(દૃશ્ય : સવારનો પહોર; પાર્શ્વભૂમિમાંથી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એક ઝાડ નીચે બેસીને સ્વામીજી ધ્યાન કરી રહ્યા છે. પાર્શ્વભૂમિમાંથી આગગાડીની સિસોટીનો અવાજ સંભળાય છે. રંગમંચના એક ખૂણે એક ઝાડુવાળો શાંતિથી પોતાનું કામ કરી રહ્યો છે. પડદા પાછળ ‘ચિદાનન્દરૂપ: શિવોડહં શિવોડહમ્’નું સ્તોત્ર ગવાઈ રહ્યું છે.)

સ્વામી વિવેકાનંદ : આ મારી માતૃભૂમિ ભારત એ પુણ્યભૂમિ છે કે, જ્યાંથી માનવની દિવ્યતાનો આ મહાન સંદેશ, એક દિવસે આખી દુનિયામાં ફરી વળશે અને એ સંદેશ, આ ભૌતિકવાદી યુગમાં નવા પ્રાણ પૂરશે; પણ આજે તો ભારત કોઈ પ્રાગૈતિહાસિક મહાકાય પ્રાણીની પેઠે ઘોરી રહ્યો છે. વેદોનો શાશ્વત ધર્મ-સનાતન ધર્મ આજે લોકાચાર અને સ્પૃશ્યાસ્પૃશ્યતાથી ઢબુરાઈ ગયો છે. માનવની સ્વરૂપગત દિવ્યતા વિસરાઈ ગઈ છે અને એટલે જ તો ભારત સદીઓથી ખીણમાં ખદબદતું પડ્યું છે. પણ સર્વ પ્રાણીઓમાં રહેલી એ દિવ્યતાને, એ સનાતન ધર્મને પુન: સ્થાપવા માટે આ યુગમાં શ્રીરામકૃષ્ણે અવતાર લીધો છે. હવે ભારત જાગશે; પણ એ કંઈ તોપો અને બંદૂકોની મદદ લઈને નહિ. એ તો જાગશે ત્યાગ અને સેવાના વિજયધ્વજની અને સંન્યાસીના ભગવાં કપડાંની જ સહાયથી.

(બે પુરોહિતો પ્રવેશે છે અને ઝાડુવાળાને કહે છે.)

મોટો પુરોહિત : અલ્યા એય, દૂર હટ, દૂર હટ, સાલા મૂરખા! હે ભલા ભગવાન, આ સવારના પહોરમાં જ આ ઝાડુવાળાના સાવરણાએ ઉડાડેલી ધૂળ ફૂંકવાનું જ મારા નસીબમાં ક્યાં વળી લખ્યું હશે? (નાના પુરોહિત તરફ ફરીને) આ ગધેડાઓ ક્યારેય સમજવાના નથી કે આપણે જ ભગવાનના સાચા રખેવાળ છીએ.

નાનો પુરોહિત : અલ્યા આઘો મરને! દેખતો નથી શું કે આ પૂજવાલાયક ગોરમહારાજ આવે છે તે? અરે, એમના પવિત્ર શરીર ઉપર તારો પડછાયો પડશે ને, તોય એમને વધુ એક વાર નાહવું પડશે. (ઝાડુવાળો બાઘા જેવો બનીને એક બાજુ સંકોચાઈને ઊભો રહે છે. બરાબર આ જ સમયે સ્વામી વિવેકાનંદ પોતાની આંખો ખોલે છે અને આસનેથી ઊભા થાય છે. તેમણે પરિવ્રાજક સંન્યાસીનો પોશાક પહેર્યો છે.)

