શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું: “હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.” આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ,
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
શ્રીપ્રભુની બાલ્યક્રીડા રમ્ય સુલલિત,
ગાયે સુણ્યે થાય ચિત્ત અતિ પ્રફુલ્લિત.
પ્રભુપદે શ્રદ્ધા કેરું મૂળ ક્થા-સાર,
કથા ગાવા શક્તિ આપો શક્તિના ભંડાર.
એક દી ગદાઈ દેખે : પિતા બેસી બહાર,
અનુરાગે ગૂંથે છે સુગંધી પુષ્પહાર.
ચંદન – કુસુમ – પૂજાદ્રવ્યો ભક્તિસહ,
અર્પી શાલિગ્રામ પૂજા કરે અહરહ.
પરમ સુડોળ શિલા હતી મહામોલી,
સુણો મન એ શિલાની વાત કહું ખોલી.
કામને પ્રસંગે એક વાર દ્વિજવર,
ચાલિયા મેદિનીપુરે, દૂર એ શહર.
પંથ દિન ત્રણ તણો નૈર્ૠત્યને ખૂણે,
વાસ કરે ભાણેજ ત્યાં, એક પૂરો ગુણે.
પ્રથમ દિવસ ગયો, બીજે, ચાલ્યા જાય,
થાકીપાકી બેઠા એક વૃક્ષછાયામાંય.
શ્રમથી અવશ થઈ, કરિયું શયન,
નિદ્રાદેવી આવી ધીમે બિડાયાં નયન.
જુએ છે નવાઈભર્યું સ્વપ્ર દ્વિજવર,
નવદુર્ગાદળવર્ણ શ્યામલ કુંવર.
સુડોળ કુમારવય હાથે ધનુબાણ,
શિરે સોહે જટા પિંગ ઝૂલી સુપ્રમાણ.
જાણે બોલે વિનતિથી આદર રાખીને,
‘મને એક સાધુ અહીં ગયો છે નાખીને.
માટી તળે પડ્યો, મને નથી પૂજાસ્નાન,
ત્યારથી હું પામ્યો નથી નૈવેદ્યવિધાન.
મને લઈ ચાલો તમે તમારે ભવન,
જવાનું તમારી સાથે મને બહુ મન.’
કહે દ્વિજવર : ‘પ્રભુ, બોલ્યા એ શું તમે?
ખાવા દઉં આપને શું? ગરીબ છીં અમે!’
બોલ્યા રઘુવીર : ‘તમે બીઓ મા નકામું,
સ્વીકારીશ, ભલે સાદું ભોજન હું પામું.’
નિદ્રાભંગે દ્વિજવર ઊઠિયા ચમકી,
બોલ્યો, ‘આ નવાઈ ભર્યું સ્વપ્ર આવ્યું, નક્કી.’
કરીને વિચાર થોડો, દ્વિજ ચાલ્યા ત્યહીં,
ખૂંદી વળ્યા ખેત જે દેખ્યું’તું સ્વપન મહીં.
હતાશ થઈને વિપ્ર મનમાં વિચારે,
‘શોધ્યું બધે ખેતરમાં, રાખ્યું ન લગારે.’
એમ કહી કર્યું દ્વિજે ફરીથી શયન,
પહેલાં જેવું ફરી વાર દેખાયું સ્વપ્ન.
કુમાર કહે છે, ‘પેલી ડાંગરની તળે,
જઈ તમે શોધો તો જરૂર રામ મળે.’
જાગી ઊઠી દ્વિજ ફરી ખેતરમાં જાય,
ડાંગર ક્યારામાં શોધ ફળીભૂત થાય.
જોઈ ત્યાં સુંદર એક શિલા મનોહર,
પણ બેઠો હતો તેના પર ફણીધર.
સ્વપ્ન તણી વાત દ્વિજ સ્મરીને અંતર,
લેવા જાય શાલિગ્રામ તજી દઈ ડર.
અડતાંની સાથ થયો સાપ અંતર્ધ્યાન,
ચાંપી શાલિગ્રામ વક્ષે કરે ગુણગાન.
અગાધ આનંદ સાથે લઈ આવ્યા ધીર,
પધાર્યા પોતાને ઘેર એમ રઘુવીર.
