(15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા, તાઁર પત્ર ઓ રચનાસંગ્રહ’માંથી આ સ્મૃતિકથા સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં)

1886ની સાલમાં શ્રીરામકૃષ્ણના શિષ્યો એમને ગળાના કેન્સરના રોગની સારવાર માટે કોલકાતાના કાશીપુર ઉદ્યાનગૃહમાં લાવ્યા હતા. એ સમયે શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) તથા અન્ય યુવક શિષ્યો મન-પ્રાણ સમર્પિત કરી, અત્યંત નિષ્ઠા સહિત, દિવસરાત એક કરી ઠાકુરની સેવામાં લાગ્યા હતા. શશી મહારાજે અગ્રણીરૂપે સેવાકાર્યમાં ભાગ ભજવ્યો હતો. ઠાકુરની સેવામાં તેઓ એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે પોતાનાં શારીરિક વ્યાધિ કે દુ:ખકષ્ટનું પણ સ્મરણ રહેતું નહીં. એ સમયે જ એક વાર એમને પેટનો કષ્ટદાયક રોગ થયો હતો. છતાંય તેમણે એક દિવસ પણ ઠાકુરની સેવામાં વિરામ લીધો ન હતો. પરંતુ જ્યારે એમના ગુરુભાઈઓએ એમની પીડા વિશે જાણ્યું ત્યારે એમણે શશી મહારાજ પાસે ફરજિયાત કેટલાક દિવસ વિશ્રામ કરાવ્યો હતો. ત્યાગી સેવકોની પ્રાણ ઢાળીને કરેલ સેવા તથા નિષ્ણાત વૈદ્યોની ચિકિત્સા કરાવવા છતાં ઠાકુર રોગમુક્ત થઈ શક્યા નહીં. ઓગસ્ટ, 1886માં તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયા.

તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કાશીપુર મહાસ્મશાનમાં કરવામાં આવ્યો. તેમના અસ્થિને એક તામ્રકળશમાં સંગ્રહિત કરી રાખવામાં આવ્યા. સ્મશાનેથી પાછા ફરી આ કળશ કાશીપુર ઉદ્યાનગૃહના જે ઓરડામાં ઠાકુરને સારવાર માટે રાખવામાં આવ્યા હતા એ જ ઓરડામાં રાખવામાં આવ્યો. શોકાક્રાંત હૃદયે ભક્તોએ અસ્થિને પ્રણામ કરી ઘરે જવા માટે વિદાય લીધી.

ઠાકુરના ગૃહી શિષ્ય રામચંદ્ર દત્તે નક્કી કર્યું હતું કે આ કળશ એમના કાંકુડગાછિ સ્થિત ઉદ્યાનગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અને ત્યાં જ એમની દૈનિક પૂજા કરવામાં આવશે. પરંતુ શશી મહારાજ તથા નિરંજન મહારાજે મળીને છૂપી રીતે એ ઓરડામાં skylight (છતમાં રાખવામાં આવેલ બાકોરું કે જેમાંથી સૂર્યનો પ્રકાશ ઓરડામાં પ્રવેશી શકે) દ્વારા પ્રવેશ કર્યો અને કળશમાંથી સારા સારા અસ્થિ વીણી લઈ એક બીજો કળશ ભરી લીધો. (તેમને ખબર હતી કે રામબાબુ કોઈ બ્રાહ્મણને નોકરીમાં રાખી એની પાસે અસ્થિની પૂજા કરાવડાવશે. તેઓની ઇચ્છા હતી કે અસ્થિની પૂજા તો ત્યાગી શિષ્યો જ કરે. માટે તેઓએ મોટા ભાગના અસ્થિ વીણી લીધા હતા.) આ કળશ એ રાત્રે જ ઠાકુરના પરમ ભક્ત બલરામ બસુના બાગબજાર સ્થિત ભવનમાં પહોંચાડી દેવામાં આવ્યો. આ ઘટનાના કેટલાક મહિના પછી ઠાકુરના એકનિષ્ઠ ભક્ત સુરેશચંદ્ર મિત્રની નાણાંકીય સહાયતા તથા નરેને (સ્વામી વિવેકાનંદે) ખરા દિલથી કરેલ પ્રયત્નોના પરિણામે વરાહનગરમાં શ્રીરામકૃષ્ણના પ્રથમ મઠનો પ્રારંભ થયો. શશી મહારાજે પોતે મઠમાં ઠાકુરની છબી તથા બલરામ ભવનથી લાવેલ એ પવિત્ર અસ્થિઓનો કળશ સ્થાપિત કર્યાં, તથા તેઓ નિયમિતરૂપે ઠાકુરની પૂજા તથા સેવામાં લાગી ગયા.