સ્વામી વિવેકાનંદ : (લાગણીપૂર્વક ઝાડુવાળા તરફ જુએ છે અને પછી પેલા બંને તરફ કઠોરતાથી જુએ છે.) હર એક આત્મા શાશ્વત રૂપે દિવ્ય, નિર્મલ આત્મા છે, હરેક આત્મતત્ત્વમાં અપાર જ્ઞાન અપાર શક્તિ, અપાર દિવ્યતા નિહિત છે. એમાંય માનવ તો બધાં સચેતન પ્રાણીઓનો તાજમહેલ છે, સર્વશ્રેષ્ઠ છે, એ તો છે ઈશ્વરની દૃશ્ય અભિવ્યક્તિ! અને એટલે જ માનવ માનવ વચ્ચે – પુરોહિત કે પરીહા વચ્ચે ઊંચનીચના ભેદભાવોની કશી જ જરૂર નથી.

મોટો પુરોહિત : (નવાઈ પામીને નાના પુરોહિતને) કોણ છે આ અજાણ્યા સાધુ મહારાજ!

નાનો પુરોહિત : (મોટા પુરોહિતને) એ લાગે છે તો જ્ઞાન પ્રસરાવતા સાક્ષાત્ શિવ સમાન હોં!

મોટો પુરોહિત : (સ્વામીજીને) પણ બાપજી, આપ તો જાણો જ છો ને, કે હિન્દુ ધર્મ તો વર્ણનો ધર્મ છે!

સ્વામી વિવેકાનંદ : ના, બિલકુલ નહિ; વર્ણો તો માત્ર એક પ્રવાહમાંથી રૂઢ બની ગયેલી સામાજિક સંસ્થા જ છે. એણે હજારો વર્ષ સુધી ભારતની સેવા કરી, એ ખરું, પણ અત્યારે તો હવે એ વર્ણવ્યવસ્થા માનવ માનવ વચ્ચે ભેદની ભીંતો સમી બનીને સ્થાપિત હિતોને પોષવાના સાધન સમી બની ગઈ છે. આજે તો એ ભારતના વાતાવરણને દુર્ગંધથી ભરી રહી છે અને લોકોને એમનું ખોવાયેલું વ્યક્તિત્વ પાછું આપીને જ એ દૂર કરી શકાશે.

મોટો પુરોહિત : મહારાજ, અમને તો આપ આ શબ્દોથી શું કહેવા માગો છો, એની ગતાગમ પડતી નથી. પણ પૂજારી, પુરોહિત જ તો સ્વર્ગે પહોંચાડવાની એકમાત્ર સીડી છે ને? આજે સોમવાર છે. ભગવાન શિવજીનો વાર! હું આ શિવમંદિરનો વડો પૂજારી છું. આજે સવારે મેં પવિત્ર સ્નાન કર્યું અને પછી શરીરે પવિત્ર વિભૂતિ લગાડીને હવે હું આ પવિત્ર મંદિર તરફ જઈ રહ્યો છું.

નાનો પુરોહિત : અને એ જ વખતે આ ઝાડુવાળો બેશરમ થઈને એમના રસ્તા આડો ઊભો રહ્યો. મૂરખો નહિ તો! એને એટલીય સમજણ નથી કે, આ પૂજ્ય પૂજારી મહારાજથી એણે ઓછામાં ઓછા ત્રણ વાર છેટે જ ઊભા રહેવું જોઈએ.

સ્વામીજી : ભાઈઓ, પવિત્રતા એ કોઈ બહારની વસ્તુ નથી; એ તો છે અંદરની, અંતરની વસ્તુ. પવિત્ર મન તો કામ, ક્રોધ, લોભ અને ધિક્કાર વિનાનું જ હોય! ‘પોતે પવિત્ર રહેવું અને અન્યનું ભલું કરવું’ –  એ જ સર્વે પ્રાર્થનાનું સારતત્ત્વ છે. જે મનુષ્યો દીનહીનો અને રોગી-અપંગોમાં શિવનાં દર્શન કરે છે તે જ શિવની સાચી પૂજા કરે છે, પણ જો એ ખાલી મૂર્તિમાં જ શિવને જોતો હોય તો એની તે પૂજા માત્ર એકડો ઘૂંટવા જેવી સ્થિતિમાં જ છે. ખાલી મંદિરોમાં જઈને જ ભગવાન શિવનાં દર્શન કર્યા કરતા માણસ કરતાં જાતિપાંતિના બધા ભેદોને ભૂલીને કોઈ એક ભૂખ્યા દુ:ખ્યામાં શિવનાં દર્શન કરીને જે માણસ એને મદદ કરે છે, તેના ઉપર શિવ વધારે પ્રસન્ન થાય છે. જેવી રીતે તમે બંને મારા ભાઈઓ છો, તેવી જ રીતે આ ઝાડુવાળો પણ મારો ભાઈ છે. જેમ તમે સાચી રીતે શિવસ્વરૂપ છો, તેવી જ રીતે આ પણ સાચી રીતે શિવસ્વરૂપ જ છે.

