પં. રામકિકર ઉપાધ્યાય તેમનાં “રામચરિતમાનસ” પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો “રામચરિતમાનસ”નો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તેઓશ્રીનાં કેટલાંક પ્રવચનો ‘માનસ મન્થન’ નામના ગ્રંથમાં સંકલિત થયાં છે. રૈયાણી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા પ્રકાશિત આ ગ્રંથના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

રાવણનો વધ થઈ ગયો ત્યારે શ્રીરામને અભિનંદન આપવાવાળા ઊમટી પડ્યા. બ્રહ્મા આવ્યા, ઈન્દ્ર આવ્યા અને દેવતાઓનો સમૂહ પણ આવ્યો. આવતાં જ બધા ભગવાનની પ્રશંસા કરે છે. તેઓને અભિનંદન આપે છે. અને રાવણની નિંદા કરે છે. પરંતુ આ બધા દેવતાઓની ભીડમાં એક જ સજ્જનનો પત્તો લાગતો નથી, તો એ છે ભગવાન શંકર. દેવતાઓમાં ઘુસપુસ થવા લાગી કે આવા મહાન અવસર ઉપર શંકરજી કેમ આવ્યા નહિ? તેઓએ એમ માન્યું કે કદાચ શંકરજી પોતાના ચેલાના મૃત્યુનો શોક મનાવતા હશે, એટલા માટે નહિ આવ્યા હોય. પણ વાત એવી ન હતી. કારણ કે શંકરજી આવ્યા તો ખરા પણ મોડેથી આવ્યા. દેવતાઓના આગમન પર તુલસીદાસજી કટાક્ષપૂર્વક કહે છે. :-

આયે દેવ સદા સ્વારથી ।
બચન કહહિં જનુ પરમારથી ॥
૬/૧૦૯/૨

પરમાર્થીઓની જેમ બોલવાવાળા પાકા સ્વાર્થી ઓની ભીડ એકઠી થઈ ગઈ. ભગવાનની સ્તુતિ કરીને જ્યારે દેવગણ પોતપોતાનાં સુંદર વિમાનોમાં બેસીને ચાલ્યા ગયા ત્યારે ગોસ્વામીજી ભગવાન શંકરના આગમનની સૂચના આપે છે:

અસ્તુતિ કરિ કરિ સુર ચલે
ચઢી ચઢી રુચિર વિમાન ।
દેખી સુઅવસર રામ પહિં
આયઉ સંભુ સુજાન ॥
૬/૧૧૪

તુલસીદાસજી ભગવાન શંકર માટે ‘સુજાન’ વિશેષણ વાપરે છે. જ્યાં સુધી અજ્ઞાનીઓની ભીડ હતી ત્યાં સુધી સુજાન આવ્યા નહિ પણ જ્યારે અજ્ઞાનીઓની ભીડ મંદ પડી ગઈ ત્યારે સુજાન આવ્યા. અજ્ઞાની દેવતાઓએ રાવણની નિંદા કરી અને રામની પ્રશંસા કરી, પણ આવી પ્રશંસા કે નિંદાની કોઈ કિંમત હોઈ શકે? એક વિચિત્ર કટાક્ષ છે, દેવતાઓ કોણ છે? દેવતા એ છે કે, જેણે પુણ્યના પરિણામે દિવ્ય શરીર તો પ્રાપ્ત કર્યું પણ તેઓ રાક્ષસો અને દૈત્યો દ્વારા કાયમ માર ખાતા હોય છે.

