હોલિસ્ટિક સાયન્સ એન્ડ વેદાન્ત
લેખક : સ્વામી જિતાત્માનંદજી,
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન,
મુંબઈ : ૧૯૯૧
મૂલ્ય : રૂ. ૪૫/-
પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – ૩૬૦ ૦૦૧

અધ્યાત્મવાદીઓ ‘તાઓ’ (માર્ગ, પન્થ) ને ઓળખે છે પણ એની શાખાઓને નહીં; વૈજ્ઞાનિકો એની શાખાઓને ઓળખે છે પણ એના મૂળને નહીં. વિજ્ઞાનને અધ્યાત્મની આવશ્યક્તા નથી અને અધ્યાત્મને વિજ્ઞાનની નથી, પણ માનવીને બંનેની આવશ્યક્તા છે.

મહાન વૈજ્ઞાનિક અને ચિંતક ફ્રીટ્જોફ કાપ્રાના ‘તાઓ ઓફ ફિઝિક્સ’માંના આ શબ્દો સૂચક છે. માનવીને અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેની આવશ્યક્તા છે, અને એટલું જ કે કદાચ વધારે અગત્યનું કાર્ય અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે સેતુ બાંધવાનું છે. આ સદીના આરંભથી ધીમે પણ મક્કમ પગલે વિજ્ઞાન અધ્યાત્મ ભણી જઇ રહ્યું છે. કાપ્રાનું પ્રદાન જ એનો સબળ પુરાવો છે. પરિણામે દેહનો અને મનનો, પદાર્થનો અને શક્તિનો, સ્થૂળ અને સૂક્ષ્મનો પશ્ચિમમાં જે જુદો જુદો વિચાર, એકાંગી વિચાર કરવામાં આવતો હતો તેને બદલે હવે સૃષ્ટિ સમગ્રનું, સમગ્ર બ્રહ્માંડનું સર્વાંગી (હોલિસ્ટિક) દર્શન કરવા તરફ વિજ્ઞાન વધી રહ્યું છે. દોઢસો પાનાંના આ પુસ્તકમાં, રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજીએ પાશ્ચાત્ય વિજ્ઞાનને લાધેલા આ નવલા દર્શન અને વેદાન્ત વચ્ચે રહેલા અદ્ભુત સામ્યને સુંદર રીતે રજૂ કર્યું છે.

બેયકને અને દેકાર્તે જેનો પાયો નાખ્યો હતો અને ન્યૂટને જેને સુદૃઢ બનાવ્યું હતું તે પાશ્ચાત્ય વિજ્ઞાન, કાપ્રા જણાવે છે તે પ્રમાણે, મૂળને, આત્મતત્વને ઓળખતું જ ન હતું. ગઇ સદીમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ વિજ્ઞાનને ધર્મથી અને અધ્યાત્મથી એક ડગલું ઓર દૂર લઇ ગયો. પરંતુ એ જ સદીના અંત ભાગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે, ‘દેહ મૂર્તિમંત વિચાર છે’. (પૃ.૧૦) અને જગદીશચંદ્ર બસુએ વનસ્પતિની ચેતના નિદર્શિત કરી જડવાદી પાશ્ચાત્ય વિજ્ઞાનનો એક પાયો હચમચાવી નાખ્યો હતો. આઇન્સ્ટાઇન, નાઇલ્સ બોહ્‌ર, મેક્સ પ્લેન્ક, સ્ક્રોડિંજર, વગેરે વૈજ્ઞાનિકોનાં સંશોધનો, અણુનું વિભાજન, ક્વૉન્ટમ્‌, મિકેનિક્સ, ક્વાઝર અને ક્વાર્કની ગતિવિધિની શોધ, વિશ્વના આતલ ઊંડાણમાં વધારે ઊંડેરી દૃષ્ટિ, અણુમાં તેમ જ બ્રહ્માંડમાં જોવા મળતો ‘અખંડ રાસ’ આ, અને આવી બધી શોધોએ તથા વેદાન્ત, ઉપનિષદો, ઝેન અને તાઓના અધ્યયને, વૈજ્ઞાનિકોની અંતરની આંખ ખોલી નાખી.

