“દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” – શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા બેસવું પડ્યું. આમજદ આમ તો હતો જયરામબાટીની પાસેના ગામના મુસલમાન ડાકુઓમાંનો એક; પણ હવે શ્રીમાનો ભક્ત બની ગયો હતો. આ મુસલમાન ડાકુઓને જ્યારે મકાન બનાવવા માટે રખાયા ત્યારે ગામવાળાઓએ ભયભીત થઈને આનો વિરોધ કર્યો હતો પણ પછી ડાકુઓના સ્વભાવનું પરિવર્તન જોઈ તેઓ આશ્ચર્ય પામ્યા અને કહયું, “જુઓ તો, માના સ્નેહના જાદુથી ડાકુઓ પણ ભક્ત બની ગયા!” આમજદ મકાનનું બાધકામ પડતું મૂકી જમવા બેઠો. શ્રીમાની ભત્રીજી નલિનીદીદી પીરસવા લાગ્યાં આજથી લગભગ ૮૦ વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે જ્ઞાતિપ્રથાનાં બંધનો વધુ કડક હતાં. તેમાં વળી જયરામબાટી બંગાળનું ગામ અને શ્રીમા હતાં બ્રાહ્મણ પરિવારની વિધવા, નલિનીદીદી જરા દૂરથી ખાવાનું ફેંકતાં હોય તેમ આમજદને પીરસવા લાગ્યાં. આ જોઈને શ્રીમાએ કહ્યું, “આવી રીતે પીરસવાથી શું કોઈનું પેટ ભરાય? લાવ, હું જ પીરસી દઉં છું.” આમ કહી તેઓ પોતે જ પીરસવા લાગ્યાં અને આમજદને કહ્યું, “દીકરા આમજદ, પેટ ભરીને જમજે.” જમવાનું પૂરું થતાં માએ પોતે જ એઠી જગ્યા સાફ કરી. આ જોઈને નલિનીદીદીએ ચિત્કાર શરૂ કર્યો, “ઓ ફોઈબા, તમારી જાત ગઈ.” શ્રીમાએ ઠપકો આપતાં કહ્યું, “ચૂપ રહે, જેમ શરત મારો દીકરો છે તેમ આમજદ પણ મારો દીકરો છે.” શ્રીમાના માતૃહૃદય માટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી શરત મહારાજ (સ્વામી સારદાનંદજી) અને એક મુસલમાન ડાકુ આમજદ એક બની ગયા!

૧૯૧૦. શ્રીમા દક્ષિણ ભારતની તીર્થયાત્રા કરતાં બેંગ્લોર પધાર્યાં છે. ઘણા ભક્તો તેમનાં દર્શને આવે છે. એક અસ્પૃશ્ય જાતિનો છોકરો પણ માના સ્નેહ પાશથી બંધાઈ દરરોજ તેમની પાસે આવે છે. ઉચ્ચ કુળના ભક્તોને આ ગમતું તો નથી પણ શું થાય? શ્રીમાને કેમ ના પાડે? શ્રીમા મનમાં બધું સમજે છે પણ તેમને મન તો બધાં સરખાં. એક વાર ભક્તોએ ઇચ્છા પ્રગટ કરી કે, તેઓ માની સાથે બેસીને જમવા-પ્રસાદ ગ્રહણ કરવા માગે છે. માએ આ અવસરનો લાભ લઈને શરત મૂકી કે, જો પેલા હરિજન છોકરાની સાથે ખાવા તૈયાર હો તો હા પાડું. ભક્તોને લાચાર થઈ શરત સ્વીકારવી પડી. માએ હર્ષથી પેલા હરિજન છોકરાને બોલાવ્યો અને તેના હાથે ભોજન પિરસાવ્યું. ત્યારના સમયમાં (ગાંધીજીએ હરિજનોના ઉદ્ધારનો કાર્યક્રમ શરૂ કર્યો તેના ઘણા સમય પહેલાં) આ એક અત્યંત ક્રાંતિકારી પગલું હતું. શ્રીમા આવી રીતે કશા આડંબર વગર જ્ઞાતિપ્રથાને નાબૂદ કરતાં. શ્રીમાના માતૃહૃદય પાસે કુળ, જાતિ, વગેરેનાં બંધન આપમેળે દૂર થઈ જતાં.

