શ્રીમત્‌ સ્વામી તપસ્યાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમનો અંગ્રેજી ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ (ચાર ભાગોમાં) ઘણો પ્રસિદ્ધ પામ્યો છે. તેના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.

(ગતાંકથી આગળ)

ર. ભાગવતોત્તમની જ્ઞાનભક્તિ

ભાગવતપ્રતિપાદિત ભક્તિપરિભાષામાં બીજો એક સંબંધ જ્ઞાનનો છે. નારદ અને શાંડિલ્યની ભક્તિસંલ્પનાઓમાં એ સંબંધ જેટલો છે, એના કરતાંય એને અહીં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્ઞાનપિપાસાનું મૂળ જિજ્ઞાસા પણ આત્માની અન્ય વૃત્તિઓ જેટલી જ એક અભિપ્રેરક વૃત્તિ છે. પછી એનો ઉપયોગ ભલે ધીમો અને ગણતરીપૂર્વક થતો હોય. એટલા જ માટે ગીતા જિજ્ઞાસુને- જ્ઞાનપિપાસુને-પણ પોતાના ભક્તોના વર્ગીકરણમાં માન્યતા આપે છે. આ જિજ્ઞાસા-ખોજ-જો સાવ અન્તર્મુખી વળાંક લઈને ‘અહંભાવ’ના મૂલગામી સ્રોતના અનુસંધાનમાં લાગી રહે, તો એને સમુચિત પરિભાષામાં ‘જ્ઞાનયોગ’ કહી શકાય. આવે વખતે એ મનોવિજ્ઞાનનો એક પ્રકાર બની રહે છે. પરન્તુ જો એ ખોજ, સાથોસાથ બહિર્મુખી પણ બની જાય અને સકલ પ્રાણીઓના સર્જનહાર અને સ્વામી, સકલ જીવવ્યક્તિઓના આદર્શ, સત્-ચિત્-આનંદ સ્વરૂપ એવા પરમતત્ત્વનો પૂર્ણ સ્વીકાર કરવામાં એ બહિર્મુખતાનું પર્યવસાન થઈ જાય, એટલે કે એ પરમ તત્ત્વના પ્રભાવક અને ગુણોત્કર્ષ યુક્ત સ્વરૂપનું આનંદપ્રદ ચિન્તન છેવટે નિરાકાર અને નિર્વિશેષ પરમતત્ત્વ સ્વરૂપમાં પરિણત થઈ જાય તો એ ભક્તને ભગવાન પ્રત્યેના સંપૂર્ણ આત્મસમર્પણ તરફ, સંપૂર્ણ શરણાગતિ તરફ, સંપૂર્ણ તાદાત્મ્ય તરફ દોરી જાય છે. આવી સાધનાને પશ્ચિમના મહાન ફિલસૂફ સ્પિનોઝાની યોગ્ય અભિવ્યક્તિ અનુસાર ‘બૌદ્ધિક પ્રેમ’ કહી શકાય. અથવા તો પરમેશ્વર સાથે સાયુજય – તાદાત્મ્યમાં પરિણમતી ‘જ્ઞાનભક્તિ’ (જ્ઞાનપ્રધાન ભક્તિ) કહી શકાય. ‘જ્ઞાન’ અને ‘જ્ઞાનભક્તિ’ વચ્ચેનો તફાવત આવી રીતે બતાવી શકાય : કેવળ જ્ઞાનની સાધનામાં મન અને અહંકાર ‘હું’ માં ડૂબી જાય છે. બન્ને પ્રકારની સાધનાઓનો અંતિમ લક્ષ્યાર્થ તો ભલે એક સમાન હોઈ શકે પરંતુ બન્નેની ક્રમવ્યવસ્થામાં જ્ઞાનસાધના આદર્શાભિમુખી અને અંત:કેન્દ્રી-આત્મકેન્દ્રી હોય છે, જ્યારે જ્ઞાનભક્તિ વાસ્તવદર્શી અને વિષયકેન્દ્રી હોય છે.

