એક ગામ હતું. એ ગામમાં હરિદાસ નામે બ્રાહ્મણ – તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. તે ગરીબ હતો અને ક્યારેક તો ખાવાનાય સાંસા પડતા. તેની પાસે મહાન સ્ત્રી – પુરુષોની કથાનાં પુસ્તકો અને ધર્મગ્રંથો હતાં. તે ગામે ગામે જતો, કથાકીર્તન કરતો અને લોકોને દયા – માયા રાખવાનું કહેતો. લોકો પણ તેને લોટદાળ, ફળ – શાકભાજી આપતાં. આ સીધું સામાન એક પોટલામાં બાંધી લઇને ઘેર આવતો અને બધાં ય સરખે ભાગે વહેંચીને ખાતાં. આમ હરિદાસનો સંસાર સુખેથી ચાલતો હતો.

એવો વખત આવ્યો કે લોકોને ય ખાવાના સાંસા પડવા માંડ્યા. વરસાદનું ટીપું ય ન પડ્યું. ખેતરો સૂકાભઠ્ઠ બની ગયાં. ત્રણ ત્રણ વર્ષ વરસાદેય ન વરસ્યો. કૂવા – નદી – નાળાં સૂકાઇ ગયાં, અને લોકોને તો દિવસો ના દિવસો સુધી ભૂખ્યે મરવાનો વારો આવ્યો. પેલા બ્રાહ્મણ હરિદાસને તેઓ કાંઇ આપી ન શકતા. એમને ય ભૂખ્યે મરવાના દિ’ આવ્યા. તેઓ ભૂખના દુ:ખે ભાંગી પડ્યાં. અને એમ લાગ્યું કે હવે એમના દિવસો ભરાઇ ચૂક્યા છે, એમનું મોત નજીક છે.

એક દિવસ આ ગામ પાસેથી કેટલાક યાત્રીઓ પસાર થયા. તેમણે આ દુ:ખી ભૂખ્યાંજનોને લોટની એક મોટી ગૂણી આપી. લોકો તો રાજી રાજી થઇ ગયા. પણ તેમને તરત જ પેલા – શિક્ષક મિત્ર હરિદાસ યાદ આવ્યા. તેમણે થોડો લોટ એમને ઘેર પણ મોકલ્યો.

હરિદાસે પત્નીને કહ્યું, ‘આમ, જો, આ થોડો લોટ આવ્યો છે, છેવટે આપણને કોળિયો અન્ન તો મળ્યું.’ પત્નીએ કહ્યું, ‘આપણે તો છીએ ચાર અને લોટ કાંઇ આટલો બધો તો નથી. હું તમારા ત્રણ માટે ત્રણ રોટલા ઘડી દઉં.’ હરિદાસ બોલી ઊઠ્યો, ‘ના, ના, એમ નહિ, આપણે બધાંય ભૂખ્યા છીએ અને આપણે બધાંએ સાથે જ જમવું છે. એટલે એકસરખા ચાર રોટલા ઘડ.’ પત્નીએ જવાબ આપ્યો, ‘વારુ, તમે કહો છો એમ જ કરીશ.’ દીકરાની વહુ અને સાસુએ એક જ સરખા ચાર રોટલા ઘડ્યા અને કહ્યું, રોટલા તૈયાર છે અને એવી તો કડકડતી ભૂખ લાગી છે, ચાલોને, જલ્દી ખાઇ લઇએ.’