શ્રીમા ‘ઉદ્‌બોધન’ ભવનમાં નિવાસ કરી રહ્યાં હતાં. તેમનું સ્વાસ્થ્ય ઠીક ન હોવાથી ત્યારે કોઈને તેમનાં દર્શન કરવાની પરવાનગી નહોતી. એક દિવસ એક પારસી યુવકે શ્રીમાનાં દર્શન કરવાની જીદ પકડી. શરત મહારાજ આ માટે રાજી થયા નહિ. ત્યાં તો શ્રીમાએ ઉપરથી કહેવડાવ્યું, “નીચે આવેલ વ્યક્તિને ઉપર આવવા દો.” હવે શું થાય? શરત મહારાજે – લાચાર થઈ યુવકને ઉપર જવા દીધો. થોડી વાર પછી એ યુવક પ્રસન્નતાપૂર્વક નીચે ઊતર્યો. શ્રીમાએ તેને ફક્ત દર્શન જ ન આપ્યાં, મંત્રદીક્ષા પણ આપી હતી. શરત મહારાજે કહ્યું, “માની ઇચ્છા એક પારસીને શિષ્ય બનાવવાની થઈ છે ત્યારે હું રોકવાવાળો કોણ? આ પારસી યુવક જ – પ્રખ્યાત ફિલ્મ ઍક્ટર – ડાયરેક્ટર સોહરાબ મોદી.

સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા ત્યારે પોતાની સાથે ભારત માટે એક અમૂલ્ય ભેટ લાવ્યા હતા – તેમની શિષ્યા ભગિની નિવેદિતા. અન્ય ઘણી વિદેશી મહિલાઓ પણ સાથે હતી – ઓલી બુલ, મિસ મૅકલાઉડ, વગેરે. સ્વામીજીને ચિંતા હતી, રૂઢિવાદી સમાજમાં ઊછરેલ શ્રીમા તેઓને સ્વીકારશે કે નહિં, પણ પહેલી જ મુલાકાતમાં શ્રીમાએ આ બધાંને સ્નેહપાશમાં બાંધી પોતાનાં કરી લીધાં. ભગિની નિવેદિતાએ શ્રીમાના સ્નેહને સ્મરીને પોતાના પત્રમાં (૧૧ ડિસેમ્બર, ૧૯૧૦) લખ્યું હતું – “મા, માડી, કેવા સ્નેહે છલકાતાં છો તમે! ને તમારો એ સ્નેહ અમારા સ્નેહની પેઠે નથી તો ઊછાંછળો કે નથી તો ઉગ્ર. એ કોઈ પાર્થિવ પ્રેમ નથી, પણ એક સૌમ્ય શાંતિ છે. સૌનું કલ્યાણ કરતી, કોઈનુંય અમંગળ ન વાંછતી, લીલાથી પરિપૂર્ણ સોનેરી આભા.”

એક યુવક જયરામબાટીમાં અવારનવાર આવતો. કોઈ કારણસર તે ચારિત્ર્યભ્રષ્ટ થઈ ગયો. બીજા ભક્તોએ વિનંતી કરી કે, હવે તે યુવકને પોતાની પાસે ન આવવા દે. માએ કરુણ સ્વરમાં કહ્યું, “હું મા થઈને સંતાનને મળવાની ના કેવી રીતે પાડી શકું?” શ્રીમા કહેતાં, “મારું સંતાન જો કાદવથી ખરડાઈ ગયું હોય અથવા તેને ધૂળ ચોટી ગઈ હોય તો તેને સાફ કરવાની અને પછી મારા ખોળામાં લેવાની મારી ફરજ નથી?” શ્રીમા હતાં પાપી-તાપી દુષ્ટોની પણ મા!

