સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. નવ માસ સુધી સ્વામી વિવેકાનંદજીના સંપર્કમાં રહેવાની તેમને તક મળી હતી. તેમના આ રસપ્રદ સંસ્મરણોમાંથી સ્વામી વિવેકાનંદજીના મહાન જીવનના કેટલાંક અજાણ્યા પાસાંઓ ઊપસી આવે છે. ‘વેદાંત કેસરી’ પત્રિકામાંથી અનુદિત આ સંસ્મરણો અમે વાચકોના લાભાર્થે રજૂ કરી રહ્યા છીએ.

શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ વિષે સૌ પ્રથમ ઈ.સ. ૧૮૯૯માં મને જાણ થઈ. એ વખતે જો કે સ્વામીજી દ્વારા બેલુર-મઠની સ્થાપના થઈ ગયેલી, પરંતુ સ્વામીજીને મળવા હજી હું બહુ આતુર ન હતો. એ વર્ષને અંતે હું વારાણસીથી બેલુર મઠ ગયેલો. પણ મને સ્વામીજીનાં દર્શન થયાં નહિ કારણ કે તેઓ યુરોપ તેમજ અમેરિકાની મુલાકાતે નીકળી ગયેલા. સને ૧૯૦૦માં રાજપૂતાનાનું રાહત કાર્ય પૂરું કરી હું વૃંદાવન ગયેલો. બરાબર તે વખતે જ મેં સાંભળ્યું કે સ્વામીજી પશ્ચિમની મુલાકાત પૂરી કરી બેલુર-મઠ પાછા આવી ગયા છે. સ્વામી શારદા નંદજીએ વૃંદાવનના સ્વામી કલ્યાણનંદજીને લખેલું કે, ‘સ્વામીજીને મળવાની જે કોઈની ઇચ્છા હોય તે લોકો અહીં આવે. પરંતુ મારે પહેલાં વારાણસી જવાનું થયું ત્યાં મેં જોયું કે સેવાશ્રમ ભાડાના મકાનમાં ચાલતો અને ચારુબાબુ (પછીથી સ્વામી શુભાનંદજી) બધી જ વ્યવસ્થા એકલે હાથે સંભાળતા જેથી આવી પરિસ્થિતિમાં તેમને છોડીને જવાની મારી ઇચ્છા હતી નહિ.

ઈ.સ. ૧૯૦૦નાં ડિસેમ્બર માસમાં જ્યારે સ્વામીજી ભારત પાછા ફર્યા ત્યારે તેમણે સાંભળ્યું કે વારાણસીના કેટલાક યુવાન ભક્તોએ ત્યાંના ગરીબ લોકોને મદદરૂપ થવા એક આશ્રમ સ્થાપેલો છે. જ્યારે અમારા જૂથનો એક યુવાન બેલુર-મઠમાં સ્વામીજીને મળ્યો ત્યારે સ્વામીજીએ આશ્રમ વિષેની વિગતવાર પૃચ્છા કરી અને અમારા તે મિત્રને ઉત્સાહિત કરતાં તેમણે કહ્યું, ‘આવા આશ્રમો ભારતની દરેક પવિત્ર જગ્યાએ હોવા જ જોઈએ.’ અમારા ઉપર તેઓ ખૂબ જ ખુશ હતા. અમારા તે મિત્રને તેમણે મંત્રદીક્ષા પણ આપી અને સારી તંદુરસ્તી જાળવી રાખવા સલાહ આપી. તે પછી તરત જ સ્વામીજીએ સ્વામી નિર્મલાનંદજીને વારાણસી આશ્રમની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિથી પોતાને માહિતગાર કરવા કહ્યું.

સને ૧૯૦૧ની દુર્ગા પૂજાના ઉત્સવ પહેલાં મને સ્વામીજીને મળવાની તીવ્ર ઉત્કંઠા જાગી. જે મેં ચારુબાબુ સમક્ષ વ્યક્ત કરી. તેમણે મને પંદર દિવસની રજા આપી અને હું બેલુર-મઠ જવા રવાના થયો. હાવરા સ્ટેશને ઊતરી સૌ પ્રથમ હું શ્રીમાનાં દર્શને બાગબજારની બોઝપાડા લેઈનના તેમના નિવાસસ્થાને ગયો. પરંતુ એ વખતે શ્રીમા બેલુરમાં આવેલ નીલામ્બર મુખર્જીના ઉદ્યાનગૃહમાં રહેતાં હતાં, તેથી ત્યાંથી હું બેલુર-મઠ ગયો. હું દુર્ગા-પૂજાનાં એક દિવસ અગાઉ આવી ગયેલો પણ મને એ ખબર નહોતી કે મઠમાં જ માની પૂજાનું આયોજન થયેલું. પછી મેં જોયું કે દુર્ગા-પૂજાની ભવ્ય (મોટા પાયે) તૈયારીઓ થઈ રહી હતી અને સ્વામી બ્રહ્માનંદજી તેમાં ખૂબ જ વ્યસ્ત હતા. હું એમને તો ઓળખતો જ હતો. મેં તેમને પ્રણામ કર્યા અને મને યાદ છે એ મુજબ તો એમણે જ સ્વામીજી સાથે મારી ઓળખાણ કરાવેલી. મેં સ્વામીજીનું પ્રથમ દર્શન તેમનાં પોતાના જ ઓરડામાં કર્યું. એમણે મુંડન કરાવેલું તેમજ લંગોટ જેવું વસ્ત્ર ધારણ કરેલ. મેં તેમને પ્રણામ કર્યાં અને તેમણે વારાણસીની પ્રવૃત્તિઓ વિષે પૂછપરછ કરી.