એક મોટો દાર્શનિક સંકેત તુલસીદાસજી આપે છે. દેવતાઓ પોતાના અસલી રૂપમાં રાક્ષસો દ્વારા પરાજય પામે છે, પણ વાંદરાઓના રૂપમાં તેઓ રાક્ષસો ઉપર જય મેળવે છે. દેવતાઓ વાનર બનીને કેમ વિજયી થયા? દેવતા અમર છે, પણ વાનરો મૃત્યુને આધીન છે. મનુષ્યના અમર બનવામાં તો સાચી સાધના નથી પણ મૃત્યુને આધીન રહેવામાં છે. ‘મરણાધીન’ નો ભાવ સ્મરણમાં રહેવાથી વ્યક્તિને સાધના માટે પ્રેરણા મળતી રહે છે. અમરતા કંઈ આપણને સાધના માટે પ્રેરિત કરતી નથી. એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે, મનુષ્ય થવાનું દેવતાઓ પણ ઈચ્છે છે. કારણ કે તેઓ દેવતાઓનું શરીર ધારણ કરવાથી આવી સાધના કરી શકતા નથી. દેવતાઓનું જીવન અપરિવર્તનશીલ છે, તે ફક્ત ભોગોને ભોગવવા માટે છે. અથવા એમ પણ કહી શકાય કે દેવતાઓનું શરીર ચાંદી જેવું છે. અને મનુષ્યનું શરીર લોખંડ જેવું છે. કોઈ પૂછશે કે તમે લોખંડ લેવાનું પસંદ કરશો કે ચાંદી? તો દરેક જણ ચાંદી લેવાનું જ પસંદ કરશે. પણ સંયોગવશાત્ કોઈને જો પારસમણિ મળી જાય અને તેને પૂછવામાં આવે કે લોખંડ લેશો કે ચાંદી? તો તે લોખંડ લેવાનું જ પસંદ કરશે. કારણ કે તે જાણે છે કે, પારસના સ્પર્શથી ચાંદીના રૂપમાં કોઈ પરિવર્તન થતું નથી પણ લોખંડમાંથી સોનું બની જાય છે. આ રીતે હરિભક્તિ રૂપી પારસથી માનવ જીવનમાં પરિવર્તન તો થાય છે. પણ દેવતાના જીવનમાં કોઈ પરિવર્તન થતું નથી. આટલા માટે દેવતાઓનું શરીર ઉત્તમ હોવા છતાં તે મનુષ્યના જીવન અને મનુષ્યદેહની સરખામણીમાં કનિષ્ઠ ગણાય છે. કબીરનો એક સુપ્રસિદ્ધ દોહો છે. કબીરે ભગવાનને કહ્યું, “હે પ્રભુ! આપ મને આ જ જીવનમાં પ્રાપ્ત થાઓ.” ભગવાને કહ્યું, ‘મૃત્યુ પછી તમે મને મળી શકશો, તો આટલી બધી ઉતાવળ શી છે? કબીરે કહ્યું, “ના ના, મહારાજ.”

જીવનમેં મોકૌ મિલૌ, મુએ મિલે ન રામ. ।
જબ લોહા માટી મિલા, તબ પારસ કેહી કામ ॥

‘જ્યારે આ શરીર માટીમાં મળી જાય ત્યાર પછી પારસના ચમત્કારનો અર્થ શો! મૃત્યુ પછી આપની પ્રાપ્તિમાં કોઈ ચમત્કાર કહેવાય નહિ. ચમત્કાર તો ત્યારે જ કહેવાય જ્યારે આ માનવ દેહ દ્વારા અમે જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરીને ધન્યતા મેળવી શકીએ.’

દેવતાઓ ભોગી છે અને દૈત્યો ભોગવાદી છે. બન્નેમાં તફાવત એટલો જ છે કે, દેવતા ભોગનો સ્વીકાર કરે છે પણ સાથે સાથે તેઓ ભોગને હલકો માને છે, જ્યારે દૈત્યો ભોગ ભોગવે છે અને તેને સારો માને છે. આપ વિચારો કે જ્યારે ભોગી અને ભોગવાદી વચ્ચે લડાઈ થાય તો બન્નેમાંથી કોણ જીતશે? એક વ્યક્તિ ચોરી કરવા જાય છે પણ ભયથી કાંપતો કાંપતો જાય તો તે જરૂર પકડાઈ જશે. ચોરી કરતી વખતે જે નિર્ભય બનીને ચોરી કરે તે સફળ થશે, પણ આ વાત ઉપરી ચોરી કરવાની પ્રેરણા ગ્રહણ કરશો નહિ! આ વાતનો સાર ફક્ત એટલો જ છે કે દેવતાઓમાં વિવેકબુદ્ધિ છે. પણ દૈત્યો અને રાક્ષસોમાં નથી. જ્યારે આ બન્ને વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે દૈત્યો ભોગોને છીનવી લેવા ચાહે છે. અને દેવતાઓ ડરી જાય છે કે ભોગ આપણા હાથમાંથી કંઈ છિનવાઈ જશે કે શું? જેટલો ડર ભોગ ઝૂંટવાઈ જવાનો છે તેટલો ડર તેમને મૃત્યુનો પણ નથી. આ ડર તેઓને બહુ સતાવે છે કે, દૈત્યો તેમના ભોગ ઝુંટવી લેશે. આટલા માટે દેવતા ભગવાનની ભક્તિ પણ કરે છે અને રાક્ષસો તથા દૈત્યોની સભાઓમાં તેમને રાજી રાખવા જાય છે. તેઓ ઈચ્છે છે કે, તેમના જીવનમાં ભોગ હંમેશાં મળતા રહે પછી ભલે ઈશ્વરની કૃપાથી મળ્યા કરે કે પછી રાક્ષસોની પ્રસન્નતાથી આપ જાણી શકશો કે આ કારણને લીધે જ જ્યારે રામ ભગવાન ચિત્રકૂટ જાય છે ત્યારે દેવતાઓ તેમને મળવા આવે છે :-