શ્રીમાનાં માતુશ્રી શ્યામાસુંદરીદેવીએ એક વાર ખેદ પ્રગટ કરતાં કહ્યું હતું, “જમાઈ મળ્યો તો એવો કે સંસાર માંડશે નહિ અને મારી શારદાને સંતાનનું સુખ મળશે નહિ.” શ્રીરામકૃષ્ણદેવે તેમને કહ્યું હતું, “તમે ચિંતા કરો મા, પછી તમારી દીકરીને એટલા લોકો ‘મા’, ‘મા’ કહીને બોલાવશે કે તે હેરાન થઈ જશે.” ખરેખર, કેટકેટલા લોકો માના જીવનકાળ દરમિયાન તેમની પાસે આકર્ષિત થઈને આવ્યા! અને તેમની મહાસમાધિ પછી, વિશેષ કરીને તેમની જન્મશતાબ્દી (૧૯૫૩) પછી તો ‘મા’ ‘મા’નો પોકાર ચોતરફ વધી જ રહ્યો છે. નિખિલ વિશ્વના લોકો પર શ્રીમાના માતૃહૃદયની જાણે જાદુઈ અસર થઈ રહી છે. ‘મા’ ‘મા’નો પોકાર કરવાવાળામાં ભારતના લોકો પણ છે, વિદેશના પણ છે, સાધુ-સજ્જન છે, દુર્જન પણ છે, ગરીબ-દુ:ખી છે, તવંગર છે, ઊંચ જાતિના છે, નીચ જાતિના છે, હિન્દુ છે, મુસલમાન, પારસી, ખ્રિસ્તી છે. કેટકેટલાં લોકો કેવી રીતે આ માતૃહૃદયના સ્નેહપાશમાં બંધાઈ રહ્યાં છે, તેનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે.

૨૦ જાન્યુઆરી, ૧૯૮૭. રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય કેન્દ્ર બેલુર મઠની મુલાકાતે રશિયન વિદ્વાનો અને વૈજ્ઞાનિકો આવ્યા છે. તેમાંના એક જાણીતા વિદ્વાન છે – ડૉ. આર. રિબેકૉવ. બધા વિદ્વાનો બેલુર મઠની વિભિન્ન જગ્યાઓનું પરિદર્શન કરી રહ્યા છે, પણ રિબેકૉવ તો પહોંચી ગયા છે – શ્રીમા શારદાદેવીના મંદિરમાં. તેમને ત્યાં જ વધુ સમય વિતાવવામાં આનંદ આવે છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિષે રશિયન ભાષામાં એક મોટો ગ્રંથ લખવાનું વિચારી રહ્યા છે. પણ તેની શરૂઆત શ્રીમા શારદાદેવીથી કરવા માગે છે. તેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું, હું શ્રીરામકૃષ્ણ વિષેનો ગ્રંથ શ્રીમા શારદાદેવીથી શરૂ કરવા માગું છું. કારણ કે મારા વિચારમાં તેઓ વર્તમાન જગત માટે શ્રીરામકૃષ્ણદેવનું શ્રેષ્ઠ પ્રદાન છે. તેઓ એક સાધારણ ભારતીય ગ્રામીણ બાળા હતાં પણ શ્રીરામકૃષ્ણે તેમને એક અસાધારણ વિરાટ વ્યક્તિત્વમાં રૂપાંતરિત કર્યાં છે. મારા માટે તેઓ ભારતવર્ષનાં પ્રતીક સમાં છે. દેવી હોવા છતાં તેઓ માનવી હતાં, સાધારણ નારી હોવા છતાં તેઓ મહાન સંતસાધિકા હતાં, તેમના પ્રત્યે મને અનન્ય આકર્ષણ છે.”

રામકૃષ્ણ મઠના હૉલીવુડ કેન્દ્રમાં એક દિવસ એક અમેરિકન સ્ત્રી આવ્યાં. ત્યાંની દીવાલ પર ટીંગાડેલ શ્રીમા શારદાદેવીના ફોટોને એકીટશે જોતાં જોતાં રડવા મંડી ગયાં. ત્યાંના સ્વામીજીએ આશ્ચર્યથી રડવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું, “આની શોધમાં જ તો હું સમસ્ત અમેરિકામાં ફરી રહી છું. હું તેમનું નામ જાણતી નથી, પણ મને તેઓ અવારનવાર દર્શન આપે છે અને પોતાનાં સંતાનોને મળવાનું કહે છે. શો જાદુ છે તેમનાં આ બે નયનોમાં! ઓહ, કેવો આનંદ થાય છે, હું વર્ણવી શકતી નથી.”

