આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક હાથમાં દંડ, બીજા હાથમાં કમંડળ, પોટલામાં ગીતા અને Immitation of Christ- આ પુસ્તકો લઈ મોટે ભાગે પગપાળા હિમાલયથી કન્યાકુમારી સુધી તેમણે જુલાઈ ૧૮૯૦ થી ડિસેમ્બર ૧૮૯૨ સુધી પરિવ્રાજક રૂપે ભ્રમણ કર્યું હતું. ગુજરાતનું મોટું સદ્‌ભાગ્ય છે કે, આ સમયગાળાનો કદાચ સૌથી મોટો ભાગ તેમણે ગુજરાતમાં ગાળ્યો. નવેમ્બર ૧૮૯૧માં તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો અને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ તેમણે વડોદરાથી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ત્યાં સુધી તેઓ ગુજરાતનાં વિભિન્ન સ્થળો અમદાવાદ, વઢવાણ, લીંબડી, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, પોરબંદર, ભૂજ, માંડવી, ભાવનગર, પાલિતાણા, નડિયાદ, વડોદરા, વગેરેમાં પરિભ્રમણ કરતા રહ્યા. ગરવી ગુજરાતની એવી તે કઈ જાદુઈ અસર હશે કે જેણે સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવને આટલા મહિનાઓ સુધી ઝકડી રાખ્યા! સ્વામી વિવેકાનંદના જીવનમાં તેમનો ગુજરાત પ્રવાસ એક મહત્ત્વપૂર્ણ અંશ બની રહ્યો. અહીંથી જ તેમને લીંબડીના મહારાજા યશવંતસિંહ અને પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિત પાસેથી વિદેશ જવાની પ્રેરણા મળી, અહીં જ સોમનાથ મંદિરના ભગવાન શંકર પાસે ઊંડા ધ્યાનમાં ભારતના ઇતિહાસની અને તેની વિશિષ્ટતાની નવી દૃષ્ટિ તેમને સાંપડી, અહીં જ તેમને વેદાંતની મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતની અનુભૂતિ – મૃગજળની અનુભૂતિ થઈ. અહીં જ પોરબંદરમાં તેમણે પાણિનિ વ્યાકરણનો અભ્યાસ પૂરો કર્યો, ફ્રેંચ ભાષા શીખ્યા. અને અહીં જ તેમણે દેશી રજવાડાંની રાજનૈતિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો અને આમજનતાની સમસ્યાઓ સમજી. ગુજરાતે પણ તેમની પાસેથી કેટકેટલું મેળવ્યું! અમદાવાદના સબ જજ શ્રી લાલશંકર ઉમિયાશંકર તરવાડી, લીંબડીના મહારાજા યશવંતસિંહ, ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહ, કચ્છના મહારાજા ખેંગાર (ત્રીજા), જૂનાગઢના દીવાન શ્રીહરિદાસ બિહારીદાસ દેસાઈ, વડોદરાના દીવાન શ્રી મણિલાલ જશભાઈ, વગેરે સાથે તેમણે રાજ્યની મહત્ત્વપૂર્ણ સમસ્યાઓ વિષે અને રાજ્યના વિકાસ અંગેની જે ચર્ચા કરી તેનો પ્રભાવ ગુજરાતના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ પર અવશ્ય પડ્યો હશે. જાણીતા સાહિત્યકારો શ્રી મનસુખરામ ત્રિપાઠી, શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, વગેરે પર અને તેમના સાહિત્ય પર પણ સ્વામીજીના સંપર્કની અસર અવશ્ય પડી હશે. જો કે આ બધી બાબત તો સંશોધનનો વિષય છે. પણ એટલું ખરું કે, સ્વામી વિવેકાનંદનું ગુજરાત પરિભ્રમણ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના છે. એટલા માટે આ વર્ષે સમસ્ત ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે, તે અત્યંત આવકાર્ય છે. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અનેક પ્રકલ્પો યોજાઈ રહ્યા છે. વર્તમાન ગ્રંથાલયના ભવનનું વિસ્તરીકરણ અને તેમાં એક કાયમી ધોરણે સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ, એમનાં ચિત્રોનું પ્રદર્શન, યુવ-શિબિર અને પરિસંવાદોનું આયોજન, આ પ્રસંગે વિશેષ સ્મરણિકાનું પ્રકાશન, સસ્તા મૂલ્યે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું પ્રકાશન અને વિતરણ વગેરે. ગુજરાતનાં અન્ય સ્થળોએ પણ ભક્ત-મિત્રો દ્વારા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. શાળા-કૉલેજોમાં સ્વામી વિવેકાનંદનાં જીવન-સંદેશ વિષેની ચર્ચાઓ, યુવ-સંમેલનો, સ્મરણિકાનું પ્રકાશન, જાહેર સભાઓ, વગેરેનું આયોજન, કાયમી ધોરણે સ્થાનિક કેન્દ્રની સ્થાપના વગેરે. જે મકાનોમાં મહામાનવ સ્વામીજીએ નિવાસ કર્યો હતો તે પાવન સ્થળોએ સ્મૃતિમંદિરો બને અને તેમનો સદુપયોગ થાય તો આ શતાબ્દીઉજવણીની ઉપલબ્ધિ ગણાશે. આશા કરીએ કે, સ્વામી વિવેકાનંદના પ્રશંસકો અને સરકારી અમલદારો આ માટે પૂરતા પ્રયત્નો કરશે. દૂરદર્શન, આકાશવાણી, સમાચાર પત્રો, વગેરે આ શતાબ્દી ઉજવણીમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે એમ છે.

