પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલા અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતાં, સિંહના જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.

હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે બીજા કોઈ પણ ધર્મે પૃથ્વી ઉપર મનુષ્યત્વના ગૌરવનો પ્રચાર કર્યો નથી; અને હિંદુ ધર્મની જેમ અન્ય કોઈ ધર્મે પૃથ્વી ઉપર ગરીબ અને નીચલા વર્ગો ઉપર જુલમ ગુજાર્યો નથી. ઈશ્વરે મને બતાવ્યું છે કે તેમાં ધર્મનો દોષ નથી. પણ દોષ છે, હિંદુ ધર્મમાં ઘૂસી ગયેલા પેલા રૂઢિજડ અને પંડિતાઈનું ઘમંડ ધરાવતા કપટીઓનો, કે જેઓ ‘પારમાર્થિક અને વ્યાવહારિક’ સિદ્ધાંતોને નામે દરેક પ્રકારના જુલમનાં સાધનો શોધી કાઢે છે.

નિરાશ થશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો, “કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.” કટિબદ્ધ થાઓ, વત્સ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મરતાં મેં જોયાં છે; ઉપહાસ  અને અવિશ્વાસનો હું ભોગ બન્યો છું. તથા જે માણસો મને હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગંબરોને માટે એ દયા, ધૈર્ય તેમ જ મુખ્યત્વે તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ ડગે નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે. હું તેમની દયા ખાઉં છું. તેઓનો કંઈ દોષ નથી. સમાજમાં ભલે તેઓ મોટા હોય અને ઉચ્ચ સ્થાને બિરાજતા હોય; છતાં તેઓ બાળકો છે. ખરેખર, તેઓ બાળકો છે. પોતાની દિનચર્યા, ખાવું, પીવું, કમાવું, સંતાનો પેદા કરવાં ને ગણિતના જેવી ચોકસાઈથી એકબીજાને અનુસરવું-આવી તેમની સાવ નજીક રહેલી ક્ષુદ્ર ક્ષિતિજથી આગળ તેમની આંખો કશું જોઈ શક્તી નથી. આટલાંથી બહારનું કશું તેઓ જાણતા નથી. આ સ્વસુખમાં રાચતા અલ્પ આત્માઓ! તેમની ઊંઘમાં કદી ખલેલ પડતી નથી. સદીઓના જુલમનાં પરિણામરૂપે ભારતમાં પ્રવર્તી રહેલા સંતાપો, દુ:ખ, અધ:પતન અને ગરીબીની ચીસો તેમનાં જીવનરૂપી સુંદર દીવાનખાનામાં કદાપિ ખલેલ પાડતાં નથી. યુગોથી ચાલ્યા આવતા માનસિક, નૈતિક અને શારીરિક જુલમોએ પ્રભુની પ્રતિકૃતિ સમા મનુષ્યને કેવળ ભારવાહી પશુની કોટિમાં ઉતારી દીધો છે; જગદંબાના પ્રતીક સમી સ્ત્રીને સંતાન પેદા કરનાર ગુલામડી બનાવી મૂકી છે, અને ખુદ જિંદગીને એક શાપરૂપ કરી મૂકી છે, તેનો તમને સ્વપ્નેય ખ્યાલ નથી. પરંતુ બીજા કેટલાક એવા છે કે જેઓ આ બધું જુએ છે, જેમને લાગી આવે છે અને પોતાના હૃદયમાં લોહીનાં આંસુ વહાવે છે. આવા લોકો માને છે કે આનો ઉપાય છે જ. અને કોઈ પણ ભોગે, પ્રાણત્યાગ કરવો પડે તો પણ, આ ઉપાય અજમાવવા માટે તેઓ તૈયાર છે અને “આવા લોકોને જ પ્રભુનું રાજ્ય સાંપડે છે.”

– સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદના પત્રો પૃ. ૨ થી ૪)

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.