બાંગ્લાદેશની વાત. રામકૃષ્ણ મિશનના કેટલાક સંન્યાસીઓ રાહતકાર્ય માટે ભારતથી ત્યાં ગયા છે. ઢાકાથી જશોહર જતી વખતે તેઓએ રસ્તામાં એક ચાની દુકાન પાસે જીપ થંભાવી દુકાનદાર મુસલમાન હતો. ચા પીતાં પીતાં સંન્યાસીઓએ આશ્ચર્યથી જોયું કે, દુકાનમાં શ્રીમા શારદાદેવીની છબી ટીંગાડેલ છે, અન્ય કોઈ છબી નથી. સંન્યાસીઓએ દુકાનદારને પૂછ્યું, “આ કોની છબી છે, જાણો છો?” દુકાનદારે કહ્યું, “ના.” “તો પછી આ છબી અહીં રાખી છે શું કામ?” તેના જવાબમાં દુકાનદારે કહ્યું, “હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારી મા ગુજરી ગઈ. મોટો થઈને બીજાઓને માતૃસ્નેહ મળતો હોવાથી મનમાં દુ:ખ થતું. – એકલો એકલો રડતો. કલ્પનામાં હું મારી માની મૂર્તિ નિર્માણ કરતો અને સ્વપ્નમાં તે જ મૂર્તિને જોતો. એક દિવસ અચાનક એક કેલેન્ડર હાથમાં આવ્યું. તેમાં આ છબી જોઈ અને તરત જ લાગ્યું આ જ તો છે મારી સ્વપ્નમાં જોયેલ મા! બીજે જ દિવસે છબી બંધાવી લીધી. તેને જોતાં જ મારા પ્રાણ શીતલ થઈ જાય છે. હું જાણતો નથી, આ કોની છબી છે. હું તો એટલું જ જાણું છું – આ જ છે મારી ગુમાવેલી મા!” આમ કહેતાં કહેતાં તેનાં નેત્રમાંથી અશ્રુ સરી પડ્યાં.

ત્રણેક વર્ષો પૂર્વેની વાત. રામકૃષ્ણ મિશનના પુસ્તક વિક્રય કેન્દ્રમાં સવારે અગિયારેક વાગે એક રિક્ષાવાળો એક બંગાળી પુસ્તક ખરીદવા આવ્યો, પણ પુસ્તકનું નામ જાણે નહિ. બસ, એટલું કહે – “થોડી વાર પહેલાં એક બહેન આ પુસ્તક અહીંથી ખરીદી ગયાં છે, તેમની પાસે આ જોયું છે. તેમને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડીને જ આવી રહ્યો છું. પુસ્તકના મુખપૃષ્ઠ પર એક નારીના મુખનો ફોટો છે.” તેને ‘શતરૂપે શારદા’ નામનું મોટું પુસ્તક દેખાડવામાં આવતાં તે હર્ષથી બોલી ઊઠ્યો – “હા, હા, આ જ છે તે પુસ્તક! મારે ખરીદવું છે.” પણ જ્યારે તેને ખબર પડી કે, પુસ્તકની કિંમત ૬૦ રૂપિયા છે, ત્યારે તે નિરાશ થઈ ગયો. કારણ કે તેની પાસે દસ જ રૂપિયા હતા.

વિક્રય કેન્દ્રના સંન્યાસીએ પૂછ્યું, “તમને વાંચતાં આવડે છે?”

રિક્ષાવાળાએ કહ્યું, “ના બાપુ, મારો દીકરો દસમા ધોરણમાં ભણે છે તે મને વાંચી સંભળાવશે.”

સંન્યાસીએ પૂછ્યું, “તમને ખબર છે આ પુસ્તક કોના વિષે છે અને ફોટો કોનો છે?”