પાછળના ભક્તિસિદ્ધાન્ત પ્રવર્તકોએ ભક્તિના આ સ્વરૂપને ‘શાન્તભક્તિ’ (શાન્ત મનોવલણની ભક્તિ) તરીકે વર્ણવેલ છે. એ શાન્ત એટલા માટે છે કે એમાં કોઈ વ્યક્તિગત તત્ત્વ હોતું નથી. ૠષભદેવ, કુમારો, મુચકુંદ, ભરત, પૃથુ, નારદ, શુક અને એમના જેવા બીજા અનેક ઋષિઓના જીવનમાં ભાગવત આ પ્રકારની ભક્તિનું નિરૂપણ કરે છે. એ બધાએ આ જ્ઞાનભક્તિ દ્વારા પરમેશ્વર સાથે તાદાત્મ્ય સાધ્યું હતું. પરમાત્માના શક્તિપ્રભાવનું જ્ઞાન, પરમાત્મા પ્રત્યેની સ્તુતિપૂજાનો ભાવ જન્માવે છે. અને એવો ભાવ, સંપૂર્ણ શરણાગતિ અને તેમની સાથેના તાદાત્મ્ય તરફ દોરી જાય છે. અને આ તાદાત્મ્ય વળી પાછું દિવ્યજીવનની ગહરાઈ અને સમજણની ચરમસીમા-તત્ત્વજ્ઞાન-પૂર્ણજ્ઞાન તરફ પણ દોરી જાય છે. આ પૂર્ણજ્ઞાનનો અર્થ, ઈશ્વરનાં સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ – એ બન્ને રૂપોની સ્વીકૃતિ છે. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં કહીએ તો આવી ઊંડાણભરી સમજણને ‘વિજ્ઞાન’ કહેવાય છે. અને એવા વિજ્ઞાનવાળો જીવ એના આ પ્રકારના જ્ઞાનયુક્ત ‘અહંભાવ’ને જાળવી રાખે છે, કે જે એક બાજુ તો ઐક્ય પ્રગટ કરે છે, તો બીજી બાજુ એ જ વખતે એ દિવ્ય તત્ત્વ સાથે પ્રેમસમ્બન્ધનો ભાવ પણ રાખી શકે છે. ભાગવતે સ્વીકાર્યું છે એ રીતે પરમતત્ત્વ સગુણ (શ્રેષ્ઠ ગુણવાળું) પણ છે અને નિર્ગુણ (ગુણ વગરનું) પણ છે – એમ એ બન્ને છે. જ્ઞાન અને ભક્તિ – અદ્વૈતભાવ અને ભક્તિયુક્ત મનોવલણ – એ બન્નેનું સંવાદિતાભર્યું રસાયન એ એના સાંયોગિક આધ્યાત્મિક દૃષ્ટિકોણમાં સંભવિત છે.

પરન્તુ, ભાગવત આધ્યાત્મિક લક્ષ્યની સિદ્ધિ માટે ફક્ત બુદ્ધિવાદને જ સાધન ગણવાનું વિરોધી છે. એ તો ‘ફોતરાં ખાંડી ખાંડીને ચોખા મેળવવા જેવો વ્યર્થ પ્રયત્ન છે.’ – એમ જણાવીને એની હાંસી ઉડાવે છે. અને શ્વેતાશ્વતરઉપનિષદની સાથે પોતાની પૂર્ણ સંમતિ દર્શાવતાં કહે છે કે પરમાત્મતત્ત્વ સંબંધી સત્ય તો એવા મનુષ્યમાં જ પ્રકાશી શકે છે કે જેનામાં ઈશ્વર પ્રત્યે પરમોચ્ચ ભક્તિભાવ હોય. ‘ઈશ્વરના જ્ઞાનથી અને સ્વાર્થપરક મૂલ્યોના પરિત્યાગથી જ ભક્તિ લાધે છે’ એવી દૃઢ પ્રતીતિથી જન્મતું આ સત્ય છે. યોગ્ય રીતે જ આવું કહેવામાં આવ્યું છે કે ખાવામાં આવતો અન્નનો કોળિયો, જેવી રીતે એકી સાથે ખાનારને આનંદદાયક સ્વાદ આપે છે, એની ભૂખ મટાડે છે અને એના બળમાં વૃદ્ધિ પણ કરે છે, તેવી જ રીતે ભક્તિ અને ઈશ્વરશરણાગતિ પણ એકીસાથે પ્રેમ, એનું જ્ઞાન અને સાથોસાથ ભૌતિક ભોગવિલાસોના