અમર નાગ કિન્નર દિસિપાલા ।
ચિત્રકૂટ આયે તેહિ કાલા ॥
રામ પ્રનામુ કિન્હ સબ કાહુ!

શ્રીરામે બધાને પ્રણામ કર્યા. દેવતાઓ ભગવાનને પોતાનું દુ:ખ કહે છે કે સ્વર્ગમાં તેઓને કેટલું બધું દુ:ખ છે. જ્યારે હનુમાનજી રાવણની સભામાં ગયા ત્યારે તેમણે ખૂબ આશ્ચર્ય સાથે જોયું કે જે રીતે રામની સભામાં મોટી સંખ્યામાં દેવતા અને મુનિઓ નજરે પડતા હતા તેવી રીતે રાવણની સભામાં પણ દેવતાઓની હાજરી કંઈ ઓછી ન હતી. જે મોટી સંખ્યામાં રાક્ષસો હતા, તેમનાથી દેવતાઓની સંખ્યા ઓછી ન હતી. પણ તેઓની દશા કેવી હતી! તેઓ તો રાવણની ભ્રકુટી તરફ જ દૃષ્ટિ રાખીને વિનયપૂર્વક ઊભા હતા. દેવતા ઈચ્છતા તો હતા કે સારા તત્ત્વનો વિજય થાય પણ તેઓ ભોગોનો ત્યાગ કરી શકતા નથી. તેઓના પુણ્યની અસ્મિતા ફક્ત ભોગને બચાવવા પૂરતી જ છે. તેઓ લડાઈથી ડરે છે, ભાગે છે, દૂર રહે છે. તુલસીદાસજી આ દેવતાને કડક શબ્દોમાં ઠપકો આપતા રહે છે. જે વખતે ચૌદ હજાર રાક્ષસો સાથે ખરદૂષણ અને ત્રિશૂરા ભગવાન રામ પર આક્રમણ કરવા આવ્યાં ત્યારે શ્રીરામે લક્ષ્મણજીને આદેશ આપ્યો :-

‘લૈ જાનકિટિ જાહું ગિરિ કંદર ।
આવા નિસિચર કટકું ભયંકર ॥

‘સીતાજીને લઈને સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જાઓ, હું એકલો જ યુદ્ધ કરીશ.’ લક્ષ્મણજીને વિશ્વાસ છે કે અમારા રામ આ રાક્ષસોને એકલે પંડે હરાવી શકે છે. અને તેથી તેઓ નિશ્ચિંત થઈને રામનાં ચરણોમાં પ્રણામ કરીને જતા રહે છે.