સપ્તમી પૂજા (મા દુર્ગાની ચાર દિવસીય પૂજાનો પહેલો દિવસ) ખૂબ જ ધામધૂમથી પૂરી થઈ. સંકલ્પ-મંત્ર શ્રીમાના નામે બોલવામાં આવ્યો. કૃષ્ણલાલ મહારાજ (સ્વામી ધીરાનંદ) પૂજારી હતા અને સ્વામી રામકૃષ્ણાનંદજીના પિતાશ્રી તંત્રધારક હતા. સ્વામીજીને પહેલા દિવસની પૂજાથી આનંદ થયો પરંતુ બીજા દિવસે (અષ્ટમી) તેમને અસ્થમાનો હુમલો આવ્યો. જ્યારે દમના આવા હુમલા આવે ત્યારે તેઓને શ્વાસ લેવામાં તક્લીફ થતા શાંત થઈ જતાં પરંતુ દરદ જેવું શમે કે તરત જ તેઓ આનંદમાં આવી બીજાને પણ આનંદ કરાવતા. ત્રીજા દિવસની સાંજે (નવમી) ‘નળ-દમયંતી’ નાટકનું આયોજન કરવામાં આવેલ. તે નાટક જોતાં સ્વામીજી ખુશ દેખાતા હતા. અને સાથે સાથે પોતે મશ્કરી પણ કરતા હતા. શારીરિક માંદગી કે દુ:ખ-દર્દ તેમને બેચેન બનાવી દેતાં નહિ, તેમજ તેનાથી પોતાના શિષ્યો પ્રત્યેના પ્રેમ તેમજ ચિંતામાં ઘટાડો પણ થતો નહિં. એક વખત જ્યારે તેમને ૧૦૫ ડિગ્રી તાવ હતો ત્યારે તેમનો જ એક સેવક પણ માંદો પડ્યો. સ્વામીજીએ જોયું કે તેમના ઓરડાના ઘણા માણસો તેમની (સ્વામીજીની) સેવા શુશ્રૂષા કરવા ઉત્સુક હતા. તેથી તેમણે તેમાંના થોડા લોકોને પોતાના સેવકની સેવા કરવા મોકલ્યાં.

ચોથા દિવસે વિસર્જન માટે દુર્ગામાની મૂર્તિને નાવમાં લઈ જવામાં આવી. સંગીતની સાથે – સાથે સ્વામી બ્રહ્માનંદજી શ્રીમાની પ્રતિમા આગળ નૃત્ય કરી રહ્યા હતા. અમે બધા જ ભાવાવેશમાં આવી ગયેલા. સ્વામીજી મઠના ઉપલા વરંડામાં ઊભા રહી સ્વામી બ્રહ્માનંદજીના આ સુંદર નૃત્યથી પ્રસન્નતા અનુભવી રહ્યા હતા.

દુર્ગાપૂજા બાદ સ્વામીજીની તબિયત થોડી સુધરી. તેમણે મઠમાં લક્ષ્મી-પૂજાની તૈયારીઓ કરવા માંડી, અને ત્યાર બાદ દેવીની મૂર્તિ બનાવી કાલીપૂજાનું આયોજન પણ કરવા માંડ્યું. તેઓ બોલ્યા, ‘આ વખતે સંકલ્પ-મંત્ર શ્રીમાના નામે નહિ પણ આપણા નામે બોલાશે.’ કાલી-પૂજાનાં હર્ષોલ્લાસનું વર્ણન કરવું એ મુશ્કેલ કાર્ય છે. તે રાત્રે, પૂજા શરૂ થયા પહેલાં, સ્વામીજીએ મૂર્તિ સામે ધ્યાન ધર્યું. થોડીવારમાં તેઓ સમાધિમાં લીન થતા બાહ્યભાન રહિત થઈ ગયા. થોડો સમય પસાર થયા બાદ સ્વામી પ્રેમાનંદજી સ્વામીજીનાં કાનમાં શ્રીરામકૃષ્ણદેવનાં નામોચ્ચારણ કરી તેમને ધીરે ધીરે બાહ્યભાનમાં લાવ્યા થોડા દિવસો બાદ સ્વામીજીના કલકત્તાના સિમલા વિસ્તારમાં આવેલા પિતૃગૃહે જગધ્ધાત્રી પૂજાનું આયોજન થયેલું. અમને બધાને આમંત્રિત કરવામાં આવેલ, સ્વામીજીએ જાતે પૂજાનું સંચાલન કર્યું અને અમે બધા ખરેખર કૃતકૃત્ય થયા. સ્વામીજીએ મઠમાં સરસ્વતી-પૂજા પણ પ્રતિમામાં કરવાની શરૂ કરાવેલી તે પહેલાં ક્યારેય મઠમાં સરસ્વતી-પૂજા મૂર્તિમાં કરવામાં આવતી નહોતી.

(ક્રમશ:)

ભાષાંતરકાર : કુ. સીમા માંડવિયા

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.