રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્યકેન્દ્ર બેલુર મઠમાં જળશુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે બેલુર મઠમાં એક જળ શુદ્ધીકરણ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન ૧૮મી નવેમ્બરે થયું. આ પ્લાન્ટ નેશનલ ડ્રીંકીંગ વૉટર મિશન (ભારત સરકાર), યુનિસેફ (UNICEF) અને ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈજીન એન્ડ પબ્લિક હેલ્થ’ના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ ખાતાના સહસચિવ અને નેશનલ ડ્રીંકીંગ વૉટર મિશનના નિર્દેશક શ્રી ગૌરીશંકર ઘોષ મુખ્ય અતિથિ રહ્યા. આના અનુસંધાનમાં ‘ડ્રીંકીંગ વૉટર એન્ડ સેનીટેશન’ પર એક પાંચ દિવસનો કેમ્પ ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર સુધી રામકૃષ્ણ મિશન, શારદાપીઠ દ્વારા સંચાલિત સમાજ સેવક શિક્ષણ મંદિરમાં યોજવામાં આવ્યો હતો.

તામિલનાડુ પૂરરાહતકાર્ય

મદ્રાસ શહેરના ચાર વિભાગોમાં વસતા ૧૭,૯૫૦ પૂરપીડિત લોકોને રામકૃષ્ણ મઠ, મદ્રાસ તરફથી ફૂડ પેકેટ્સ, લોટ, ચોખા, કપડાં, બિસ્કિટ, વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઓરિસ્સા પૂરરાહતકાર્ય

બેરહામપુર નજીક એક કામચલાઉ કેમ્પ ઊભો કરીને ત્યાંના ગંજમ જિલ્લાના પૂરપીડિતોને મદદ કરવા માટે રામકૃષ્ણ મઠ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ધોતી, સાડી, બાળકોનાં કપડાં, ઠામવાસણોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વિદેશના સમાચાર

નેધરલેન્ડમાં રામકૃષ્ણ મઠનું એક નવું કેન્દ્ર ‘રામકૃષ્ણ વેદાંત સોસાયટી, નેધરલેન્ડ’ના નામથી શરૂ કરવામાં આવ્યું છે.

બાંગ્લા દેશમાં દિનાજપુરમાં રામકૃષ્ણ મિશનનું એક નવું કેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન, દિનાજપુર’ના નામથી શરૂ કરવામાં આવ્યું છે. અહીં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર પહેલેથી જ છે.

લીંબડીમાં શ્રીશ્રીજગદ્ધાત્રી પૂજા

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી દ્વારા ૨૮મી ઑક્ટોબરે શ્રીશ્રી જગદ્ધાત્રી પૂજાનું આયોજન થયું હતું. આ પ્રસંગે સવારે ૮ થી ૧૨ બપોરના વિશેષ પૂજા, ભજન, હવન, પ્રસાદ વિતરણ તથા સાંજે ૬ વાગે પ્રવચનના કાર્યક્રમ યોજ્યા હતા.

જૂનાગઢમાં વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલનો પ્રારંભ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા યુવા ભાઈ-બહેનોના સર્વાંગી બૌદ્ધિક વિકાસ માટે વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલનો પ્રારંભ થયો છે. તેનું વિધિસરનું ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી દ્વારા ૯મી નવેમ્બરે થયું હતું. આ પ્રસંગે ‘સ્વામી વિવેકાનંદનો આજના યુવા વર્ગને સંદેશ’ એ વિષયે તેમનું પ્રવચન યોજાયું હતું. પ્રવચન પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો. લગભગ ૫૦૦ યુવા ભાઈ-બહેનોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં યુવ-સંમેલન

રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી હર્ષાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક કવિ, ચિંતક ડૉ. ચંદ્રકાન્ત શેઠના અતિથિવિશેષ સ્થાને ૫૦૦ યુવા ભાઈ-બહેનોનું એક યુવ સંમેલન તા. ૨૪-૧૧-૯૦ના રોજ યોજાયું હતું.

સૌ પ્રથમ સ્વામી મુમુક્ષાનંદજીએ યુવા ભાઈ-બહેનોને હર્ષભેર આવકાર્યાં હતાં. અધ્યક્ષસ્થાનેથી સ્વામી હર્ષાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, આજે પણ યુવા વર્ગની સમસ્યાઓના ઉકેલ માટે સ્વામી વિવેકાનંદના વિચારો ઉપયુક્ત નીવડે તેવા છે. આપણા સામાજિક, રાજકીય, બૌદ્ધિક અને ચારિત્ર્યના અધ:પતનના આ વિષમ યુગમાં યુવા વર્ગને મનની શક્તિ સાથે નૈતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિને વિકસાવતા શિક્ષણની જરૂર છે. ‘માનવ બનો ને બનાવો’નો આદર્શ આપણે જીવનમાં ઉતારવો જરૂરી છે. ત્યાગ, સેવા, બલિદાન, સેવા દ્વારા જ આજનો યુવા વર્ગ આદર્શ બનીને રાષ્ટ્રનું નવું ઘડતર કરી શકે. વિવેકાનંદ-સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવા માટે તેમણે યુવા વર્ગને આહ્‌વાન કર્યું હતું.

ડૉ. ચંદ્રકાન્ત શેઠે જણાવ્યું હતું કે, સ્વામીજીએ કહ્યું છે તેમ આપણે આજના તમસ્ માંથી રજસ્‌માં થઈને જ સત્ત્વમાં પ્રવેશી શકીએ. સ્વામીજી વિધેયાત્મક શ્રદ્ધાનું અનન્ય બળ છે.

બીજા સત્રમાં પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમમાં શ્રીમત્ સ્વામી હર્ષાનંદજી મહારાજે દોઢ કલાક સુધી યુવા વર્ગના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

ત્રીજા સત્રમાં યુવા ભાઈ-બહેનોનાં સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા, વ્યક્તિગત ઘડતર, રાષ્ટ્ર ઘડતર, માતૃભૂમિ પ્રત્યે યુવા વર્ગનું કર્તવ્ય, વર્તમાન સમસ્યાઓ, સમાજ, શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ વિશેનાં વક્તવ્યો પણ આ યુવ-સંમેલનનું આકર્ષણ રહ્યું હતું.

ચોથા સત્રમાં ડૉ. ચંદ્રકાન્ત શેઠ અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવા ભાઈ-બહેનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. દરેક યુવા પ્રતિનિધિને આશ્રમ દ્વારા યુવાનોને, ભારતીય નારી, શ્રીરામકૃષ્ણ ઉપદેશ, શક્તિદાયી વિચાર, આ પુસ્તકોનો સંપુટ સપ્રેમ ભેટ અપાયો હતો.

આભાર વિધિ સ્વામી જ્ઞાનેશાનંદજીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યું હતું.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.