આ બાજુ રાક્ષસો આક્રમણ કરવા ચઢી આવ્યા તેને ઉપરથી દેવતાઓ જોઈ રહ્યા હતા. એક હળવો કટાક્ષ કરતાં લેખક કહે છે કે, લડવાવાળાને ડર નથી પણ, નહિ લડનારા દેવતા ગભરાઈ રહ્યા છે. તુલસીદાસજી લખે છે : શ્રીરામ નિર્ભયતાથી ધનુષ્ય ઉપર બાણ ચડાવીને ઊભા છે અને દેવતાઓ પરસ્પર વાતો કરે છે, “આયુષ્ય કેટલા અન્યાયથી ભરેલું છે કે એક તરફ શ્રીરામ એકલા ને સામે બાજુ ચૌદ હજાર રાક્ષસો! કોઈ વ્યક્તિ એ સજ્જન દેખાતાં દેવતાઓને પૂછશે કે, તમે જો આટલા બધા ન્યાયપ્રેમી છો તો તમે ચૌદ હજાર દેવ તો શ્રીરામના પક્ષે આવીને કેમ ઊભા નથી રહેતા પરંતુ, ના રે ના. દેવતાઓનું કામ તો અભિનંદન આપવાનું અને પુષ્પવૃષ્ટિ કરવાનું છે, લડાઈ કરવાનું નહિ! આપણે માનીએ છીએ કે ન્યાય અને પુણ્યનો વિજય થાય પણ તે માટે જરા પણ કષ્ટ કે ત્યાગ કરવા માટે તૈયાર નથી. આપણે ન્યાયના પક્ષે રહેવા ઈચ્છીએ છીએ, ભગવાનના પક્ષે છીએ પણ કોઈ પ્રયત્ન કરવા તૈયાર નથી તેથી બ્રહ્મા દેવતાઓને સંભળાવી દે છે કે આ શરીરથી તમે રાક્ષસોને હરાવી શકશો નહિ. તમે પહેલાં મૃત્યુલોકમાં જાઓ, વાનર બનો અને ભોગ ભોગવવાને બદલે જીવનમાં સેવાનું કાર્ય સ્વીકારો. તેથી જ લંકાના યુદ્ધ પછી શ્રીરામ પાસે વાનરો નજીક બેઠા છે અને દેવતાઓ તેમનાથી દૂર હોય છે. એક જ વસ્તુની બે બાજુ છે. દેવતાઓ અને વાનરો ત્યાં હતા, પણ અભિનંદન આપનાર દેવતાઓને દૂરનું સ્થાન મળ્યું, આનો અર્થ આ છે કે, જો પુણ્યના ફળને આપણે ભોગ વગેરે માનીએ તો ઈશ્વર આપણાથી દૂર રહે છે, પણ પુણ્યના ફળને આપણે સેવાકર્મ માનીએ તો ઈશ્વર આપણી સમીપ રહે છે. આ તો તત્ત્વજ્ઞાન પર આધાર રાખે છે કે, પુણ્યનું ફળ આપણે કઈ વસ્તુને માનીએ છીએ? આ દેવતાઓની નિર્બળતા ડગલે ને પગલે નજરે પડે છે. ભગવાન રામ અને રાવણના યુદ્ધ સમયે એક પ્રસંગ એવો આવ્યો કે કોણ જીતશે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું. આકાશમાંથી દેવતાઓ જોરશોરથી સૂત્રો પુકારવા લાગ્યા, “જય હો! જય હો!” જો રાવણનો જય થઈ જાય તો કહી દેશે કે મહારાજ અમે રામનું નામ તો લેતા ન હતા, અમે તો આપના દાસ છીએ. અમે તો આપનો જયજયકાર બોલાવતા હતા; અને કદાચ રામનો વિજય થાય તો કહી દેશે- અરે! અમે કદી પણ રાવણનો વિજય ઈચ્છી શકીએ? અમે તો આપના સેવક છીએ. દેવતાઓ ભલે મનમાં શ્રીરામનો જય ઈચ્છતા હોય પણ તેઓમાં એટલું પણ સાહસ ન હતું કે બધાની સામે રામનો વિજયનો ઉચ્ચાર કરી શકે, ત્યારે તેઓ દ્વારા આપવામાં આપેલાં અભિનંદનનો શો અર્થ અને તેની કિંમત પણ કેટલી?

