શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું; ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો, તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરું,
જય જય ભગવાન જગતના ગુરુ.
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
સુણો મન પ્રભુની મધુર બાળલીલા,
શિશુ રૂપી પ્રભુ જેમ ખેલિયા રંગીલા.
કામારપુકુરવાસી, બાળકોને સંગે,
સૂણો બાળલીલા મન પ્રભુની ઉમંગે.
બીજાં બહુ ગામનાં બાળકો સાથે ભળે,
નવા નવા ખેલ સારુ સહુ સાથે મળે.
હોંશમાં આવીને શણગારે તેને આઈ,
નવાં વસ્ત્રો પહેરી જાય ખેલવા ગદાઈ.
લાહાબાબુ કેરી મોટી અભ્યાગત-સેવા,
આવે સાધુ-સંત-બાવા અતિથિઓ એવા.
ધર્મશાળા જઈ બાવા ઊતરે જે સ્થાને,
ગમે ગદાઈને જવા ખાસ તે ઠેકાણે.
એકલો ક્યારેક કદી મિત્રો લઈ સંગે,
ભજન ભોજન દેખે સાધુઓના રંગે.
ભોજન સમયે સાધુબાવા બહુ પ્રીતે,
પ્રભુનો પ્રસાદ આપે હમેશની રીતે.
રાજી થઈ ગદાધર લઈને પ્રસાદ,
સંગીસંગે બેસી ખાતાં પામતો આહ્‌લાદ.
એક દિ’ રેશમ ધોતી લઈ આવ્યાં આઈ,
પહેરાવીને શણગાર્યો ખાંતથી ગદાઈ.
હરખે ગદાઈ જેવી છોકરાંની રીતિ,
ગયો ધર્મશાળે જ્યાંહાં બાવાઓ અતિથિ.
જોયા દોરી કૌપીન પહેરેલા સાધુજન,
થયું એમ પ્હેરવાનું ગદાઈને મન.
ફાડી નાખ્યું નવું વસ્ત્ર કર્યા બહુ ખંડ,
બનાવી કૌપીન પ્હેર્યું હાથે ધાર્યો દંડ.
કૌપીન પ્હેરેલું, હાથે દંડ, મુખે હાસ,
નાચી નાચી ગદાધર જાય આસપાસ.
આઈ પાસે જઈ કહે ગદાધર રાચી,
‘બાવો હું બન્યો છું કેવો!’ બોલે નાચી નાચી.
જનની જુએ તો બેટો નવું વસ્ત્ર ફાડી,
કરીને કૌપીન બન્યો બાવો છે અનાડી.
‘અરે, આ શું કર્યું પીટ્યા મૂરખના જામ,
ફાડી કર્યું વસ્ત્ર નવું સાવ તેં નકામ!
રાખ ભૂંસી લંગોટીનું કોણે શીખવાડ્યું?
સાવ નવું રેશમી આ ધોતિયું તે ફાડ્યું!’
બોલી એવું ઘણું બધું લીધો બાળ ખોળે,
સંન્યાસીનો વેશ જોઈ પાણી આવ્યાં ડોળે.
હૈયામાં આઘાત થયો આંખે વહે નીર,
માતાના હૃદયમાંહે લાગ્યું જાણે તીર.
એટલામાં બાલમિત્રો આવ્યા ધાઈ ધાઈ,
ગોદમાંથી ઊઠી જાય ખેલવા ગદાઈ.
નાચંતો નાચંતો દોડી જાય મિત્રો સંગે,
ઘરના આંગણિયામાં ખેલે નવા રંગે.
દેખી બાળખેલો આઈ ભૂલિયાં સકળ,
મોહ મૂક્યો. પ્રભુ! તારી લીલા છે અકળ.
એક દિ’ માતાએ કરી રૂમાલની ઝોળી,
દીધા તેમાં પૌવા, ગોળ, ટોપરાંની ગોળી.
ગામડામાં બાળકોની જે પ્રકારે રીત,
ખેલતાં ખેલતાં ખાવામાંહે બહુ પ્રીત.
ખાય ખાવું ગદાધર નિજ વસ્ત્રમાંથી,
આવ્યો ભાવ કોણ જાણે કેવો ચવેણાથી.
ડાબે હાથે ઝાલી ઝોળી બાળક ગદાઈ,
સ્થિર થઈ ગયો, હાલે ચાલે ન જરાઈ.
અનિમેષ નેત્રો બંને, મુખે નહિ વાણી,
એવામાં ત્યાં આવી પ્હોંચ્યાં આઈ ઠાકુરાણી.
આઈ લાગ્યાં રોવા લઈ ગદાઈને ખોળે,
બ્રહ્મદૈત્ય પેઠો કહી ‘દુર્ગા દુર્ગા’ બોલે.
કળી શકે નહીં આઈ આવું કમઠાણ,
અબળા સુલભ માત્ર કરે બૂમરાણ.
સ્વસ્થ થયો ગદાધર થોડી વેળ જતાં,
આવું બધું કોઈ કાંઈ નવ સમજતાં.
કદી કદી જતાં ખેતરોમાં ગામ બ્હાર,
પડી જતો બાળ સાવ થઈ નિરાધાર.
બેસે નહિ બુદ્ધિમાંહે આ બધાંનો મેળ,
પ્રભુ ગદાઈનો ખેલ નવો હર વેળ.
બીજે એક દિન લઈ ચવેણું પ્રભાતે,
ગયો ગામ બ્હાર લઈ ગોઠિયાઓ સાથે.
નહિ કશો અંતરાય, ચારે દિશા ખૂલી,
નવરંગી વાદળીઓ માથે પડી ભૂલી.
આવ્યો ક્યો ભાવ કોણ જાણે તેને મન,
વિભોર થયો એ કરી મેઘનું દર્શન.
નયનો પલકહીન લુપ્ત બાહ્ય જ્ઞાન,
ચમકે કેવળ મુખ આવિષ્ટ સમાન.
ઊડી પડ્યું ચવેણું ચોપાસ ખેતમાંય,
બાળ ગદાઈની લીલા વર્ણવી ન જાય.
વર્ણનની વાત શી? વર્ણનથી બહાર,
વ્યાસ, વાલમીકિ જેનો પામ્યા નથી પાર.
હું તો અતિમંદબુદ્ધિ, તુચ્છ અતિશય,
કામિની કાંચનાસક્ત મલિન હૃદય.
શક્તિ હોય ક્યાંથી, કથા ગાઉં કેમ કરી?
જાણે મન, પણ બેસે હૃદય ન ઠરી.
મારા જેવો હીન ક્યાં હાં, એને વળી આશ?
રેતીમાં દેવળ જાણે બાંધવા પ્રયાસ.
શીરા સારુ શ્રાવક, જે લોકમાં કે’વાય,
તેમ મીઠી લીલાગીતિ હું થી ન છોડાય.
શ્રી પ્રભુની લીલા ગાવા યોગ્યતા ન મારી,
હું તે વળી કોણ, જ્યાંહાં વ્યાસે ગયા હારી!
પાર પ્રભુલીલા કેરો હું તે કહું શું રે,
વ્યાસે ન પામ્યા તો મૂળો કૈ વાડીનો હું રે?
છતાં પણ દીનબંધુ, અગતિની ગતિ,
ઇચ્છું ગાવા રામકૃષ્ણ લીલાગીતિ અતિ.

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.