શશી મહારાજની સેવા વિસ્મયકારક હતી. શશી મહારાજ ઠાકુર સદેહે વિદ્યમાન હતા એ સમયે એમની જે પ્રકારે સેવા કરતા ઠીક એ જ પ્રકારની સેવા એમના અસ્થિની કરવા લાગ્યા. રોજ સવારે દાતણનો કૂચો તૈયાર કરી દેતા અને સાથે સાથે જ દાંત-ખોતરણી પણ રાખી દેતા. ફણગાવેલા ચણાના અંકુર એક એક કરીને કાપીને અલ્પાહાર માટે ધરાવતા. એમની આ સેવા-પૂજામાં બાહ્ય આડંબર કે મંત્રોની જટિલતા હતી નહીં—હતો માત્ર હૃદયનો આવેગ, ગભીર શ્રદ્ધા, ભક્તિ, તથા પ્રેમ. શરૂ શરૂમાં તો સ્વામીજીની (સ્વામી વિવેકાનંદની) ઇચ્છા હતી નહીં કે મઠમાં ઠાકુરની આ પ્રકારની વિધિપૂર્વકની પૂજા થાય. છતાં પણ શશી મહારાજ કોઈનોય નિષેધ સ્વીકાર્યા વગર અત્યંત નિષ્ઠા સહિત નિયમિત પૂજા કરતા ગયા. નિરંજન મહારાજ તેમને પૂજામાં સહાયતા કરતા.

અન્ય ગુરુભ્રાતાગણ તીર્થે તીર્થે ભ્રમણ કરીને અથવા હિમાલયમાં કોઈ નિર્જન સ્થાને આસન સ્થાપીને કઠોર તપસ્યા કરી રહ્યા હતા. પરંતુ શશી મહારાજે શ્રીશ્રીઠાકુરની સેવા-પૂજા છોડીને એક ડગલુંયે ભર્યું ન હતું. એક પણ તીર્થે, કાશી સુધ્ધાં, ગયા ન હતા. સેવા-પૂજા છોડીને, કે એની જવાબદારી બીજા કોઈની ઉપર અર્પણ કરીને તેઓ કોઈ નિમંત્રિત ઉત્સવ કે સમારોહમાં પણ જતા નહીં.

તેઓ ઠાકુરની પૂજા છોડીને અન્ય કોઈ કાર્ય ન કરતા, એમ નહીં; તેઓ જનનીની જેમ પોતાના ગુરુભાઈઓની કાળજી પણ રાખતા. એ સમયે જે ગુરુભાઈઓ વરાહનગર મઠમાં નિવાસ કરી રહ્યા હતા તેઓ બધા જ આહાર, નિદ્રા, વગેરે શારીરિક કર્મ વિસરી જઈને સર્વક્ષણ ઈશ્વરચિંતનમાં ડૂબેલા રહેતા. એકમાત્ર શશી મહારાજ જ એમને પોકારી-પોકારી ભોજન કરાવતા. તેમના એકનિષ્ઠ પરિશ્રમને પરિણામે જ રામકૃષ્ણ સંઘ પોતાની બાલ્યાવસ્થામાં પરિપુષ્ટ બન્યો હતો. તેઓએ આ પ્રકારે તીવ્ર અનુરાગ સહિત દીર્ઘ દસ વર્ષ વરાહનગર મઠમાં અને આલમબજાર મઠમાં શ્રીશ્રીઠાકુર અને ગુરુભ્રાતાગણની સેવા કરી હતી.

