શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત સમકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. આ વર્ષે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ૨૬ થી ૨૮ જાન્યુઆરી તેમણે દરરોજ ભાવિકજનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા તેનો સારાંશ અમે ધારાવાહિક રૂપે આપી રહ્યા છીએ.

પ્રશ્ન : આપે કહેલું કે શાન્તિ મેળવવા માટે વાસનાઓનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ જીવનમાં વિકાસ કરવા માટે તીવ્ર ઇચ્છાશક્તિ જરૂરી છે. તો પછી વાસનાશૂન્ય થઈ જવાથી વિકાસ કેવી રીતે શક્ય બનશે?

ઉત્તર : સંસારમાં ગમે તે વિષયમાં આગળ વધવા માટે પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર છે. એટલે વાસનાત્યાગ માટે તો એથીય વધારે પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર છે, કારણ કે એ તો વધારે કઠિન છે. બધી જ ઇચ્છાશક્તિનો એક જ રીતે ઉપયોગ થાય, એવો કંઈ ઇચ્છાશક્તિનો અર્થ થતો નથી. ઇચ્છાશક્તિના ઉપયોગનો આધાર એનું લક્ષ્ય શું છે, તેના ઉપર છે. જો લક્ષ્ય સાચું હોય તો ઇચ્છાશક્તિનો પ્રયોગ કરીને આપણે એ લક્ષ્ય સુધી પહોંચી જઈશું. પણ જો લક્ષ્ય ખોટું હોય તો આપણે શું એમાંય ઇચ્છાશક્તિનો પ્રયોગ કરવો? આપણું લક્ષ્ય શું છે, કઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે ઇચ્છાશક્તિનો પ્રયોગ કરીએ છીએ, એના ઉપર આ શક્તિનો સદુપયોગ અથવા દુરુપયોગ થઈ શકે છે. ઇચ્છાશક્તિ લક્ષ્યહીન તો હોતી નથી. ધારો કે કોઈ વિષયભોગની પ્રાપ્તિ માટે એનો પ્રયોગ કરે છે. ઇચ્છાશક્તિના પ્રયોગની દૃષ્ટિએ તો એ બંને સરખા હોવા છતાંય લક્ષ્યની દૃષ્ટિએ એના સદુપયોગ કે દુરુપયોગ જાણી શકાય છે. વાસના-ત્યાગ દ્વારા શાંતિ મેળવવાની આપણી મથામણમાં કંઈ ઓછી ઇચ્છાશક્તિની જરૂર પડે છે કે? અરે, એમાં તો ઊલટી વધારે પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર પડે છે. કારણ કે રસ્તે નીચે ઊતરવાનું સહેલું છે પણ ઉપર ચડવામાં શક્તિની વધારે જરૂર પડે છે, એનો વધુ ઉપયોગ કરવો પડે છે. વાસનાત્યાગ કંઈ સહેલી વસ્તુ નથી. અને ‘વાસનાત્યાગ’નો અર્થ કાંઈ ‘ઇચ્છાશક્તિનો ત્યાગ’ એવો થતો નથી. ઇચ્છાશક્તિની તો બધે જ જરૂર છે, વાસનાત્યાગમાં પણ એ જરૂરી છે. વાસના આપણને હંમેશાં ચારે તરફ ખેંચ્યા કરે છે. એ ખેંચાણમાંથી આપણને પોતાને છૂટા કરવા માટે પ્રબળ ઇચ્છાશક્તિની જરૂર છે જ.

આવી ઇચ્છાશક્તિ કેવી રીતે કેળવવી, એ એક પ્રશ્ન છે. એનો ઉત્તર એ છે કે ઇચ્છાશક્તિ કોઈ સીમિત વસ્તુ નથી. વ્યાયામ કરવાથી શરીરના અમુક અંગની શક્તિ જેમ વધારી શકાય છે, તેમ જ વારંવાર પ્રયોગ કરવાથી આ ઇચ્છાશક્તિને પણ વધારી શકાય છે. ત્યારે આ ઇચ્છાશક્તિનો ઉપયોગ શાને માટે કરવો જોઈએ? એનો ઉત્તર એ છે કે પોતાના અંગત ભૌતિક સ્વાર્થ માટે જો આ શક્તિનો ઉપયોગ કરવામાં આવે તો તે શક્તિનો દુરુપયોગ ગણાય. અને પોતાના આત્માના કલ્યાણ માટે અથવા અન્યના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવામાં આવે, તો એ એનો સદુપયોગ થયો ગણાય. એટલે આપણે આ ઇચ્છાશક્તિનો સદુપયોગ કરવો જોઈએ. થોડીઘણી શક્તિ તો સૌમાં છે જ પણ એનો ઉપયોગ સારા-સાચા લક્ષ્ય માટે કરાય તો જ જીવનમાં સાચી સફળતા સાંપડી શકે. સાચી સફળતા માટે એ એક જ માર્ગ છે. ઇચ્છાશક્તિનો એવો ઉપયોગ-પ્રયોગ તો કરવો જ પડશે.

શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર વાંચશો તો ખબર પડશે કે ભગવાનની પ્રાપ્તિ માટે તેઓ કેટલી ઉત્કટતાથી તીવ્ર ઇચ્છાશક્તિનો ઉપયોગ કરીને એ રસ્તે ચાલ્યા હતા! જોકે આપણે તો માનીએ છીએ કે તેઓ પોતે જ સ્વયં ભગવાન હતા. પણ જગતમાં દાખલો બેસાડવા માટે તેમણે આ રીતે જીવન જીવી બતાવ્યું છે, કે કેટલી એકાગ્રતા, કેટલી નિષ્ઠા અને કેટલી પ્રબળ ઇચ્છાશક્તિનો ઉપયોગ સાધનાર્થે કરવાની જરૂર છે. એ કંઈ ખાલી વાતો કરવાથી મળે નહિ. શ્રીરામકૃષ્ણ-ઉપદેશમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે “ખાલી ‘સિદ્ધિ’ ‘સિદ્ધિ’ બોલવાથી સિદ્ધિફળ મળતું નથી. ફક્ત ‘ભાંગ’ ‘ભાંગ’ બોલવાથી નશો ન આવે. એ માટે તો પહેલાં ભાંગ લાવો, એને તૈયાર કરો અને પછી એને પીઓ તો જ નશો થાય.” એટલે ફળપ્રાપ્તિ તો ખૂબ પ્રયત્ન કર્યા પછી જ થાય છે. અને એવો પ્રયત્ન ચાલુ રાખવા, પ્રબળ ઇચ્છાશક્તિ વગર તે સિદ્ધિ કેમ મળે? સર્વત્ર ઇચ્છાશક્તિની જરૂર છે. એ ઇચ્છાશક્તિનો સદુપયોગ કે દુરુપયોગ કરવો, તે આપણા વિચાર પર આધારિત છે.

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.