પરિત્યાગની શક્તિ ય ઉત્પન્ન કરી દે છે. આમ, પરમોચ્ચ દિવ્યતત્ત્વની આવી અવધારા શાન્તભક્તિ તરફ લઈ જાય છે. અને એ શાન્તભક્તિનું પર્યવસાન સંપૂર્ણશરણાગતિમાં થાય છે. એવી શણાગતિ તત્ત્વજ્ઞાન (અદ્વૈતભાવ) ઉત્પન્ન કરે છે અને એ તત્ત્વજ્ઞાન, વૈશ્વિક પ્રેમનો ભક્તિભાવ ઉત્પન્ન કરે છે. એટલે આ તત્ત્વજ્ઞાનમૂલક ભક્તિને અન્ય ભક્તિ પ્રકારોથી અલગ પાડીને વર્ણવતાં અને આની સાથે ભક્તિનાં અન્ય સંકુચિત સ્વરૂપોની સરખામણી કરતાં ભાગવત કહે છે કે ‘ભાગવતોત્તમ’ (ઉચ્ચતમ પ્રકારનો ભક્ત) તો એ છે કે જે ઉચ્ચ-નીચ, સર્વે પ્રાણીઓમાં ભગવાનનો મહિમા પ્રતિબિંબિત થયેલો નિહાળે અને બધાં જ પ્રાણીઓને ભગવાનમાં નિવસતાં નીરખે. બીજો મધ્યમ કક્ષાનો ભક્ત એ છે કે જે ભગવાનની અને તેમના ભક્તો, સામાન્યજનો અને દુષ્ટ મનવાળા માણસોની વચ્ચે ભેદભાવથી જુએ અને તેમની સાથે અનુક્રમે આદરમૂલક પ્રેમ, મૈત્રી, કરુણા અને ઉપેક્ષાનાં મનોવલણો દાખવતો હોય. વળી, ત્રીજી કક્ષાનો એવો ભક્ત છે. કે જે ભગવાનની મૂર્તિઓની તો ખૂબ ખૂબ સેવાપૂજા કરે છે પરન્તુ ભગવાનના ભક્તો તરફ એને કશું માન હોતું નથી. અન્યનો એ કશો ખ્યાલ જ રાખતો નથી. આવો ભક્ત બધા પ્રકારના ભક્તોમાં સાવ નિમ્નકોટિનો ભક્ત છે. (ભાગવત, ૧૧:૨:૪૫-૪૭)

૩. મૂઢાભક્તિ : એની અપૂર્વતા

ભગવાનમાં મનનું વિલીનીકરણ કરી દેવાની ભાગવતપ્રતિપાદિત ભક્તિપરિભાષાનું એક ત્રીજું અને કદાચ સૌથી અનોખું પરિણામ મૂઢાભક્તિનો સિદ્ધાન્ત છે. આ મૂઢાભક્તિ એટલે જ્ઞાનની કશીય સહાય વગરની કેવળ ભક્તિ જ. અહીં ભગવાનની સર્વોચ્ચતા કે પરમ ઐશ્વર્યમત્તાના અથવા તો જગત પ્રત્યેના અનાસક્તિભાવના પાયાના વિચારોને સ્થાને, ‘ભગવાન મારો છે’- આ પ્રકારનો પ્રેમભાવ જ એનો મૂળસ્રોત અને સંજીવની બની રહે છે. મહાન અદ્વૈતવાદી તત્ત્વજ્ઞ અને પાછળના સમયના ભક્તિસિદ્ધાન્તના પ્રવર્તક મધુસૂદન સરસ્વતીએ એક શ્લોકમાં લખ્યું છે કે પોતાની આધ્યાત્મિક સાધનાના પરિશ્રમની પરિપક્વતા અનુસાર, મણસની ભક્તિ આ ત્રણ સ્વરૂપો ધારણ કરે છે : (અ) ‘હું તેનો છું.’ (બ) ‘તે મારો છે’ અને (ક) ‘તે હું છું.’ એવું જણાય છે કે ભગવાનની દૃષ્ટિએ, ‘હું તેનો છું’ અને ‘તે મારો છે’ એ પ્રકારનો ક્રમિક વિકાસ કે એવું ક્રમિક અનુસરણ જરૂરી નથી. પરન્તુ પોતપોતાની સ્વતંત્ર અને નિરપેક્ષ રીતે જ એ બંને આગળ ધપી શકે છે. અને છેવટે, ‘હું તે છું’ માં દર્શાવેલ અદ્વૈતભાવને પામી જાય છે. આમાં, ‘હું તેનો છું’ એ ભાવ, પહેલાં દર્શાવેલી ‘જ્ઞાનમૂલક’ ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. અને ‘તે મારો છે’ એ વિધાન, ‘ઈશ્વર ભક્તનો પોતાનો છે’- એવા ભાવવાળી ‘અંધભક્તિ’ કે ‘મૂઢાભક્તિ’નું સૂચન કરે છે. આવી ભક્તિનું પરિણામ, સ્વામી-સેવક, માબાપ-સંતાન, મિત્ર-સખા, પતિ-પત્ની કે પ્રેમ-પ્રેમિકા વગેરે જેવા માનવીય સંબંધોના સ્વરૂપે ભગવાન સાથેના વૈયક્તિક સંબંધના વિકાસમાં આવે છે. અહીં ભક્તના ધ્યાનનો વિષય, નથી તો નિર્ગુણ-નિર્વિશેષ બ્રહ્મ હોતું કે નથી તો સગુણસવિશેષ નિરાકાર બ્રહ્મ પણ હોતું. અહીં તો ધ્યાનનો વિષય હોય છે ફક્ત ભગવાનનું દિવ્ય અવતારી સ્વરૂપ જ! આ સ્વરૂપનો પરમાત્મા સાથેની ઐક્યબોધ કરવો અને ‘તે પરમાત્મા જ ભક્તના સ્વામી, માતા, પિતા, સખા, પતિ, કે પ્રેમી છે’- એવા ભાવનું સંચયન અને સંવર્ધન કરવું, એ જ આ પ્રકારની ભક્તિસાધનાનું સારતત્ત્વ છે. જો કે ઈશ્વર તો ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે છે; પરન્તુ તેમની સાથેના આ પ્રકારના વૈયક્તિક પ્રેમસમ્બન્ધ માટે તો આવો દિવ્ય અવતાર જ ખૂબ બંધ બેસે તેવો છે. કારણ કે કોઈ દેવ કરતાં આ અવતાર વધારે માનવીય હોય છે અને વૈયક્તિક દૃષ્ટિએ વધારે પ્રેમપાત્ર બની શકે છે. અને બધાં જ દિવ્ય અવતારસ્વરૂપોમાં શ્રીકૃષ્ણ સૌથી વધારે વૈવિધ્યસભર દિવ્ય પ્રકટીકરણ છે. કારણ કે એની સાથે દરેકે દરેક પ્રકારનો પ્રેમસંબંધ સ્થાપિત થઈ શકે છે. બધા અવતારોમાં શ્રીકૃષ્ણને સર્વસંપૂર્ણ અવતાર, એક અનન્ય અવતાર તરીકે કેમ લખે છે, તે ઘણું કરીને આ ઉપરના અને એવાં બીજાં અનેક કારણોને લીધે પણ હશે.

શ્રીકૃષ્ણના જીવન દ્વારા અને તેમના તરેહ તરેહના ભક્તો સાથેના ભાતીગળ પ્રેમસંબંધો દ્વારા આ દિવ્ય પ્રેમના ચિત્રણની આગવી ખાસિયતમાં ભાગવતની અપૂર્વતા અને અનન્યતા સમાયેલી છે. વ્રજવાસીઓ જો કે શ્રીકૃષ્ણની ભવ્ય પરાક્રમ સિદ્ધિઓ દ્વારા જાણતાં તો હતાં કે શ્રીકૃષ્ણ દિવ્ય છે. આમ હોવા છતાંય, તે અમારો બાળક છે, અમારો તે મિત્ર છે, અમારો તે પ્રેમી છે. એવી એવી ભાવનાઓ, એના પેલા મહાનપણાના ખ્યાલ ઉપર પ્રભુત્વ ધરાવતી હતી અને તેમના વૈયક્તિક સ્નેહસંબંધની આડે આવીને પેલો તેમની મહાનતાનો કોઈ પણ વિચાર ખડો થઈ જાય, તો એવા અવરોધોને દૂર ફેંકી દેવામાં આવતા હતા. ખાસ કરીને નારદ જેવા ભક્તિસિદ્ધાન્ત પ્રવર્તકોએ આ પ્રશ્ન ચર્ચ્યો છે. કે આ પ્રકારના પ્રેમને સાંસારિક પ્રેમ કરતાં જુદો કેવી રીતે તારવવો? એમ કહેવામાં આવ્યું છે કે સર્વ પ્રકારનો સાંસારિક પ્રેમ તો માણસના સ્વાર્થલાભના અને વ્યક્તિના પોતાના