જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
આશ્ચર્ય ઐશ્વર્યપૂર્ણ પ્રભુ લીલા તારી;
બોલીને ગાવાની બધી શક્તિ નથી મારી.
સુણવાની ઇચ્છા યદિ હોય તને મન;
આવ બેય જણ કર્યીં પ્રભુનું સ્મરણ.
વાંછાકલ્પતરુ પ્રભુ, ભક્તો એમ રટે;
જેની જેવી ઇચ્છા પ્રભુકૃપા બળે મટે.
જય જય દીનાનાથ કૃપાના સાગર;
જય હે કિશોરરૂપી પ્રભુ ગદાધર.
જય હે યુગાવતાર, અંધના શરણ;
કૃપા કરી આપો તવ યુગલ ચરણ.
આંક પાડા સુધી વિદ્યા બહારનો આભાસ;
પામે પરાવિદ્યા તત્ત્વ ખેલમાં પ્રકાશ.
અદ્ભુત મહિમાકથા સુણો અત: પર;
લખવાની આપો શક્તિ પ્રભુ ગદાધર.
જય જય સિદ્ધ કામ સર્વ સિદ્ધિ દાતા;
જય સર્વ શક્તિમાન અનંત વિધાતા.
વસે વૃદ્ધ ભક્ત એક લાહા કહેવાય;
સારાં કાર્ય અર્થવ્યય કરીને પંકાય.
એક વાર પિતૃશ્રાદ્ધ આવ્યું તેને ઘરે;
પંડિતો અનેકને એ આમંત્રિત કરે.
બાકી રાખી નહિ પાઠશાળા આસેપાસે;
આમંત્રવા માણસો દોડાવ્યાં ઊંચા શ્વાસે.
શ્રાદ્ધ-સમારંભ તણું થાય ન વર્ણન;
છાત્રો સહ ટોળેટોળાં પંડિતો સજ્જન.
પધારીને ભરે સભા નિર્ધારિત દિને;
યથાસ્થાને શાસ્ત્રચર્ચા સારુ બિરાજીને.
ચર્ચાને પ્રસંગે થયો વાદ બહુ મોટો;
પૂર્વપક્ષવાળા કહે સિદ્ધાંત જ ખોટો.
થાય કે ન થાય ભલે શાસ્ત્રોનો વિચાર;
થાય કિંતુ વાણી તણી ઘણી મારામાર,
સભાના ખબર ફેલાયા છે સર્વ સ્થળે;
ચારે બાજુએથી લોકો આવી ટોળે મળે.
સુણીને એ શબ્દયુદ્ધ, ઘાંટા તણી હોડ;
વાટઘાટ થકી સર્વે આવે દોડાદોડ.
સંગી સાથે રંગ કરી બાળ ગદાધર;
બ્રહ્મસભા વચ્ચે આવી થયો એ હાજર.
ચાલી રહ્યો વાદ મોટા વિદ્વર્યો કેરો;
ખંડન મંડનનો આવેશ છે અનેરો.
બુદ્ધિ પામે નહિ પાર એવા પ્રશ્નો કાઢે;
પ્રશ્નમાં જ દોષ કાઢી સામો પક્ષ વાઢે.
કળે ગૂઢ શાસ્ત્રતત્ત્વ એ તે કોનો ભાર;
કરે છે ગદાઈ કિંતુ તેનોય વિચાર.
વિચારીને આપ્યો તેણે પ્રશ્નોનો જવાબ;
સુણી પંડિતોનો ઊડે ખયાલી ખવાબ.
ચર્ચા કેરો રંગ દેખી સર્વે એકે એકે;
ઘેરી વળી નાના ગદાધરને જ દેખે.
સપ્તરથી વચ્ચે જાણે અભિમન્યુ બાળ;
દલીલોનાં બાણ ફેકે જાણે અગ્નિઝાળ.
બડી છે તાજુબ કથા, અદ્ભુત કે’વાય;
પંડિતો ગદાઈ પાસે પરાજિત થાય!
નાની છે ઉંમર, બાળ હજી, ખેલ ખેલે;
કેમ કરી ગૂઢ મર્મ શાસ્ત્રોનો ઉકેલે!
લોકો સર્વે કાંઈ કાંઈ બોલાબોલ કરે;
દાખવી અદ્ભુત શક્તિ બાળ ગદાધરે.
એકે તો સુંદર બાળ, બંકિમ નયન,
મુખ કાન્તિમાન તેની શોભા અનુપમ.
શોભે શિખા લાંબી શિરોભાગની ઉપરે;
પીયૂષપૂરિત વાતો રસનાથી ઝરે.
ભૂજ ખૂબ દીર્ઘ, જઈ ઘૂંટણને અડે;
શાસ્ત્રોના ઉત્તરથી પ્રભાવ મોટો પડે.
આશ્ચર્યચકિત સર્વે, દેખી અસમાન;
પંડિતો અજ્ઞાન અને બાળક વિદ્વાન.
પૂછતા પંડિતો બધા, છોકરો એ કેનો;
નામ, પિતા, ગોત્ર, વંશ, પરિચય એનો.
આખરે પંડિતો બોલે એકસ્વરે;
દિવ્ય શક્તિ રહેલી બાળકમાં, ખરે.
નજીક બોલાવી બાળ, બાથમાંહે લઈ;
આશીર્વાદ આપે સર્વે આનંદિત થઈ.
અદ્ભુત એ બાળકની વાત શું વખાણું;
ચરણસ્મરણ નિત્ય કરવાનું જાણું.
શ્રવણમંગલ કથા ગદાઈની અતિ;
રામકૃષ્ણ-પુરાણ શ્રવણે વદે મતિ.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.