એ સમયે મઠની આર્થિક અવસ્થા અતિશય નબળી હતી. સુરેશબાબુ (ઠાકુરના એક ગૃહી-શિષ્ય) નાણાંકીય સહાય કરતા, પરંતુ તેથી પૂરું પડતું નહીં. ઠાકુરસેવામાં જો ઊણપ આવી જતી તો શશી મહારાજ ભીક્ષા કરતા, તો ક્યારેક સંન્યાસી હોવા છતાં પણ વિદ્યાર્થીઓને ભણાવીને અર્થસંગ્રહ કરતા, ગમે તેમ પણ ઠાકુરસેવામાં કોઈ પ્રકારની ત્રુટિ આવવા દેતા નહીં.

શશી મહારાજ આટલી કાર્યક્ષમ રીતે ઠાકુરની સેવાની વ્યવસ્થા કરતા હોવાથી સમયે સમયે સ્વામીજીની સાથે તેમનો વાદવિવાદ પણ થઈ જતો. પરંતુ તેઓની અટૂટ નિષ્ઠા તથા તેઓનો ગુરુનિષ્ઠ જીવ જોઈને સ્વામીજી વધારે કશું કહી શકતા નહીં.

સંધ્યા આરતીના સમયે તેઓ ભગવદ્‌ભાવમાં પૂરેપૂરા વિભોર થઈ જતા અને ‘જય શિવ ૐકારા, ભજ શિવ ૐકારા’ ગાતાં ગાતાં આરતીના તાલે તાલે નૃત્ય કરતા. ઉનાળામાં અડધી રાતે જો ક્યારેક તેઓ ગરમી લાગવાને કારણે ઊંઘમાંથી ઊઠી જતા તો ‘ઠાકુરને પણ ગરમી લાગતી હશે’ એમ વિચારી ઠાકુરઘરનાં બારીબારણાં ખોલી દેતા અને કલાકોના કલાકો સુધી ઠાકુરને હાથપંખાથી હવા કરતા રહેતા. ભક્તિશાસ્ત્રના નિર્દેશ અનુસાર તેઓ ખરેખર આત્મવત્‌ ઇષ્ટસેવા કરતા. ઇષ્ટસેવા કેવી રીતે કરવી એની પરાકાષ્ઠા તેઓ પોતાના જીવનમાં બતાવીને ગયા છે. તેમની ધારણા હતી કે જો કોઈ આ પ્રકારે મન-પ્રાણ ઢાળીને એકનિષ્ઠરૂપે શ્રીગુરુ કે ઇષ્ટની સેવા કરી શકે તો તેના દ્વારા જ સેવકને ભક્તિ-મુક્તિ લાભ થાય. આ કારણે તેઓ જપ-ધ્યાનથી પણ વધુ આ સેવા ઉપર ભાર આપતા.

આ પ્રસંગે ઠાકુરના અન્ય શિષ્ય તુરીયાનંદજીની એક વાત યાદ આવે છે. તેઓ પણ તેમની ઢળતી ઉંમરે સેવાકાર્ય ઉપર જ અતિશય ભાર આપતા. શરીરત્યાગના સાત દિવસ પહેલાં સ્વામીજી દ્વારા પ્રચારિત સેવાધર્મ વિશે કહેતાં કહેતાં ઉત્તેજિત થઈ ગયા હતા તથા રક્તાભ ચહેરે અને દૃઢ સ્વરે એક સંન્યાસીને કહેવા લાગ્યા: “સંશય રાખશો નહીં, ઠાકુરનું કાર્ય સમજીને સમગ્ર શરીર-મન-પ્રાણ ઢાળી દો. એનાથી જ બધું થઈ જશે—સમાધિ-ટમાધિ જે કંઈ ઇચ્છો છો, એ બધું જ આનાથી મળી જશે. સંશય રાખો નહીં—લાગી પડો. સ્વામીજીએ મને દાર્જિલિંગમાં કહ્યું હતું, ‘હરિભાઈ, આ વખતે એક નવો પથ બનાવી દીધો છે, આટલા દિવસ સુધી લોકો જાણતા કે ધ્યાન-જપ-ચિંતન વગેરે દ્વારા જ મુક્તિ મળે. આ વખતે આપણા છોકરાઓ ઠાકુરનું કામ કરીને જીવન્મુક્ત, મુક્ત થઈ જશે. ઠાકુરનો આદેશ છે, સંશય રાખતા નહીં.’”