રિક્ષાવાળાએ જવાબ આપ્યો, “ના બાપુ, હું કાંઈ જાણતો નથી. પેલી બહેનને રિક્ષામાં લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમના હાથમાં આ પુસ્તક જોયું હતું. પુસ્તક પરના ફોટાને જોયા પછી મારું મન આકુળવ્યાકુળ થઈ ગયું છે. ફોટાને જોઈને લાગ્યું, જાણે આ મારી માનો ફોટો છે. નાનપણમાં જ માને ગુમાવી છે એટલે જાણતો નથી મારી મા જોવામાં કેવી લાગતી. પણ આ ફોટો જોઈને લાગ્યું, જાણે મારી મા જ છે. એટલા માટે પેલી બહેનને પહોંચાડીને તરત જ આ પુસ્તક ખરીદવા અહીં આવ્યો. પણ મારી પાસે તો ફક્ત દસ રૂપિયા છે.”

આમ કહેતાં કહેતાં તે રડી પડ્યો. સંન્યાસીએ તેને કહ્યું, “ચિંતા કરો મા! તમને આ પુસ્તક ભેટ આપું છું. તમારે કોઈ કિંમત ચૂકાવવી નહિ પડે.”

પણ રિક્ષાવાળાએ મફતમાં પુસ્તક લેવાનો ઇન્કાર કર્યો. પોતાની પાસેના દસ રૂપિયા આપી પુસ્તક અને સાથે સાથે સંન્યાસીએ આપેલ શ્રીમાનો ફોટો લઈ આનંદપૂર્વક ચાલ્યો ગયો.

આમ કેવી રીતે, કેટકેટલાં લોકોને શ્રીમા પોતાની તરફ આકર્ષી રહ્યાં છે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. દેશના વિભિન્ન પ્રાંતોમાં અને વિદેશમાં – બાંગ્લાદેશ, જાપાન, જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીટ્ઝર્લેન્ડ, પોલેન્ડ, કેનેડા, અમેરિકા, આફ્રિકા, રશિયા, વગેરે દેશોમાં પણ શ્રીમાનો માતૃસ્નેહ વર્ષી રહ્યો છે. ઊંચ-નીચ, ગરીબ તવંગર, સજ્જન-દુર્જન, શિક્ષિત-અભણ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી સહુ પર સમાન રૂપે વર્ષી રહ્યો છે. નિખિલ જગતની માતાનો આ માતૃસ્નેહ. શ્રીમાનું આ અદ્ભુત માતૃત્વ જ્ઞાતિ વગેરેના ભેદભાવ પોતાની મેળે દૂર કરી દે છે. કોમી એખલાસનો, રાષ્ટ્રીય એકતાનો અને વિશ્વબંધુત્વનો માર્ગ આપમેળે મોકળો કરી આપે છે.

શ્રીમાએ કહ્યું હતું, “ઈશ્વરના માતૃત્વ ભાવના પ્રચાર માટે શ્રીરામકૃષ્ણ મને મૂકી ગયા છે.” શ્રીમાએ સ્વીકાર્યું છે, “હું સતની પણ મા છું, અસતની પણ મા છું. હું બધાંની મા છું, પશુ-પક્ષીની પણ.”

અન્ય એક પ્રસંગમાં એક ભક્તને તેમણે કહ્યું હતું, “હું કોઈ અમથી કહેવાની મા નહિ, ફક્ત ગુરુપત્ની નહિ, સાવકી મા નહિ, તમારી પોતાની સાચી મા છું.”

રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી મહારાજ શ્રીમા વિષે કહેતા – ‘મારી જન્મજન્માંતરની મા!’

શ્રીમા અભય આપતાં કહે છે “જ્યારે તમે વિપત્તિમાં હો, દુ:ખમાં હો ત્યારે બસ! એટલું યાદ રાખજો કે, તમારી એક મા છે.” શ્રીમાની સંતાનો પાસે બસ આ એક જ અપેક્ષા છે કે સંતાન તેમને યાદ રાખે, ‘મા’ ‘મા’ કહીને બોલાવે. શ્રીમાની જન્મતિથિ પ્રસંગે તેમને આપણી આ જ આંતરિક પ્રાર્થના – “મા, તમારી તો અમારી પાસે એક જ અપેક્ષા છે કે અમ તમને યાદ રાખીએ, તમને પોકારીએ, પણ મા! એટલું પણ અમે કરી શક્યાં નથી. અબોધ શિશુને મા જ ‘મા’ ‘મા’ કહેતા શિખવાડે છે ને? મા, તમે જ અમને ‘મા’ ‘મા’ કહેતાં શિખવાડી દો.”

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.