આ થયું ન હતું ત્યાં સુધી મનુષ્ય પ્રત્યે, ભૌતિક, જૈવિક, સામાજિક કે પરાભૌતિક શાસ્ત્રો પ્રત્યે જોવાની પશ્ચિમની દૃષ્ટિ એકાંગી, પૃથક્કરણશીલ હતી. આપણાં પ્રાચીન શાસ્ત્રો જીવનની સમગ્રતાને, બ્રહ્માંડમાં વ્યાપ્ત એકતાને સ્વીકારીને ચાલતાં. પરંતુ, પાશ્ચાત્ય વિચારસરણીના ઓગણીસમી સદીથી આરંભાયેલા આક્રમણ હેઠળ આપણા કેટલાય અર્વાચીન શાસ્ત્રજ્ઞો પશ્ચિમની આ એકાંગી દૃષ્ટિના ઉપાસક બની ગયા હતા. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની અદાથી કરાયેલું શ્રી જગદીશચન્દ્રનું પ્રદાન આમાં ભાત પાડનારું બન્યું. વનસ્પતિશાસ્ત્રની એમની શોધ એક દિશામાં જનારી હતી તો ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રીઓએ બીજી દિશા દેખાડી. આઇન્સ્ટાઇને કાલના ચતુર્થ પરિમાણનું કાર્ય બતાવ્યું, સ્વામી વિવેકાનંદે પોતાની વિશિષ્ટ અને પ્રભાવક રીતે આ કાર્યને વેગ આપ્યો. એ સમયના અગ્રગણ્ય અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેયમ્સને સ્વામીજી મળ્યા. પરિણામે વર્તનવાદી માનસશાસ્ત્રનો પાયો નાખનાર જેયમ્સે ધર્મનું માનસશાસ્ત્ર પુસ્તક લખ્યું. વળી, ભૌતિક શાસ્ત્રની વિદ્યુત શાખાના નામાંકિત વૈજ્ઞાનિક ટેસ્લાને પણ સ્વામી વિવેકાનંદ મળ્યા હતા અને તેમની સાથે સ્વામીજીએ વેદાન્ત અને વિજ્ઞાન વચ્ચેના ઐક્યની ચર્ચા કરી હતી. આ સદીની પહેલી પચ્ચીસીમાં આઇન્સ્ટાઇન, બોહર, વગેરેનાં સંશોધનોએ વિજ્ઞાનની મર્યાદાઓ સ્વીકારવાનું અને પૌરસ્ત્ય દર્શનોમાં રહેતા સત્યને આવકારવા તરફનું વલણ પેદા કર્યું.

સ્વામી જિતાત્માનંદજીના આ ગ્રંથમાં નવ પ્રકરણો આ વલણનો ઉદ્ભવ અને વિકાસ આલેખે છે. વિજ્ઞાનની કોઇ પણ શાખાનો, કોઇ પણ માનવપ્રવૃત્તિનો, અરે! વિશ્વમાંની કોઇ પણ ઘટનાનો એકાંગી ખ્યાલ કરવાને બદલે સર્વાંગી વિશ્વનો સમગ્રતયા ખ્યાલ કરવા તરફ, વેદાંતના અભેદ તરફ આજનું વિજ્ઞાન કેવી રીતે વધી રહ્યું છે તે, જુદા જુદા વૈજ્ઞાનિકોનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંના પ્રદાન અને તેમનાં મંતવ્યો સાથે સ્વામી જિતાત્માનંદજીએ સાધાર અને સચોટ રીતે દર્શાવ્યું છે. એમાં પદાર્થની, ઊર્જાની અને તેનાં ક્ષેત્રોની, ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રની, ચેતના શક્તિની, એમ વિવિધ વૈજ્ઞાનિક પરિકલ્પનોની ઝીણવટભરી માંડણી અને છણાવટ કર્યા પછી, સ્વામી જિતાત્માનંદજી સાંખ્યની, ઉપનિષદોની, વેદાન્તની, અણુમાં વિશ્વની અને પિંડમાં બ્રહ્માંડની અદ્ભુત વાતો કરે છે.

‘એકમાં અનેક અને અનેકમાં એક’નું આશ્ચર્યજનક જીવંત ઉદાહરણ શ્રીરામકૃષ્ણ હતા. એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદને થયેલું આ અભેદનું દર્શન, જિતાત્માનંદજી વિવેકાનંદના જ બળુકા શબ્દોમાં રજૂ કરી એમના આર્ષદર્શનની પ્રતીતિ આપણને કરાવે છે.