શશી મહારાજના પિતાજી એક દિવસ વરાહનગર મઠમાં આવી એમને ઘરે લઈ જવા માટે જીદ કરવા લાગ્યા. પરંતુ શશી મહારાજ અચલ, અટલ. જ્યારે જીદ કરવાથી કંઈ ફળ ન મળ્યું ત્યારે પિતાજી અતિશય નારાજ થઈ ઠાકુરની નિંદા કરવા લાગ્યા. (ઠાકુરને કારણે જ એમને પોતાનો પુત્ર ગુમાવવો પડ્યો હતો માટે.) પરંતુ ગુરુનિંદા સાંભળીને શશી મહારાજ પોતાને સંભાળી શક્યા નહીં, અને અત્યંત ઉત્તેજિત થઈને, “ઊભો રે સાલા!” કહીને સ્વયં પિતાજીને મારવા માટે તૈયાર થઈ ગયા હતા. શશી મહારાજ ગુરુભક્તિમાં એટલા વિભોર રહેતા કે જો કોઈ એમના પરમ-આરાધ્ય ગુરુ પ્રતિ થોડી પણ અશ્રદ્ધા પ્રકાશ કરતા તો તેઓ એ સહન કરી શકતા નહીં.

તેઓના પિતાજી પોતે એક ઉચ્ચ કક્ષાના સાધક હતા. માટે પુત્રની અકપટ ગુરુભક્તિનાં દર્શન કરીને તેઓ અતિશય મુગ્ધ થઈ ગયા હતા. એ દિવસથી એમણે ક્યારેય પણ પુત્રને ઘરે લઈ જવા માટે જીદ કરી ન હતી. એટલું જ નહીં, તેઓ વચમાં વચમાં વરાહનગર મઠની મુલાકાત પણ લેવા લાગ્યા. ક્રમશ: ઘનિષ્ઠતા એટલી વૃદ્ધિ પામી કે બેલુર મઠમાં સ્વામીજીએ જ્યારે પ્રથમ દુર્ગાપૂજાનું અનુષ્ઠાન કર્યું હતું ત્યારે તેઓનું જ તંત્રધારકના પદે વરણ થયું હતું.

ઠાકુરની સેવા લઈને સ્વામીજી સાથે શશી મહારાજનો ક્યારેક ક્યારેક તીવ્ર મતભેદ થઈ જતો હોવા છતાં સ્વામીજી પ્રતિ એમની જેટલી અગાધ શ્રદ્ધાભક્તિ હતી, સ્વામીજીનો પણ એમની ઉપર એટલો જ હૃદયપૂર્વકનો સ્નેહ તથા અતિશય વિશ્વાસ હતો.

અમેરિકાથી પાછા ફરીને સ્વામીજીએ શશી મહારાજને મદ્રાસ જઈ ત્યાં કેન્દ્રની સ્થાપના કરવાનો આદેશ કર્યો હતો. ‘ગુરુવત્‌ ગુરુપુત્રેષુ,’ ગુરુપુત્ર ગુરુ સમાન જ છે, આ શાસ્ત્રવાક્ય શશી મહારાજ અક્ષરે અક્ષરે પાલન કરતા. સ્વામીજીનો આદેશ પ્રાપ્ત થવાની સાથે જ તેઓ કોઈ પણ પ્રકારના સંશય વગર મદ્રાસ જવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ એ પહેલાં તો તેમણે ક્યારેય પણ ઠાકુરની સેવા છોડીને ક્યાંય એક ડગલું પણ ભર્યું ન હતું. ભક્તશ્રેષ્ઠ મહાવીર હતા એમના આદર્શ. મહાવીર જેમ પોતાના પ્રભુ શ્રીરામચંદ્રના આદેશ પાલન માટે હંમેશાં તૈયાર રહેતા, શશી મહારાજ પણ એવી જ રીતે સ્વામીજી તથા બ્રહ્માનંદજીના આદેશનું નિર્વિચારે પાલન કરતા.

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.