પછી હરિદાસની પત્નીએ પુત્ર, પુત્રવધૂ અને પોતાના પતિને એક એક રોટલો આપ્યો, અને એક પોતાના માટે રાખ્યો. હજી તો બટકું મોઢામાં મૂકતા’તા ત્યાં જ બારણે ટકોરા પડ્યા. હરિદાસ બોલ્યા, ‘કોણ હશે?’ હરિદાસે બટકું નીચે મૂક્યું અને બારણે ગયા. બારણું ખોલ્યું ને જોયું તો એક દીન – દુર્બળ, ફાટેલાં – તૂટેલાં કપડાંવાળો માણસ બારણે ઊભો હતો. હરિદાસ તો આ ભાઇને ઓળખતોય ન હતો. તે આ ગામનો ય ન હતો અને તેને કદી જોયો ય ન હતો. હરિદાસે પૂછ્યું, ‘ભાઇ, હું તમારી શું સેવા કરી શકું?’ પેલા અજાણ્યા અતિથિએ કહ્યું, ‘ભાઈ, હું તો કાશી જાઉં છું. ગામમાં આવ્યો અને પૂછ્યું, “આ ગામમાં કોઇ ભલો માણસ રહે છે?” એમ પૂછતાં ગામના કેટલાંક છોકરાં મને તમારે ઘેર લાવ્યાં.’

‘ભાઇ, હું થાક્યો ય છું અને ભૂખ્યો ય છું. મને થોડો આરામ કરવાની જગ્યા મળશે? અને ભાઇ, મને ભૂખે ય બહુ લાગી છે.’ હરિદાસે આવનારના મોં પર નજર નાખી અને તેને લાગ્યું કે ‘છે તો બિચારો ભૂખ્યો – દુખ્યો અને એને રોટલાની જરૂર છે.’ પછી કહે, ‘ભાઇ, અંદર આવો, તમે તો અમારા મહેમાન છો. અતિથિની પૂજા સેવા એ દેવની પૂજા સેવા છે. મારું ઘર તમારા માટે ખુલ્લું છે.’ આમ કહીને મહેમાનને ઘરમાં લઇ ગયો અને બેસવાનું આસન આપ્યું.

હરિદાસે કહ્યું, ‘અમારે ય ભાઇ ઘરમાં ખાવાનું અન્ન નથી પણ આજે નસીબ જોગે ચાર રોટલાનો લોટ મળી ગયો. એમાંથી આ એક રોટલો તમારો.’ આમ કહીને હરિદાસે પોતાના ભાણાનો રોટલો મહેમાનને આપ્યો. મહેમાનને જેવો રોટલો આપ્યો કે તરત જ બટકાવી ગયો આ દૃશ્ય ચારેયે જોયું.

અતિથિ દેવતા કહે, ‘આ એક તો ઠીક, પણ આ નાનો રોટલો ભૂખ્યાં માણસની ભૂખ વધુ ઊઘાડે છે. ભાઇ, મને એવી ભૂખ લાગી છે, એવી ભૂખ લાગી છે! પેટમાં બળતરા થાય અને એમ લાગે છે કે હું ભૂખ્યો મરી જઇશ.’ આમ કહીને પેલો મહેમાન તો પેટ ઉપર હાથ મૂકી રાખીને માંડ્યો કણસવા. હરિદાસની પત્નીએ પોતાના પતિ તરફ જોઇને કહ્યું, ‘આ મારો ભાગ એને આપી દો.’ અને એણે રોટલો સામે ધર્યો. હરિદાસે કહ્યું, ‘ના, ના, એ તો તારો ભાગ છે, તારા માટે છે અને તારે જ ખાવો જોઈએ.’

પત્નીએ વિનમ્રતાથી કહ્યું, ‘આપણે ગૃહસ્થ છીએ અને આ ભૂખ્યા ભાઇ માટે આપણી પાસે ખાવાનું છે. ભૂખ્યાને અન્ન આપવું એ આપણી – ફરજ છે. તમે તો તમારા ભાગનો રોટલો આપી દીધો, તો હવે પત્ની તરીકે મારી ફરજ છે કે મારા ભાણાનો રોટલો પણ તેને આપી દેવો. તમારા પાસે તો કંઇ આપવા જેવું નથી પણ મારી પાસે છે તે મારે આપવું જોઈએ.’ આમ કહીને ગૃહિણીએ પોતાનો રોટલો મહેમાનને આપ્યો અને પેલા અતિથિ તો તરત જ એને બટકાવી ગયા. હરિદાસની પત્નીએ પૂછ્યું, ‘ભાઇ, હવે તારી ભૂખ ભાંગી?: પેલો બોલી ઊઠ્યો, ‘ના, રે ના, મને બહુ ભૂખ લાગી છે. એવી તો લાગી છે! એમ કહીને ફરી જોરથી બૂમ પાડી ઊઠ્યો, ‘ભાઇ, મને ભૂખ લાગી છે ને મારું પેટ તો ભડકે બળે છે.’