(ઝાડુવાળો ખૂબ સન્માનપૂર્વક સ્વામીજીનાં ચરણોમાં ઘૂંટણિયે પડે છે.)

ઝાડુવાળો : મહાત્મા, આવું તો ક્યારેય કોઈએ અમને કહ્યું નથી. અમે તો જનમ ધરીને બીજાઓ પાસેથી ફક્ત આવું જ સાંભળતા આવ્યા છીએ કે, ‘અડીશ મા, એય! અમને અભડાવતો નહિ. અલ્યા! રખે અડી જતો, અમને ઊંચાને પવિત્રને અડતો નહિ.’ અત્યાર સુધી તો લોકોએ અમને ધૂત્કાર્યા કર્યા છે, અમને કશી ગણતરીમાં લીધા નથી, આવો પ્રેમ, આવી માયામમતા અમે પહેલાં ક્યારેય જોઈ જાણી નથી. આજ તો જાણે અમને તારવા માટે આપ ખુદ ભગવાન શંકર જ પધાર્યા છો.

સ્વામીજી : (લાગણીપૂર્વક) ના, રે ભાઈ! અને ભગવાન શિવ તો છે દેવોના પણ દેવ. પણ મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણે મને શીખવ્યું છે કે, એ જ શિવ મારામાં અને તારામાં પણ વસેલા છે.

(સ્વામીજી આશીર્વાદ આપતા હોય, તેમ પોતાનો હાથ એના માથા ઉપર ઊંચો ધરે છે, અને પછી પેલા પુરોહિતને.)

ભગવાનના માણસો તો બધા જ માણસોને પોતાના ભાઈઓ તરીકે લેખે છે.

(મોટો અને નાનો પુરોહિત બંને બાઘા જેવા બનીને ચારે તરફ જોવા લાગે છે.)

મોટો પુરોહિત : (નાના પુરોહિતને) અરે એય, ચાલો ચાલો, હવે આપણે જલદી ભાગીએ. આ અજાણ્યા સાધુમહારાજની વાતો આમ ને આમ સાંભળતા રહીશું તો મંદિરમાંથી પ્રસાદ અને ભગવાનને ધરેલ દાનદક્ષિણા – બધું ધૂળધાણી થઈ જશે. હવે સહેજ પણ રોકાયા વગર જલદી ભાગીએ!

(બંને ત્યાંથી ઉતાવળે ચાલ્યા જાય છે.)

(સ્વામીજી ઊંચે આકાશમાં જુએ છે.)

સ્વામીજી : અરેરે, કેટલું દુર્ભાગ્ય! કોઈનેય ખ્યાલ સરખો પણ નથી આવતો કે રાષ્ટ્ર ઝૂંપડાંમાં વસે છે. હજુ સુધી કોઈએ તેમને માટે કશું જ કર્યું નથી! (ઝાડુવાળાને) મારા વહાલા ભાઈ! હું તો ચોખ્ખેચોખ્ખું જોઉં છું કે, તમારાં ઝૂંપડાંમાંથી, ખેડૂતો અને મજૂરોની કોટડીઓમાંથી, જંગલોમાંથી, વનોમાંથી અને લઘરવઘરિયાં રહેઠાણોમાંથી જ નૂતન ભારત બેઠું થવાનું છે. જે સત્ત્વ એક રાજકુમારમાં કે વિશ્વ વિદ્યાલયના પ્રાધ્યાપકમાં છે, તે જ સત્ત્વ તમારા બધામાં પણ ભર્યું પડ્યું છે. તમારે માટે કામ કરવું એ તો મંદિરમાં કોઈ બ્રાહ્મણે કરેલી ઈશ્વરપૂજા જેવી જ એક ઈશ્વરપૂજા છે. મારા ગુરુદેવે મને શીખવ્યું છે કે, બધાં કામો ઈશ્વરપૂજા જ છે.

