છે. તમને આ રીતે માર્ગમાં અવરોધ ઊભો થાય તો જ તમારો પ્રેમ વધ્યા કરે. આ તમારા પ્રેમને વધારવા માટે જ તમારો રસ્તો મેં કઠિન કરી મૂક્યો છે.” (શ્રીમદ્ ભાગવત: દશમ સ્કંધ. અધ્યાય ૩૨)

હવે તમે સમજી શકશો. અધ્યાત્મમાર્ગના બધા જ પ્રવાસીઓને આ વાત લાગુ પડે છે. ભગવાન તરફ જવાનો માર્ગ ખૂબ કઠિન છે જ. ઉપનિષદમાં કહ્યું છે :

“क्षुरस्यधारा निशिता दुरत्यया,
दुर्गंपथस्तत्कवयो वदन्ति.”
(કઠોપનિષદ : ૧/૩/૧૪)

“જ્ઞાનીઓ કહે છે કે, માર્ગ અસ્ત્રાની ધાર જેવો અને ચાલી ન શકાય તેવો છે.” ચાલતાં પગ કપાઈ જાય, છતાં જો માણસ સાહસ કરીને એના પર ચાલે તો જ તે રસ્તો પાર કરી શકે. માર્ગ અવશ્ય દુર્ગમ છે, સુગમ નથી. પણ ભગવાન એટલી મૂલ્યવાન વસ્તુ છે કે, ગમે તેટલી તકલીફો હોવા છતાં માણસ એ માર્ગે ચાલ્યા વગર રહી શકે નહિ. એમાં અંતરનું ખેંચાણ જ એને એ રસ્તે અનિવાર્ય રીતે લઈ જાય છે અને પછી તો દુ:ખ ભોગવવાં પડે એમાં શી નવાઈ? ગમે તેટલું દુ:ખ હોય, પણ ભગવત્પ્રાપ્તિ તો આનંદમય જ છે. એ આનંદની દૃષ્ટિએ પેલું દુ:ખ તો તુચ્છ જ છે, એમ સમજવું જોઈએ. વસ્તુની કિંમત તો ચૂકવવી પડીને? બીજો રસ્તો જ નથી.

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.