એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો. દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને સુખચેનવાળું જીવન જીવતો હતો.

એક સમયે તે જંગલમાંથી પસાર થતો હતો. રસ્તો વેરાન! માઈલો સુધીના રસ્તામાં થોડાં ઘર-ખોરડાં આવતાં. વહેલી સવારે આ રસ્તે નીકળી પડ્યો. બપોર સુધીમાં ખૂબ ચાલ્યો અને થાકીને લોથ થઈ ગયો. ગરમી કહે મારું કામ! રસ્તામાં એક મોટું વૃક્ષ આવ્યું. તેની ડાળીઓ આજુબાજુ ફેલાઈ ગઈ હતી. આ વૃક્ષનો છાંયડો તેને શીતળ અને શાંતિદાયી લાગ્યો. થાક્યો પાક્યો તે શીતળ છાયામાં બેઠો. મનમાં વિચારવા લાગ્યો : કેવી ગરમી! તરસેય લાગી છે! એકાદ ગ્લાસ પાણી મળી જાય તો કેવું સારું!’ એટલું બોલ્યો ત્યાં તો તાજા પાણીનો મજાનો ગ્લાસ એના હાથમાં આવી ગયો! કેવું આશ્ચર્ય! તેણે ગ્લાસ મોઢે માંડ્યો. એની તરસ છીપી. તેણે પરમ તૃપ્તિ અનુભવી. તેનો થાક ઊડી ગયો અને એણે શાંતિ, સુખ અનુભવ્યાં.

તે એ વાતથી અજાણ હતો કે, તે કોઈ સામાન્ય વૃક્ષ નીચે નહીં પણ મનની ઈચ્છા પૂરી પાડનાર સ્વર્ગીય કલ્પવૃક્ષ નીચે બેઠો હતો. આ કલ્પવૃક્ષની નીચે બેસીને માનવી જે ઇચ્છે તે તેને મળી રહે. આ બધું આ વેપારી જાણતો ન હતો અને હવે કકડીને ભૂખ પણ લાગી હતી એટલે બોલી ઊઠ્યો : ‘મારી તરસ તો જાણે છીપી પણ ભૂખેય લાગી છે ને ખાવાનું મળી રહે તો કેવું સારું!’ અને બીજી પળે ન માની શકાય તેવું બની ગયું. તેની આગળ વિવિધ વાનગીઓની સરસ મજાની ગોઠવેલી થાળીઓ આવી ગઈ! કઢી-ભાત, દૂધ, મિષ્ટાન અને વિવિધ વાનગીઓ તેમાં પીરસેલી હતી. આ વેપારીભાઈ તો કુતૂહલ -આશ્ચર્ય સાથે એક પછી એક વાનગી ચાખતો ગયો. દરેક વાનગી સ્વાદિષ્ટ હતી. ભૂખ્યા ભાઈએ તો પેટ ભરીને ખાધું. આ અદ્‌ભુત ભોજનથી તેણે તૃપ્તિ અનુભવી.

તડકામાં લાંબું ચાલીને આવ્યો હતો અને એમાં વળી આવું સ્વાદિષ્ટ ભોજન મળી ગયું. એટલે ખાતાંવેંત જ ભાઈ તો ચડ્યા ઝોલે. એટલે મનમાં ને મનમાં બોલી ઊઠ્યા : “ઊંઘેય આવે છે પણ આ ખાડા-ખબડાવાળી જમીન પર સૂવુંય ક્યાં? અહીં તો કાંકરા-પથરા અને કાંટા જ છે. હે ભગવાન! સરસ મજાની સુંવાળી પથારી હોય તો કેવું સારું!’ આમ વિચાર કરતો હતો ત્યાં જ તેની પાસે સરસ મજાના પલંગ પર આરામપ્રદ મજાની પથારી પણ આવી ગઈ. તેના આનંદનો પાર ન હતો. જાણે કોઈ પરીની દુનિયામાં હોય તેવું લાગ્યું. તે જે ઇચ્છતો, તે તેને મળી રહેતું હતું. તે આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો – ‘માળું, આ વૃક્ષ કેવું અદ્‌ભુત! હું જે ઇચ્છું તે તરત જ હાજર થઈ જાય. એવું કેવી રીતે થતું હશે? પણ ભાઈ, આવા વેરાન જંગલમાં આમ સૂઈ પણ કેમ શકું? માઈલોના માઈલો સુધી કોઈ મને સાથ આપનારું ય નથી. અહીં હું છું એકલરામ અને કદાચ વાઘ આવી પડે તો!’ આ શબ્દો નીકળ્યા ને એક ભયાનક ખૂનખાર વાઘે તેના પર તરાપ મારી. ‘ક્યાંથી ટપકી પડ્યો આ વાઘ!’ એમ વિચાર કરે તે પહેલાં તો વાઘે તેને ફાડી ખાધો. આમ, તે લોભી વેપારીની ઇચ્છાઓ – આશાઓનો અંત આવ્યો.

પ્રભુ જ આ કલ્પવૃક્ષ છે. આપણે તેમની અંત:કરણપૂર્વક પ્રાર્થના કરીએ એટલે તે આપે જ. એટલે આપણે આપણી પ્રાર્થના-યાચનામાં પણ સાવધાન રહેવું જરૂરી છે. આપણે તેમની પાસે જ્ઞાન-ભક્તિ-શ્રદ્ધા એવી મંગલકારી વસ્તુની માગણી કરવી જોઈએ. આપણે ભૌતિક-સુખ સંપત્તિ માગીએ તો તે પણ ભગવાન આપે જ. પરંતુ આ બધું આપણને દુ:ખ-મુશ્કેલીમાં જ મૂકે છે. એ દ્વારા તો આપણે અનંત દુ:ખ, અશાંતિને જ નોતરીએ છીએ. વાસ્તવિક રીતે આપણે પ્રભુ પાસે કંઈ માગવું જ ન જોઈએ અને તો જ તે શ્રેષ્ઠ પ્રાર્થના કહેવાય. પ્રભુ જે ઇચ્છે તે જ ભલે આપે. પ્રભુને આપણી બધી જરૂરિયાતોનો ખ્યાલ હોય જ. તેથી તેઓ પોતાના મનથી જે આપે તે જ ઉત્તમ છે અને આપણી પોતાની માગણી એની પાસે તુચ્છ બની જાય છે. પ્રભુની મરજી હોય તે ભલે આપે. એમાં જ આપણે સંતોષ રાખવો જોઈએ.

સંકલનકર્તા : મનસુખભાઈ મહેતા

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.