(ઝાડુવાળો ખૂણામાં કામ કરતો ઊભો રહે છે.)

(સ્વામીજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે અને અસ્વસ્થતાથી આમતેમ આંટા મારવા લાગે છે.)

સ્વામીજી : (ધીમેથી) હવે તો ભૂખ લાગી છે! છેલ્લા બે દિવસથી એ લોકોએ મને વાતો કરાવે રાખી. પણ કોઈએ મને અનાજનો એક કોળિયો પણ પરખાવ્યો નહિ! હું ભિક્ષા તો માગવાનો નથી. કારણ કે મેં પ્રતિજ્ઞા કરી છે કે કોઈની પાસે ભીખ ન માગવી અને આગ ઉપર અનાજ ન રાંધવું. જો ભગવાનની મરજી હશે, તો તે પોતે જ મને ખાવાનું મોકલશે અને નહિતર હું અહીં મજાથી મરી જઈશ.

(ઝાડુવાળો સ્વામીજી પાસે આવે છે.)

ઝાડુવાળો : મહારાજ, ક્ષમા કરજો. આપ ખૂબ ભૂખ્યા અને થાકેલા લાગો છો. પેલા પંડિતો અને ભણેલા ગણેલાઓએ બબ્બે દિવસ સુધી આપની સાથે વાતો કર્યા કરી પણ કોઈએ આપને કશું ખાવાનું તો આપ્યું નહિ, તેમ વળી આપે પણ તેમાંના કોઈની પાસે માગ્યું નહિ. તો મારી પાસેથી થોડુંક ખાવાનું સ્વીકારવાની કૃપા કરશો કે? મહેરબાની કરો ને, બાપજી! હું આપને માટે ચોખ્ખી રસોઈ કરાવીશ.

સ્વામીજી : (આકાશમાં જાણે કોઈને સંબોધતા હોય તેમ) હે મારા પ્રભુ, આજે જાણે કોઈ દેવદૂત હોય તેવો આ માણસ મને ભોજન માટે આમંત્રી રહ્યો છે! (ઝાડુવાળાને) હા ભાઈ, જે તને ગમે તે લઈ આવ. મારા પેટની આગ મને બાળી રહી છે.

(ઝાડુવાળો ઉતાવળથી બહાર જાય છે અને પશ્ચિમી પોશાકમાં સજ્જ થયેલા કેટલાક ગૃહસ્થો પ્રવેશે છે.)

પહેલો ગૃહસ્થ : (બીજાને) હા, હા, આ તો એ જ મહાત્મા છે કે, જેમની સાથે ગઈ કાલે આપણે તત્ત્વજ્ઞાનની પેટ ભરીને ચર્ચાઓ કરી હતી. (સ્વામીજીને) મહાત્મા, આપ શાની રાહ જોઈ રહ્યા છો? ચાલો ને અમે આપની સાથે થોડી ધર્મના વિષયમાં ચર્ચાઓ કરીએ!

(કેટલુંક ખાવાનું લઈને ઝાડુવાળો પ્રવેશે છે.)

(સ્વામીજી જલદી જલદી તેની તરફ જાય છે, અને તેની પાસેથી થોડોક ખોરાક લઈને સ્વાદપૂર્વક ખાય છે.)

સ્વામીજી : વાહ! આ તો જાણે અમૃતનો સ્વાદ! આ તો જાણે સ્વયં આ શિવજીનો પવિત્ર પ્રસાદ!

