શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ

શ્રીમદ્ સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે

સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, હૈદ્રાબાદના અધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ આશ્રમ-રાજકોટની મુલાકાતે ૨૪ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી પધાર્યા હતા. ર૫મી એપ્રિલે સવારના ૮ થી ૧૨ ૪૦૦ યુવા ભાઈ-બહેનોના યુવ સંમેલનને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, “શાંત મૂક સેવા કરનારા, પ્રબળ માનસિક શક્તિવાળા, શ્રદ્ધાવાન યુવાનો જ આ રાષ્ટ્રને તારી શકશે.”

૨૫મીએ સાંજના ૬-૧૫ વાગ્યે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વામીજીનું નાગરિક સન્માન મેયર શ્રી વજુભાઈ વાળાએ શાલ ઓઢાડીને કર્યું હતું. તે પ્રસંગે સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, માત્ર પૈસાને પ્રાધાન્ય આપવું યોગ્ય નથી. આજે જરૂર છે સેવાની, ભાવનાને વરેલા, નિ:સ્વાર્થ, કાર્યદક્ષ અને ચારિત્ર્યશીલ માનવીની. આપણો જીવન મંત્ર What can you do for me? ન હોવો જોઈએ પણ What can I do for you? હોવો જોઈએ.

આ ઉપરાંત ૨૫ અને ૨૬ એપ્રિલ સવારે તેમણે આધ્યાત્મિક સાધકો માટે માર્ગદર્શન આપ્યું હતું. ૨૭મીએ સાંજના આધુનિક જગત માટે શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનો સંદેશ, વિશે પ્રવચનો યોજેલ હતાં. ૨૮મી એ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સ્વામી રંગનાથાનંદજી મહારાજની નિશ્રામાં યોજાયેલી આધ્યાત્મિક શિબિરમાં ભાવિક જનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ર૮મીએ બપોરે ૩-૩૦ વાગે હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થયા હતા.

રામચરિતમાનસ પર પં. રામકિંકર ઉપાધ્યાયનાં પ્રવચનો

તારીખ ૩૦ એપ્રિલથી ૬ મે સુધી સુપ્રસિદ્ધ રામાયણી પંડિત રામકિંકરજીના રામચરિત માનસ પર “શ્રી હનુમાન ચરિત્ર” વિશે સાત પ્રેરક વ્યાખ્યાનો યોજાયાં હતાં. તેનો દરરોજ ચારેક હજાર ભાવિક જનોએ લાભ લીધો હતો.

તારીખ ૮ અને ૯ મે એમ બંને દિવસ પંડિત રામકિંકરજીનાં “રામચરિતમાનસના આલોકમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા” વિશેનાં બે મર્મસ્પર્શી વ્યાખ્યાનો પાંચેક હજાર ભાવિક જનોએ માણ્યાં હતાં.

સાંસ્કૃતિક કાર્યક્રમો

૩૦મી એપ્રિલથી ૮ મે સુધી રાતના ૯-૩૦ થી ૧૦-૩૦ શ્રી ગજેન્દ્રભાઈ બક્ષી, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી વેલજીભાઈ ગજ્જર અને શ્રી મનોજભાઈના ભજન સંગીતનો કાર્યક્રમ ભાવિક જનોએ માણ્યો હતો. તા. ૭ મેના રોજ સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થીઓએ અને ૮ મેના રોજ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે નાટ્યાભિનયો રજૂ કર્યા હતા.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ

તા. ૯, ૧૦, ૧૧ મે એમ ત્રણ દિવસ આ મહોત્સવ યોજાયો હતો.

તા. ૯ના રોજ “વર્તમાન યુગમાં શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશનું મહત્ત્વ” એ વિષય પર સુપ્રસિદ્ધ ચિંતક અને લેખક ડૉ. કાંતિભાઈ કાલાણી, સુપ્રસિદ્ધ કવિ, લેખક, ચિંતક અને ગુજરાત યુનિ. હિન્દી વિભાગના વડા ડો. ભોળાભાઈ પટેલ અને રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ – રાયપુરના સેક્રેટરી શ્રીમદ્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનાં પ્રેરક પ્રવચનો યોજાયાં હતાં.

તા. ૧૦ મેના રોજ ‘શ્રીમા શારદાદેવી- આધુનિક નારીનાં આદર્શ’ એ વિષય પર શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી, ડૉ. કાંતિભાઈ કાલાણી અને ડૉ. ચેતનાબહેન માંડવિયાએ પોતાના પ્રેરક ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા હતા.

તા ૧૧ મે ના રોજ ‘ભારતની આધુનિક સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદજીના સંદેશમાંથી મળતું સમાધાન’ એ વિષય પર શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી જિતાત્માનંદજી અને ડૉ. કાંતિભાઈ કાલાણીએ સ્વામી વિવેકાનંદજીના જીવનસંદેશના વિવિધ પ્રેરક અને ઉદ્દીપક પ્રસંગો અને સ્વામીજીના અગ્નિમંત્રો દ્વારા ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યુવ-શિબિરનું આયોજન

તા. ૯ થી ૧૧ મે દરરોજ સવારના ૮-૦૦ થી બપોરના ૧૨-૦૦ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા એક યુવ-શિબિરનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૪૦૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જાણીતા તત્ત્વ ચિંતક ડૉ. કાંતિભાઈ કાલાણી, જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ, શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સેક્રેટરી સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ અને રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજે યુવા વર્ગને સંબોધ્યો હતો અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ચારિત્ર્ય ઘડતર, એકાગ્રતા કેળવવાના ઉપાયો, સર્જનાત્મક શક્તિનો વિકાસ, આત્મશ્રદ્ધા જગાડવાના ઉપાયો, રાષ્ટ્રીય એકતા માટે અને રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે યુવા વર્ગનો ફાળો વગેરે વિષયો પર રસપ્રદ ચર્ચા-વિચારણા થઈ હતી. યુવા પ્રતિનિધિઓએ આવી શિબિર અવારનવાર યોજાય તેવી ઇચ્છા પ્રગટ કરી હતી. આ પ્રસંગે તેમને જણાવવામાં આવ્યું હતું કે, દર માસના પ્રથમ અને ત્રીજા બુધવારે સાંજે ૬-૧૫ વાગ્યે ભાઈઓ માટે અને બીજા અને ચોથા બુધવારે સાંજે ૬-૧૫ બહેનો માટે યુથ સ્ટડી સર્કલનો કાર્યક્રમ યોજાય છે. તેમાં કોઈ પણ યુવા ભાઈ-બહેનો ભાગ લઈ શકે છે.

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.