આજે આપણે અત્યંત કટોકટીમય સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, દેશની એકતા જોખમમાં છે. ચારે તરફ ભ્રષ્ટાચાર, કાળાંબજાર, વગવસીલાવાદ વ્યાપ્યાં છે. શિક્ષણમાં પણ મૂલ્યોનો હ્રાસ થઈ ગયો છે, ત્યારે સ્વામી વિવેકાનંદની દેશને અત્યંત વધુ આવશ્યકતા છે. સ્વામી વિવેકાનંદજીએ પોતાનો ભૌતિક દેહ ૧૯૦૨માં ત્યાગ કરી દીધો પણ તેમણે કહ્યું હતું – “એવું બની શકે છે, હું મારા દેહને એક જૂના વસ્ત્રની માફક ત્યાગી દઉં પણ ત્યાં સુધી હું અવિરત કાર્ય કરતો રહીશ, જ્યાં સુધી સમસ્ત જગત ઈશ્વર સાથે એકત્વની અનુભૂતિ ન કરી લે.” આજે પણ સ્વામી વિવેકાનંદ સૂક્ષ્મ રૂપે હાજર છે. વિશેષ રીતે તેમનાં પુસ્તકોમાં તેમના અક્ષરદેહનો તેમના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાની આજે તાતી જરૂરિયાત છે. કોણ આ કાર્ય કરશે? સ્વામીજીની આશા યુવા પેઢી પર હતી. તેમણે કહ્યું હતું, “મને આ યુવા પેઢીમાં, નવી પેઢીમાં શ્રદ્ધા છે અને એ યુવા સમૂહમાંથી જ મને સેવાના રંગે રંગાયેલા કાર્યકરો મળી રહેશે અને તેઓ જ જવાંમર્દ – નરસિંહ બનીને સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢશે.” તેમનું આહ્વાન હતું – “પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલા, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવીને, સિંહના જેવી હિંમત દાખવતાં એક લાખ સ્ત્રીપુરુષોએ મુક્તિ, સેવા, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં આપતાં આ દેશને એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.” શું યુવાવર્ગ આ સાદ સાંભળશે?

જો સ્વામી વિવેકાનંદના આવા પ્રેરણાદાયી સંદેશને લઈને યુવાનો સમસ્ત ગુજરાતમાં ઠેર ઠેર ફરી વળશે, તો એક નવીન જુવાળ આવશે, સમસ્ત ગુજરાતમાં અને પછી સમસ્ત રાષ્ટ્રમાં નવચેતનાનો ધબકાર થશે, સમસ્ત વિશ્વમાં નવજાગરણ આવશે, તો જ આ પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી સાર્થક થશે. જેમ સ્વામી વિવેકાનંદે ભૌતિક દેહે સમસ્ત ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. તેમ તેમનો અક્ષરદેહ ખૂણે ખૂણે ફરી વળે અને ત્યાગ અને સેવાના આદર્શથી રંગાયેલા હજારો યુવક-યુવતીઓ આ પુનર્જાગરણના કાર્યમાં મંડી પડે તો જ આ ઉજવણી સાર્થક થશે. આ પ્રસંગે આપણે સ્વામીજીને વીનવીએ, “આવો સ્વામીજી, આવો! આપ ફરીથી પધારો. આજથી એકસો વર્ષો પૂર્વે આપે જ્યારે ભૌતિક દેહે ભ્રમણ કર્યું હતું ત્યારે જેટલી આવશ્યકતા હતી તેનાથી વધુ આવશ્યકતા આજે અમને આપની છે. આપ આવીને અમારા હૃદયની કાયરતા અને કાલિમા દૂર કરી તેને નવીન ઉત્સાહથી ત્યાગ અને સેવાની ભાવનાથી ભરી દો. જેથી આપના સંદેશ પ્રમાણે કાર્ય કરીને આપના સ્વપ્નના ભારતનું નિર્માણ કરી શકીએ – વિશ્વમાં નવજાગૃતિ લાવી શકીએ.”

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.