બંને ગૃહસ્થ : (પહેલા ગૃહસ્થને) જુઓ, જુઓ, આ એક સાધુ થઈને એક ઝાડુવાળાની થાળીમાં જમી રહ્યા છે. સ્વામીજી, આપ એક અછૂત પાસેથી ખાઈ રહ્યા છો, એ તો ભલા કેવું? (ઝાડુવાળાને બતાવીને) આ તે શું કોઈ સદ્‌ગૃહસ્થ છે?

સ્વામીજી : (તરત જ તીખી પ્રતિક્રિયા કરતાં) અને તમે વળી શું સદ્‌ગૃહસ્થો છો? બબ્બે દિવસો વીતી ગયા અને તમે મારી પાસે એક યંત્રની પેઠે વાતો કરાવડાવ્યે રાખી! અને મને ભૂખ લાગી છે કે નહિ, તે જાણવાની તમારામાંથી કોઈએ કશી દરકાર જ ન કરી! શું આવો જ છે તમારો ધર્મ પ્રત્યે પ્રેમ? તમે તમારા ખરા અંત:કરણથી માનવપ્રેમીઓ છો ખરા? તમારા જેવાઓ સાથે તત્ત્વજ્ઞાનની લૂખી-શુષ્ક ચર્ચાઓ કરવા કરતાં તો હું આ મારા ગરીબ નિરક્ષર ભાઈઓ વચ્ચે જ જીવવાનું અને એમની વચ્ચે જ મરવાનું વધુ પસંદ કરું છું. અહીંથી જાઓ, અને ફરીથી તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવા આવતા પહેલાં તમારા હૃદયનો થોડો વિકાસ કરી લાવજો.

(તેઓ બંને છોભીલા પડીને ચાલ્યા જાય છે.)

સ્વામીજી : ઓ ભારત! આ ભારે અજ્ઞાન, ભયંકર સંકુચિતતા અને આ હૈયું હચમચાવી મૂકે એવી હૃદયહીનતામાંથી તારાં દીન બાળકોને ઉગારવા માટે તારું બારણું ખટખટાવનાર એક દેવદૂતની જરૂર છે. આ તારાં મૂછાળાં બાળકો! બાળકો જ તો! અરેરે, ઋષિઓએ પ્રબોધેલા મહાન ધ્વનિ તેઓ જાણતા નથી! (ઝાડુવાળાને) પ્રિય બંધુ, આજે ભગવાને આ અસહ્ય ભૂખને ટાણે તારા મારફત મને ખોરાક મોકલ્યો છે. તારા ઉપર એના આશીર્વાદ વરસો!

ઝાડુવાળો : મહારાજ, આજે તો મેં સાક્ષાત શિવ ભગવાનની જ સેવા કરી છે. (સ્વામીજીનાં ચરણોમાં માથું નમાવે છે.)

(ખેતડીના રાજાના દીવાન શ્રીમુનશી જગમોહન પ્રવેશે છે અને સ્વામીજીને જોઈને આશ્ચર્ય અને ખૂબ આનંદ અનુભવે છે.)

સ્વામીજી : પ્રિય દીવાનજી, શું કરે છે મારા વહાલા રાજાજી?

જગમોહન : (ખૂબ સન્માનપૂર્વક નમીને) સ્વામીજી, આપના પ્રિય શિષ્ય, ખેતડીના રાજા, મહારાજ અજિતસિંહ તો આપ જ્યારથી ચોથી તારીખથી સવારથી અમને છોડીને ગયા, અને અમને કોઈને આપે આપની પાછળ આવવા ન દીધા, ત્યારથી આજ સુધી આપને શોધી જ રહ્યા છે. ત્યારથી જ અમે સૌ આપની ભાળ મેળવવા અહીંતહીં મથામણ કરી રહ્યા છીએ. પણ સ્વામીજી! એ તો કહો કે, આપ આ રેલવેના પ્લેટફોર્મ પર આપનું ભોજન કેમ લઈ રહ્યા છો?

