જય જય રામકૃષ્ણ, વાંછલ્પતરું,
જય જય ભગવાન, જગતના ગુરુ.
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.

સુણો મન પ્રભુની સુંદર બાલ્યકથા,
ગુપ્તથીયે ગુપ્ત છે આ બધીએ વારતા.
બહુ જ મધુર થા મોટું છે આશ્ચર્ય,
આઈને દેખાડે પ્રભુ વિવિધ ઐશ્વર્ય.
વચ્ચે વચ્ચે શિવનેત્ર સમ થતી આંખો,
નિશ્ચળ ને સ્થિર તથા પડે નહિ પાંખો.
દેખી નેત્રો સ્થિર રડે આઈ લઈ ખોળે,
બ્રહ્મદૈત્ય ભરાયો માનીને ભાવે ભોળે.
બાધા રાખે ભૂતપ્રેત દેવી દેવતાની,
આંખે વહે વારિધારા કેટલી માતાની.
ભૂતપતિ શિવ નામ કેરું ઉચ્ચારણ,
કર્યે થતાં વળી પાછાં નેત્ર સાધારણ.
અધરે મધુર હાસ્ય જુએ માતા સુખે,
ભુલાવતા માને પ્રભુ લઈ સ્તન મુખે.

એવી રીતે વર્ષ બે કે ત્રણ ગયાં સરી,
સમવય બાળકોની સાથે ખેલ કરી.
લાહા નામે ધની એક વસે ગામ માંહે,
આવે જાય બાળ સદા તેના ધામ માંહે.
નામે ધર્મદાસ લાહા મોટો કારભાર,
ખૂબ ધનવાન ને વિશાળ વહેવાર.
વેપાર વણજ બધો ચોપડે લખાય,
કારભાર રૂપિયાનો નોંધીને રખાય.
વે’વારે સંસારી જન થાય એકચિત્ત,
ખાસ તો હિસાબ ગણી લખે જ્યારે વિત્ત.
એવું તેનું મન બીજા શેમાંયે ન રહે,
ભક્તો તેથી વે’વારને વિષવત્ કહે.
પણ ધર્મદાસ ખાતું લખવાને કાળે,
ટપુ ટપુ આવતા ગદાઈને જો ભાળે.
પછી રહે નહિ તેનું હિસાબમાં મન,
છૂટે ખાતાવહી થતાં બાળનાં દર્શન.
બોલાવે ધરમદાસ બાળ ગદાધર,
‘આવો બેટા, આવો, જાઓ ઘરની અંદર.’
પુત્રથીયે વધુ પ્રેમ રાખે તેની નાર,
એવો તો રમાડે કે ન જેનો પારાવાર.
હાથણી સમાન ગાયો આંગણે દુઝતી,
દૂધની મીઠાઈ બહુ પ્રકારની થતી.
ખવરાવે ગદાઈને બહુ પ્રેમ ગુણે,
બાળકની કાલી કાલી વાતો સહુ સુણે.
તેમનો નંદન ગયાવિષ્ણુ જેનું નામ,
વયમાં એ બરાબર ગદાઈ સમાન.
ખેલતાં વિવિધ ખેલ બેય ગાય ગીત,
જામી બેય બાળકોમાં ખૂબ ગાઢ પ્રીત.
ભાગ્ય જો તું ગયાવિષ્ણુ કેરું મન મારા!
મિત્ર રૂપે મળ્યા તેને પ્રભુદેવ પ્યારા.
અખિલના નાથ જેહ જગતના પિતા,
તેની સાથે ગયાવિષ્ણુ તણી છે મિત્રતા.
ખેલે વિધવિધ ખેલ બાળકોની સાથે,
જાણે કૃષ્ણ નંદગૃહે ગોવાળો સંગાથે.
ગોકુળમાં નંદરૂપે જેહ ગાયો ચારે,
કામારપુકુરે ધર્મદાસ એ આ વારે.
વધુ શું હું કહું? વંદું યુગલચરણ,
ખેલે ઘેર જેને ભવમરણકરણ.

શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

Total Views: 785

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.