એ જ રઘુવીરશ્રી આ પ્રાણથીયે પ્યારા,
નિત્ય ભક્તિભાવે સેવા કરે દ્વિજ-દારા.
આજે પુષ્પમાળે શણગારવાની આશ,
વિપ્રના હૃદયમાં સમાય ન ઉલ્લાસ.
સુંદર કુસુમમાળા ગૂંથી અનુરાગે,
સુગંધ ચંદન તેને ફૂલે ફૂલે લાગે.
એ જ માળા ગદાઈને પહેરવાનું મન,
કેમ કરી પ્હેરું માળા? કરે એ ચિંતન.
નવાઈ! મોઢેથી કાંઈ બોલવાનું નાંઈ,
સુણો મન પહેરે કેમ માળા એ ગદાઈ.
ચક્રીનું વિચિત્ર ચક્ર કળી કોણ શકે,
બ્રહ્મા વિષ્ણુ મહેશની બુદ્ધિ નવ ટકે.
પૂજામાં બેઠા છે પિતા, જુએ ગદાધર,
પૂજા – ઉપચાર બધા થાળની અંદર.
દેવને સુગંધી સ્નાન કરાવી બ્રાહ્મણ,
મીચી નેત્રો કરે રઘુવીરનું સ્મરણ.
ઉદ્દેશ બ્રાહ્મણે માત્ર સ્મરણનો કર્યો,
સ્મરતાંની સાથે પ્રાણ સમાધિમાં ગયો.
સુયોગ દેખીને ગદાધરે એ જ કાળે,
પિતાએ ગૂંથેલી માળા પ્હેરી નિજ ગળે.
ચંદને ચર્ચિત વળી કર્યું નિજ અંગ,
તોયે થયું નહિ ધ્યાન પિતાજીનું ભંગ.
બોલાવે પિતાને એ બતાવવાને મિષે,
‘જુઓને બાપુજી, રઘુવીર કેવા દીસે?
હું જ છું એ રઘુવીર જુઓ તમે ન્યાળી,
કેવો શોભી રહ્યો છું ચંદનમાળા ધારી!’
અયોધ્યા સમાન ગામ કામારપુકુર,
થઈ બાળલીલા જ્યાંહાં પ્રભુની મધુર.
નિવાસ ત્યાં કરી રહ્યાં જે કો’ નરનારી,
પશુપંખી તૃણલતા ગુલ્મ વૃક્ષો ભારી.
તેઓને ચરણે વંદું જોડી બેય કર,
પદરજ આપી કરો ધન્ય આ પામર.
તમારા ગુણોની ગાથા મહિમા વર્ણન,
કરવા સમર્થ નથી પામર આ જન.
કૃપા કરી એક વાર જુઓ દૃષ્ટિ કરી,
જેથી કરી શકું પ્રભુગુણગાન જરી.
નથી હું પામરમાં લેખનનું બળ,
તમારી કૃપાનો જ છે ભરોસો કેવળ.
ગામવાસી પાડોશી ને નરનારી જન,
ગદાઈને જાણી કરે કૃતાર્થ જીવન.
ગાવામાં ગદાઈ પારંગત મીઠો સ્વર,
શિવ-શ્યામ-શ્યામા ગીતો ગાય બરાબર.
નાનીશી ઉંમર, કંઠે સુમધુર સૂર,
થાય ચિત્ત શ્રોતાનું આનંદે ભરપૂર.
રમણીઓ ભેગી થઈ લાડુ દઈ હાથ,
‘ગીત ગા ગદાઈ’, એમ કહે ભરી બાથ.
પકડીને ગદાઈને લહે નિજ ઘેર,
વાટે વાટે જ્યાંહાં મળે ત્યાંથી હર્ષભેર.
કેટલુંય ખાવું આપે હાથ ધરી પ્રેમે,
રાજી થાય, ગદાઈ જો ખાય કરી કેમે.
જમાડવા ગદાઈને થતા એવા કોડ,
ન ખાધે ગદાઈ, દુ:ખ અંતરે અજોડ.
આહા હશે કોણ એ સૌ નરનારી જન,
સ્વીકારજો મમ તમ ચરણે નમન.
કૃપા કરી દેજો ખોલી મારાં રે નયન,
ચરણ દર્શને થાય સાર્થક જીવન.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.