આ સાંભળીને હરિદાસના દીકરાએ પોતાનો રોટલો મહેમાનને આપતાં કહ્યું, ‘અતિથિની આગતા સ્વાગતા કરવામાં મારા પિતાને મદદ કરવી તે પુત્ર તરીકે મારી ફરજ છે. લે ભાઇ, આ રોટલો ય તું ખા, તું અમારો અતિથિ છે.’ અને પેલા ભાઇએ રોટલો લીધો અને ખાઇ ગયો. દીકરાની વહુએ પૂછ્યું, ‘ભાઇ, હવે તમને કેમ છે?” મહેમાને જવાબ આપ્યો, ‘આમ તો ઠીક છે, પણ હજીયે ભૂખ્યો હોઉ એવું લાગે છે.’ દીકરાની વહુએ કહ્યું, ‘લ્યો, ભાઇ, આ મારો ય રોટલો તમે પ્રેમથી ખાઓ.’ એમ કહીને મહેમાનને રોટલો આપ્યો. ભોજન પછી પાણી પીને મહેમાનને અમીનો ઓડકાર આવ્યો અને તેની ભૂખ ભાંગી. તેણે કહ્યું, ‘હવે હું સારો સાજો થઇ ગયો. હવે મારી કાશીની યાત્રાએ જવું જોઈએ.’ પછી મહેમાન ઊભા થયા અને કહ્યું, ‘ભાઈ, ભગવાન તમારા સૌનું ભલું કરે!’ પછી હરિદાસે બારણું ખોલ્યું અને મહેમાને પોતાની વાટ પકડી.

એ રાત્રિએ હરિદાસ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂ અન્નના અભાવે અને ભૂખના દુ:ખે મરણને શરણ થયાં.

પેલો નોળિયો ને વૃદ્ધ કુરુક્ષેત્રના એક ખૂણે બેઠા હતા. વાર્તા પૂરી થઇ. હવે નોળિયો શાંત થઇ ગયો અને હજીએ તે કાંઇ દૂરનું વિચારતો હોય તેવું વૃદ્ધને લાગ્યું. તેણે કહ્યું, ‘હજી તારી વાર્તા પૂરી નથી થઇ, કેવી રીતે આ તારું અર્ધું શરીર સોનાનું બન્યું અને અર્ધું ન બન્યું, એ વાત માંડીને કહે.’ પેલા નોળિયાએ કહ્યું, ‘અરે, પેલા ચારેય જણાએ કેટલો મોટો ભોગ આપ્યો! પેલા ગરીબના પેટનો ખાડો પૂરવા પોતાનું ખાવાનું તો આપી દીધું અને પોતાના જીવને ય આપી દીધા. આ બધું હું છૂપાઇને છાનોમાનો મારી નજરે જોતો હતો. એમનાં ત્યાગ – બલિદાનને જોઇને મારી આંખમાં આનંદના આંસુ આવી ગયાં. કારણ કે મેં આવાં ત્યાગ – બલિદાન ક્યારેય જોયાં નહોતાં. હર્ષાવેશમાં આવીને હું જમીન પર આળોટવા માંડ્યો – રોટલા ઘડતાં જમીન પર લોટના કણ વેરાયેલા હતા તે મારા અર્ધા શરીર ઉપર ચોંટી ગયા. અને કેવી નવાઈ! મારું અર્ધું શરીર સોનેરી બની ગયું! ત્યારથી હું આમ દૂર દૂરનાં દેશોમાં ફરતો રહ્યો છું. મને જો એવી ત્યાગ – બલિદાનની યજ્ઞ ભૂમિ મળી જાય તો મારું બાકીનું અર્ધું શરીર પણ સોનેરી બને. પણ મને આજ સુધી આવી ભૂમિ મળી નહિ. મારું અર્ધું શરીર સોનેરી ન બન્યું!’

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.