(ડિસેંબરથી આગળ)

સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર ઈશ્વરકોટી-નિત્યસિદ્ધ આત્મા તરીકે ગણાવતા. ખાસ કરીને એ શિષ્યોને સ્વામીજી ખૂબ માન આપતા. શ્રીરામકૃષ્ણદેવના શબ્દો તેમને માટે છેવટના આદેશ સમાન હતા. તેઓ પોતાના શિષ્યોને શ્રીઠાકુરના શિષ્યોની ‘પિતા’ અથવા ‘કાકા’ તરીકે સેવા કરવા સલાહ આપતા.

બેલુરમઠમાં એક વખત કોઈક જગન્નાથ-પ્રસાદ લાવેલ, જે વહેંચવાનું કામ મને સોંપવામાં આવેલ. સૌ પ્રથમ તે પ્રસાદ મેં શ્રીઠાકુરના શિષ્યોને આપ્યા બાદ બીજા બધાને આપ્યો. સ્વામીજીના એક (જૂના) વૃધ્ધ શિષ્યને ખરાબ લાગ્યું કે, પ્રસાદ તેમને પહેલાં આપવામાં આવ્યો નહિ, જેથી થોડી ગેરસમજણ ઊભી થઈ. સ્વામીજીએ સ્વામી સારદાનંદજીને આ બાબત વિષે તપાસ કરવા કહ્યું અને તેમનો અભિપ્રાય સાંભળ્યા બાદ સ્વામીજીએ મારા કાર્યને ન્યાયોચિત ગણાવ્યું.

સ્વામીજી એ ખાસ જોતા કે, પોતાના ગુરુભાઈઓ તેમ જ પોતાના શિષ્યો શ્રીઠાકુરના આદર્શો અને ઉદાત્ત શિક્ષણને પોતાના જીવનમાં ઉતારે. એમને શ્રીઠાકુરના નામનો પ્રચાર કરવાની કોઈ ખેવના નહોતી. એક વખત વારાણસી સેવાશ્રમના કેટલાક સભ્યોએ સંસ્થાનું નામ શું રાખવું તે સ્વામીજીને પૂછવા માટે મને લખ્યું. સ્વામીજીએ ‘સેવાશ્રમ’ નામ રાખવા સૂચવ્યું ત્યારે સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું કે, ‘રામકૃષ્ણ – સેવાશ્રમ નામ રાખીએ.’ ત્યારે સ્વામીજી બોલ્યા, “તમે લોકો તો હંમેશાં શ્રીરામકૃષ્ણદેવના નામનો પ્રચાર કરવા જ પ્રયત્ન કરો છો. અગત્યની વસ્તુ તો એ છે કે, તેમના ઉપદેશો અને વિચારોનો ફેલાવો થાય. ગુરુદેવના નામનો પ્રચાર કરવાની આટલી ઉતાવળ શા માટે?”

જ્યારે વારાણસી સેવાશ્રમ રામકૃષ્ણ-મિશનને સુપરત કરવામાં આવ્યો ત્યારે સ્વામીજીએ તેના સભ્યોને વ્યવસ્થિત હિસાબ રાખવા સલાહ આપેલી. તેમણે કહેલું કે “કોઈ પણ વ્યક્તિ કોઈ નિયત હેતુ માટે પૈસા આપવા માગે ત્યારે તે જ હેતુ માટે પૈસા વપરાવા જોઈએ. ભાજીના પૈસા ભાતમાં અને ભાતના પૈસા ભાજીમાં વાપરવા યોગ્ય ન કહેવાય.”

સ્વામીજી અમારી પાસે હંમેશાં ઉચ્ચ આધ્યાત્મિક આદર્શો મૂકતા અને તેની સાથે-સાથે નૈતિક અને સામાજિક મૂલ્યો તેમ જ નાની નાની બાબતો પણ શીખવતા. કોઈ કોઈનો પત્ર વાંચી લે કે કોઈ કોઈને પત્ર લખતા ચૂપકીથી જુએ કે કોઈ બીજા લોકોની વાતોને છૂપા રહીને સાંભળે, એવું બધું સ્વામીજીને બિલકુલ ગમતું નહિ. જો તેઓ કોઈને આમાંનું કંઈ પણ કરતાં જોઈ જાય તો તેને તે માટે ઠપકો આપતા. એક વખત તેઓ પત્ર લખી રહ્યા હતા અને હું તેમની પાસે બેઠો હતો. તેમનો પત્ર વાંચવાનો મારો કોઈ ઈરાદો હતો નહિ. પણ અનાયાસે જ મારી આંખો પત્ર પર પડી. તરત જ સ્વામીજી ગુસ્સે થતાં બોલ્યા, “સાવધાન! બીજાના પત્ર વાંચો નહિ, તે બહુ ખરાબ કહેવાય.” સ્વામી તુરીયાનંદજી પાસેથી મેં સાંભળેલું કે, એક વાર સ્વામીજીએ તેમને એક પત્ર નાખવા કહેલું. જ્યારે એમણે જોયું કે, સ્વામી તુરીયાનંદજી તે પત્ર પરનું સરનામું વાંચતા હતા ત્યારે તેઓ બોલ્યા, “ભાઈ, મેં તમને પત્ર નાખવા કહ્યું છે – નહિ કે સરનામું વાંચવા. શા માટે તમારે બીજા કોઈનાં સરનામાં વાંચવાં જોઈએ? તે બરાબર ન કહેવાય.”

સ્વામીજી વિષે બીજો એક પ્રસંગ પણ મેં સ્વામી તુરીયાનંદજી પાસેથી સાંભળેલો. ઈ.સ.૧૮૯૯-માં સ્વામીજી અને સ્વામી તુરીયાનંદજી જહાજમાં અમેરિકા જઈ રહ્યા હતા. સ્વામી તુરીયાનંદજી પોતાની ઘડિયાળ કેબિનમાં છોડી આજુબાજુ આંટા મારી રહ્યા હતા. આવું બનતું કેટલીક વાર સ્વામીજીએ નોંધ્યું પછી એક વાર તુરીયાનંદજીને કહ્યું, “ભાઈ, કેબિનના માણસને તમારી ઘડિયાળ ચોરવા શા માટે લલચાવો છો? તે ગરીબ છે; તે તો દેખીતું જ છે કે તે લેવા તે લલચાઈ પણ જાય.” આ રીતે સ્વામીજી લોકોને ઉપદેશ આપતા.

(ક્રમશ:)

ભાષાંતરકાર : કુ. સીમા માંડવિયા

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.