સ્વામીજી : જગમોહનજી! હું તો રહ્યો એક સાધુ. આ આખી ધરતી જ મારું ઘર છે. સાધારણ રીતે કોઈ એક જ સ્થળે ત્રણ દિવસથી વધુ રહેવાનું મને ગમતું નથી અને અહીં પણ આ ત્રીજો દિવસ છે. બે દિવસ સુધી તો ભગવાને કશું ખાવાનું મોકલ્યું નહિ. આજે વળી એમની અનંત કૃપાથી ઝાડુવાળા ભાઈએ આ ખાવાનું આપ્યું.

જગમોહન : અરે મહાત્મા! આ તો અમારા માટે કેટલી બધી શરમની વાત?

સ્વામીજી : (હસીને પોતાના ભવ્ય ધીરગંભીર સ્વરે ગાય છે.)

ન હો તારે કોઈ ઘર, ઘર સમાવી નવ શકે તને, તારે ઊંચી નભ-છત પથારી ભૃણ તણી; અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું; નહીં શુદ્ધાત્માને કલુષિત કદીને કરી શકે. વહી જા તું વ્હેતી સરિત સમ નિર્બન્ધ જગમાં; અને હે સંન્યાસી! નિર્ભય રહે મંચ ગજવી –

ઓમ, તત્ સત્ ઓમ્…

જગમોહન : (પ્રેક્ષકો સામે જોઈને) હા, હા, અમે એમને બધાં જ વળગણોને પૂરેપૂરાં દૂર ફેંકીને મુક્તાવસ્થામાં વિહરતા જોયા છે, તેઓ તો આ ધરતીપટ પર ખરેખર એક પર જન્મજાત સાધુ, એક પરિવ્રાજક જ છે.

સ્વામીજી : જગમોહન, હું તો વળી પાછો ભ્રમણ શરૂ કરીશ. ભ્રમણ કરવું, એ જ મારું જીવન છે. ભારતમાં આ કરોડો મૂંગા માનવીઓ મને પોતાની પાસે આવવા પોકારી રહ્યા છે. તેમને ભૂખ અને અવનતિની ખીણમાંથી બચાવવા માટે હું મારા જીવનું પણ સમર્પણ કરી દઈશ. કાં તો હું એ કરીશ અને કાં તો હું મરીશ. હું એમનું મૂંગું રુદન સાંભળી રહ્યો છું. જાણે કોઈ ફિરસ્તાની શક્તિ મારા આત્માને પીડી રહી હોય એવું મને લાગે છે. (પ્રેક્ષકો તરફ જોઈને) અને ફિરસ્તો પોતાના દેશ સિવાય બીજે બધે જ સન્માન પામે છે. જ્યાં સુધી હું બહારની દુનિયાની માન્યતા નહિ મેળવું, ત્યાં સુધી ભારત તો મને સાંભળશે નહિ. (જગમોહન તરફ ફરીને) ખેતડીના રાજાએ મને શિકાગોની સર્વધર્મપરિષદમાં ભાગ લેવાનું કહ્યું હતું. એ વખતે તો મેં ના પાડી હતી, પણ હવે ફરી હું ના પાડીશ નહિ. જો જરૂર પડશે તો હું અફઘાનિસ્તાન સુધી ચાલીને અને યુરોપમાં થઈને શિકાગો જઈશ.

જગમોહન : પણ સ્વામીજી, આપની પાસે નથી તો પૈસા કે નથી તો કોઈ ઓળખાણપત્ર! આપને નથી તો કોઈ ભારતમાં ઓળખતું કે નથી તો પશ્ચિમમાંય કોઈ ઓળખતું. પશ્ચિમની આ મહાન યાત્રા માટે તો આપે રાજામહારાજાઓ, વિદ્વાનો અને સુવિખ્યાત ભારતીય જનોની સહાય લેવી જ પડશે.