આનંદપ્રમોદના વિચારથી અભિપ્રેરિત હોય છે, જ્યારે પ્રેમનાં આધ્યાત્મિક રૂપોમાં તો એની સાથે સંસક્ત માનવના લાભ અને આનંદ કેવળ એના પ્રેમપાત્રના જ લાભમાં અને એના જ આનંદમાં સમાઈ જાય છે. નારદ વધારામાં એવું પ્રતિપાદિત કરે છે કે ગોપીઓના મનમાં શ્રીકૃષ્ણના દિવ્ય અવતાર તરીકેનો માહાત્મ્ય બોધ હતો તો ખરો. ભાગવત ગ્રંથના નિરીક્ષણ-પરીક્ષણ ઉપરથી આ વાત ઘણે અંશે સ્વીકારવી પડે તેમ છે. કેટલાંક સ્થળોએ કેટલીક ગોપિકાઓ શ્રીકૃષ્ણને વિશે, ‘એ કંઈ દેવકીના પુત્ર નથી, એ તો બધાં પ્રાણીઓમાં અંતરતમ આત્મતત્ત્વના સાક્ષી છે’ એવું કહે છે (ભાગવત, ૧૦/૩૧/૪) જ્યારે તેમણે મોઢું ઉઘાડ્યું હતું ત્યારે યશોદાએ એમનું વિશ્વરૂપ નિહાળ્યું હતું. તદુપરાંત શ્રીકૃષ્ણની લોકોત્તર શક્તિઓનાં બીજાં કેટલાંય ઉદાહરણોનાં પણ તે લોકો સાક્ષી બન્યાં હતાં. આવા આવા અનુભવોનાં સ્મરણોમાંથી અવારનવાર કેટલીક ગોપીઓને શ્રીકૃષ્ણની મહિમામયતાનો બોધ પણ થયા કરતો હતો. છતાં પણ શ્રીકૃષ્ણ પ્રત્યે તેમણે માણેલ કોમળ સંબંધ અને સામીપ્યની ભાવના એ મહિમાબોધને નિષ્ક્રિય અને નિરથક બનાવી દેતી હતી. જો આવું ન થયું હોત તો તેમની ભક્તિને પેલી ‘શાન્તભક્તિ’ કરતાં જુદી પાડી શકાત નહિ. મહાન વિશ્વેશ્વર તેમની આગળ ‘અમારો લાલો’, ‘અમારો સખો’, ‘અમારો પ્રિયતમ’ એવા રૂપમાં રજૂ થયા હતા. અને તેમણે શ્રીકૃષ્ણ પ્રત્યે આવા સંબંધોને અનુરૂપ જ લાગણીઓ અને વર્તનો દાખવ્યાં અને વિકસાવ્યાં હતાં. એટલે એ તો સ્વીકારવું જ રહ્યું કે અહીં ‘મમતા’ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે, માહાત્મ્ય ઉપર નહિ. ભલે ને પેલી ‘માહાત્મ્ય’ની લાગણી પણ એની પશ્ચાદ્ભૂમિકામાં હાજર હોય! ભાગવતના ઉપદેશ અનુસાર, આ પ્રેમભાવને દિવ્યભાવમાં રૂપાન્તરિત કરવા માટે પ્રેમીભક્તની કોઈ આત્મગત-આત્મલક્ષી શ્રેષ્ઠતા હોવી જોઈએ એવી અપેક્ષા નથી. પણ વિષયલક્ષી પ્રેમપાત્રલક્ષીની એ હોવી જોઈએ. હકીકત તો એ છે કે આ પ્રેમ દિવ્ય અવતાર અને માનવ-આત્માઓના રસજ્ઞ એવા શ્રીકૃષ્ણ પર કેન્દ્રિત થયો છે. અને શ્રીકૃષ્ણ પણ એ પ્રેમના સ્વરૂપને અનુરૂપ જ પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. જો એમને કોઈ શિશુભાવે જુએ, તો એ પોતે બાળક રૂપે, જો કોઈ એમને સખાભાવ પિછાને તો એ સખારૂપે, અને જો કોઈ એમને પ્રિયતમભાવે ભજે તો એ પ્રિયતમરૂપે પ્રતિભાવ આપે છે. જેવી રીતે જાણતાં કે અજાણતાં પણ જો ઔષધ લેવાઈ જાય તો એ રોગ મટાડ્યે જ છૂટકો કરે છે, તેવી જ રીતે શ્રીકૃષ્ણ તરફની એકાગ્રતા