ભેદ એક નહીં પણ અનેકનું દેખાવું માત્ર છે એમ મેક્સ પ્લેન્ક અને સ્કોડિંજર સ્વીકારે છે (પૃ. ૧૦૬) પુસ્તકના પાંચમા અને છઠ્ઠા પ્રકરણોમાં જિતાત્માનંદજી મન, મગજ અને ચેતન વિશે અર્વાચીન વિજ્ઞાનનાં તારણોની તુલના ભારતીય દર્શનશાસ્ત્રમાંની ને ત્રણેયને લગતી વિચારણા સાથે કરે છે. વાઇઝેકર, વાલ્ડ, પાઉલી જેવા નોબેલ, પારિતોષિક વિભૂષિત વૈજ્ઞાનિકો ચેતના અને ભૌતિક પદાર્થને ‘સત્યનાં બે પાસાં’ (પૃ. ૭૩) કહે છે; મનોવૈજ્ઞાનિક મેસ્લોવ ‘સાજા કરવાના’ માનસશાસ્ત્રની નહીં પણ, સ્વામી વિવેકાનંદજીના being and becomingનો પડઘો પાડતા હોય તેમ ‘હોવાના માનસશાસ્ત્ર’ (Psychology of Being) – ની, ‘આત્મમૂર્તતત્ત્વ’ (Self Actualisation) સ્વામી જિતાત્માનંદ એને યોગ્ય રીતે જ ‘આત્મ-સાક્ષાત્કાર’ (Self Realisation)ની સાથે સરખાવે છે. વાત કરે છે. (પૃ. ૮૪) : આ બધી અર્વાચીનોની વાતોને જિતાત્માનંદજી સાંખ્ય અને રાજયોગ, વેદાન્ત અને ઉપનિષદો અને પાતંજલ યોગશાસ્ત્રના ભવ્ય પ્રદાનના પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. (પૃ.૬) અને, આજનું વિજ્ઞાન વેદાન્તની કેટલું સમીપ આવી ગયું છે તે જિતાત્માનંદજી સદૃષ્ટાંત સચોટ રીતે દર્શાવે છે. આ તુલના કરવામાં પૂર્વ અને પશ્ચિમના, પ્રાચીન અને અર્વાચીન પ્રદાનનું સામ્ય દર્શાવવામાં જિતાત્માનંદજી સ્વામી વિવેકાનંદજીના શબ્દ સાગરનો છૂટથી ઉપયોગ કરે છે. આ પ્રકરણનો અંત ‘કઠોપનિષદ’ના (૧:૩:૩, ૪, ૯) વેધક મંત્રો.

आत्मानं रथिनं विद्धि….तद्विष्णोः परमपदम् | – થી આવે છે. ‘શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધાત્મા એક’ – એ શ્રીરામકૃષ્ણની અમૃતવાણી આ પ્રકરણનું ઇતિવાક્ય છે.

ગ્રંથનું સાતમું પ્રકરણ એક અગત્યનું પ્રકરણ છે. આઈન્સ્ટાઈન પછીથી કાલ (સમય)નું ચતુર્થ પરિમાણ વિજ્ઞાને સ્વીકાર્યું હતું. એ પરિમાણના સ્વીકારે પદાર્થને જોવાની નવી દૃષ્ટિ ખોલી આપી હતી. આપણાં પ્રાચીન દર્શનશાસ્ત્રોના પુરુષ અને પ્રકૃતિને મળતા ચીની યીન અને યેનનો સ્વીકાર નાઈલ્સ બોહ્‌ર એ માટે કરે છે કે એથી વાસ્તવિકતા – સત્યનું દર્શન પૂર્ણ બને (પૃ. ૧૦૫). સ્ક્રોડિંજર એક પગલું આગળ ભરે છે અને કવોન્ટમ્‌ ભૌતિક શાસ્ત્રમાં મહત્ત્વનું પ્રદાન કર્યા પછી એવા તારણ પર આવે છે કે, ‘અનેકતાનું ભાન માયા છે’ (પૃ.૧૦૬). બીજા ક્વૉન્ટમ્‌ ભૌતિકશાસ્ત્રી એવરેટ વ્હીલર એવા તારણ પર આવે છે કે ‘બાહ્ય વાસ્તવિકતા દ્રષ્ટાકૃત વાસ્તવિકતા છે’. (પૃ. ૧૦૮). સ્ટ્રોમ્બર્ગ સ્થલકાલનાં પરિમાણોથી પર ‘આધ્યાત્મિક જગત’ની વાત કરે છે અને વૈશ્વિક ચેતનાનો સ્વીકાર કરે છે. (પૃ.૧૦૮) બ્રિટિશ વૈજ્ઞાનિક અને ફિલસૂફ બેનેટ આ તત્ત્વને ‘પાંચમું પરિમાણ’ કહે છે.

આઠમા પ્રકરણમાં આજના વૈજ્ઞાનિકો અદ્વૈત વેદાંતના બ્રહ્મની ખોજ કેવી કરી રહ્યા છે તે આઈન્સ્ટાઈન, મેક્સ પ્લેન્ક, જેયમ્સ જીન્સ, ઓડિંગ્નન, સ્ક્રોડિંજર, વગેરે વૈજ્ઞાનિકોના આધારોથી જિતાત્માનંદજીએ સરસ રીતે રજૂ કર્યું છે. તેઈલાર્દ દ શાર્દે (Teilard De Chardin) અને પ્રિગોજિને રજૂ કરેલી માન્યતાઓને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં રજૂ કરી તે માન્યતાઓને વધારે સ્પષ્ટ અને સુરેખ સ્વરૂપ આપવામાં જિતાત્માનંદજીએ અદ્ભુત કાર્ય કર્યું છે. એમુઅરિ દ રેઈકોર્ટ (Amuary de Reincourt) જીવનની, ચૈતન્યની અખંડિતતા સમજાવવા શ્રીરામકૃષ્ણે આપેલું, સરળતાથી ગળે ઊતરે તેવું સમુદ્રમાં ડૂબેલા ઘડાનું પ્રખ્યાત દૃષ્ટાંત આપે છે. સમુદ્રમાં અને તેમાં ડૂબેલા ઘડામાં, એક જ પાણી છે; ઘડાનું હુંપણું તેને જુદું માને છે. (પૃ. ૧૩૧).