રાવણના મૃત્યુ પછી જ્યારે દેવતાઓ શ્રીરામને અભિનંદન આપીને વિદાય થયા ત્યારે સર્વના પછી શંકર આવ્યા. રામાયણમાં એક આશ્ચર્યની વાત જાણવા મળશે કે તેઓએ રાવણની નિંદાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી કે એ બાબતની કોઈ ચર્ચા પણ કરી નહિ. ભગવાન રામની પ્રશંસા કરતી વખતે તેઓ એમ બોલ્યા નહિ કે રાવણ પાપી હતો, તેને મારી નાખ્યો તે આપે સારું કર્યું. શંકર ભગવાન તો આવીને પહેલું વાક્ય એમ કહે છે, “મામભિ રક્ષય રઘુકુલ નાયક.” ‘રામ, આપ મારી રક્ષા કરો!’ કેવી અદ્ભુત વાત છે જ્યારે દેવતાઓ અભિનંદન આપીને ચાલ્યા ગયા કે રાવણને મારીને આપે અમારું રક્ષણ કર્યું, પણ શંકરજી તો હાથ જોડીને કહે છે, તેઓની તો આપે રક્ષા કરી. હવે આપ મારી રક્ષા કરો.

આ બે મંતવ્યો છે. દેવતા માને છે કે રાવણનું મૃત્યુ થઈ ગયું ને સમસ્યાનું સમાધાન થઈ ગયું, પણ શંકરજી કહે છે કે, નાટકમાં અનિષ્ટ તત્ત્વની હાર થાય તે કંઈ સમસ્યાનો ઉકેલ થયો ન ગણાય. કેવળ સમસ્યાના એક સ્વરૂપની જ માહિતી ગણાય. આપ નાટક જોવા જાઓ અને જોશો કે નાટકમાં અનિષ્ટ તત્ત્વની હાર થઈ છે, તો જોવામાં ભલે આનંદ મળે. પરંતુ શું ખરેખર હંમેશને માટે અનિષ્ટની હાર થઈ અને સારાપણાનો વિજય થયો? જ્યારે સ્પષ્ટ રૂપે ખરાબ વસ્તુ હારી જાય અને સારી વસ્તુ જીતી જાય એ આપણા માટે ઈચ્છનીય છે. શંકરજીના કહેવાનો હેતુ એવો હતો કે હે પ્રભુ! લીલા કરીને આપે રાવણને માર્યો, એનું મહત્ત્વ નથી પણ હૃદયમાં રહેલા રાવણને આપ મારશો ત્યારે અમે આપને અભિનંદન આપીશું. જે રાવણને મારવા માટે શંકરજી કહે છે તે છે :-

‘મોહ મહા ધન પટલ પ્રભંજન ।
સંસય બિપિન અનલ સુર રંજન ।
કામ ક્રોધ મદ ગજ પંચાનન ।
બસહુ નિરન્તર જન મન કાનનૈ ॥

૬/૧૧૪/૨-૪

‘જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં મોહ, કામ, લોભ અને સંશય છે ત્યાં સુધી તેના જીવનની સમસ્યાઓનું સમાધાન થશે નહિ.’ આ પ્રમાણે શંકરજી આપણને એક નવી દ્રષ્ટિ આપે છે. તમે વાંચીને ખુશ થઈ જતાં નહિ કે ત્રેતાયુગમાં રાવણને મારી નાખવામાં આવ્યો, અને પ્રત્યેક વર્ષે રાવણનું જબરદસ્ત પૂતળું બાળીને ખુશ ન થઈ જઈએ કે રાવણ તો બળી ગયો.

હું બે વર્ષ પૂર્વ દિલ્હી ગયો હતો. ત્યાં કેટલીયે રામલીલા મંડળીઓ હતી. રામલીલાના એક વ્યવસ્થાપકે કહ્યું, “આ વર્ષે અમારો રાવણ સૌથી ઊંચો બનશે.” મને ઘણું હસવું આવી ગયું, કે જાણે એવી સ્પર્ધા ચાલે છે કે કોની રામલીલામાં રાવણ કેટલો ઊંચો હશે? ખરેખર તો પ્રશ્ન એ છે કે, આપણામાં શંકરજીની દ્રષ્ટિથી જોવાની શક્તિ છે કે નહિ?

આપણા જીવનમાં રાવણવધ થાય એ જ મહત્ત્વનું છે.

Total Views: 792

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.