પણ ભલેને ગમે તે સ્વરૂપની હોય, ભલે ને ગમે તેવા અજ્ઞાનમાં એનું પરિશીલન થયું હોય તો પણ પ્રેમીજન ઉપર એ પોતાનો પાવનકારી પ્રભાવ અવશ્ય પાડે છે જ. શ્રીકૃષ્ણનો પ્રભાવ આત્માને વિશુદ્ધ બનાવી દે છે. અને ગમે તેટલી જબરી ઇન્દ્રિયલાલસાનું પણ ઊર્ધ્વગામી નિ:સ્વાર્થ પ્રેમમાં રૂપાન્તર કરી દે છે, અને માનવને ઉચ્ચતમ લક્ષ્યની પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે ભાગવત ઉચ્ચારે છે : ‘કેવળ ભાવી જ ગોપીઓ, ગાયો, મૃગો, નાગો, હાથીઓ, સિદ્ધો અને મૂઢ બુદ્ધિવાળા બીજાઓ પણ અનાયાસે મને (કૃષ્ણને) પામ્યા છે. તેઓ વેદ ભણ્યા ન હતા. અને તે માટે તેમણે મહાપુરુષોની સેવા પણ કરી ન હતી, વ્રતો અને તપશ્ચર્યાઓ પણ કર્યાં ન હતાં. છતાં કેવળ સત્સંગથી જ મને પામ્યાં છે.’ (ભાગવત, ૧૧:૧૨:૭-૮) ‘કામુક્તા, ક્રોધ, ભય, પ્રેમભાવ, મિત્રતા, ઐક્યભાવ – ગમે તે લાગણી માનવ પરમાત્મા પ્રત્યે સેવે, પણ એ લાગણીદ્વારા એ તેમને જ પામે છે.’ (ભાગવત, ૧૦:૨૯:૧૫). ‘ગોપીઓ કામુક્તા દ્વારા, કંસ ભય દ્વારા, શિશુપાલ વૈરભાવ દ્વારા, વૃષ્ણિઓ વંશાનુગત સ્નેહ દ્વારા, પાંડવો પ્રેમસંબંધ દ્વારા અને ઋષિઓ ભક્તિ દ્વારા તેમને પામ્યા છે.’ (ભાગવત, ૭:૧:૩૦). વળી, ભાગવત નારદીય સૂત્રનો જાણે વિરોધ કરતું હોય તેમ આ વાત સ્વયં શ્રીકૃષ્ણના મુખમાં જ મૂકે છે; ‘જો કે સ્ત્રીઓ મારા સાચા સ્વરૂપને જાણતી ન હતી; અને મારી કામનાવાળી થઈને મને રતિસુખ આપનાર એક જાર રૂપે જ જાણતી હતી; તો પણ તેવી સેંકડો અને હજારો સ્ત્રીઓ મને-પરબ્રહ્મને પામી છે.’ (ભાગવત, ૧૧:૧૨:૧૩). એટલા જ માટે ભાગવતમાં આવેલાં આવા સંબંધોનાં વર્ણનો, શ્રીકૃષ્ણ ઉપર કેન્દ્રિત થયાં હોવા છતાં માનવીય પ્રેમનાં ચિત્રણ સાથે ખૂબ મળતાં આવે છે. એમાંય વૃંદાવનની ગોપીઓ અને શ્રીકૃષ્ણ વચ્ચેના જાર અને પ્રેમિકાઓ જેવા સંબંધોનાં વર્ણનોમાં પ્રયોજાયેલી નિતાન્ત કામુક્તા ભરી કવિતા તો ખૂબ નોંધપાત્ર બાબત છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે આવી બાબતોમાં ભક્તિની પરંપરાગત પૂર્વશરતોના અનુશાસનને – પાલનને – કોઈ જ સ્થાન નથી. ઈશ્વરાવતાર સાથેના પ્રગાઢ પ્રણયભાવથી તેઓ સૌ, બધી જ અવરોધક અશુદ્ધિઓથી વિયુક્ત બની ગયાં અને દિવ્ય પ્રેમના પરમોચ્ચ શિખરે પહોંચી ગયાં. પહેલાંની ગમે તે પરિસ્થિતિઓ હોવા છતાં પણ વિશુદ્ધ અનુગ્રહ આવાં આધ્યાત્મિક રૂપાન્તરો માટે એક કાર્યક્ષમ શક્તિરૂપ બની રહેતો હોય એમ જણાય છે.

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.