સ્વામીજી : ના જી, પ્રિય દીવાન સાહેબ! હું હિમાલયનાં જંગલોમાં હોઉં કે રાજસ્થાનનાં રણોમાં હોઉં, પણ મેં મારી આખી જિંદગીમાં સહાય માટે તો ફક્ત ભગવાન ઉપર જ ભરોસો રાખ્યો છે અને મને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તેણે એ મોકલી પણ આપી છે. હું તો એકલો-અટૂલો, ભગવાનને સાથે રાખીને ભ્રમણ કરું છું, પછી જે થવાનું હોય તે થાય! હું કન્યાકુમારીના છેલ્લા ખડક પર રહીને વાટ જોઈશ અને ત્યાર પછી મારા ગુરુદેવનું, મારા ઈષ્ટદેવનું માર્ગદર્શન મેળવવા માટે ધ્યાન કરીશ. જો ભાવિ ભારતને મારામાંથી આવિર્ભૂત કોઈ ફિરસ્તો જોઈતો હશે, જો ભારતના દબાયેલા-પિસાયેલા તેત્રીસ કરોડ લોકોનું ભાગ્ય મારા જીવન ઉપર આધાર રાખતું હશે તો મને ખાતરી છે કે, ભગવાન અવશ્ય મને મદદ કરશે અને હું હિન્દુ ધર્મનો અમર સંદેશ, માનવમાં રહેલ દિવ્યતાનો સંદેશ લઈને ધસમસતા પૂરની માફક પશ્ચિમમાં ધસી જઈશ. (પ્રેક્ષકો તરફ જોઈને) શું તમે જોતા નથી કે અજ્ઞાન, વહેમ, સંકુચિતતા, હૃદયહીનતા અને દંભ આ બધાં કાળાં વાદળોની પેઠે ભારતને ઘેરી વળ્યાં છે? હવે સમય ઓછો છે અને પંથ લાંબો છે. મારા હૈયાના ઊંડાણમાંથી પશ્ચિમમાં જવા માટેનો ઈશ્વરી આદેશ હું સાંભળી રહ્યો છું. હવે એક પણ દિવસ વધારે રાહ જોવાનો મને સમય નથી. હું માનું છું કે સાગરની પેલી પારની આખીય પશ્ચિમની દુનિયા હિન્દુ ધર્મનો પ્રાણ પૂરનારો સંદેશ ઝીલવા માટે રાહ જોઈ રહી છે! મને જવા દો અને મારી ભીતરના ભગવાનના પ્રકાશને અનુસરવા દો.

(સ્વામીજી ઉપરના અંધકારમય આકાશ તરફ પોતાના બન્ને હાથ ઊંચા કરે છે.) હે પ્રભુ! ચોમેર ઘેરાયેલી ઘોર રજનીમાં તું મારા જીવન-પંથને ઉજાળી દે!

(મુનશી જગમોહન અને બીજા બધા રંગમંચ છોડી જાય છે.)

(સ્વામીજી રંગમંચના આગળના ભાગમાં આવે છે. અને સ્વપ્નિલ સ્થિતિમાં આકાશ સામે જુએ છે અને પછી એમના મોઢામાંથી સંસ્કૃત શ્લોક સરી પડે છે.)

श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्राः
आ ये धामानि दिव्यानि तस्थुः
वेदाहमेतं पुरुषं महान्तम्,
आदित्यवर्णं तमसः परस्तात् ॥
तमेव विदित्वा अतिमृत्युमेति,
नान्यः पन्था विद्यते अयनाय ॥

(એ ઊંડા ધ્યાનમાંથી સ્વામીજી ધીરે ધીરે પોતાની આંખો ઉઘાડે છે અને પછી ધીરે ધીરે ધીરગંભીર સ્વરે બોલે છે.)

સાંભળો, હે અમૃતનાં સંતાનો, હે આકાશી લોકોના નિવાસીઓ, તમે પણ સાંભળો; મેં એ પરમ તત્ત્વને પિછાણ્યું છે કે, જે સૂર્ય સમાન ઝળહળે છે. ફક્ત એને જ જાણીને માનવ મૃત્યુને પાર કરી શકે છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ જ આરોવારો નથી.

(પડદો પડે છે.)

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.