પરંતુ અભેદ તો અનુભૂતિની વસ્તુ છે. ‘ધ ડેન્સિગ વુ લિ માસ્ટર્સ’ નામના પોતાના અદ્ભુત પુસ્તકમાં ગેરી ઝુકોવ ફિન્કલ્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક સાથેનો એક સંવાદ ટાંકે છે. (પૃ.ર૬૨) :

પ્રશ્ન : તમે એ (ક્વોન્ટમના) અનુભવનો વિનિમય કેવી રીતે કરો?

ઉત્તર : કરી શકાય જ નહીં. પણ તમે કવૉન્ટા (ક્વૉન્ટમનું બ.વ.) કેવી રીતે બનાવો છો અને પછી તેમને કેવી રીતે માપો છો તે કહી, બીજાંને તે પ્રાપ્ત કરતાં કરી શકો છો. અને ફિંકલ્સ્ટાઈન આધ્યાત્મિક અનુભૂતિની વાત નથી કરતા; તેઓ તો માત્ર કવૉન્ટાની વાત કરે છે!

આમ, જેને સ્પર્શી શકાય, જોઈ શકાય. બીજી ઇંદ્રિયો દ્વારા જેનો અનુભવ કરી શકાય અને જેને પ્રયોગો દ્વારા પુરવાર કરી શકાય તે જ સત્ય છે, એમ માનનારા પાશ્ચાત્ય વિજ્ઞાન દેકાર્ત અને ન્યૂટનના ગ્રહણમાંથી મુક્ત થઈ અદ્વૈતના, સૂર્યના, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ની અનુભૂતિના પ્રકાશ તરફ થઈ રહ્યું છે અને ‘નેત્ર વીણ નીરખવો, સ્પર્શ વીણ પરખવો, વણ જિહ્‌વાએ રસ સરસ પીવો.’ એ દિવ્યાનુભૂતિ પામવા મથી રહ્યું છે.

સ્વામી જિતાત્માનંદજીએ આ પુસ્તકનાં વિવિધ પ્રકરણોમાં પાશ્ચાત્ય વિજ્ઞાનમાં આવી રહેલા આ પરિવર્તનની ઝાંખી, એ વૈજ્ઞાનિકોના નિજના શબ્દોમાં દર્શાવી સ્વામી વિવેકાનંદની વાણીથી એને પરિપૃષ્ટ કરી છે. આ કઠિન કાર્ય જિતાત્માનંદજીએ સબળ અને સફળ રીતે પાર પાડ્યું છે.

જિતાત્માનંદજીનું વિશાળ વાચન, બુદ્ધિની ખરલમાં તેને ઘૂંટી તેને આત્મસાત્ કરવાની મેધા, તેમની વ્યુત્પન્ન વિદ્વતા, તેમનો તુલનાત્મક અભ્યાસ અને તેમના ચિંતનનું ઘેરું ઊંડાણ આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. તે સાથે આવા ગંભીર વિષયને જિતાત્માનંદજીએ પુષ્પના માર્દવથી, સીધી અને સરળ વાણીમાં, સદૃષ્ટાંત અને સાધાર અને રુચિકર શૈલીમાં રજૂ કરી વિષય પરનું પોતાનું પ્રભુત્વ તેમ જ ભાષા પરનો કાબૂ દાખવેલ છે. સ્વામી વિવેકાનંદનાં આર્ષદર્શી લખાણો કે વ્યાખ્યાનોમાંથી ઉતારાઓ આપી પોતાની વાતને જડબેસલાક બેસાડતાં કે શ્રીરામકૃષ્ણનાં ‘મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ’ કે ‘સમુદ્રના જલમાં રહેલા ઘડા’ જેવાં સોંસરાં ઊતરી જાય તેવાં દૃષ્ટાંત વડે વાતનું પૂર્ણવિરામ વાળી દેવામાં સ્વામી જિતાત્માનંદનો ઉત્સાહ ચેપી છે.

આવા સુંદર પુસ્તકનો અનુવાદ ભારતીય ભાષાઓમાં થવો ઘટે.

દુષ્યત પંડ્યા

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.